નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૭

તારા આ પાગલપનની દિશા બદલ તો એ પાગલપન જ તને ઉન્નતિના શિખર પર લઈ જશે.

નલિન શાહ

શશી વહેલી સવારે ઊઠી ઘરની સાફસૂફીમાં વ્યસ્ત થઈ ગઈ. કામ પતાવીને દાળચોખા પલાળ્યા, ચાનું પાણી ચુલા પર ચઢાવ્યું ને મસાલો નાખી પાણી ઊકળવાની પ્રતીક્ષા કરતી બેઠી. બહાર વરંડામાં સૂર્યના આછા પ્રકાશમાં યોગનાં આસનો પતાવી સુધાકર સામે આવીને બેઠો,

‘કેટલા વાગ્યે સૂતાં?’ એણે પૂછ્યું,

‘મોડી રાતે’ શશી એ પ્રત્યુત્તર વાળ્યો ને ચૂપ થઈ ગઈ.

એની ચુપકીદી સુધાકરને આશ્ચર્યજનક લાગી.

‘શું વિચાર કરે છે? એણે પૂછ્યું.

શશીએ કાંઈ જવાબ ના વાળ્યો. ચાની તપેલી નીચે ઊતારી ઢાંકી દીધી અને બોલી, ‘સુધાકર, મને રાજુલના લક્ષણ કાંઈ ઠીક નથી લાગતાં.’

‘હું કાંઈ સમજ્યો નહીં.’

‘આપણા મુંબઈના પ્રવાસનું વર્ણન સાંભળી કાંઈ પ્રત્યાઘાત ન આપ્યો. એકદમ સૂનમૂન થઈ ગઈ છે. અત્યારથી લગ્નનાં સપનાં જોતી થઈ ગઈ છે. બેનનાં લગ્ન ચૌદ વર્ષે થયાં હતાં એટલે એ એવું માને છે કે એના લગ્નનો યોગ પણ નજદીક આવી ગયો છે. એ સમજવા નથી માગતી કે એ પંદર વર્ષ પહેલાની વાત હતી. ત્યારની અને અત્યારની પરિસ્થિતિઓમાં ઘણો ફેર પડી ગયો છે. આઝાદી પછી સામાજિક ક્રાંતિ પણ સર્જાઈ છે. અને આજે તો એકવીસ-બાવીસ વરસ પહેલાં કોઈ પરણતું નથી. અને કેટલાંક તો ભણતર પૂરું થવાની વાટ જોવે છે. ભલે બે ત્રણ વર્ષ વધારે મોડું થાય. જે માનું છું કે માનસિક રીતે એ ઘણી પુખ્ત છે પણ શરીર અને માનસ બે જુદી વસ્તુઓ છે. મારે તો એને ખૂબ જ ભણાવવી છે. મારે મારા કોડ પૂરા કરવા છે.

ત્યાં જ રાજુલે દેખા દીધી. એની આંખમાં આછી રતાશ જોઈ એ ખાસ સૂતી હોય એમ લાગ્યું નહીં. શશીએ ચાનો કપ ધર્યો એની સામે અને કહ્યું, ‘હમણાં ચા પી લે. પછી રાતના ચોખાના રોટલાનો ભુકો કરી ઘી, ગોળ નાખી લાડવો બનાવી આપું છું. તને બહુ ભાવે છે ને?’

‘હા, પણ મારે કાંઈ પણ ગળ્યું ખાવાની ઇચ્છા નથી…’ અને સહેજ અટકીને શબ્દ પર ભાર મૂકીને બોલી, ‘આજે ત્યારે શું કડવું ઝેર ખાવું છે?’ સુધાકરે મજાકના લહેજામાં પૂછ્યું

‘હું ઝેર શાને માટે ખાઉં. મારુ ધ્યેય સિદ્ધ કરવા તો મારે જીવવું જ ખપે.’

‘ક્યું ધ્યેય કહે છે?’ સુધાકરે પૂછ્યું.

‘ના’ રાજુલ થોડા ઊંચા અવાજે બોલી પછી અવાજ ધીમો કરી કહ્યું, ‘સમય આવે બધું આપમેળે સમજાઈ જશે.’

‘હવે કાંઈ બીજી વાત કરશે?’ શશી સખ્તાઇથી બોલી, ‘જો સુધાકર આજે તું એકલો જ જજે. હું ક્યાંય નથી જવાની, રાજુલ સાથે જ રહીશ. બેચાર દિવસમાં કદાચ ચાલી જાય.’

‘હું તો આજે જ જવાનો વિચાર કરું છું.’ રાજુલે ગંભીરતાથી કહ્યું.

‘શું કહ્યું?’ શશી ઊંચે અવાજે સહેજ ગુસ્સામાં બોલી, ‘હું એટલે અળખામણી ક્યારથી થઈ ગઈ’

‘તું અને અળખામણી! અરે તું જ તો હવે મારા જીવનનું પ્રયોજન છે.’

‘બસ હવે, મારી દીદી બનવાનો પ્રયત્ન ના કર.’

રાજુલે ચૂપકીદી સેવી. સુધાકરને વાતની ગંભીરતાનો અણસાર આવી ગયો હતો. એ ઊભો થઈ નહાવા ચાલી ગયો. શશીએ રસોઈની તૈયારી આદરી અને રાજુલ શાક સમારવા બેસી ગઈ.

શશીએ રાજુલને રોકી રાખી. બપોરે આરામ કરી સાંજે નદી કિનારે જઈ બેઠાં અને એકાગ્રતાથી નદીના પ્રવાહને જોતાં રહ્યાં.

આખરે શશીથી બોલ્યા વગર ના રહેવાયું ‘રાજુલ, મને એમ લાગે છે કે જાણે તું એક જ રાતમાં બદલાઇ ગઈ હોય!’

રાજુલે એની સામે તીક્ષ્ણ દૃષ્ટીથી જોયું પણ જવાબ ના આપ્યો. નીચું જોઈ સાંભળતી રહી.

‘મને ફટકારવા જેવી તું પ્રૌઢ થઈ ગઈ હોય એમ લાગે છે. તારો થોડો ડર પણ લાગવા માંડ્યો છે. શું ઘમાસાણ ચાલે છે તારા મનમાં? મને નહીં કહે તો તું કોને કહીશે ?’

‘તારા સિવાય મારું બીજું છે પણ કોણ?’ રાજુલ ઊંચું જોયા વગર બોલી, ‘તો પછી કહેતી કેમ નથી કે શું ગડમથલ ચાલે છે તારા મનમાં?.’

‘ચાલ એ વાત જવા દે, દીદી.’  રાજુલ વાત બદલતાં બોલી.

‘બા, એવું કેમ કહેતાં હતાં કે બે-એક વર્ષમાં મારાં લગ્નની ચિંતા કરવી પડશે.’

‘અરે હજી તો પંદર પૂરાં કર્યાં છે. અઢાર વરસ પહેલાં તો લગ્નનો સવાલ પેદા થતો જ નથી. એને તારે તો બાવીસ-ત્રેવીસ પહેલાં લગ્નનો વિચાર શુદ્ધા કરવાનો નથી. હજી ઘણું ભણવાનું બાકી છે. મોટીએ ચાર ચોપડી ભણીને છોડી દીધું અને હું એસ.એસ.સી. સુધી ભણીને આ કામમાં પડી. હવે બધી આશા તારા પર છે.’

‘બેનનાં લગ્ન ચૌદ વરસે થયાં તો તો મારાં કેમ નહીં? ગામમાં તો બધું ચાલે, કોઈ કાયદો વચ્ચે આવતો નથી. ક્યાંક ક્યાંક તો સતીનો રિવાજ પણ પળાય છે ને સરકાર આંખ આડા કાન કરે છે.’

‘કોણ છે એ તારા મનમાં, જેને કારણે તું લગ્ન કરવા આટલી આતુર છે? પ્રેમની કોઈ ઉંમર નથી હોતી પણ જે પ્રેમ તુરંત લગ્ન કરવા પ્રેરે એવા પ્રેમ માટે તું હજી નાદાન કહેવાય ઉંમરમાં.’

‘ના એવું પ્રેમ-બેમ કાંઈ જ નથી અને જે દિવસે થશે ત્યારે પહેલું તને જણાવીશ અને નિર્ણય પણ તારા પર છોડીશ. બાકી તો એવું કશું હજી સુધી વિચાર્યું નથી. કેવળ પ્રેમનું વર્ણન વાંચ્યું છે પન્નાલાલની ‘મળેલા જીવ’માં અને ક્યાંક મંજરી જેવા મુન્શીના પાત્રોમાં. એ પ્રકારના પ્રેમની તો હું કલ્પના પણ નથી કરી શકતી. હું તો કેવળ લગ્નનો વિચાર કરી શકું છું.’

શશીના સવાલનો સીધો પ્રત્યુત્તર આપવાને બદલે રાજુલે પૂછ્યું, ‘તું તો ગામડાંઓનું પરિભ્રમણ કરતી રહે છે. ગરીબ પ્રજાને ઊગારવા ક્યારેક સમૃદ્ધ જમીનદારો પર પણ તારે મદદ માટે નિર્ભય થવું પડતું હશે તો શું તું એવા કોઈ જમીનદારને જાણતી નથી, જે બીજવર હોય કે ત્રીજવર હોય? અને મારા જેવી દેખાવડી કહેવાતી કન્યાની શોધમાં હોય? ઉંમરનો કોઈ બાધ નથી. ભલે સાઠ વટાવી ચૂક્યો હોય પણ સમૃદ્ધ હોય?’

શશી આભી થઈને રાજુલ સામે જોઈ રહી. એને પોતાના કાન પર વિશ્વાસ ના બેઠો. એના મોંમાંથી ચિત્કાર નીકળી ગયો. રાજુલના ખભા હચમચાવી તીખા સ્વરમાં બરાડી, ‘ખબરદાર બીજીવાર આવુ કાંઈક વિચાર્યું છે તો?’

રાજુલ શશીને વળગી રડી પડી. શશીએ એને રડવા દીધી ને પ્રેમથી એને માથે હાથ ફેરવીને છાતીએ ચાંપી.

રડતાં રડતાં રાજુલ બોલી, ‘દીદી તું જ મને કહે કે મુંબઈની એ વિલાસી અકૃતજ્ઞ વિધવાએ કરેલું તારું ઘોર અપમાનનો બદલો અને બા-બાપુની સતત ગરીબીની પીડાનો અંત આ બધું સાધ્ય કરવાનો આ એક જ રસ્તો છે મારી પાસે.’ રાજુલ ધનલક્ષ્મીને બહેન તરીકે સંબોધવા ઘૃણા અનુભવતી હતી.

‘મારી લાડલી બહેન, બા-બાપુ તો જિંદગી જીવ્યાં છે અને તારે હજી જીવવાની બાકી છે. તારા જીવતરનો ભોગ આપી તું એમની ગરીબીનું દુઃખ નિવારવા માગે છે? એ તો ગરીબીથી ટેવાઈ ગયાં છે. ભલે સુખ-સમૃદ્ધિ નથી મેળવી છતાં ખપ પૂરતું તો હંમેશાં મળી રહ્યું છે ને? ભલે થીંગડાવાળાં હોય પણ શરીર ઢાંકવા કપડાં તો મળ્યાં જ છે ને? ભલે આપણે મિષ્ટાન ના પામ્યાં હોઈએ પણ દાળ-રોટલાની ખોટ કદી પડી છે? રહી ધનલક્ષ્મીની વાત તો જાણી લે કે દુનિયામાં એવી ધનલક્ષ્મીઓનો તોટો નથી, એક નષ્ટ થાય તો બીજી દસ પેદા થશે. દિવસે દિવસે એવી સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. ગીતામાં લખ્યું છે ને કે દુષ્ટનું દમન કરવા અને ધર્મની રક્ષા કરવા   સમયે સમયે હું જન્મ લઉં છું. એમની સામે ભગવાન પણ હવે હારી ગયા લાગે છે તો તારી અને મારી શું વિસાત? એવાનું વેર લઈ આત્મસંતોષ પામવો એ તો નરી નિર્બળતા છે. એવા લોકોની સામે માથું ઊંચકીને સ્વમાનથી જીવવામાં જ જિંદગીની પરિપૂર્ણતાનો ભાસ થશે. રહી મારી વાત તો સમજી લે કે ગ્રામસુધારનું કામ કરવામાં ઘણી કટુતાઓનો સામનો કરવો પડે છે. કટાક્ષ અને અપમાન પણ સહેવાં પડે છે. હાસ્યને પાત્ર પણ બનવું પડે છે. પરંતુ એ કટાક્ષ અને ટીકા કરનારાની વાતો મેં કદી મન પર લીધી નથી કારણ કે મારી નજરમાં એ બધા આર્થિક સમૃદ્ધિના કીચડમાં ખદબદતા તુચ્છ કીડા માત્ર છે.

‘શું બધા જ એવા હોય છે?’ રાજુલે પૂછ્યું.

‘ના’ શશી બોલી, ‘મુંબઈની મારી પત્રમિત્ર સુનિતા શેઠ જેને હું કદી મળી નથી પણ અમારા કામથી પ્રભાવિત થઈને સમયે સમયે અમારી સંસ્થાને મદદ કરતાં રહે છે. અબજોપતિ છે પણ સમૃદ્ધિનું પ્રદર્શન કરતાં નથી. એને તો એ ભગવાનનો પ્રસાદ માની વહેંચે છે. એમના થકી કેટલાંયે નભે છે પણ કદી દેખાડો નથી કરતાં. પણ એ તો અપવાદ કહેવાય ને? અપવાદને નિયમનું રૂપ ના અપાય.’

રાજુલ નીચું જોઈને સાંભળી રહી.   

‘રહી મારી વાત’ શશીએ વાતનો તાંતણો જોડતાં કહ્યું, ‘કટુતાઓનો સામનો કરતાં જ્યારે સફળતા હાથ લાગે છે ત્યારે બધી કટુતાઓ વિસરાઈ જાય છે. એનું કોઈ મહત્ત્વ નથી રહેતું. મેં તો ધનલક્ષ્મીનું અસ્તિત્વ પણ વિસારે પાડી દીધું છે અને તું હજી મગજ પર એનો ભાર લઈને બેઠી છે? અને જો સાચે જ તારે તારી વેરવૃત્તિને સંતોષવી હોય તો એટલી હદે ઉત્કર્ષ કર કે એનામાં લઘુતાગ્રંથિ જાગે. ભૌતિક સુખમાં એની સ્પર્ધા કરવા માટે જે રસ્તો તું અપનાવવા માગે છે એ કરવાથી તું પોતે જ હીનતાના ભાવથી પીડાશે અને દુનિયાની નજરમાં તારા અને એનામાં કોઈ ફર્ક નહીં રહે. બોલ, તું બીજી ધનલક્ષ્મી થવા ઇચ્છે છે?’

‘તો શું કરું, દીદી?’

‘રાજુલ, તારા માટેના મારા પ્રેમમાં કદી ઓટ નહીં આવે, પણ આવા વિચારો કરી અધમતાની સીડીઓ ચઢતી તને જોવાનું દુઃખ હું જીરવી નહીં શકું. ફેંસલો તારા હાથમાં છે.’

રાજુલ શશીને વળગી પડી, ‘માફ કર દીદી, હું બહેકી ગઈ હતી. વૈભવમાં રાચતી એ દીકરીએ ગરીબ મા-બાપની સતત અવગણના કરી એ પૂરતું નહોતું તે તને આશીર્વાદ આપવાને બદલે અપમાનિત કરી થપ્પડ તારા ગાલ પર પડી અને સોળ મારા ગાલ પર ઊપસ્યા છે.’

શશીએ બે હાથે રાજુલનું માથું પકડી એને પાસે ખેંચ્યું અને બંને ગાલ ચુમ્યા ‘લે એ સોળ ભૂંસી નાખ્યા. બસ સાવ પાગલ છે તું, પણ સાચુ કહું તો તારા આ પાગલપનની દિશા બદલ તો એ પાગલપન જ તને ઉન્નતિના શિખર પર લઈ જશે.’ કહીને શશીએ હાથ પકડી રાજુલને ઊભી કરી. ચાલ, આજે તારી ગમતી રસોઈ બનાવીએ અને ખૂબ પેટ ભરીને જમીએ. રાજુલ, હજી બાકી છે ને વાતો ખૂટે તેમ નથી.’

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.