ભગવાન થાવરાણી

અહમદ નદીમ કાસમી પણ ઉર્દૂ સાહિત્યનું બહુ મોટું નામ. જેટલા ઉમદા શાયર એટલા જ આલાતરીન વાર્તાકાર અને પત્રકાર પણ.
ગુલામ અલી સાહેબે ગાયેલી એમની એક ગઝલનો મત્લો :
વો કોઈ ઔર ન થા ચંદ ખુશ્ક પત્તે થે
શજર સે ટૂટ કે જો ફસ્લે-ગુલ પે રોએ થે..
અને પછી તરત જ :
તમામ ઉમ્ર વફા કે ગુનાહગાર રહે
યે ઔર બાત કિ હમ આદમી તો અચ્છે થે..
પરંતુ હું જે શેર પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું તે છે આ :
ખુદા કરે કિ તેરી ઉમ્ર મેં ગિને જાએં
વો દિન જો હમને તિરે હિજ્ર મેં ગુઝારે થે..
આ દુઆ તો છે જ પણ બેહદ અર્થપૂર્ણ ! પોતાના પ્રિયજનને સીધેસીધી લાંબી જિંદગીની દુઆ આપવાને બદલે આ તરીકો અનોખો છે. આ નજાકતને શું કહેવી ! મેં તારા વિયોગમાં જેટલો સમય વિતાવ્યો ( કહો કે આખી જિંદગી ! ) એ બધું જ તારી જિંદગીના વર્ષોમાં ઉમેરાય એનાથી વધુ શુભાશીષ બીજા શું હોય ! આ જ દુઆને શાહિદ સિદ્દીકી સાહેબના આ શેરના સંદર્ભમાં પણ મૂલવી જોજો :
તમામ ઉમ્ર તેરા ઈંતઝાર કર લેંગે
મગર યે રંજ રહેગા કિ ઝિંદગી કમ હૈ ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.