ફરી કુદરતના ખોળે : પક્ષીઓના માળા – આજના સમયમાં પક્ષીઓની સમસ્યા

જગત કીનખાબવાલા

હાલમાં જયારે આખું વિશ્વ  પર્યાવરણ સામે પડકાર ઝીલી રહ્યું છે, ત્યારે પક્ષીઓનું વિશ્વ એમના પોતાના અસ્તિત્વ માટે મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે.

         શહેરોમાં પક્ષીઓની કથળતી સ્થિતિ મારા માટે વ્યક્તિગત ચિંતાનો વિષય છે. આપણા શહેરમાં હરિયાળી જગ્યાઓ, વૃક્ષો અને વિહારોનું પ્રમાણ ઘટી રહ્યું છે. નવી બની રહેલ ઇમારતોમાં પક્ષીઓના વસવાટની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.  આ કોન્ક્રીટના જંગલોમાં અને નવી ઇમારતોમાં કે તેની આસપાસ માળો બનાવવાની વસ્તુઓ અને જગ્યાની અછત હોવાના કારણે પક્ષીઓને ઘણી મુશ્કેલી પડતી હોય છે. આ પરિસ્થતિઓમાં પક્ષીઓ,  અને જમીન પર રહેતા પ્રાણીને પણ, પાણી અને અન્ન મેળવવું મુશ્કેલ બને છે.

        ઘણાં વર્ષોથી પર્યાવરણને અવગણીને  આપણા શહેરો કોન્ક્રીટ જંગલોમાં પરિવર્તિત થઈ રહ્યાં છે, એવામાં કુદરતને પાછળ મૂકી વધી રહેલ શહેરીકરણના કારણે ઉભું થતું અસન્તુલન એક વરવું સત્ય છે.

        શરૂઆતથી જ માળા બાંધવા પક્ષીઓની લાક્ષણિકતા રહી છે, પરંતુ વર્ષોથી પક્ષીઓ પરના મારા નિરીક્ષણ અને અનુભવને જોતા એમના માળા બાંધવાની આદતમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે તેમના માટે માળો બાંધવાને જગ્યા અને તેના ઘાસફૂસ મળવાની પરિસ્થિતિ કથળી રહી છે.  

જન્મ દિવસ
આનંદ ક્યાં છે રે
ઉજવે ક્યાંથી?

                     *હાઈકુ: જગત.કીનખાબવાલા*  

        *ઘર ચકલી બચાવો આંદોલન (સેવ ધ સ્પેરો મુવમેન્ટ)* અંતર્ગત માળાઓની વહેંચણી ખૂબ  અગત્યનો ભાગ છે. જે માળાઓ નાના મજાના પક્ષીઓને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યા હતા એમાં આજે અનેક પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે.

       પ્રદૂષણ અને વસ્તીવધારા યુક્ત શહેરોમાં પાણી અને અન્નની અછત પડતી હોવાના કારણે જે માળાઓ ચકલીઓને ધ્યાનમાં રાખીને બન્યા હતા એમાં *પવઈ મુનિયા (સિલ્વર બિલ્સ), કાબર , દૈયડ (મેગપાઈ રોબિન્સ) અને બુલબુલ વસવા લાગ્યા છે. ગાંધીધામ, ગુજરાતમાં આ ચકલીના માળામાં ટીટોડી (લેપવિંગ)* ને માળાના ઉપરના કવરના ભાગથી અંદર આવી વસતા જોઈ છે, જે ચકલી કરતા પ્રમાણમાં ઘણું મોટું પક્ષી છે. કોઈ જ જગ્યા ન મળી અને મુખ્ય રસ્તા ઉપર બાંધેલા ચકલીના માળામાં તેને ઈંડા મુકવા પડ્યા. તેમની પાસે કોઈ ચારો ન હતો અને ભયજનક પરિસ્થતિમાં ઈંડા મુકવા પડ્યા. આવા સમયે ઈંડા સેવવા અને બચ્ચાને ઉછેરવા અશક્ય બની જાય છે અને ખુબ મોટી સંખ્યામાં પક્ષી જન્મ લેતા સમયે પ્રાણ ખોઈ બેસે છે. બહુ મોટી કરુણાંતિકા સર્જાય છે. કોઈના ઘોડિયે ઝૂલેલા બાળગોપાળ મુક્ત હવામાં ઉડવાના બદલે પાંખ ખીલે તે પહેલાજ મૃત્યુ પામે છે.

               *આવા દ્રશ્ય જોઈ હૃદય સ્મિત અને અશ્રુ મિશ્રિત લાગણીઓમાં ડૂબી જાય છે.*  

કલરવની
વાત ઘર ઘર ની
માળો ક્યાં?

               *હાઈકુ: જગત કીનખાબવાલા*

       સ્મિતનું કારણ એ કે ચકલીઓના માળા કંઈ કેટલાય પક્ષીઓને વસાવી રહ્યાં છે અને અશ્રુનું કારણ કે પક્ષીઓને આવી કપરી  પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કઈ કેટલાય પક્ષી આ રીતે જન્મ ના લઇ શક્યા તેની કોઈ નોંધ નથી તેમજ સંજોગો વિકટ બનતા જાય છે.

             *મને તો ખાત્રી છે કે આવા નાના માળામાં ઈંડા મૂકી પક્ષીઓને આ માળાઓમાં શરણાર્થી હોવાની લાગણી થતી હશે.*

        નસીબવંતા માળો મેળવતા પક્ષી ઘણાં ઓછા હોય છે, તેઓનું શું જે ગર્ભ ધારણ કરી માળો નથી મેળવી શકતા?  જેના કારણે ઈંડાનો નાશ થાય છે અને એમની વસ્તી ઘટતી જાય છે. પક્ષીઓ માટે માળાઓનું ન મળવું ખૂબ  ગંભીર સમસ્યા છે, જેનું નિરાકરણ થવું જ જોઈએ.

       જોકે  ચકલીઓના માળામાં  અન્ય પક્ષીઓને પણ વસતા જોઈ ગદગદ થઈ  જવાય છે. અમારી વિચારધારા એ જ છે કે સમય સાથે  શહેરોમાં બદલાવ લાવવાના પૂરતા પ્રયત્નો કરવા જેથી એક દિવસ એવો આવે જયારે આપણે કુદરત સાથે સહઅસ્તિત્વ ધરાવી શકીએ.

સુખે ચણજો
કુદરતના ખોળે રે
કલકલતા

                      *હાઈકુ: જગત.કીનખાબવાલા*

        આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.

                              *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

                              *Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

1 thought on “ફરી કુદરતના ખોળે : પક્ષીઓના માળા – આજના સમયમાં પક્ષીઓની સમસ્યા

Leave a Reply

Your email address will not be published.