સત્યજિત રાયની સૃષ્ટિ – ઉપસંહાર

ભગવાન થાવરાણી

ગત વર્ષે સત્યજિત રાયની આખરી ફિલ્મ આગંતુક જોયા પછી એ ફિલ્મ વિષેની એક નાનકડી નોંધ લખીને વેબગુર્જરીના મિત્રો અશોક વૈષ્ણવ અને દીપક ધોળકિયાને અમસ્તી-અમસ્તી મોકલાવેલી ત્યારે સ્વપ્નેય કલ્પના નહોતી કે એ નાનકડી વાત એક વિશદ અને લંબાણપૂર્વકની આખી લેખમાળામાં પરિણમશે ! બન્ને મિત્રોનો આગ્રહ હતો કે રાયના જન્મ-શતાબ્દી વર્ષમાં એમની પસંદગીની ફિલ્મોના રસાસ્વાદ માટેની લેખમાળા લખાય તો ગુજરાતી વાચકોને એ ગમશે. પરિણામ હમણાં જ પૂરી થઈ એ પૂરા પંદર હપ્તાની શ્રંખલા !

કામ અઘરું હતું અને પડકારજનક પણ. એટલા માટે કે એ લેખમાળા લખવાનું સ્વીકાર્યું ત્યાં સુધીમાં મેં અપ્પુ-ત્રયી ઉપરાંત શતરંજ કે ખિલાડી અને જલસા ઘર એમ બધી મળીને રાયની પાંચ જ ફિલ્મો જોઈ હતી અને એ પણ માત્ર એક-એક વાર ! ( મારા મતે, કોઈ પણ ફિલ્મ વિષે લખવા માટે એ અપર્યાપ્ત કહેવાય ! ) રાય ઉપરાંત મૃણાલ સેન અને ઋત્વિક ઘટકની કેટલીક ફિલ્મો જોયાના અનુભવ ઉપરથી જાણતો હતો કે આ બધી ફિલ્મો એક કૃતિ તરીકે પૂર્ણત: આસ્વાદવી ( એમના વિષે લખવાની વાત તો દૂર ! ) એ પણ અઘરું કામ એટલા માટે હતું કે જો FREE અથવા PAID ચેનલો ઉપર એ ફિલ્મો ઉપલબ્ધ હોય તો બંગાળી ભાષાના અજ્ઞાનના કારણે પણ સબટાઈટલ તો જોઈએ જ. નસીબજોગે સબટાઈટલ હોય તો પણ એમને વાંચી, ઉકેલી અને દ્રષ્યની બારીકીઓ સાથે એનો તાલમેલ બેસાડી ફિલ્મને પૂરેપૂરી સમજવી અને માણવી એ પહેલો પડકાર. કેટલીક ફિલ્મોમાં તો સબટાઈટલ જ નહોતા તો દેવી જેવી અનિવાર્ય ફિલ્મ તો ક્યાંય હતી જ નહીં ! 

ખેર ! નક્કી કર્યું કે એમની કુલ ૨૯ ફીચર ફિલ્મોમાંથી પંદર વિષે લખવું. અને વિગતવાર લખવું ! ( ભલે ટૂંકમાં પતાવવા વાળા નવી પેઢીના ભાવકોને આકરું પડે ! ) વળી મારી ટેવ  મૂજબ, તેના વિષે લખવાનું હોય એ ફિલ્મ ત્રણથી ચાર વાર જોવા ઉપરાંત બને ત્યાં સૂધી એ ફિલ્મ જે સાહિત્યિક કૃતિ ઉપરથી બની હોય એનો અનુવાદ પણ વાંચવો અને એ ફિલ્મ સર્જવા બાબતે રાયને અન્ય જે-જે ફિલ્મોએ પ્રભાવિત કર્યા હોય એ ફિલ્મો પણ બને ત્યાં સુધી સાથે-સાથે જોતી જવી એ પણ અભિપ્રેત હતું, સમગ્ર અનુભવને સર્વગ્રાહી બનાવવા ! ( અને કેવી-કેવી મહાન ફિલ્મો આ સફરમાં જોઈ એ તો વળી અલાયદી જ કહાણી ! )

ખેર ! જે જોયું, વાંચ્યું, અનુભવ્યું એનો મારી સમજણ અને મર્યાદા સહિતનો અનૂભવ વહેંચી ચૂક્યો છું. રાય જેવા ભાવક જો, એમને જે ફિલ્મથી ફિલ્મ- સર્જન તરફ વળવાની પ્રેરણા મળી એ ફિલ્મ ‘ બાઈસીકલ થીવ્ઝ  પંચાવન વાર જોઈ શકતા હોય તો આપણે કરીએ એની કોઈ વિસાત નથી. આ સફર દરમિયાન વાંચેલી અને એમના સર્જક-વિચારક તરીકેના મહત્વને વધુ ઉજાગર કરતી કેટલીક વાતો કરું એ પહેલાં આ લેખમાળામાં પ્રસિદ્ધ થયેલા મણકાઓની સંક્ષિપ્ત વિગત :

            આ મુ ખ
આગંતુક
પ્રતિદ્વંદી
સીમાબદ્ધ
જન – અરણ્ય
શતરંજ કે ખિલાડી
જલસા ઘર
મહાનગર
ચારૂલતા
અરણ્યેર દિન રાત્રિ
ગણશત્રુ
દેવી
કાંચનજંઘા
નાયક
અશાનિ સંકેત
પથેર પાંચાલી
ઉપસંહાર

સત્યજિત રાયની સૃષ્ટિહાયપર લિંક પર  ક્લિક કરવા થી આ લેખમાળામાં પ્રસિદ્ધ થયેલા બધા જ મણકા એક સાથે વાંચી, યા તો ડાઉનલોડ કરી શકાય છે.

એમની જે ફિલ્મોનો સમાવેશ ન થઈ શક્યો એ છે અપરાજિતો (‘૫૬), પારશ પત્થર (‘૫૮), અપૂર સંસાર (‘૫૯), તીન કન્યા (પોસ્ટ માસ્ટર, મોનીહારા, સમ્પત્તિ) (‘૬૧), અભિજાન (‘૬૨), કાપુરુષ-ઓ-મહાપુરુષ (‘૬૫), ચિડીયાખાના (‘૬૭), ગૂપી ગાયને બાઘા બાયને (‘૬૮), સોનાર કેલ્લા (‘૭૪), જોય બાબા ફેલુનાથ (‘૭૭), હીરક રાજાર દેશે (‘૮૦), ઘરે બાઈરે (‘૮૪’) અને શાખા – પ્રશાખા (‘૯૦). આ ઉપરાંત એક ટૂંકી હિંદી ટેલિફિલ્મ ‘સદ્ગતિપણ ખરી. એમની સાત દસ્તાવેજી ફિલ્મો તો અલગ.

વળી આ ફિલ્મોનું વૈવિધ્ય પણ કેવું ! રાય સભાનપણે એમની ફિલ્મોમાં એકની એક વાત પુનરાવર્તિત કરવાનું ટાળતા. એમની ફિલ્મોમાં મૂડ, વાતાવરણ, સમય-ખંડ અને વાર્તા-પ્રકાર સતત બદલાયે રાખતા. કોમેડી, ટ્રેજેડી, રોમાંસ, ઐતિહાસિક,  સંગીત, જાસૂસી, દરેક પ્રકારની ફિલ્મો ઉપર એમણે હાથ અજમાવ્યો. ફિલ્મ-સર્જનના દરેક પાસા – નિર્દેશન, સંગીત, સેટ-સજ્જા, પોશાક, ફોટોગ્રાફી, સંપાદન વગેરે માટેનું એમનું પૂર્ણ સમર્પણ ગાંડપણની સીમાઓ વળોટે તેવું હતું. એ ચિત્રકાર પણ હતા અને એ ચિત્રકારની ચકોર આંખો અને ખુલ્લું મન જીવનના વિવિધ રંગો સ્વીકારવા અને ફિલ્મોમાં ઝડપવા સદાય તત્પર રહેતું ! એટલે જ એમની ફિલ્મોમાં વિચાર અને સંવેદનાનું મહત્વ એક્શન અને પ્લોટ કરતાં ક્યાંય વિશેષ હોય છે. 

લંડનના નોકરી અન્વયે એમના છ મહિનાના રોકાણ દરમિયાન એમણે એમની પસંદગીની ૯૯ ફિલ્મો જોયેલી. એ જોયા બાદ એમણે એમના મિત્ર અને એમની અનેક ફિલ્મોમાં કલા-નિર્દેશક રહી ચુકેલા બંસી ચંદ્રગુપ્તને લખેલું, ‘ફિલ્મો બનાવવાનો પરંપરાગત રસ્તો ખોટો છે. રૂઢિ એમ કહે છે કે વાર્તા કહેવી હોય તો વાર્તા સાથે સીધી રીતે સંકળાયેલી વાતો સિવાયની બધી બાબતો પડતી મૂકવી. મેં જોઈ એ ફિલ્મો એવું દર્શાવે છે કે જો તમારી મૂળ વાત બળકટ અને સરળ હશે તો તમે સેંકડો એવી વાતો ઉમેરી શકો જે પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય વાર્તા સાથે સંકળાયેલી ન હોય. આ વાતો મુખ્ય વાર્તાને અવરોધવાને બદલે એને મજબૂત બનાવે છે અને વાસ્તવિકતાને વધુ ધારદાર.’

એમની ફિલ્મોના ચરિત્રો સરેરાશ ક્ષમતા અને પ્રતિભા ધરાવે છે. એ ખરેખરા માણસો છે, એમની સ્વાભાવિક ઉણપો અને ખોટું કરવાની વૃત્તિઓ સહિત ! એ ચરિત્રોને કદાચ આપણે સ્વીકારી ન શકીએ, પણ નફરત તો ન જ કરી શકીએ કારણ કે રાયે અનિવાર્યપણે એમની નબળાઈઓ અને સંજોગો આપણને કહી રાખ્યા હોય છે અથવા એ તરફ ઈશારો તો કરી જ દીધો હોય છે ! મહાન લેખક એંટન ચેખવની જેમ રાય એમના કોઈ ચરિત્ર કે વિચારધારોનો પક્ષ લેતા નહીં. એમને માનવતામાં જ રસ હતો. એમના ફિલ્મ-ગુરુ રેન્વારની જેમ એ માનતા કે દરેક વ્યક્તિના પોતાના કારણો હોય છે. 

એમની સર્જક તરીકેની મહાનતા એમાં પણ છે કે એમની કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આવેલા કલાકાર એમની અન્ય ફિલ્મમાં સાવ નાનકડું અને નગણ્ય લાગતું પાત્ર ભજવવા પણ તૈયાર થઈ જતા કારણ કે એમને રાયની ક્ષમતામાં સંપૂર્ણ ભરોસો રહેતો. ( શતરંજ કે ખિલાડી ફિલ્મની વાત કરતી વખતે આપણે શબાના આઝમીનું વિધાન વાંચી ગયા ! ) એટલે જ તો એમની અનેક ફિલ્મોના પ્રથમ દ્રષ્ટિએ વધારાના લાગતા ચરિત્રો પણ એટલા સશક્ત હોય છે કે એ આપણી સ્મૃતિમાં કાયમ માટે કોતરાઈ જાય !

રાયની ફિલ્મોના સ્ત્રી-પાત્રો તો વળી સાવ નિરાળાં ! એમણે કહેલું, ‘ સ્ત્રી શારીરિક તાકાતમાં પુરુષ સમોવડી નથી પરંતુ એ હકીકતને સંતુલિત કરવા કુદરતે એમને અન્ય ગુણો આપ્યા છે. સ્ત્રીઓ વધુ ઈમાનદાર હોય છે. વધુ સ્પષ્ટ પણ. એમનું ચરિત્ર વધુ મજબૂત હોય છે. અલબત્ત, આ માત્ર મને ગમતા સ્ત્રી-પાત્રોની વાત છે. મારી ફિલ્મોમાં હું એવા સ્ત્રી-પાત્રો પસંદ કરું છું જે પરિસ્થિતિઓ સાથે પુરુષોની સરખામણીમાં વધુ અનુકૂલન સાધી શકે છે. ‘ ( સાચી વાત. આપણે અવલોકેલી ફિલ્મોમાં યાદ કરો સીમાબદ્ધની તુતુલ, જન-અરણ્યના નાયકના ભાભી, મહાનગરની આરતી, ચારૂલતાની ચારૂ, અરણ્યેર દિન રાત્રિની અપર્ણા, નાયકની અદિતિ, અશાનિ સંકેતની અનંગા અને ચુટકી અને પથેર પાંચાલીની સર્વજયા ! )

બાળ-કલાકારો પાસે કામ લેવાની એમની કુનેહ વિષે તો કહેવું જ શું ! પથેર પાંચાલીના દુર્ગા અને અપૂના ઉદાહરણો જ કાફી છે. આ ઉપરાંત આગંતુક, જલસા ઘર, મહાનગર, દેવી અને કાંચનજંઘાના બાળ-કલાકારોના નામ લઈ શકાય. 

દરેક કળા એક દ્રષ્ટિએ સર્જન નહીં, એક ભાષાંતર છે. એક વિચારનું કોઈક માધ્યમમાં પરિવર્તન . જોઈ, અનુભવી શકાય એ સ્વરૂપમાં. દરેક મહાન ફિલ્મ એક પ્રકારે એના સર્જકની આત્મકથા પણ હોય છે. એમાં ક્યારેક એમનું પોતાનું જીવન ડોકાય તો ક્વચિત એમના વિચારો અને દ્રષ્ટિકોણ. રાયની અપ્પુ-ત્રયીમા કંઈક અંશે રાયનું પોતાનું જીવન દ્રષ્ટિગોચર થાય છે. વિશેષ કરીને ‘ અપરાજિતો માં. અપૂની જેમ રાયના પિતા પણ બચપણમાં જ ગુજરી ગયેલા. એમનો ઉછેર એમના માતા સુપ્રભાએ કરેલો. એમનામાં કલા અને નિસર્ગ પ્રત્યેની રુચિ પણ એમણે જ પ્રેરેલી. એમના મા પ્રભુત્વશાળી હતા પરંતુ જક્કી નહીં. અપરાજિતોમાં જે રીતે હરિહરના મૃત્યુ બાદ સર્વજયાના કાકા આવીને બન્ને મા-દીકરાને પોતાને ત્યાં લઈ જાય છે એ જ રીતે સત્યજિત રાયના મામા પણ એ બન્નેને પોતાને ત્યાં લઈ ગયેલા. રાય નોકરી છોડીને ફિલ્મોમાં ઝંપલાવવા માંગતા હતા ત્યારે એમના માતાએ એ નિર્ણયનો વિરોધ કરેલો ( અપરાજિતોની જેમ – અલબત એ ફિલ્મ આપણે અહીં લીધી નથી. )

રાય એક ફિલ્મકાર તો એ હતા જ, એ બંગાળના ખ્યાતનામ લેખક પણ હતા. એમણે સર્જેલા પાત્રો ફેલુદા, પ્રોફેસર શોંકુ, લાલમોહન ગાંગૂલી અને તારિણી ખુરો વિષેની વાર્તાઓ આજે પણ બંગાળમાં હોંશે-હોંશે વંચાય છે. હકીકતમાં એમની આવકનો મુખ્ય સ્રોત ફિલ્મો નહીં પણ પુસ્તકો હતા. ‘સંદેશ’ નામનું એમના દાદાએ શરુ કરેલું બાળ – મેગેઝીન બંધ પડી ગયું હતું એ એમણે પુનર્જિવીત કર્યું એટલું જ નહીં, જીવનના અંત એ સુધી સફળતાપૂર્વક ચલાવ્યું. એ મેગેઝીનના ચિત્રો, આલેખ, સાજસજ્જા વગેરે એ પોતે જ સંભાળતા. (સંદેશ એ બંગાળની એક લોકપ્રિય મિઠાઈનું નામ પણ છે !) પોતાના બચપણના દિવસો વિષે એમણે લખેલ બંગાળી પુસ્તક જાખન ચોટો ચિલમ ૧૯૮૨ માં પ્રકાશિત થયેલું અને એનો અંગ્રેજી અનુવાદ નામે CHILDHOOD DAYS 1994 માં. અપૂ-ત્રયી ફિલ્માવવાના અનુભવોની સ્મરણ-કથા MY YEARS WITH APU પણ પ્રકાશિત થયેલી. ફિલ્મો વિષેના નિબંધોનો સંગ્રહ OUR FILMS, THEIR FILMS ૧૯૭૬ માં આવેલો અને એ જ વિષય ઉપરનું બંગાળી પુસ્તક બિશોય ચલચિત્ર અને એનો અંગ્રેજી અનુવાદ નામે SPEAKING OF FILMS ૨૦૦૬ માં પ્રસિદ્ધ થયા. લેખક- કલમજીવી હતા એટલે જ કદાચ જીવનના અંત સુધી એ ભાડાના મકાનમાં રહ્યા ! 

એમની જીવનકથા બે લેખકોએ લખી. મેરી સિટન દ્વારા લખાયેલી SATYAJIT RAY – portrait Of A Director 1971 મા આવેલી અને એન્ડ્રૂ રોબિન્સન દ્વારા લખાયેલી એમની જીવનકથા SATYAJIT RAY – INNER EYE – The Biography Of A Master Film Maker ૨૦૦૩ માં પ્રકાશિત થયેલી. 

એક ફિલ્મકાર અને લેખક તરીકે જ નહીં, એક વિચારક તરીકે પણ રાય એમના સમકાલીનો કરતાં વર્ષો આગળ હતા. એમના ચરિત્રને ઉજાગર કરતી થોડીક વાતોનો ઉલ્લેખ કરીને આ ઉપસંહારનું સમાપન કરીએ. 

એમની ઝળહળતી કારકિર્દી દરમિયાન એમને દેશ અને દુનિયામાંથી પ્રાપ્ત થયેલા પુરસ્કારો, વિજય-પદ્મો અને સ્મૃતિ-ચિહ્નો એ પોતાના પલંગ નીચે મૂકેલી એક પેટીમાં સંઘરી રાખતા. ક્યારેક મિત્રોને એ ખજાનો દેખાડતા કે પોતે એ જીત્યા છે પરંતુ ઘરમાં એ ચીજો ક્યારેય જાહેરમાં પ્રદર્શિત કરતા નહીં, ‘પોતે અશ્લીલ નથી’ એ પૂરવાર કરવા ! 

તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઈંદીરા ગાંધીએ એમને અનુરોધ કરેલો કે સરકાર વતી એ એમના પિતા નહેરુના સમાજ-કલ્યાણના વિચારો ઉપર એક ફિલ્મ બનાવી આપે. ‘ મને એમાં રસ નથી. કહી એમણે ઈનકાર કરી દીધેલો ! 

એ જ્યારે એમની અંતિમ માંદગી વખતે કલકતામાં હોસ્પીટલમાં દાખલ હતા ત્યારે ત્યારના વડા – પ્રધાન શ્રી પી વી નરસિંહરાવ એમના પુત્રી અને પૌત્રી સાથે એમને મળવા ગયેલા. એમને રાય સાથે ફોટો પડાવવો હતો. એમણે કહેણ મોકલાવ્યું  ‘ મિસ્ટર રાય, ત્રણ પેઢીઓ તમારી પ્રશંસક છે. તમારી સાથે એક ફોટો અમારી કાયમી યાદગીરી રહેશે. ‘ 

રાયે કહેવડાવ્યું, ‘વડા પ્રધાનશ્રી, હોસ્પીટલમાં છું ત્યારથી અનેક પ્રેસ ફોટોગ્રાફરો મારો ફોટો લેવા ઈચ્છે છે. મેં એમને ના પાડી. હવે તમને હા પાડું તો એમને કેવું લાગે ? કે હું સત્તા આગળ ઝુકી ગયો !મુલાકાત પડતી મુકાઈ ! 

કદાચ એટલે જ એમને ચેખવ અને મોઝાર્ટ સાથે સરખાવવામાં આવે છે ! કદાચ એટલે જ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એમને માનદ ડોક્ટરેટ પ્રદાન કરેલું ( ચાર્લી ચેપ્લીન પછીની બીજી ફિલ્મી હસ્તી ! )

વિવેચક PAULINE KAEL યોગ્ય રીતે જ કહે છે  ‘ આપણે સાવ સામાન્ય બાબતોને જરા જૂદી નજરથી જોઈએ એ માટે રાયે જે કર્યું છે તે કોઈએ નહીં !

આવા આ કલાકાર અને એમની ફિલ્મો માટે મને લખવાની અને એ બહાને જિંદગીની એક અમૂલ્ય સફર ખેડવાની તક પૂરી પાડી એ બદલ હું વેબગુર્જરીનો ઋણી છું. 


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

5 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ઉપસંહાર

  1. This article is like portrait of Great Satyajit Ray. It is better to know about creator first than his creation to understand and enjoy creation. I feel, I should revisit your review articles of his films. At the cost of repetition let me express my sincere appreciation for complete series on 15 films of Satyajit Ray. This series also helped in understanding Bengal Culture, literature and Great Artists worked/associated with him. It is because of these series only , I could know more about him and enjoy his films. Once again thanks for your painstaking efforts to enlighten us on “Ray Era”.

  2. I missed to convey special Thanks to S/sri Ashok Vaishnav and Deepak Dholakia who were instrumental and force in encouraging you to write this Great Series. Also thanks to Webgurjari for easy ‘Reach out’ to your Articles.

Leave a Reply

Your email address will not be published.