ચિરાગ પટેલ
उ.९.७.१० (१२३४) तँहि स्वराजं वृषभं तमोजसा धिषणे निष्टतक्षतुः। उतोपमानां प्रथमो निषीदसि सोमकामँहि ते मनः॥ (भर्ग प्रागाथ)
આકાશ અને પૃથ્વી પોતાની ક્ષમતાથી સમર્થ અને તેજસ્વી ઇન્દ્રને પ્રગટ કરે છે. હે ઇન્દ્ર! તમે તુલનામાં સર્વશ્રેષ્ઠ છો. સોમપાનની ઇચ્છાથી યજ્ઞવેદી પર બિરાજો.
આ શ્લોકમાં ઇન્દ્ર કોણ છે એ વિષે આપણને અછડતો સંદર્ભ મળે છે. ઉપનિષદોમાં ગર્જના કરતો મેઘ ઇન્દ્ર હોવાનું જણાવાયું છે. ઇન્દ્રને પ્રગટ કરવામાં આકાશ અને પૃથ્વીનો સહયોગ છે. સ્થૂળ અર્થમાં પૃથ્વી અને આકાશ વચ્ચે ઉમડતાં, ગર્જના કરતાં અને વીજળી ઉત્પન્ન કરતાં મેઘ એ ઇન્દ્ર છે. સૂક્ષ્મ અર્થમાં પૃથ્વી એટલે શરીર અને આકાશ એટલે મન. મન વિદ્યુત તરંગો ઉત્પન્ન કરી ચૈતન્ય પ્રવાહો દ્વારા સર્વે અંગોનું નિયમન કરે છે. મનની આ ક્ષમતા એટલે પણ ઇન્દ્ર!
उ.९.८.७ (१२४१) पवस्व सोम महान्त्समुद्रः पिता देवानां विश्वाभि धाम॥ (अग्नि विष्णु इश्वर)
હે સોમ! તમે અદ્વિતીય રસયુક્ત, બધાનું પાલન કરનાર છો, તમે દેવોના બધાં સ્થાનોને પોતાના દિવ્ય રસથી ભરી દો.
અહિ ઋષિ સોમ વિષે સૂચક નિર્દેશ કરે છે. ભૌતિક અર્થમાં સોમ એ (સોમવલ્લી કે ભાંગ) વનસ્પતિનો રસ છે. વળી, ઋષિ કહે છે કે, સોમ સર્વેનું પાલન કરનાર છે અને સર્વે દેવોનાં સ્થાનને પોતાના રસથી ભરી દે છે. સૂક્ષ્મ અર્થમાં એવું જણાય છે કે સોમ એટલે પ્રાણ અથવા ફોટોન જે વનસ્પતિના રસ દ્વારા શરીરના પ્રત્યેક ભાગને ચેતનવંતા કરે છે. શરીરની વિવિધ ઇન્દ્રિયો એટલે દેવો એવો અર્થ ઉપનિષદોમાં અભિપ્રેત છે.
उ.९.८.९ (१२४३) दिवो धर्तासि शुक्रः पीयूषः सत्ये विधर्मन्वाजी पवस्व॥ (अग्नि विष्णु इश्वर)
હે સોમ! તમે તેજસ્વી પેય અને દિવ્ય ગુણોના ધારક છો. હે બળવાન! તમે સત્યરૂપ યજ્ઞ વચ્ચે શુદ્ધ થતા જાઓ.
આ શ્લોકમાં સત્યરૂપ યજ્ઞનો ઉલ્લેખ ધ્યાન ખેંચે એવો છે. જો સત્યને આપણાં વાણી, વર્તનમાં રહેલું સત્ય ગણીએ તો, આપણે આજે મનોવિજ્ઞાનની સહાયથી જાણીએ છીએ કે, સત્ય બોલનારની અપેક્ષાએ જૂઠાણું આચારનારના શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓમાં પરિવર્તન થાય છે. એડ્રીનાલિનનો સ્ત્રાવ વધી જાય છે, હ્રદયના ધબકાર વધી જાય છે. અને, માનસિક રીતે વ્યક્તિ આત્મવિશ્વાસનો અભાવ ધરાવે છે. એટલે, સત્યનું આચરણ એ પણ એક યજ્ઞ છે અને એ યજ્ઞમાં પ્રાણ કે ફોટોનરૂપી સોમની શુધ્ધિ થાય છે!
उ.९.९.६ (१२४९) त्वँहिशश्वतीनामिन्द्र धर्ता पुरामसि। हन्ता दस्योर्मनोर्वृधः पतिर्दिवः॥ (नृमेध आङ्गिरस)
હે ઇન્દ્ર! તમે શાશ્વત, દુષ્ટોના નગરોનો નાશ કરનાર, અજ્ઞાન હટાવનાર, યજ્ઞકર્તા મનુષ્યોનું મનોબળ વધારનાર, અને પ્રકાશ લોકના સ્વામી છો.
આ શ્લોકમાં ઇન્દ્રને શાશ્વત ગણાવી ઋષિ કહે છે કે, તેઓ મનોબળ વધારનાર છે. મનમાં રહેલ શક્તિઓ એ જ ઇન્દ્ર કે જેનાથી સર્વે ઇન્દ્રિયોરુપી દેવોનું નિયંત્રણ થાય છે, સંવર્ધન થાય છે. વળી, આકાશમાં રહેલ વિદ્યુતધારક મેઘ પણ ઇન્દ્ર છે, જે પ્રકાશલોકમાં રહેનાર કહી શકાય.
उ.९.९.८ (१२५१) त्वं वलस्य गोमतोऽपावरद्रिवो बिलम्। त्वां देवा अबिभ्युषस्तुज्यमानास आविषुः॥ (जेता माधुच्छन्दस)
હે વજ્રધારી ઇન્દ્ર! તમે ગાયો ચોરનાર અસુરોના વ્યૂહને નષ્ટ કર્યો. અસુરોથી હારેલા દેવો તમારી સાથે સંગઠિત થયાં.
આ શ્લોકમાં ગાય અને અસુર બંનેને સ્થૂળ અને સૂક્ષ્મ અર્થમાં લઈ શકાય એમ છે. સ્થૂળ અર્થમાં, ગાય એટલે સૂર્યના કિરણો, જેને અસુરરૂપી મેઘો અટકાવી દે છે. સૂક્ષ્મ અર્થમાં ગાય એટલે મનમાંથી ઉઠતાં ચેતના તરંગો. શરીરમાં અનેક પ્રક્રિયાઓ એવી છે જે આ ચૈતન્ય તરંગોમાં અવરોધ ઊભો કરે છે. રોગથી પીડિત વ્યક્તિઓ કે વૃધ્ધત્વ પણ એ માટેના પરિબળો છે. સ્થૂળ અર્થમાં, વિવિધ પ્રાકૃતિક તત્વોરૂપી દેવો અથવા શરીરની વિવિધ ઇન્દ્રિયોની શક્તિરૂપ દેવોને, ઇન્દ્ર દ્વારા શક્તિ અને આધાર મળે છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com