સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૫ – પથેર પાંચાલી

ભગવાન થાવરાણી

સત્યજિત રાયની પહેલી ફિલ્મ પથેર પાંચાલી ૧૯૫૫માં રજૂ થઈ ત્યારે મારી ઉંમર ત્રણ વર્ષની હતી. આઠેક વર્ષની વયે ફિલ્મો જોવાનું શરુ કર્યા બાદ આજ દિન સુધીમાં હજારો ફિલ્મો જોઈ, ઉત્કૃષ્ટ, સારી, નરસી અને કનિષ્ઠ પણ. આ લાંબી અને રોમાંચક સફર ખેડ્યા બાદ આજે જ્યારે આ શ્રેણીના અંતિમ મણકા તરીકે આ મહાન ફિલ્મ વિષે લખવા બેઠો છું ત્યારે એક અનેરી પરિતૃપ્તિ અને કૃતકૃત્યતા અનુભવાય છે. જોન કાવસ-નાદિયા, રંજન, આઝાદ, દારાસિંગ અને મહિપાલની ફિલ્મોથી શરૂ કરેલ સફર જાણે તળેટીથી શિખર સુધી પહોંચી હોય એવું લાગે છે. હવે આનાથી આગળ જે આવશે એ ટેક્નીકલ ધોરણે ચોક્કસ વધુને વધુ ઉત્તમ આવશે પરંતુ અનુભૂતિની આ પરાકાષ્ઠાથી આગળ કશું જ નહીં હોય ! જાણે આટલી બધી ફિલ્મોમાંથી પસાર થવાનું હવે લેખે લાગ્યું !

લગભગ સાડા સાત મહિનાથી ચાલતી આ શ્રુંખલાની આ પંદરમી અને આખરી કડી. શરુઆત રાયની ૩૧ મી અને અંતિમ ફિલ્મ આગંતુકથી કરી ત્યારે આશા હતી કે ‘ તુરત દાન અને મહાપુણ્ય ‘ વાળા આ યુગમાં ઉતાવળે-ઉતાવળે લાઈક કરીને ભાગદોડ કરતા લોકોમાંથી બહુ ઓછાને આ લાંબીલચક અને ઝીણી-ઝીણી વિગતોથી પ્રચૂર લેખમાળા માફક આવશે. સદ્દભાગ્યે એવા રસજ્ઞો મળી રહ્યા જેમને મહદંશે ઉચ્ચ કક્ષાની આ ફિલ્મો વિષે જાણવા-માણવામાં રસ હોય અને વિશેષત: એ માટેની ધીરજ પણ હોય. રાયની કોઈ પણ ફિલ્મ જોઈને પચાવવા માટે એ પહેલી પૂર્વશરત છે. 

પથેર પાંચાલી પુસ્તક

આ પહેલાંના હપ્તામાં જણાવ્યું તેમ પથેર પાંચાલી મહાન બંગાળી કથાકાર બિભૂતિભૂષણ બંધોપાધ્યાયની એ જ નામની નવલકથા ઉપર આધારિત છે. ૧૯૨૮માં આ નવલકથા બિચિત્ર નામના બંગાળી સામયિકમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી અને એ પછીના જ વર્ષે એ પુસ્તકરૂપે આવી. રાયે ૧૯૪૪માં આ પુસ્તકની બાળકો માટેની આવૃત્તિ માટે ગ્રાફિક ડિઝાઈનર તરીકે એના ચિત્રો દોરેલા. ત્યાર બાદ જ્યારે એમણે ફિલ્મ ક્ષેત્રે આવવાનું નક્કી કર્યું ત્યારે પહેલી જ નજર આ નવલ ઉપર ઠરી. મૂળ નવલકથાના કેટલાક સામાન્ય અને કેટલાક વિશિષ્ટ પ્રસંગોને અલગ તારવી એમણે આખી કથાને એ રીતે ઢાળી કે એ એક ‘ રઝળપાટનું ચિત્ર બની રહે. ફિલ્મની કોઈ વિધિવત પટકથા એમણે લખી જ નહીં. માત્ર નોંધો અને રેખાચિત્રો હતાં જે એમણે લંડનની દરિયાઈ મુસાફરી દરમિયાન ૧૯૫૦માં તૈયાર કરેલા. 

આપણે આ અગાઉના મણકામાં અવલોકી એ ફિલ્મ અશાનિ સંકેતના લેખક પણ બિભૂતિભૂષણ જ હતા. પથેર પાંચાલી પૂર્ણ થઈને મે- ૧૯૫૫માં ન્યૂયોર્ક અને એ પછી તુરત કલકતામાં રિલીઝ થઈ એ પહેલાંના આ ફિલ્મના નિર્માણના ત્રણ વર્ષના ગાળામાં રાયને જે મુશ્કેલીઓ નડી એ વિષે એક અલગ ફિલ્મ બની શકે ! ફિલ્મનું જે અંતિમ સ્વરૂપ દર્શકો સામે આવ્યું એણે વિશ્વ-સિનેમાના પ્રબુદ્ધ દર્શકોમાં રીતસર તહેલકો મચાવી દીધો. 

ફિલ્મની વિગતે વાત કરીએ એ પહેલાં આ ફિલ્મ વિષે વિશ્વભરના જાણ્યા – અજાણ્યા ફિલ્મ-મર્મજ્ઞો દ્વારા જે કહેવાયું છે એ વિષે પણ સ્વતંત્ર લેખ થઈ શકે ! અરે ! આ ફિલ્મના વિશ્વમાં પોંખાઈ-વધાવાઈ ચૂકેલા પ્રત્યેક દ્રષ્ય – પ્રસંગ વિષે પણ અલાયદું વિવેચન થઈ શકે ! ફિલ્મના પંડિત રવિશંકરના સંગીતને પણ એક સીમા-ચિહ્ન તરીકે બિરદાવવામાં આવ્યું છે અને માત્ર ફિલ્મના સંગીતની પણ અલગ રેકોર્ડ એ જમાનામાં બહાર પડેલી. 

ફિલ્મને જે શબ્દોમાં નવાજવામા આવી છે એના કેટલાક નમૂના :

– એ વિશુદ્ધ સિનેમા અને અંતિમ કક્ષાનો અવિસ્મરણીય અનુભવ છે.

– ભાષા અને સંસ્કૃતિના બંધનો તોડીને આ ફિલ્મ દર્શકના આત્માને ઢંઢોળે છે.

– ફિલ્મ દર્શાવે છે કે ગરીબી પ્રેમને મિટાવી શકતી નથી અને છેક તળિયાના લોકો પણ જીવનના નાના – નાના આનંદ માણી શકે છે.

– આ ફિલ્મ વિસ્મયનો આવિર્ભાવ છે.

– એ સિનેમા-કળાનું વૈશ્વિક સીમા-ચિહ્ન અને ફિલ્મ-દર્શનનો અનિવાર્ય અનુભવ છે. 

– આ ફિલ્મ વિસ્તૃત છે છતાં નિરાકાર છે. કોઈ નાટકીયતા કે વર્ણનાત્મક દ્રષ્યો વિહોણી. એ સામાન્ય વાર્તા નથી. કોઈકને એ દસ્તાવેજી ફિલ્મ પણ લાગે.

– ફિલ્મનો અંતિમ સંદેશ એ છે કે દરેક જીવ પવિત્ર છે. 

આ એક એવી ફિલ્મ છે જે જોયા પછી દર્શક  ‘ સંતુષ્ટ, સમૃદ્ધ, સમજદાર અને સર્જકની વધુ ફિલ્મો ઝંખતો ‘ બને છે. 

– ફિલ્મ ઓડિયંસના દરેક સદસ્ય સાથે વ્યક્તિગત વાત કરે ંછે જે હૃદય અને આત્મા સુધી પહોંચે છે. 

– એક એવી ફિલ્મ જે ધૈર્ય માંગે છે અને એ ધૈર્યનું વળતર પણ આપે છે. 

– ફિલ્મમાં દારુણ ગરીબી અને બબ્બે મૃત્યુ હોવા છતાં એ દર્શકને નિરાશ નથી કરતી, વિચલિત કરે છે કારણ કે એ સૌંદર્ય-સિક્ત છે. એમાં જીવનની સૌમ્ય ચમક છે. એ ક્ષય અને વૃદ્ધિ, વિનાશ અને સર્જન વચ્ચેના પ્રગાઢ સંબધની વાત કરે છે. 

– એ એક એવી ફિલ્મ છે જે કોઈ મોટી નદીની નિર્મળતા અને ઉદારતાની જેમ વહે છે.

– આ ફિલ્મ તમને તોડે છે, બનાવે છે, સમૃદ્ધ કરે છે, સ્તબ્ધ કરે છે – બિલકુલ જિંદગીની જેમ જ !

ફિલ્મનો અંત આવતા સુધીમાં દર્શક ભાવનાત્મક રીતે નિચોવાઈ જાય છે કારણ કે એ આખીયે ફિલ્મ પાત્રો સાથે ખુદ જીવ્યો છે ! 

– આ ફિલ્મ ભારતીય ફિલ્મોનો તાજ મહલ છે ! 

– ફિલ્મો દ્વારા રજુ થયેલો અત્યાર સુધીનો બેહતરીન માનવીય દસ્તાવેજ ! 

– અહીં વાસ્તવવાદ અને આદર્શવાદ બાજુ-બાજુમાં બેઠા છે પરંતુ આદર્શવાદ વાસ્તવિકતાથી કચડાઈ જતું નથી. સમગ્ર અસર સૌંદર્ય-બોધ અને માનવતાને જન્મ આપે છે. 

– એક એવી સુરીલી અને ભાવનાત્મક કૃતિ જે ભાવકને એની અંગત યાદો સાથે જોડી આપે છે.

– સિનેમાના ઇતિહાસમાં મહાન ફિલ્મો તો ઘણી છે. ચમત્કાર ગણ્યા-ગાંઠ્યા. પથેર પાંચાલી એવો ચમત્કાર છે ! 

– આ ફિલ્મ જોતાં તમે કંટાળશો નહીં, નાસીપાસ નહીં થાઓ. આ ફિલ્મ તમને ઊંચે લઈ જાય છે, પ્રકૃતિસ્થ કરે છે. એમાં એ કક્ષાની કવિતા અને શક્તિ છે જે વિશ્વભરના માનવોના હૃદયનુ તાળું ખોલી આપે છે!

– આ ફિલ્મ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણા અસ્તિત્વના નાનકડા ચોકઠાની બહાર પણ એક વિશાળ વિશ્વ છે !

– આ ફિલ્મ એક બાજુ ગરીબીની પીડાનું રુદન છે તો બીજી બાજુ અસ્તિત્વના ચમત્કારનો ઉત્સવ પણ ! એ એવી કૃતિ છે જે તીવ્ર અને હૃદયવિદારક છે તો આધ્યાત્મિક અને ઉત્થાનકારક પણ ! 

– આ ફિલ્મ જે વિષયને સ્પર્શે છે એની સાથે આપણે સૌ સંકળાયેલા છીએ. વિપરીત પરિસ્થિતિઓનો અવિરત સામનો, રોગ-ક્ષય-મૃત્યુનો સમ્માનપૂર્વક સ્વીકાર અને સૌથી અગત્યનું એ કે સૌથી મુશ્કેલ દિવસોમાં પણ સંજોગોનો સામનો એક બાળકના વિસ્મય, આનંદ, મુસ્કાન અને કદાચ આભાર સાથે કરવાની એ આપણને શીખ આપે છે !

તો જે કલાકૃતિ માટે આટઆટલું કહેવાયું અને જે ફિલ્મ એના યુવાન સર્જકની પહેલી ફિલ્મ હતી એટલું જ નહીં, જેના મોટા ભાગના કલાકારો, કસબીઓ અને ટેક્નિશિયનોની પણ એ પહેલી જ ફિલ્મ હતી એમાં આખરે એવું તે હતું શું ? ફિલ્મ નિરાંતે જોઈએ.

આખી વાત ૧૯૧૦ની છે. નિશ્ચિંદીપૂર ગામ (વાસ્તવમાં કલકત્તાથી થોડેક દૂરનું બોરાલ ગામ) માં હરિહર રોય (કાનુ બેનર્જી), એના પત્ની સર્વજયા (કરુણા બેનર્જી) , નાનકડી પુત્રી દુર્ગા (રુંકી બેનર્જી – કરુણાની ખરેખરી પુત્રી) અને હરિહરની વયોવૃદ્ધ દૂરની પિતરાઈ બહેન ઈંદીર ઠકરુન (ચૂનીબાલા દેવી) બાપદાદાના વખતના જર્જરિત મકાનમાં રહે છે. હરિહર બ્રાહ્મણ છે અને કર્મકાંડમાંથી થતી ક્ષુલ્લક અને અનિયમિત આવકમાંથી ઘરનું ગાડું ગબડાવે છે. પત્ની સર્વજયા પતિની અકર્મણ્યતા અને ઉપરથી માથે પડેલી એંસી વર્ષીય દૂરની નણંદ ઈંદીરના અનિચ્છનીય બોજના કારણે નિરંતર ધૂંધવાયેલી રહે છે. અધૂરામાં પુરુ, એ સગર્ભા છે અને આવનારા મહેમાનનો વધારાનો બોજો પણ એના માટે ચિંતાનો વિષય છે. દીકરી દુર્ગા છાશવારે પડોશના શ્રીમંત ઘરના બગીચામાંથી ફળો ચોરી લાવી, ફોઈ (બંગાળીમાં પિશી) ને આપે છે. એ ચોરી અંગેના પડોશણ મુખર્જી (રાજલક્ષ્મી દેવી)ના મેણા-ટોણાથી પણ એ પરેશાન છે. એને ખાતરી છે કે આ ચોરી એની નાસમજ દીકરી, નણંદ ઈંદીરના કહેવાથી જ કરે છે ! (કરુણતા એ કે જે બગીચામાંથી દુર્ગા ફળો ચોરી લાવી ફઈને – પિશીને આપે છે એ બગીચો ખરેખર હરિહરના પરિવારની માલિકીનો જ હતો, જે કોઈક જૂના કરજ પેટે પડોશીઓને આપી દેવો પડ્યો છે.) પિશી અને દુર્ગા એકબીજાની ખૂબ નજીક છે. બન્ને વચ્ચે સમજણનું એક એવું બંધન છે જેમાં એ બન્ને એકબીજાના ‘રહસ્યો’ જાણે છે. સર્વજયાને ઈંદીર ઉપર એક વધારાનો ગુસ્સો એ પણ છે કે ઈંદીર એને પૂછ્યા વિના રસોડામાંથી મીઠું, મરચું અને તેલ ચોરી લે છે કારણ કે એમને ‘આ ઉંમરે’ પણ ખાવા-પીવાના ચટાકા છે !  ખારા જળમાં મીઠી વીરડી સમાન, પડોશમાં એક ભલું કુટુંબ – નીલમણિ અને એમના પત્ની (અપર્ણા દેવી)નું પણ છે જે આ પરિવાર કરતાં પ્રમાણમાં સુખી છે અને એમને કોઈને કોઈ રીતે મદદ કરતું રહે છે. 

ઘરમાં એક ગાય અને એક વાછરડું પણ છે. પૂરતા ઘાસચારાના અભાવે ગાય ઝાઝું દૂધ આપતી નથી. એક પાળેલી બિલાડી અને એનાં બચ્ચાં પણ છે. કૂતરાની મુક્ત આવન-જાવન પણ ખરી. 

આપણે ફિલ્મની વાત ત્યાંથી શરુ કરીએ જ્યાં  સર્વજયાના નિરંતર અપમાનથી આહત ઈંદીર ડોસી પોતાનું પોટલું ઉપાડી પડોશમાં રાજુના ઘરે ‘ આશરો ‘ લેવા જતા રહે છે. દુર્ગા એમને મનાવવા પાછળ દોડે છે પણ એ વૃદ્ધ – હઠ કરી માનતા નથી. 

સર્વજયાને વેણ ઉપડે છે. એની પ્રસૂતિ કરાવવા પડોશની સ્ત્રીઓ એકઠી થાય છે. પુત્ર અવતરે છે. અપૂ. દુર્ગાથી રહેવાતું નથી. એ રાજૂના ઘરેથી પિશીને બોલાવી લાવે છે. પડોશણ ઈંદીરને વધાઈ આપે છે. ‘ તમારો રૂડો-રૂપાળો ભત્રીજો. ‘ પિશી ભાવવિભોર થઈ આંસૂ લૂંછે છે. 

છેવટે હરિહરને નોકરી મળી છે. જમીનદારને ત્યાં નામું લખવાની. પણ કેટલો પગાર આપશે એ વાત અદ્ધર છે. એ સર્વજયાને પુત્રજન્મની ખુશાલીમાં કંઈક સારું ખાવાનું બનાવવા કહે છે પણ ઘરમાં તો એ જ જરીપુરાણા હાલ્લાં કુસ્તી કરે છે ! તકલીફો વચ્ચે પણ પત્ની હાશકારો અનુભવે છે કે દીકરો આવ્યો અને પતિને નોકરી મળી ! હરિહર એને ઉજ્જવળ ભવિષ્યના સપના દેખાડે છે. એ પોતે નાટકો લખશે, કવિતાઓ રચશે, જાતરા (બંગાળી નાટ્ય પ્રકાર) ભજવવા વાળા એ નાટકો ખરીદશે. સુખનો સૂરજ ઊગશે. આપણે બધા બન્ને ટંક જમીશું. સર્વજયા પણ આવનારા મૃગજળી સુખના સપનામાં ખોવાઈ જાય છે.

ઐસે હૈં સુખ સપન હમારે
બન – બન કર મિટ જાતે જૈસે
બાલૂ કે ઘર નદી કિનારે

બહાર ઉબડખાબડ ઓસરીમાં પિશી અપૂનું પારણું ઝૂલાવે છે. અપૂ મોટો થઈ રહ્યો છે અને એક યાદગાર દ્રષ્ય આવે છે. સ્કૂલે ન જવું પડે એટલે અપૂ સૂવાનો ઢોંગ કરી ચાદર ઓઢી સૂતો છે. બહેન દુર્ગા એને ઉઠાડે છે. ચાદર હટાવી એની આંખ પરાણે પોતાના હાથેથી ખોલે છે. અપૂ (સુબીર બેનર્જી) આંખ થકી પડદે પ્રવેશે છે. દુર્ગા પણ હવે મોટી થઈ કિશોરાવસ્થામાં પ્રવેશી છે. (ઉમા દાસગુપ્તા) . અપૂ ઊભો થઈ દાંતે મંજન ઘસે છે. દુર્ગા એનું માથું ઓળી આપે છે. મા પ્રસન્નતાથી ભાઈ-બહેનને નિહાળે છે. દારુણ ગરીબી છતાં કેવું સુખ ! અપૂ તાંસળી મોઢે માંડી ઘરની ગાયનું દૂધ પીએ છે (દૂધ દીકરીઓ માટે ન હોય !) દુર્ગા એનું દૂધવાળું મોઢું લૂંછી આપે છે. બહેન ભાઈને ગામની સ્કૂલે મૂકવા જાય છે. (ભણવાનું પણ દીકરાઓ માટે જ હોય. દીકરી માટે એવા ખોટા ખર્ચ ન હોય. એ તો બસ, દફતર ઉપાડી ભાઈને સહીસલામત મૂકવા જાય !)

સ્કૂલ અનોખી છે. પ્રસન્ન (તુલસી ચક્રવર્તી) માસ્તર શાળા પણ ચલાવે અને ભેગાભેગી પોતાની કરિયાણાની હાટડી પણ ! સામે બેઠેલા નવરત્ન સમાન નવ વિદ્યાર્થીઓને ભણાવતો, ટપારતો, તતડાવતો, ધમકાવતો જાય અને કોઈ ઘરાક આવે તો એમને વસ્તુઓ પણ આપતો જાય ! પણ છોકરાં તો છેવટે છોકરાં ! એ લોકો માસ્તરની નજર ચૂકવી પાટીમાં શૂન-ચોકડીની રમત રમે અને પકડાય તો ખુલ્લી હથેળીમાં સોટી વાગે ચમચમ ! દરમિયાન માસ્તરનો કોઈ મિત્ર મળવા આવે, માસ્તર પ્રશન્નો એની જોડે ઘડીક ગપ્પબાજી પણ કરી લે અને મિત્ર જતાં-જતાં માસ્તર પાસે મફતનું તેલ માંગી માથે ઘસી વિદાય લે. અપૂ આ બધો તમાશો ટુકુર-ટુકુર નિહાળ્યા કરે ! 

ઈંદીર ફોઈને ફરી સંતાઈ-સંતાઈને ચોરેલું જામફળ આપતી દુર્ગાને મા ફટકારે છે. ‘તારી ઉંમરની છોકરીઓ તો ઘરમાં માને મદદ કરે, રાંધતાં શીખે. તું કાયમ આમ રખડી ખાઈશ ?’ પછી તરત એના કપાળે હાથ મૂકી ‘તાવ તો નથી ને ! કડવાણી પી લેજે.‘ 

ફળિયામાં બેસી પડેલી અને ઊભી ન થઈ શકતી ઈંદીરને ભાઈ હરિહર ટેકો આપે છે. એ હરિહરને પોતાની બાકોરું પડી ગયેલી શાલ દેખાડે છે. ‘હું તમને જલદી નવી શાલ લાવી આપીશ.સર્વજયા તિરછી નજરે આ નાટક જૂએ છે. એ પતિને તમાકુના વધુ પડતા ખરચા અંગે ટપારે છે. નોકરી કરે છે એ જમીનદારે ત્રણ મહિનાથી પગાર આપ્યો નથી. હરિહર એમાં પણ ‘એમની મજબૂરી હશેકહી એમનો બચાવ કરે છે ! સર્વજયા આવા પતિને શું કહે !

વધુ એક યાદગાર દ્રષ્ય ! ઘરની બહારની કેડી ઉપર ચિનીબાસ (મિઠાઈની ફેરી વાળો – હરેન બેનર્જી) હાંક મારતો, ખભે ભાત-ભાતની મિઠાઈઓ ભરેલી કાવડ લટકાવી નીકળે છે. દુર્ગા ઉત્સાહમાં હોઠે જીભ ફેરવી અપૂને કહે છે  ‘ જા, બાબા પાસેથી પૈસા લઈ આવ. ‘ અપૂ હોંશે-હોંશે પિતા પાસે પૈસા માંગવા જાય એ પહેલાં સર્વજયા અંદરથી બૂમ પાડી ‘છોકરાને બગાડતા નહીં’ કહી એમને પૈસા આપતાં રોકે છે. બન્ને બાળકો નિરાશ થઈ ચિનીબાસને જવા દે છે પણ પછી દુર્ગા કંઈક વિચારી અપૂને કહે છે  ‘ચાલ, એમની પાછળ-પાછળ જઈએ .’ (મિઠાઈ નહીં તો મિઠાઈવાળાની નજીક રહી સોડમ તો માણીએ !) બન્ને ચિનીબાસની પાછળ દોડે છે. એમની પાછળ કૂતરો. આગળ-આગળ ગામની બતકો. ચારેયનું મનમોહક પ્રતિબિંબ ગામના તળાવમાં પડે છે.

મિઠાઈવાળો પૈસાદારોના ડેલામાં પ્રવેશે છે. શ્રીમતી મુખર્જી પૂછે છે  ‘આજે શું લાવ્યો ?’ એમની ઉમરલાયક દીકરી રાનૂ (રમા ગંગોપાધ્યાય) દુર્ગાની બહેનપણી છે. ડેલામાં ભમરડે રમતા મોટા છોકરાઓ અપૂની મશ્કરી કરે છે. રાનૂ દુર્ગાને મિઠાઈ ખાવાનું કહે છે તો એની મા ટપારે છે  ‘એ લોકો પોતે લઈને ખાશે. તારે શું ?’ અગાશીમાં રાનૂની નાની બહેન ટુનુ દોરામાં મોતી પરોવે છે. દુર્ગા  ‘અરે વાહ ! સરસ છે.અને ટુનુ  ‘મારા બાબા મારા માટે લાવ્યા’ . અપૂ નીચે પરત જતા ચિનીબાસને નીરખી રહે છે. 

ફરીથી એક અદ્ભુત દ્રષ્ય. સાંજ ઢળી ગઈ છે. અંધાર. ઘરની પરસાળમાં દીવાના અજવાળે હરિહર પોથીમાં કશુંક ટપકાવે છે. બાજુમાં બેઠેલો અપૂ પણ પાટીમાં લખે છે. બાજુની અંધારી ઓરડીમાં ઈંદીર ફોઈ પોતાની ફાટેલી શાલ (એમના જીવતર જેવી !) સાંધે છે. એમની બાજુમાં એમની માનીતી દુર્ગા બેઠી છે. મા હાકોટો પાડી દુર્ગાને બહાર ઓસરીમાં બોલાવે છે. હળવો તમાચો મારી ખખડાવે છે  ‘ભાન નથી, માથું ઓળાવવાનું છે ?’ અપૂ દુર્ગાને ડાંટ પડતી જોઈ રાજી થાય છે. ‘મા, ચાર ચોટલા કર ને, રાનૂ જેવા.’  ‘ના. તારા એક તો વાળ સુક્કા. વળી આપણે તેલની ખેંચ.’  ‘મા. રાનૂને જોવા આવવાના છે.’ અપૂના કાન સરવા છે. એને દૂર પસાર થતી ટ્રેનની સીટી સંભળાય છે.  ‘ દીદી, ટ્રેન જોઈ છે તેં ? ‘  ‘ હા ‘  ‘ ખરેખર ? ટ્રેનના પાટા કઈ બાજુ છે, ખબર છે તને ? ‘  ‘ હા. ઘાસના મેદાનની પેલી બાજુ. ડાંગરના ખેતરોથી આગળ. ‘  ‘ આપણે ત્યાં જઈશું. ‘ પિતા પૂછે છે  ‘ શું લખ્યું પાટીમાં, દેખાડ તો ! ‘ જોઈને રાજી થાય છે. દ્રષ્ય પૂરું. (આ સમગ્ર દ્રષ્યમાં દેખીતી રીતે કશું ઘટિત નથી થતું. બસ, સીધું ને સરળ જીવન ડોકાય છે !)

અપૂ ફળિયામાં રમકડાના તીરકામઠાથી રમે છે. મા એની પાછળ ભમતી એને થાળીમાંથી કોળિયા ખવડાવે છે.  ‘ આજે સ્કૂલમાં બધું આવડ્યું ? ‘ એ એને ફોસલાવે છે જેથી થોડુંક ખાઈ લે. કૂતરું એ આશાએ સર્વજયાની પાછળ-પાછળ દોડે છે કે અપૂ નહીં ખાય તો એને મળશે ! મા થાકીને અધૂરી થાળી પાછી લઈ જાય છે. ‘ છોકરાને ખાલી ભાત ખવડાવવાના અને એ પણ છોડી દે ! કૂતરું રાજી-રાજી. 

ડેલીનો દરવાજો હડસેલી શ્રીમતી મુખર્જી ગુસ્સામાં બન્ને દીકરીઓ સાથે પ્રવેશે છે. ‘ ક્યાં છે દુર્ગા ? ‘ રાનૂ સીધી અંદર ઘુસી દુર્ગાની રમકડાંની પેટી ઉતારી આવે છે. ( ગરીબના ઘરમાં છેક અંદર ઘુસી જવા પરવાનગી શેની ! ) ‘ તમારી દુર્ગા મારી દીકરીનો મોતીનો હાર ચોરી લાવી છે. નવાઈ ન પામો. એ પાક્કી ચોર છે જ. ‘ દુર્ગા બહારથી કૂદતી આવે છે અને ઘરનું દ્રષ્ય જોઈ અચંબિત રહી જાય છે. મા ચોરી વિષે પૂછે છે. દુર્ગા ના પાડે છે. એની રમકડાંની પેટીમાંથી પણ કશું નીકળતું નથી. પડોશણ દુર્ગાને ઝનૂનથી પકડે છે પણ સર્વજયા એમનો હાથ ઝાટકી નાંખે છે. દુર્ગાના પાલવમાંથી જામફળો પડે છે. ‘ જુઓ. આ પણ એણે જ ચોર્યા છે ને ! ‘ પડોશણને મોકો મળે છે. ઈંદીર દોડતી આવી દુર્ગાનો બચાવ કરે છે. એ કરડાકીથી પડોશણ સામે જૂએ છે. જાણે એમને નજરોથી ખાઈ જવાની હોય ! દુર્ગા નીચે વિખરાયેલી પોતાની વસ્તુઓ વીણે છે. મા  ‘ બગીચો આપણો નથી કે તું ત્યાંથી બધું લઈ આવે. ‘ અને પછી પડોશણ સામે જોઈને  ‘ પણ તમે મારી દીકરી ઉપર આવો આરોપ ન મૂકો. ફળ ઉપર તો નામ લખેલું હોય નહીં. એ તો છોકરું કહેવાય.’  ‘ લ્યો સાંભળો! તમને રુપિયા ઉછીના આપ્યા એની ઉપર નામ નહોતું ? પાછા ક્યારે આપશો ? અમારે રાહ જોયે રાખવાની!’ એ ધુંઆં – ફુંઆં થઈ જતી રહે છે. 

સર્વજયા સમસમે છે. પેટીનો સામાન એકઠો કરતી દુર્ગાને કાળઝાળ થઈ કહે છે  ‘ ઊભી થા તો ! ‘ દુર્ગા માના તેવર પામી જાય છે. મા દુર્ગાનો ચોટલો પકડે છે. પિશી દોડી આવે છે દુર્ગાને છોડાવવા. અપૂ દહેશતથી જૂએ છે. મા ઈંદીરને હડસેલી દે છે. એ દુર્ગાને ચોટલેથી ઢસડે છે. અેના મનમાં દુનિયા આખી ઉપરનો ગુસ્સો છે જે બાપડી દુર્ગા ઉપર ઉતરે છે. અપૂ અને ઈંદીર આતંકિત છે. મા ઝનૂનથી દુર્ગાને ઘરની બહાર હડસેલી દે છે. ( આપણો અંતરાત્મા કકળે છે. આપણને કહેવાનું મન થાય છે  ના, મા, ના ! એને નહીં, અમને મારો. એને છોડી દો. ) દુર્ગા રડતી-રડતી ઘરની બહાર દૂર નીકળી જાય છે. મા દરવાજા આગળ ઢગલો થઈ પડે છે. અપૂ પાણીનો કળશો લઈ કોગળા કરવાના બહાને મોઢું ધુએ છે. સર્વજયા ઊભી થાય છે ત્યારે અપૂ ચોપડીમાં મોઢું ઘાલી મોટેથી પાઠ પાકો કરતો હોય છે. ‘ જા, દુર્ગાને જમવા માટે બોલાવી આવ. અપૂ રાજી થતો જાય છે. 

ઈંદીર ફોઈ દુર્ગાને રાક્ષસની વાર્તા સંભળાવે છે. દીવાલ પર પડતો એમનો પડછાયો પણ રાક્ષસ જેવો ભાસે છે. પિતા દુર્ગાને બૂમ પાડી બોલાવે છે. એ એક દળદાર માછલી ઉપાડી આવ્યા છે. દુર્ગા માછલી માને આપે છે. દુર્ગાને કોઈ રંજ નથી. એ બધું ભૂલી ચૂકી છે. હરિહર પત્નીને ત્રણ મહિનાનો સામટો પગાર ગાંઠેથી છોડી આપે છે. એમને કોઈ નવા યજમાન પણ મળ્યા છે જેણે કશુંક ક્રિયાકાંડ કરાવવાનું છે પણ હાલ હરિહરે એ ટાળ્યું છે જેથી યજમાનને એમ ન લાગે કે એને ગરજ છે !!

સૂતી વખતે અચાનક અપૂ દુર્ગાને પૂછે છે ‘ દીદી, તેં ટુનુના મોતી લીધા છે ? ‘ દુર્ગા કંઈ બોલતી નથી. 

સર્વજયા હરિહરને કહે છે ‘તમે તો પહેલાં પણ બનારસ રહ્યા છો. કોઈ ઓળખાણ હોય તો ત્યાં રહેવા જતા રહીએ. અહીં કેવા જંગલમાં પડ્યા છીએ ! રાતે શિયાળો આંટા મારે. વાત કરવા કોઈ ઢંગનો પડોશી યે નહીં.’  ‘ના. બાપદાદાનું ઘર છોડીને ત્યાં જવાય ?’

ઈંદીર જર્જરિત દીવાલ (એમના જેવી જ !) ને અડેલીને જાણે સ્વગત ગાતા હોય તેમ ભજન ગાય છે  ‘ મારા પહેલાં આવ્યાં તે ગયા. હું એકલી ગરીબડી બચી. દિવસ આથમી રહ્યો છે. હવે મને સામે પાર ઉતાર. ‘

સર્વજયા નેતરની મોટી પેટીમાં ઘરના ગણ્યા-ગાંઠ્યા ઠામ મૂકે છે સાચવીને. ઈંદીર બહારથી આવે છે. સર્વજયા કડકાઈથી પૂછે છે  ‘ આ નવી ઓઢી એ શાલ ક્યાંથી લાવ્યા ? ‘  ‘ રાજૂએ આપી. ‘  ‘ તમે માંગી નહોતી ? ‘  ‘ મેં તો એને ખાલી એટલું કહેલું કે મને સાંજે ટાઢ વાય છે. ‘  ‘ કેમ નહીં ! તમને તો એ ખવડાવશે ય ખરો ને ? ‘  ‘ મેં હરિને શાલનું કીધું હતું પણ..’  ‘ એટલે તમે ભીખ માંગી આવ્યા એમ ને ? શરમ આવવી જોઈએ તમને. ‘  ‘ ઘરડા માણસને ઈચ્છા ન હોય ? ‘  ‘ તમને ભાન નથી કે છોકરાં ભૂખ્યા સૂએ છે મારા. એમને તમે ખવડાવશો ? ઘરમાં રહેવું હોય તો ભીખ માંગવાનું બંધ કરો. નહીંતર ચાલતા બનો. ‘  ‘ મને ઠેકાણું મળી રહેશે. તું ચિંતા ન કર. ‘  ‘ તો આજે જ નીકળો. કહી સર્વજયા એમની પેટી બહાર ફેંકે છે. બધું વેરવિખેર. સર્વજયાને ઉધરસ ઉપડે છે. ઈંદીર ચિંતિત એની પાસે જાય છે. માથું થપથપાવે છે. સર્વજયા તાડૂકે છે  ‘ તમે નીકળી જ જાઓ. ઈંદીર રાજૂને ત્યાં જતી રહે છે.

અપૂ ગામમાં આવેલ ‘ જાતરા ‘ (એક પ્રકારનું બંગાળી નાટક) રસપૂર્વક જૂએ છે. અનેરો રોમાંચ ! ઘરે આવી, નાટકના રાજાવાળી મૂછ ચોંટાડી, માથે પૂંઠાનો મુગટ ગોઠવી સ્વયંને આઈનામાં જૂએ છે. દુર્ગા અપૂનો મુગટ જોઈ પૂછે છે  ‘ આ ક્યાંથી લાવ્યો તૂં ? ‘ પછી વાત સમજાતાં પોતાની રમકડાંની પેટી તપાસે છે જે અપૂએ વેરવિખેર કરી નાંખી છે. એ અપૂ ઉપર ગુસ્સો ઉતારવા એની પાછળ દોડે છે. અપૂ પકડમાં આવતાં એને ઢીબે છે. મા વચ્ચે પડતાં એને ફરિયાદ કરે છે કે અપૂએ મારી રમકડાંની પેટી ફેંદી. મા કહે છે કે મૂરખ ! તું હવે રમકડાંની પેટી રાખવા જેટલી નાની નથી ! અપૂ અને દુર્ગા એકબીજાને જોતા રહે છે. (માર્મિક દ્રષ્ય ! બન્ને ભાઈ-બહેન વચ્ચે અજાણતાં એક ખાઈ ઊભી કરી દીધી છે માએ અને બન્ને એ જાણી અચંબિત છે કે હવે બન્ને એકસમાન નથી !)

ઈંદીર રાજૂને ત્યાંથી પાછા આવે છે. ઘરમાં સર્વજયા એકલી છે. ‘કેમ પાછા આવ્યા ?’  ‘મને ઠીક નથી. છેલ્લા દિવસો હવે બાપદાદાના ઘરમાં વિતાવવા છે.’  ‘તમારે વળી ઘર શું ? પાછા જતા રહો.’  ઈંદીર થાકેલા છે. એ લાકડી, પોટલું, પાથરણું એક બાજૂ મૂકી પોરો ખાય છે. ‘ મને જરી શ્વાસ લેવા દે. થોડું પાણી આપ.’ તમારો લોટો ત્યાં જ છે. જાતે લઈ લો.’ ઈંદીરનો ચહેરો જ્યોતિહીન છે. એ શૂન્યમાં તાકે છે. જાતે પાણી ભરી ઘૂંટડોક પીએ છે, થોડુંક મોઢે-માથે છાંટે છે, ઊભા થઈ વધેલું પાણી બાજુના નાનકડા છોડ ઉપર રેડે છે. પોટલી ઉપાડે છે. સર્વજયા નિર્લેપ ભાવે એમને નીરખે છે. કૂતરું પરસાળમાં ઊભું છે (એને કોઈ કાઢી મૂકતું નથી !) ઈંદીર (જાણે છેલ્લી વાર) બધું જૂએ છે. નીકળી જાય છે ! 

દુર્ગા અપૂને ઠેંગો દેખાડી જંગલની કેડીએ દોટ મૂકે છે. મુગટધારી અપૂ એની પાછળ. (આ દ્રષ્ય પથેર પાંચાલીનું જ નહીં, રાયની ફિલ્મોનું જ નહીં, વિશ્વ-સિનેમાનું એક અવિસ્મરણીય સીમાચિહ્ન લેખાય છે ! ) દુર્ગા શેરડીનું છોતરું ચૂસે છે. એ વીજળીના થાંભલાને વિસ્મયપૂર્વક જૂએ છે. ઓમાંથી ત્રમ ત્રમ અવાજ આવી રહ્યો છે. એ થાંભલે કાન મૂકી સાંભળે છે. પાછળ પાછળ અપૂ આવી એ જ કરે છે. દુર્ગા બોલતી નથી. એ કાશના લહેરાતાં ખેતરોમાં આગળ વધે છે. અપૂના હાથમાં સાંઠીકડું છે. પવનના સુસવાટા . અપૂને દુર્ગા દેખાતી નથી. અચાનક એને દુર્ગાએ ફેંકેલો કાંકરો વાગે છે એટલે એ કાંકરાની દિશામાં જૂએ છે. અપૂ એની પાસે પહોંચે છે. દુર્ગા એને શેરડી ચૂસવા આપે છે. ‘ દીદી, આપણે ક્યાં છીએ ? પેલું ( થાંભલો ) શું હતું ? ‘ દુર્ગાના કાન સતેજ થાય છે. એને દૂરથી ટ્રેનનો અવાજ સંભળાયો છે. ધુમાડો ઓકતી ટ્રેનનું એંજિન દેખાય છે. બન્ને દોટ મેલે છે. અપૂની દોડ વીજળીક છે. એ જોતજોતાંમાં સાવ ટ્રેન સમીપે પહોંચે છે. ટ્રેન પસાર થઈ જાય છે. કાળા ધુમાડાનું બવંડર રહી જાય છે. અદ્ભૂત દ્રષ્ય પૂરું અને એક કરુણ દ્રષ્યની શરુઆત.

ટ્રેન જોઈ પાછા ફરતા દુર્ગા-અપૂના ખિલખિલાટનો અવાજ. વાંસના ઝૂંડ નીચે પિશી ઝોકાં ખાય છે. દુર્ગા અપૂને ગલગલિયાં કરે છે. આગળ અપૂ સાથે વાછરડો અને પાછળ દુર્ગા. દુર્ગાને દૂર પિશી બેઠેલા દેખાય છે. એ અપૂને ચુપ રહેવા ઈશારો કરે છે. પિશી ( ઈંદીર )નું માથું નમેલું છે. દુર્ગા એમની નજીક જાય છે અને નીચી વળીને એમનું મોઢું જૂએ છે. ‘ પિશી પિશી પોકારે છે. પિશી ઢળી પડે છે. માથું જમીન સાથે અથડાવાનો અવાજ. હવે એ કેવળ શરીર છે. બન્ને બાળકો પહેલીવાર મૃત્યુ જૂએ છે. અપૂને કંઈ સૂઝતું નથી. દુર્ગાને કંઈક સમજાય છે. પિશીનો લોટો દડીને બાજુના તળાવમાં પડે છે. દુર્ગા અને અપૂ ઘર ભણી દોડે છે. ઈંદીરના અવાજમાં એ જ ભજન સંભળાય છે હવે મને સામે કાંઠે ઉતાર.‘ 

મૃતદેહ લઈ જતા ડાઘુઓ. દુર્ગા રડે છે. 

નદીકાંઠે નહાઈને ઊભેલા હરિહર. સાથે સર્વજયા. બન્ને ધીમા પગલે પાછા વળે છે. જેમને સામે પાર જવું હતું એ પહોંચી ગયા છે. જીવે છે એણે પાછા જ વળવું પડે. 

બાઈસ્કોપવાળો આવ્યો છે. ગામના બાળકો એ જોવા દોટ મૂકે છે. દુર્ગા અને અપૂ ઘરના બાકોરામાંથી એ જૂએ છે. ઘરમાં હરિહર છેવટે રોજીરોટી માટે બહારગામ જવા તૈયાર થયો છે. એકાદ અઠવાડિયા માટે. સામાન ઉપાડી નીકળે છે. બાળકો પિતાને જતાં જૂએ છે. ‘ જા, એમની પાસે બાઈસ્કોપ જોવા પૈસા લઈ આવ. અપૂ દોડીને પૈસા લઈ આવે છે. બન્ને રાજી. ( એમને પિતા ક્યાં, શા માટે જાય છે એની સુધબૂધ નથી. )

અપૂ  ‘ ચિઠ્ઠી  ચિઠ્ઠી પોકારતો પોસ્ટકાર્ડ લઈ આવે છે અને રમત-રમતમાં મા તરફ ફેંકે છે. હરિહરનો પત્ર છે. હજી કમાણી થઈ નથી. આવતાં વાર લાગશે. 

બાળકો સૂતા છે. સર્વજયા જાગે છે. ચિંતિત. દીવો લઈ નેતરની પેટી ખોલે છે. અંદરથી થાળી-વાટકા કાઢે છે. ચુપચાપ ઘરનું બારણું ખોલી બહાર જાય છે. હવે બીજો કોઈ આરો નથી. થોડીક વારમાં વાસણ વેચી, ચોખા લઈ પરત આવે છે. 

દુર્ગાની સખી રાનૂના લગ્ન. દુલ્હનના શણગારમાં રાનૂ દુર્ગા સામે જૂએ છે. 

હરિહરને ગયે પાંચ મહિના થયા. પૈસા તો શું, પત્ર પણ નથી. ઘરની હાલત કરૂણ છે. નીલમણિની પત્ની થોડાક પૈસા આપી જાય છે. સર્વજયાનું સ્વમાન ઘવાય છે પણ શું કરે ! ફરી અપૂ ચિઠ્ઠી લાવે છે. ‘થોડીક કમાણી થઈ છે. હજી થોડાક દિવસ લાગશે .સર્વજયાને હાશકારો થાય છે. કાગળ તો આવ્યો !

મોસમના પહેલા વરસાદની એંધાણી. સમગ્ર સૃષ્ટિ ઉન્માદમાં. ( એમાં વળી પંડિત રવિશંકરની સિતારના છાયાનટી સુરો ચાર ચાંદ લગાવે છે. ) તળાવની સપાટી ઉપર તરતા કમલ-દલ અને નાના સજીવો ઉત્કંઠ છે છાંટણાને સત્કારવા. ઘરના ફળિયામાં કૂતરો અને બિલાડી ગેલ કરે છે. દુર્ગા મોટી લાગે છે. એ ફળિયામાં લીંપણ કરી તુલસી-પૂજાના સ્તોત્ર ઉચ્ચારે છે. ‘ મા મને આશિષ આપ. મારા ભરથાર સાથે સુખેથી રહું. ‘ પૂજા આટોપી તુરંત ભાઈ સંગે બહાર દોડે છે. લીલાછમ મેદાનમાં ભાઈ-બહેન. વરસાદ શરુ. અપૂ ભીંજાયેલ કપડે થરથરે છે. દુર્ગા ભીંજાયેલા લાંબા કેશ ઝાટકે છે. એ દોડતી આવી ઘટાદાર વૃક્ષની હેઠળ ભાઈને પોતાનો ભીનો સાડલો વીંટીને નજદીક ખેંચે છે. સૃષ્ટિ સમગ્ર ઝૂમે છે. દુર્ગા ગાય છે  ‘ વરસાદ, વરસાદ. જતો રહે. ‘ એને ઉપરાઉપરી છીંક આવે છે. 

દુર્ગા બિછાનાવશ. ડોક્ટર એને તપાસે છે. બાજુમાં બેઠેલા અપૂને પરિસ્થિતિની ગંભીરતા માલૂમ નથી. પડોશણનો પતિ નીલમણિ હરિહર હજી ક્યારે આવશે એ વિષે પૂછે છે. ડોક્ટર કહે છે ‘ સાબુદાણાની કાંજી આપો. પાણીના પોતાં કપાળે મૂકો. ‘ દુર્ગા અપૂને કહે છે  ‘ હું સાજી થાઉં પછી આપણે ફરી ટ્રેન જોવા જઈશું. આ વખતે નિરાંતે જોઈશું. બારી બહારથી મિઠાઈવાળો ચિનીબાસ પસાર થતો દેખાય છે.

અપૂ સુઈ ગયો છે. સર્વજયા ચિંતાતુર જાગતી દુર્ગાના માથે પાણીના પોતાં વારંવાર બદલે છે. દીવો (હજી !) સળગે છે. માને ઝોકાં આવે છે. બહાર વરસાદનું તોફાન ઘેરાય છે. પવનના સપાટાથી ઓરડાનું ખખડધજ બારણું ચરમરે છે. સર્વજયા વારાફરતી તૂટું-તૂટું થતા એ દરવાજા અને (એવી જ !) દીકરી તરફ જૂએ છે. રૂમનો ઓસરીવાળો ફાટ્યો-તૂટ્યો પડદો પણ બેહાલ છે. દુર્ગાનો જીવ મૂંઝાય છે. વાવાઝોડાના બિહામણા સુસવાટા. સર્વજયા ઊભી થાય છે. પડદાને ઠીક કરવાની કોશિશ કરે છે. દુર્ગા  ‘ મા  મા કરે છે. સર્વજયા લોખંડની મોટી પેટી મહામહેનતે ખસેડી બારણા આડી મૂકે છે. દુર્ગા હાથ ફેલાવે છે. મા એને છાતી-સરસી ચાંપે છે. પવનથી હલતી અને ક્વચિત વીજળીના ચમકારામાં ઝગમગી ઊઠતી ગણેશની મૂર્તિ નિ:સહાયપણે જોતી હોય એમ લાગે છે.

સવાર. અપૂ પડોશણને બોલાવવા જાય છે. ‘દીદીને ઠીક નથી. મા બોલાવે છે.’ ઘરની હાલત રાત ભર ચાલેલા તોફાનથી વેરવિખેર છે. બધું તૂટી-ફૂટી ગયું છે. સર્વજયા દીકરીનું માથું ખોળામાં લઈ પાષાણસમ બેઠી છે. પડોશણ પરિસ્થિતિ પામી જાય છે. એ દુર્ગાની નાડી જોઈને સમજી જાય છે કે બધું ખતમ થઈ ચૂક્યું છે.  એ અપૂને મોકલી પતિને તેડાવે છે. ‘દીદી સૂતી છે ?’ અપૂ નિર્દોષપણે પૂછે છે. સર્વજયાની વાચા હણાઈ ગઈ છે. પડોશણ સર્વજયાની સામે જઈ એનું માથું પોતાના ખભે ઢાળી દે છે. સિતાર પર તોડીના કરુણ સુરો રુદન કરે છે.

હવે અપૂને મૃત્યુનો થોડોઘણો અર્થ સમજાયો લાગે છે. એ ધ્વસ્ત ફળિયામાં તળાવેથી નહાઈને પોતડીભેર પ્રવેશે છે. પોતાનું માથું પોતે ઓળે છે. તૈયાર થઈ, ધોતી ઓઢી, પરસાળમાંથી ખાલી શીશો લઈ કેરોસીન લેવા બહાર નીકળે છે. પછી આકાશ ગોરંભાયેલું જોઈ, પરત ઘરમાં જઈ, લગભગ પોતાના કદની છત્રી લઈ પછી બહાર જાય છે. એ જાણે રાતોરાત પુખ્ત વયનો થઈ ગયો છે, બહેન જતાં ! એ લાંબી કેડીએ ગામ તરફ સાવ એકલો જતો હોય અને આપણને યાદ આવે મન્ના ડેનું પેલું ગીત  જીવન સે લંબે હૈં બંધૂ યે જીવન કે રસ્તે  

હરિહર દૂરથી ઘર તરફ આવતો દેખાય છે. એની અનુપસ્થિતિમાં ઘરમાં શું થઈ ગયું એની એને ક્યાં ખબર છે !  એ દૂરથી જ  ‘ અપૂ…દુર્ગા ‘ ની બૂમ પાડે છે. ઘરમાં પ્રવેશી તહસ-નહસ થઈ ગયેલા ફળિયાને આઘાતથી જૂએ છે. ઘરની હાલત પણ ખસ્તા છે. સર્વજયા પાછળથી પ્રવેશી  ‘ આવો ‘ કહે છે. બીજું કશું બોલતી નથી. પગ ધોવા માટે ચુપચાપ પાણી લાવી ઓસરીમાં મૂકે છે. હરિહર  ‘ તું કેમ છો ? બાળકો ક્યાં ? ‘ સર્વજયા શું બોલે ? કઈ રીતે બોલે ? ક્યાંથી શરુઆત કરે ? હરિહર પોટલીમાંથી, પોતે ઘર માટે લાવેલા પાટલો-વેલણ, લક્ષ્મીજીની મૂર્તિ કાઢી દેખાડે છે. સર્વજયાનું મોઢું દર્શકો સામે છે. પાછળ હરિહર. એ છેલ્લે પોટલામાંથી  ‘ આ દુર્ગા માટે સાડી ‘ કહી પત્નીને આપે છે અને સર્વજયા એ સાડીને મોઢે દબાવી ભાંગી પડે છે ! તાર-શહનાઈના કરુણ સ્વરો રેલાય છે જેમાં પતિ-પત્ની વચ્ચેનો એ પછીનો સંવાદ દબાઈ જાય છે પણ આપણને એ મૌનરૂપે સંભળાય છે. સર્વજયા ઢગલો થઈને પડે છે. હરિહર એની ઉપર માથું ઢાળી દે છે અને પછી એકાએક આકાશની છાતી ચિરાઈ જાય એવો ચિત્કાર કરે છે  ‘ દુર્ગા..દુર્ગા મા ‘  ( એક પછી એક મહાન દ્રષ્યો ! )

અપૂ બહારથી આવે છે. એ પિતા અને માને જૂએ છે અવાક્ ! એ સદૈવ પ્રેક્ષક છે.

હરિહર રાતે ખુલ્લી આંખે પથારીમાં. બાજુમાં અપૂ અને સર્વજયા. હરિહરને દૂરથી પસાર થતી ટ્રેનની વ્હીસલ સંભળાય છે. દીકરી !

સવાર.

હરિહરની પોથીઓ ઉધઈ ખાઈ ગઈ છે અથવા પલળી ગઈ છે. એ બને એટલી અલગ તારવે છે. બાકીની ફેંકી દે છે. એમણે ઘર ગામ છોડીને બનારસ જતા રહેવાનું નક્કી કરી લીધું છે. પડોશણ સર્વજયાને સામાન સમેટવામાં મદદ કરી રહી છે. સર્વજયા આભાર માને છે. પડોશણ કહે છે ‘ અમારાથી કશું થઈ શક્યું હોત તો તમે રોકાઈ ગયા હોત.બાજુના શ્રીમતી મુખર્જી પણ, વાવાઝોડામાં ખરી પડેલી કેરીઓની ટોપલી ભરીને આપવા આવે છે  ‘ કાલે જાઓ છો એમ ને ? હા, દરેકે ક્યારેક તો ઠેકાણું બદલવું જ જોઈએ. જૂઓ ને, એક જ જગાએ રહીને હું પોતે કેવી ચિડીયલ થઈ ગઈ છું !

હરિહરની હિજરતનું સાંભળી ગામના ચાર-પાંચ વડીલો આવે છે. ‘ તમે તો રાજક્ષેત્રના દીકરા ને તારકના પૌત્ર. પેઢીઓથી આ ગામમાં રહ્યા છો. જતાં પહેલાં વડીલોની સલાહ તો લેવીતી ! (દરમિયાન અપૂ ઘરમાંથી સામાન માથે ઉપાડી-ઉપાડીને બહાર મૂકતો જાય છે !)  ‘ઘર પડું-પડું થાય છે. સમું કરાવવાની ત્રેવડ નથી. કરજ પણ પૂરું ચૂકવી ન શક્યો. કોઈ મદદ કરે તો પણ ક્યાં લગી ? જૂની પોથીઓ ય ગઈ. છોકરાને ભણાવી ન શક્યો. દીકરી તો ગઈ ભગવાન પાસે. શહેરમાં જઈને કદાચ નસીબ બદલે.’ હરિહર.

અંતિમ મહાન દ્રષ્ય. અપૂ માળિયેથી વસ્તુઓ ઉતારે છે. એક વાટકો ઉપરથી પડે છે. એમાંથી પેલો મોતીનો હાર સરી પડે છે જે ચોરવાનો દુર્ગા પર આરોપ હતો. અપૂને બધું સમજાઈ જાય છે. આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરીને એ હાર ઉપાડે છે. બારીમાંથી કૂદી બહાર દોટ મૂકે છે. ગામના તળાવે પહોંચી એ હાર તળાવમાં ફેંકે છે. શેવાળવાળા પાણીમાં થોડીક જગ્યા થાય છે અને ધીમે-ધીમે પૂરાઈ જાય છે ! (દુર્ગા ભુલાઈ ગઈ તેમ !) અપૂ પાણીને જોતો રહે છે. આપણે હચમચી જઈએ છીએ ! અપૂએ મૃત બહેનને કોઈની – એના માબાપ સુદ્ધાંની – નજરમાં લજ્જિત થવા ન દીધી એ એક રીતે બહેન માટે એનું મૌન તર્પણ છે.

ફળિયાનો તુલસી-ક્યારો. ચકલીઓનો ચહચહાટ. ફળિયાના પથ્થરો નીચેથી એક સાપ સરકતો-સરકતો પરસાળમાં થઈ ખાલી થયેલા ઘરમાં પ્રવેશી જાય છે. ( હવે એ આ ભૂતિયા ઘરમાં રહેશે ! )

બળદગાડું. નીચે લટકતું ફાનસ. હરિહર, સર્વજયા, અપૂ અંદર બેઠા છે. એ લોકો ગામ છોડી, થોડોક સામાન અને થોકબંધ સ્મૃતિઓ સાથે લઈને જઈ રહ્યા છે. અપૂનો ચહેરો હંમેશ મૂજબ નિર્વિકાર છે :

કૈસે રસ્તોં સે ચલે ઔર કિસ જગહ પહુચેંગે હમ
રાસ્તોં ! તુમને હમેં ઈતના દિયા કે ક્યા કહેં ..

_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_* _*_*_*_

અપૂની કહાણી આ પછી પણ ચાલુ રહે છે રાયની ફિલ્મો અપરાજિતો (૧૯૫૬) અને અપૂર સંસાર (૧૯૫૯) માં. એ બન્ને અનુક્રમે અપૂની કિશોરાવસ્થા અને યુવાનીની વાત કરે છે અને મૂળ મહાનવલ પથેર પાંચાલીના જ અંશો છે. એક વિવેચકે તો ત્યાં સુધી કહ્યું છે કે રાયની આ અપૂ-ત્રયી સિવાયની ફિલ્મો પણ એક યા બીજી રીતે અપૂની જ કથની છે જે રાયની અંતિમ ફિલ્મ  આગંતુક (૧૯૯૨) માં વૃદ્ધ થયેલા અપૂ યાને મનમોહન મિત્રાના પાત્ર દ્વારા સમાપ્ત થાય છે. આપણે એ ફિલ્મ આ લેખમાળાના પ્રારંભે જ ચર્ચી. રાય સ્વયં પણ  આગંતુકપૂરી કરીને તુરંત અવસાન પામ્યા . 

આ શ્રેણીના વાચકોને વિનમ્ર તાકીદ કે માત્ર આ ફિલ્મ પથેર પાંચાલી વિષે માત્ર વાંચીને ઇતિ ન માની, લેખના અંતે આપેલી ફિલ્મની લિંકમાં પ્રવેશી ફિલ્મ પણ જરૂર જોશો. એ ફિલ્મમાંથી પસાર થવું  એ એક અનેરો, અલૌકિક, અવર્ણનીય અને પાવક અનુભવ છે ! ( અને એ પહેલાં કે પછી એ પુસ્તકનો હિંદી, અંગ્રેજી કે ગુજરાતી અનુવાદ પણ વાંચો તો તો અહો ! અહો ! ) એ આપણી જ વાત છે એટલે !

પોતે પંચાવન વાર જોયેલી ફિલ્મ  ‘ બાઇસિકલ થીવ્ઝ થી પ્રેરિત થઈને સત્યજિત રાય ફિલ્મોમાં આવ્યા અને પથેર પાંચાલીથી આદરેલી અને આગંતુક થી પૂર્ણ થયેલી સફર એ એક અનોખો ઈતિહાસ છે અને આપણું ભાવકોનું સૌભાગ્ય પણ ! પથેર પાંચાલી પૂરા ત્રણ વર્ષ નિર્માણાધીન રહી. એ બનાવવા માટે રાયે પોતાની વીમા પોલિસીઓ ગિરો મૂકી, પુસ્તકોનો ખજાનો, સંગીતની રેકર્ડો અને પત્નીના ઘરેણા વેંચ્યા અને છેવટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથેના એમના સંબંધોનો સહારો લઈને આ ફિલ્મ પૂરી કરવા લોન લીધી. એમ પણ કહેવાય છે કે ફિલ્મ આગળ વધારવા અભિનેતા – ગાયક કિશોર કુમારે એમને પાંચ હજારની મદદ કરેલી !

અભિનેત્રી નરગિસે આ ફિલ્મ ‘ ભારતની ગરીબીનું વ્યાપારીકરણ કરીને વિદેશોમાં ભારતનું ગૌરવ-હનન કરશે એવી દલીલ કરીને સંસદમાં ફિલ્મનો પ્રખર વિરોધ કર્યો હતો !

ફિલ્મમાં અપૂ (આખું નામ : અપૂર્વ રાય) ની ભૂમિકા માટે રાયે છાપામાં પાંચથી સાત વર્ષના યોગ્ય છોકરા માટે જાહેરાત આપેલી. કોઈ યોગ્ય છોકરો મળ્યો નહીં અને એક દિવસ અચાનક એમના પત્ની બિજોયાને પોતાના પડોશની અગાશીમાં રમતો આ સુબીર બેનર્જી જડી ગયો ! એની આ એકમાત્ર ફિલ્મ ! આ સુબીર બેનર્જીના જીવન ઉપરથી એક ઉત્તમ ફિલ્મ નામે ‘અપૂર પાંચાલીકૌશિક ગાંગૂલીએ બનાવી છે.

મોટી થયેલી દુર્ગાનું પાત્ર ભજવતી ઉમા દાસગુપ્તાની પણ આ પહેલી અને છેલ્લી ફિલ્મ ! કાનુ બેનર્જી (હરિહર) એ પહેલાં અને પછી પણ ખાસ્સી ફિલ્મોમાં આવ્યા જ્યારે કરુણા બેનર્જી (સર્વજયા)ની આ પહેલી ફિલ્મ પછી પણ એ રાયની અપરાજિતો, દેવી અને કાંચનજંઘામાં દેખાયા.

અને ઈંદીર ઠકરુન ( પિશી, કાકી, ફોઈ)નું પાત્ર ભજવતા એંસી વર્ષીય ચૂનીબાલા દેવી વિષે તો કહેવું જ શું ? એમનો સમયનો માર ખાધેલો ચહેરો અને આંખો ફિલ્મમાંથી બહાર નીકળ્યા બાદ પણ આપણો પીછો કરે છે. ફિલ્મના નિર્માણ દરમિયાન પારાવાર વિટંબણાઓ ભોગવતા રાયની એક બીક એ હતી કે આ વયોવૃદ્ધ અભિનેત્રી ક્યાંક ફિલ્મ દરમિયાન ‘ જતા ન રહે ! એવું તો થયું નહીં પરંતુ ફિલ્મ પૂરી થયા બાદ એ તુરત અવસાન પામેલા. એમણે એ પહેલાં કેટલીક મૂંગી ફિલ્મો અને નાટકોમાં કામ કરેલું. 

પંડિત રવિશંકરનું અદ્ભુત સંગીત ફિલ્મમાં અલગ-અલગ તબક્કે અલગ-અલગ રાગોનો ઉપયોગ કરે છે. માત્ર સિતાર, વાંસળી, વાયલીન અને તાર-શહનાઈ સંગાથે. ક્યારેક મૃદંગના સથવારે. દેશ, પટદીપ, તોડી અને છાયાનટ રાગો વપરાયા છે. એમણે સમગ્ર ફિલ્મનું સંગીત કેવળ અગિયાર કલાકમાં તૈયાર કરેલું. એમણે આ ઉપરાંત પણ રાયની પછીની ફિલ્મો અપરાજિતો, અપૂર સંસાર અને પારશ પથ્થર માટે પણ સંગીત પીરસેલું. 

ફિલ્મના સિનેમાટોગ્રાફર સુબ્રત મિત્રાએ આ ફિલ્મ પહેલાં ક્યારેય મુવી કેમેરા પકડ્યો નહોતો ! એ આ પછી પણ વર્ષો સુધી રાય સાથે રહ્યા. એમણે આ ફિલ્મમાં સિતારવાદન  ઉપર પણ હાથ અજમાવેલો ! ફિલ્મના સહાયક કેમેરામેન સૌમેન્દુ રોય પછીથી રાયના મુખ્ય કેમેરામેન બન્યા. 

કમાલ એ છે કે ભારતીય – બંગાળી ગ્રામજીવનને આટલી આબેહૂબ રીતે પ્રસ્તૂત કરતી ફિલ્મ બનાવનાર રાય પોતે લગભગ આજીવન મહાનગર કલકતામાં રહેલા ! એમના બધા કલાકારો પણ ત્યાંના હતા. 

ફિલ્મમાં કેટલાય પ્રસંગો એવા છે જેમાં પરંપરાગત રીતે કશું ‘ ઘટિત થતું નથી. છે તો બસ જીવનની રોજિંદી ઘટનાઓ, ઋતુ – પરિવર્તન, દિવસના પ્રહરોની ઘટમાળ.  ( સુબહ હોતી હૈ શામ હોતી હૈ, ઉમ્ર યૂં હી તમામ હોતી હૈ ! ) જીવનમાં પણ એમ જ હોય ને ! ફિલ્મ માટે રાયે મૂળ નવલકથામાંથી પસંદ કરેલા ચુનંદા પ્રસંગો – અપ્રસંગોની ખૂબી એ છે કે એક પૂરી થતી ઘટનાના પાયા ઉપર એ પછીના પ્રસંગનું ચણતર થાય છે ! 

ફિલ્મમાં જે કંઈ બને છે એ સર્વજયા અથવા દુર્ગાની નજરે કહેવાયું છે. નાયક અપૂ અંત સુધી સાક્ષી-માત્ર છે, ભાગીદાર નહીં. છેવટના નાનકડા હિસ્સાને બાદ કરતાં એને મા કે બહેનની છાયામાં દેખાડાયો છે. એક એ જ છે જે પૂર્ણત: નિર્દોષ છે ! 

બન્ને ભાઈ-બહેનનો સંબંધ ફિલ્મનો પ્રાણ છે. રાયનો કેમેરા એમની નોકઝોંક, રમતો, સંતાકૂકડી, ઝઘડા, મિઠાઈવાળા પાછળની દોડ એ બધાંને અદ્ભુત રીતે ઝીલે છે. આમેય એમની ચકોર નજર, ફિલ્મમાં જે દેખાડવું સૌથી જરૂરી હોય ત્યાં જ હોય છે અને જે કોણથી હોવી ઘટે એ રીતે જ ! એ નિરંતર દર્શકને ઘટનાના કેંદ્રમાં રાખે છે. 

ફિલ્મ છેલ્લે એટલા માટે ઉદાસ કરી મૂકે છે કે અપૂને એની વિસ્મયની દુનિયા છોડીને ગૂંચવાડાભરી મોટેરાની દુનિયામાં અકાળે પ્રવેશવું પડે છે ! એક એવી દુનિયા જે એના પિતાને પણ માફક આવી નહોતી ! એ જ આત્મ-સાક્ષાત્કાર છે ! 

ફિલ્મના રસદર્શન દરમિયાન વર્ણવ્યા એ દરેક દ્રષ્યો જાણે સ્વતંત્ર કલાકૃતિઓ છે ( અપૂની પહેલી વાર ઉઘડતી આંખથી માંડીને એ બહેને ચોરેલા હારને છાનોમાનો તળાવમાં ફેંકી આવે છે ત્યાં સુધી ) પણ એક દ્રષ્ય તરફ ફરી ધ્યાન દોરવું જ રહ્યું . નણંદ ઈંદીર રાજૂને ત્યાંથી પાછી આવે છે. એ વિનંતી કરે છે કે એ માંદી છે એટલે જિંદગીના છેલ્લા થોડાક દિવસો સર્વજયા એને પોતાના બાપદાદાના આ ઘરમાં રહેવા દે ! સર્વજયા એમને પાછા કાઢવા મક્કમ છે. ઈંદીર પાણી માંગે છે અને સર્વજયા માટલાનું ઢાંકણું ખોલે છે ત્યારે ઈંદીરને એવી આશા જન્મે છે કે એને પાછી સ્વીકારી લેવામાં આવશે. એ ઘડીકવાર માટે પોતાનું જૂનું અને જાણીતું બોખું સ્મિત રેલાવે છે પણ પ્રતિસાદ ન મળતાં એ સ્મિત તુરંત વિલાઈ જાય છે ! એ થોડુંક પાણી પીને એ પછી, જાણે ‘ પોતાના ‘ આ ઘરમાં એની છેલ્લી થોડીક ક્ષણો વિતાવતી હોય અને પોતે હજી પણ આ ઘરની એક અગત્યની સદસ્ય હોય તેમ બચેલું પાણી બાજુમાં તડકાથી શેકાતા છોડમાં રેડી દે છે ! કોઈ લાગણીવેડા નથી આ દ્રષ્યમાં . ઈંદીર જ્યારે ઘરનું આંગણું છોડીને બહાર વગડામાં મરી જવા માટે નીકળે છે ત્યારે એ વિશ્વ-સિનેમાની હચમચાવી મૂકનારી હૃદયવિદારક ક્ષણ બની રહે છે ! 

તાજેતરમાં ફિલ્મની રંગીન આવૃત્તિ બજારમાં આવી છે. એનો મોટા પ્રમાણમાં વિરોધ રાયના પુત્ર સંદીપ રાય અને દર્શક સમુદાય દ્વારા થયો છે. સર્જક જાતે જે સ્વરૂપમાં એની ફિલ્મ જોવામાં આવે એવી એની અબાધિત ઇચ્છાનો ભંગ થાય છે એ કારણસર.

વિશ્વની કોઈ પણ સંસ્થા કોઈ પણ ખૂણે સર્વકાલીન મહાન ફિલ્મોની યાદી બનાવે ત્યારે એમાં પથેર પાંચાલી હોય, હોય અને હોય જ.

જ્યાં સુધી ફિલ્મનું માધ્યમ રહેશે, જ્યાં સુધી લોકો ફિલ્મો જોશે, પથેર પાંચાલી હમેશાં આ યાદીમાં રહેશે અને આપણને એ વાતની યાદ અપાવતી રહેશે કે ફિલ્મ બનાવવા માટે ભલે પૈસા જરૂરી હોય, સાથે-સાથે માનવીય પ્રકૃતિની ઊંડી અને આદરપૂર્ણ સમજ હોય તો જ આવી મહાન કૃતિ સર્જાઈ શકે…


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

8 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૫ – પથેર પાંચાલી

 1. પહેલાં જમીનદારી અને પછી લગભગ એ જ પ્રથા પર ચાલતી અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન બંગાળમાં ખેડૂતની દશા કેટલી બધી દારૂણ હતી તે તે સમયનાં બગાળી સાહિત્યમાં બહુ વ્યાપકપણે પ્રતિબિંબીત થાય છે.

  ઔદ્યોગિક વિકાસની સાથે સાથે એવી જ પરિસ્થિતિ મજદૂરોની પણ રહી, જે પણ જે તે સમયનાં સાહિત્યમાં પણ ઝલકતી રહી.

  જે સમયમાં ભદ્ર વર્ગ નાટ્ય કળામાં અમુક હદે ધાર્મિક વિષયો અને ઘણે અંશે કાલ્પનિક રોમાંસના વિષયને જોવાનું પસંદ કરતો , એ સમયમાં સમાજની આવી કરૂણ અસમાનતાને કેન્દ્રમાં રાખતાં સાહિત્ય પરથી બનેલી ફિલ્મોમાં સમાજની આ દશા ઝીલાઈ છે તે માટે તે સમયના બંગાળી સિને જગતના સત્યજિત રાય જેવા સંવેદનશીલ સર્જકોની સૂઝ અને હિંમતને દાદ દેવી ઘટે.

  જોકે સત્યજિત રાયના પક્ષે એટલું જરૂર કહી શકાય તેમની જે ફિલ્મોમાં સમાજ આ સ્થિતિ પાર્શ્વભૂમિકામાં હતી, તેમાં તેમણે ફિલ્મકળાનાં અન્ય અંગોને યથોચિતપણે ઉજાગર કરવાની વિશેષ સંભાળ લીધી છે.

  ફિલ્મનાં કથાવસ્તુની પાર્શ્વભૂમિકાને પુરેપુરો ન્યાય અપાતો રહે અને તેમ છતાં દરેક ફિલ્મ સત્યજિત રાયનું આગવું સર્જન બની રહે તેમ આ લેખમાળામાં રજૂ થયેલ બધી જ ફિલ્મો માટે કહી શકાય તેમ છે.

  1. વિશદ છણાવટ બદલ આભાર !
   રાયની લગભગ બધી જ ફિલ્મો લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યઈક કૃતિઓ ઉપરથી બની છે અને આનંદની વાત એ કે એમણે એ રચનાઓમાં મોટા ફેરફારો કર્યા હોવા છતાં એકંદરે એ કૃતિના મૂલ્યમાં અભિવૃદ્ધિ જ કરી છે..

 2. મહાન.સર્જક ની આ મહાન ફિલ્મ વિશેનું શ્રી થાવરાણી જી નું અદભૂત વિશ્લેષણ ખૂબ હ્ર્દય
  વિદારક રહ્યું .. ગ્રામીણ જીવન પૃષ્ઠભૂમિ માં દારુણ ગરીબી નો ચિતાર , તેમાં પ્રસંગો રડાવે તેવા, સાથે આશાવાદ નો સંદેશ સમાયેલો હોવા છતાં હેયું ભરાયેલું j રહ્યું…. લેખ માળાનો શિરમોર સંવેદનાસભર લેખ… અભિનદન સાહેબ…

  1. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ, સળંગ સાથે રહ્યા બદલ !

 3. What a tribute to Satyjit Ray’s first film.👍 I remembered the movie shot of Apu and Durga running to see the train…
  Thank you for in-depth review.👏👏.
  Keep writing..

 4. અદભૂત કથા, હૃદયના તાર ઝણઝણાવી દે એવી, એની સાથે વાંચક વહેવા લાગે એ રસાસ્વાદની સફળતાનો પુરાવો છે. ભગવાનભાઇએ સત્યજીત રાયના કસબનો એટલો સ – રસ અનુભવ કરાવ્યો છે કે વાચક ફિલ્મ જોવા મજબૂત થઈ જાય.
  ફિલ્મ સાથે સંગીતમાં ઊંડો રસ ધરાવનારા માટે એક થોડી લાંબી પણ રસપ્રદ વાત.
  રવિશંકર જેવા દિગ્ગજના સંગીતનો સ્પર્શ સંગીતપ્રેમીઓને અપીલ કરી જાય એ સ્વાભાવિક છે પણ જે રીતે એનું શેડયુલ ગોઠવાયું એ ક્યાંક થોડે અંશે રાયની ઈચ્છા મુજબનું ન હતું. રવિશંકર બે દિવસ માટે જ કલકત્તા આવ્યા એમાં એક સાંજ તો જાહેર કાર્યક્રમ માટે હતી. એમને માત્ર ભારતીય વાદ્યોની માગણી કરી હતી. રાયે બંસરીવાદક આલોક ડે નો સંપર્ક કર્યો અને એમણે જ અન્ય વાદ્ય કારોની વ્યવસ્થા કરી આપી. રાય ને રવિશંકરે કહ્યું, “મને તમારી ફિલ્મનો સંગીતિક ખ્યાલ આવ્યો છે”. તેઓ એક ધુન ગણગણ્યા. રાય છક્ક થઈ ગયા, એ અત્યંત સુંદર અને ફિલ્મને યોગ્ય ધુન હતી. પોતે જે પદ્ધતિ ઉપયોગમાં લેશે એ પણ એમણે કહ્યું. રાય કહે છે કે મને ખ્યાલ હતો કે એ બિન પારંપરિક હશે, તેઓ virtuoso હતા, એમને એક સિસ્ટમ સાથે બાંધવાનું યોગ્ય ન હતું.બપોર પછી ફિલ્મનું સ્ક્રીનીંગ રાખ્યું. બીજા દિવસે એમનો જાહેર કાર્યક્રમ હતો એટલે એમને જે કરવું હોય તે આ દિવસે જ કરવું પડે. આલોક ડે તેના વાદકો અને વાદ્યો – રવિશંકર પોતે વગાડવાના હતા તે સિતાર, તાર શહેનાઇ, એક તંતુ વાદ્ય ચમાંગ અને તાલ વાદ્ય. રાયના મનમાં હરિહર પછી આવે છે એ મહત્વના સીન માટે હૈયાફાટ રુદનની બદલે તાર શહેનાઈનો ઉપયોગ વિચારેલ. રવિશંકર પાસે પૂરી ફિલ્મ જોવા માટે સમય ન હતી. રાયે પોતાની આંતરસૂઝ થી માર્ગદર્શન આપવાનું હતું. છએક અગત્યના સ્થાનમાં સંગીત અનિવાર્યપણે જરૂરી હતું, બાકીના માટે ત્રણ મિનિટના વિભિન્ન ટેમ્પો અને મૂડના સિતારના ટુકડાઓ રેકોર્ડ થાય જે editing વખતે યોગ્ય રીતે રાય યોજી શકે. ઉતાવળે લખેલાં નોટેશન સાથે રેકોર્ડિંગ કરતાં ૧૧ કલાક થયા. ઓછા સમયને કારણે મીઠાઈ વેચનારનાં સીન માટે સંગીત રચવાનું શક્ય ન બન્યું. એ કામ કેમેરામેન સુબ્રત મિત્રએ કર્યું. પરિણામે એક વાર વિચિત્ર પરિસ્થિતિ થઈ. રવિશંકરને ૧૯૫૮માં અમેરિકામાં એક કાર્યક્રમમાં આ ફિલ્મના એ કેન્ડી મેન મ્યુઝિકની ફરમયાશ કરવામાં આવી. એમને ફિલ્મ જોઈ ન હતી એટલે એમ કહી દીધું કે મને એ યાદ નથી.

  1. વિસ્તારપૂર્વક પ્રતિભાવ બદલ આભાર !
   પંડિત રવિશંકરના સંગીત અને એની વિગતો ફિલ્મ અંગેના સંશોધન વખતે મેં પણ વાંચી હતી. આપે એને શબ્દોમાં મૂકી આપી તે સરસ થયું. મેં એ તો વાંચ્યું હતું કે સુબ્રતો મિત્રાએ ફિલ્મ માટે સિતારવાદન કરેલું પણ શા કારણે અને કયા દ્રશ્યમાં એ આપ કહો છો ત્યારે ખબર પડી. એ મીઠાઈવાળા – ચીનીબાસનો પ્રસંગ હજી પણ યાદ આવે છે ત્યારે ભીતરે ઘણું બધું સળવળી ઊઠે છે !

   એટલે તો હજી પણ એ વાતને વળગી રહું છું કે એ સમગ્ર અલૌકિક સફરનો મોટા ભાગનો આનંદ મૅ સ્વયં માણ્યો છે, વાચકોના ભાગે જે વધ્યું-ઘટ્યું આવ્યું હોય તે !

   ફરી આભાર !

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published.