મંજૂષા – ૪૪. દરેક બાળક કળાકાર હોય છે

વીનેશ અંતાણી

એક જ્ઞાતિના સામયિક દ્વારા બાળકો માટે નિબંધસ્પર્ધા યોજવામાં આવી હતી. ઉદ્દેશ હતો બાળકોની કલ્પનાશક્તિનો વિકાસ કરવો. વિષય આપ્યો હતો, “મને કેવી દુનિયા ગમે?” મોટા ભાગના બાળકોએ ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિન્ગ, સાફસૂથરા રસ્તા, ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણ, પ્રાણીઓ તરફ અમાનવીય વર્તન જેવા બાળકો માટે પ્રમાણમાં ભારેખમ કહેવાય એવા વિષયો વિશે લખ્યું હતું. એક બાળકે રાજકારણમાં ભ્રષ્ટાચાર વિશે લખ્યું હતું. શક્ય છે કે એ નિબંધોના વિષય બાળકોએ પસંદ કર્યા ન હોય, પરંતુ એમનાં માતાપિતા કે ઘર – શાળાની વયસ્ક વ્યક્તિઓએ નક્કી કર્યા હોય. લખાણ પણ વડીલોએ લખી આપ્યું હોય તો નવાઈની વાત નથી. અથવા બાળકોએ ઈન્ટરનેટ પરથી શોધીને નિબંધ લખ્યા હોય. મોટા ભાગના નિબંધોમાં ભારેખમ ભાષા, સળગતા પ્રશ્ર્નો વિશે મોટી વયના લોકો જેવી ચિંતા અને એ વિષયને લગતાં મહાનુભાવોનાં અવતરણોની ભરમાર હતી.

      પ્રશ્ર્ન બાળકો પોતાની રીતે શું વિચારે છે એનો છે. એમની વય દુનિયાને મૂંઝવતી ગંભીર સ્મસ્યાઓ વિશે વિચારવાની નથી. બાળકોએ તો એમની કલ્પનાની સૃષ્ટિમાં વિહરવાનું હોય. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને છાપાં વાંચવાની ટેવ પડે તે માટે રોજ એક છાપું આપે છે. એવાં છાપાં પર અછડતી નજર નાખીએ ત્યારે પણ વયસ્કો માટેનાં અખબાર અને ખાસ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવતી આવૃત્તિ વચ્ચે ઝાઝો તફાવત જોવા મળતો નથી. બાળકોએ એમની વયે બુદ્ધિથી વિચાર કરવાને બદલે કલ્પનાજગતમાં જીવવાનું હોય. એમને કેવી દુનિયામાં રહેવું ગમે એનો જવાબ કદાચ અલ્લાદ્દીનના જાદુઈ ચિરાગમાં હોય, ઊડતી શેતરંજીમાં હોય, વધારે કલ્પનાશીલ બાળક પોતાનો જન્મદિવસ ચન્દ્ર પર ઊજવવાનું પસંદ કરે. એક બાળકે શિક્ષણની સમસ્યાઓ વિશે લખતાં કલ્પના કરી હતી કે એની પાસે એક એવો સુપરમેન હોય, જે એના વતી સ્કૂલનું હોમવર્ક કરી આપે અને એને જોઈતી બધી જ ચોકલેટ ક્ષણવારમાં એના માટે હાજર કરે.

      માહિતીનો ધોધ વહેવડાવતાં સાધનો, કમ્પ્યૂટરનો ઉપયોગ, બાળકો માટેની ટીવી-ચેનલો પરથી પ્રસારિત થતી સિરિયલ વગેરેમાં રચ્યાંપચ્યાં રહેતાં આજનાં બાળકોની વિચારવાની દિશા જ બદલાઈ ગઈ છે. કેટલાય વયસ્કો હજી સેલ ફોનના ટચ સ્ક્રીનનો ઉપયોગ કરતાં જાણતાં નથી, જ્યારે અઢી-ત્રણ વરસનાં બાળકો કુશળતાથી સ્માર્ટ ફોન પર આંગળી ફેરવતાં એમને જોઈતા ફોટા, વિડિયો ને ગીતો શોધી લે છે. આજના બાળકની આ સ્માર્ટનેસ છે, પરંતુ એ એમની ઉંમરની સરખામણીમાં હજી બહુ વહેલી છે. થોડા સમય પહેલાં અમેરિકામાં થયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ત્યાંનાં મોટા ભાગનાં બાળકો હવે પરંપરાગત રમકડાંથી રમતાં નથી, સેલ ફોનથી રમે છે, કમ્પ્યૂટર ગેમ્સ રમે છે. ભારત જેવા દેશોમાં પણ સ્થિતિ બહુ જુદી નથી.

 આજનું બાળક બાળપણની સ્વાભાવિક પ્રવૃત્તિઓથી દૂર જઈ રહ્યું છે. બાળકોને રસ પડે એવી કેટલી વાર્તાઓ મળે છે? આપણે મોટી ઉંમરના લોકોને પણ અઘરા પડે એવા વિષયો બાળકો માટેનાં લખાણ તરીકે એમની સામે ધરી દઈએ છીએ. મને યાદ છે, ઘણાં વરસો પહેલાં આકાશવાણીના બાળકો માટેના કાર્યક્રમમાં “આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ” વિષય પર વાર્તાલાપ પ્રસારિત થયો હતો. એ વખતે બાળકોના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવતું. વેકેશન હોય ત્યારે સાઠ-સિત્તેર જેટલાં બાળકો સ્ટુડિયોમાં હાજર રહેતાં. મજાક ચાલી હતી, ‘સાપેક્ષવાદ’નો વાર્તાલાપ સાંભળીને સ્ટુડિયોમાંથી બહાર નીકળેલા છ-સાત-આઠ વરસના દરેક બાળકને લાંબી સફેદ દાઢી ઊગી આવી હતી.

 ભય લાગે છે, બાળકો પોતાની રીતે વિચારવાનું બંધ કરી દેશે? સ્કૂલમાં જુદાજુદા પ્રોજૅક્ટ આપવામાં આવે છે. ઉદ્દેશ હોય છે, બાળકો ક્લાસમાં શીખવાતા વિષયો પર સ્વતંત્ર રીતે કામ કરે. બને છે શું? બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરીને પ્રોજૅક્ટ તૈયાર કરી નાખે છે. ક્યારેક વર્ગશિક્ષકો પણ પ્રોજૅક્ટ માટે વેબ-સાઈટની માહિતી આપે છે. પૂછીએ તો કહે છે, બીજું કંઈ નહીં તો એમને કમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં તો આવડી જશે. તેઓ ભૂલી જાય છે કે સમાજવિદ્યા, ભાષા કે વિજ્ઞાનને લગતા પ્રોજૅક્ટ બાળકોને કમ્પ્યૂટર શીખવા માટે આપવામાં આવતા નથી.

 સર્જનાત્મક પ્રવૃત્તિથી બાળમાનસનો વિકાસ થાય છે, બાળકને એના વિચારો અને ભાવો વ્યક્ત કરવામાં મદદ મળે છે, કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. બાળનિષ્ણાત લિન્ડા પીઅરસને ક્હ્યું છે: “સર્જનાત્મક પ્રવૃત્તિનો અર્થ માત્ર કશુંક લખવું, કશુંક બનાવવું કે કોઈ ચિત્ર બનાવવા જેવો જ થતો નથી. કલ્પનાશીલ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેતા બાળકને નવા વિચારો આવે છે, એ જુદી રીતે અર્થઘટન કરી શકે છે અને રમત રમતમાં જ નિર્ણય લેવાની આવડત કેળવાય છે. બાળક જે કરી રહ્યું હોય એ દરમિયાન ચાલતી પ્રક્રિયા મહત્ત્વની હોય છે.”

મહાન ચિત્રકાર પિકાસોએ કહ્યું હતું: “દરેક બાળક કળાકાર હોય છે, સમસ્યા મોટા થયા પછી પણ કળાકાર રહેવાની છે.” બાળક હોવું એટલે કળાકાર હોવું અને કળાકાર હોવું એટલે બાળસહજ રહેવું. બાળકોએ બાળપણમાં ઊઠતા પ્રશ્ર્નોને બાળકની જેમ હલ કરવાના હોય, વયસ્કની જેમ દુનિયાની સમસ્યાઓને નહીં.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

2 thoughts on “મંજૂષા – ૪૪. દરેક બાળક કળાકાર હોય છે

  1. સર્જનાત્મક પ્રવૃત્તિથી બાળમાનસનો વિકાસ થાય છે,

    સાચું કહું ? અલબત્ત – મને લાગેલું સાચું ! ….

    આ વાત માત્ર બાળકો પૂરતી જ મર્યાદિત નથી. આપણને સૌને માટે પણ એ એટલી જ સાચી છે. ગમતાંનો ગુલાલ કરવાના અતિરેકમાં ….

    પીરસણિયા લાખો બની ગયા છે . પણ જાતે બનાવેલ લુખા સૂકા રોટલાની મજા અદૃશ્ય બની ગઈ છે.

    અરણ્ય રૂદન …

  2. ખરેખર બાળકોની હાલની કેળવણી અને ઈન્ટરનેટની વપરાશ ચિંતા જનક છે. સમયજ બતાવશે આનું પરિણામ શું આવશે. આ સમયમાં પણ ઘણા બાળકોના મોટેરા કરે એવી સફળતા ના કિસ્સા વાંચવા મળે છે, એટલે આશા પણ રાખી શકાય કે જે થશે તે.સારું થશે.

Leave a Reply

Your email address will not be published.