અરે! વાહ વાહ વાહ!!! – કિશોર કુમારે ગાયેલાં સલીલ ચૌધરીનાં ગીતો [૨]

મૌલિકા દેરાસરી

કિશોરકુમારના સલિલ ચૌધરી દ્વારા સંગીતબદ્ધ ગીતની સફર કરી રહ્યા છીએ આપણે.

આગળ વાત કરી એમ સલિલ ચૌધરીનો કિશોરકુમારની ગાયકી વિશે બહુ ઊંચો અભિપ્રાય ન હતો. પણ કિશોરકુમાર સાથે કામ કર્યા પછી તેઓ પોતાનું મંતવ્ય બદલવા મજબૂર થયા.

એક લેખમાં સલિલ ચૌધરીએ કહ્યું હતું કે, “કિશોરકુમારના અવાજે નિસ્સંદેહ રવિન્દ્ર સંગીતને એક નવો જ આયામ આપ્યો છે.

હેમંતકુમાર અને સમરેશ રે પાસે આ વિષયનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરવાની કિશોરદાની ઉત્સુકતા કાબિલે તારીફ છે.”

હા.. કિશોરકુમાર ત્યારે હેમંતકુમાર અને સમરેશ રે પાસે રવિન્દ્ર સંગીતની તાલિમ લેતા હતા. એ વખતે તેમણે પોતાના દસ બાર રેકોર્ડિંગ પણ કેન્સલ કરી દીધા હતા. સંગીત શિક્ષા પ્રાપ્તિ વખતે કંઈ કરતા કંઈ બાધક ન બનવું જોઈએ એમ કિશોરદા માનતા. રવિન્દ્ર સંગીતના વિમોચન બાદ કિશોરકુમારની ઈચ્છા નઝરૂલ ગીતી ગાવાની હતી. લગભગ ૧૨ જેટલા ગીત રેકોર્ડ થવાના હતા. પણ નઝરૂલ ગીતી આપણી સમક્ષ આવે એ પહેલા જ કિશોરકુમાર આપણી નજરોથી દૂર થઈ ગયા. કિશોરકુમારની ખ્વાહિશ તો અધૂરી રહી જ ગઈ. સાથે સાથે શ્રોતાઓની પણ તેમને સાંભળવાની ઈચ્છાઓ અધૂરી રાખીને કિશોરદા ચાલ્યા ગયા. સંગીત પ્રત્યે સંપૂર્ણ સમર્પિત કિશોરકુમારનું આ રૂપ સલિલ ચૌધરીએ જોયું હતું.

અને એટલે જ બર્તમાનના એ લેખમાં સલિલદા અફસોસ વ્યક્ત કરતા કહે છે કે,

“કિશોરકુમાર જલ્દી ચાલ્યા ના ગયા હોત, તો આપણે તેમને નઝરૂલ ગીતી ગાતાં સાંભળી શક્યા હોત.”

ખેર… જે નથી મળ્યું એ તો નહીં જ મળવાનું હોય પણ જે મળ્યું છે એને તો વધાવીએ.

તો સફરમાં હવે વાત કરીએ એ ફિલ્મની, જેને કારણે સલિલ ચૌધરી પોતાનું મંતવ્ય બદલવા મજબૂર થયા.

વર્ષ હતું ૧૯૭૧નું. ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ ‘ મેરે અપને ‘ રિલીઝ થઈ. કિશોરકુમારના અવાજમાં ફિલ્મનું ગીત હતું -‘ કોઈ હોતા જિસકો અપના ‘. આ ગીત સાંભળીને આખરે સલિલદાએ કિશોરકુમારની ગાયકીની સરાહના કરી.

કિશોરકુમારના અવાજમાંથી ટપકતું દર્દ પણ કદાચ સલિલદાએ મહેસુસ કરી લીધું હશે. તમે પણ ડૂબી શકશો આ ગીતમાં.

હાલચાલ ઠીકઠાક હૈ

આ હું નથી કહેતી, પણ ગીત કહે છે. જી હાં, મેરે અપને ફિલ્મનું આ ગીત છે.

એ પછી ૧૯૭૨માં આવી ફિલ્મ અન્નદાતા.

આ ફિલ્મમાં પણ કર્ણપ્રિય ગીત અને સંગીત સાંભળવા મળ્યા.

એક મજાનું ગીત એટલે – ગુઝર જાયે દિન, કિસી કી હાય યાદો મેં. કિશોરકુમારના અવાજની નવી ઉંચાઈઓ સાંભળવા મળે છે આ ગીતમાં. ઉપરાંત ગીતનું ફિલ્માંકન પણ જોવું ગમે એવું છે. એક હરિયાળું ગામ, જંગલ, નદી, કૂવો, ખેતર,  પર સવારી અને હવામાં વહેતો પ્રેમ… ત્યાં સદેહે ભલે ના હોઈએ પણ આંખોને  શુદ્ધ ઑક્સિજન મળતો હોય એવું લાગે છે.

ઓ મેરી પ્રાણ સજની, ચંપાવતી તું આજા… કિશોરકુમાર અને સવિતા ચૌધરીના અવાજમાં છે આ ગીત. ગીતનું ફિલ્માંકન એક ગામના સ્થાનિક લોકો પર કરવામાં આવ્યું છે. એટલે સલિલજીએ  સંગીત પણ એકદમ સ્વાભાવિક બનાવ્યું છે.

આ જ વર્ષે અનોખા દાન નામની ફિલ્મ પણ આવી. આ ફિલ્મમાં પણ સવિતા ચૌધરી અને કિશોરકુમારનું યુગલ ગીત છે.  ગીત છે આ પણ. અહીં કિશોરકુમારનો ઘેરાયેલો, ઘૂંટાયેલો અવાજ સાંભળવા મળે છે. સાથે યોગેશની રચનાને સલિલ ચૌધરીએ લયબદ્ધ સંગીતથી સજાવી છે.

હમરાહી મંઝિલ કે, આઓ ચલે મિલકે આજ હમ સારે..

જીવન જ્યોતિ – આ ફિલ્મ વર્ષ ૧૯૭૬માં રિલીઝ થઈ.

આ ફિલ્મના ગીતકાર હતા, આનંદ બક્ષી.

મૌજો કી ડોલી ચલી રે.. વિદાય થતી દીકરીનું આ ગીત કિશોરકુમારે બહુ મૌજથી ગાયું છે.

બીજું પ્રેમ ગીત હતું કિશોરદા અને લતા મંગેશકરના અવાજમાં.

રાંઝે કી આંખો મેં દેખો હીર કો..

સલિલ ચૌધરી અને કિશોરકુમારની જોડીની અંતિમ ફિલ્મ હતી અગ્નિ પરીક્ષા. એ ૧૯૮૧માં આપણી સમક્ષ આવી. આમાં ફરી એકવાર ગીતકાર અને સંગીતકાર તરીકે યોગેશ અને સલિલદાની જોડીએ કર્ણપ્રિય ગીતો આપ્યાં.

સૂના જીવનમાં જ્યારે અચાનક પ્રેમ વરસે છે ત્યારે દિલ ગાવા લાગે છે, કંઇક આવું જ ગીત.

મિલ ગઈ અચાનક મુઝે, હર ખુશી. આ ગયે મેરી બાહો મેં દોનો જહાં.

હવેનું ગીત એવી ફિલ્મનું છે, જે ક્યારેય આપણી સમક્ષ આવી જ નહીં. ફિલ્મનું નામ હતું – ઝિંદગી જુઆ હૈ. એનું આ શીર્ષક ગીત હતું, જે કિશોરકુમારે ગાયું હતું.

ઝિંદગી જુઆ હૈ, જીત હાર કર કે જી લે. રામ કી દુઆ હૈ, સબ સે પ્યાર કર કે જી લે.

જિંદગીના ખેલને પોતાના મસ્તીભર્યા અંદાજમાં રજૂ કર્યો છે કિશોરકુમારે.

જિંદગીની મસ્તીને જ્યારે કિશોરકુમાર ગુનગુનાવે ત્યારે પગ થિરકવા ના લાગે એવું બને નહીં. અને આ જ જિંદગીની વેદનાભરી બાજુ પણ જ્યારે કિશોરદા ગાય ત્યારે દર્દનો પણ ઉત્સવ ઉજવવાનું મન થાય.

બસ… આવી જ સફર તો આપણે કરતા રહીએ છીએ અહીં પણ.

ગાતાં રહીએ જિંદગીના ગીત અને કહેતા જઈએ અરે! વાહ વાહ વાહ… બીજું શું જોઈએ!


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.