સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ (૨) ઉદયથી અસ્ત ભણી

નલિન શાહ

(અનુવાદ: પિયૂષ મ. પંડ્યા)

ફિલ્મોની ચમકદમકભરી દુનિયાને અલવિદા કર્યા પછી પણ ફિલ્મસંગીતના ધુરંધર કહી શકાય એવા સંગીતકાર અનિલ બિશ્વાસની સ્મૃતિ એની  ઝળહળતી યાદોથી સભર બની રહી હતી. એક વાર એક લોકપ્રિય ફિલ્મસામયિકમાં પ્રકાશિત થયેલા એક પત્ર પર  એમનું ધ્યાન ગયું. લખનાર કોઈ શાળાના શિક્ષક હતા. એમાં તાનસેન, ભરથરી અને મહલ જેવી ફિલ્મોના સંગીતકાર ખેમચંદ પ્રકાશનાં વિધવાની દયનિય સ્થિતિનું વર્ણન હતું. મુંબઈના કોઈ પરામાં એ નિરાધાર અવસ્થામાં જીવી રહ્યાં હતાં એ જાણીને અનિલ બિશ્વાસ હચમચી ગયા.

એમણે મારી ઉપરના પત્રમાં લખ્યું, “મને શંકા છે કે ફિલ્મોદ્યોગના લોકોને આ વિશે જાણ છે કે કેમ. જો હોય, તો અમારે અમારા ચહેરા શરમની મેશના લપેડાથી કાળા કરી લેવા જોઈએ. આવા તો અનેક કિસ્સા હશે.” એમણે આગળ લખેલું, “રાત્રે મેં આંસુના કડવા ઘૂંટ ગળે ઉતાર્યા. મને પારાવાર શરમની લાગણી થઈ આવી કે હું (પણ) એ ઉદ્યોગનો હિસ્સો હતો અને ખેમચંદ પ્રકાશનો સહકાર્યકર પણ હતો. ‘સ્ક્રીન’માં છપાયેલા એ અહેવાલનું તથ્ય કેટલું છે એ તમે ચકાસી જોજો.”

ચકાસણી કર્યા પછી મેં જવાબમાં જણાવ્યું કે એ સન્નારી ખેમચંદ પ્રકાશનાં પત્ની નહોતાં પણ એમની સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં (એમનાં પત્ની તો ખાસ્સા સમય પહેલાં અવસાન પામ્યાં હતાં.). એ સન્નારી ખેમચંદ પ્રકાશનાં પ્રેરણામૂર્તિ અને અંગત વિશ્વાસુ હતાં. એમના થકી ખેમચંદ પ્રકાશને એક પૂત્રી સાંપડી હતી. દીકરી અવસાન પામી હતી અને એ નિરાધાર સ્ત્રી મુંબઈના પરા બોરીવલીની એક ફૂટપાથ ઉપર જીવન વિતાવી રહી હતી. કપડાંનું  પોટલું બગલમાં લઈને તે આમતેમ ભટકતી રહેતી હતી અને ક્યાંય ‘આયેગા આનેવાલા’ના સ્વરો કાને પડે તો મંત્રમુગ્ધ થઈને ત્યાં ને ત્યાં ખોડાઈ જતી હતી.

અનિલ બિશ્વાસે કહ્યું, ‘લગ્ન થયાં કે નહીં એ અગત્યનું નથી. એણે ખેમચંદ પ્રકાશની જરૂરીયાતો પૂરી કરી એટલે બસ !’ એમણે એને પૈસા મોકલવાની તૈયારી બતાડી. સાથેસાથે સૂચવ્યું કે મારે એક જાણીતા ગાયકને અને સંગીતકારને પણ આ બાબતે કંઈક કરવા માટે કહેવું. એક જમાનામાં એ બન્નેની કારકિર્દી ખેમચંદ પ્રકાશની નિશ્રામાં ઘડાઈ હતી. ફિલ્મોદ્યોગના કોઈની પણ પાસે આની રજૂઆત કરવી કેટલી નિરર્થક છે એ મને બહુ જલદી સમજાઈ ગયું. એક સમયના એમના સહાયક અને પછીથી ખુબ જ સફળ એવા સંગીતકારે આ મામલે સહાનુભૂતિ પ્રગટ કરતાં કહ્યું કે સંગીતનિર્દેશકોના એસોસિએશનમાં આ બાબતને વિચારણા અર્થે મૂકવામાં આવી છે. સમય જતાં આખ્ખી વાત અભેરાઈએ ચડી ગઈ.

  એક જમાનાના સ્ટેજના અને પરદાના જોરદાર અભિનેતા માસ્ટર નિસારને જીંદગીનાં પાછલાં વર્ષોમાં રોટીના ટૂકડા માટે ભીખ માંગવાનો વખત આવ્યો એને આ વ્યવસાયની ક્રૂરતા ગણવી કે નિયતીના ખેલ, એ સમજ નથી પડતી. ૧૯૩૦ની આસપાસનાં વર્ષોમાં માસ્ટર નિસાર લાખો લોકોના હૃદય ઉપર રાજ કરતા હતા. મદન થીએટર્સની ‘લયલા મજનુ’(૧૯૩૧), ‘શકુંતલા’ (૧૯૩૧), ‘ચત્ર બકાવલી’ (૧૯૩૨), ‘ગુલરુ ઝરીના’(૧૯૩૨) અને ‘ઈન્દ્રસભા’(૧૯૩૨) જેવી ફિલ્મોમાં એ એક ગાયક-અભિનેતા તરીકે ખુબ જ લોકપ્રિયતાને વર્યા હતા. જાજરમાન વ્યક્તિત્વ અને મીઠાશભરેલા અવાજથી એમને અભૂતપૂર્વ  કિર્તી સાંપડી હતી. કારમી ગરીબી વેઠવાની આવી હશે ત્યારે માસ્ટર નિસારનું હૃદય  ફિલ્મ ‘શીરીન ફરહાદ’ (૧૯૩૧)નું પોતાનું જ ગીત ‘વોહ મુકદ્દર ના રહા વોહ જમાના ના રહા’ યાદ કરતાં કેટલું દ્રવી ઉઠ્યું હશે!  એ ગીત જાણે કરૂણ ભાવિકથન ન હોય! ફિલ્મ ‘નયી કહાની’(૧૯૪૩)ના ગીત નીંદ હમારી ખ્વાબ તુમ્હારે’ના ગાયક જી.એમ. દુર્રાનીને પણ જ્યારે ગળાની એક ગંભીર સમસ્યા માટે ઓપરેશન કરાવવાનું થયું ત્યારે પોતાના સહકર્મીઓ બાબતે ભ્રમનિરસન થઈ ગયું હતું.

(ડાબે: લલીતા દેઉલકર પતિ સુધીર ફડકે સાથે, જમણે: જોહરાબાઈ અંબાલાવાલી દીકરી અને પતિ સાથે)

જોહરાબાઈ અંબાલાવાલીએ ( અખીયાં મીલા કે જીયા ભરમા કે, ફિલ્મ ‘રતન’, ૧૯૪૪) ૧૯૫૦માં નિવૃત્તિ લઈ લીધી. એમની દીકરી રોશનકુમારી કથક ક્ષેત્રે સફળ કારકિર્દી ધરાવતી હોવાથી એમનું લાંબું નિવૃત્તિજીવન સુખસગવડમાં વિત્યું. એ જ રીતે સુરૈયાએ વ્યવસ્થિત નાણાંકીય રોકાણો  કરેલાં હતાં. આ કારણથી અન્ય અભિનેત્રીઓ માટે પાર્શ્વગાન કરવાની દરખાસ્તો તે નકારી શકી. લલિતા દેઉલકર ( હમ કો તુમ્હારા હી આસરા, મહંમદ રફી સાથે, ફિલ્મ ‘સાજન’, ૧૯૪૭)ના યોગક્ષેમનું વહન એમના પતિ જાણીતા ગાયક-સંગીતકાર સુધીર ફડકે હોવાથી થતું રહ્યું. આવાઝ દે રહા હૈ કોઈ આસમાન સે ( ‘ગૌહર’, ૧૯૫૩)નાં ગાયિકા સુધા મલહોત્રાના સદનસીબે એમના પતિ ખુબ જ તવંગર હતા.

શમશાદ બેગમે ( એક તેરા સહારા, ફિલ્મ ‘શમા’, ૧૯૪૬) પોતાના બુલંદ અને તીણા અવાજ વડે અગણિત હૈયાંને ઘાયલ કરી મૂક્યાં હતાં. એમના ચહિતા સંગીતકારે તેમને કોરસમાં ગાવા માટે કહ્યું, ત્યારે ભારે આઘાત લાગ્યો. એમણે આવી માનહાનિ સ્વીકારવાને બદલે પોતાની સુખી દામ્પત્ય વિતાવી રહેલી દીકરી ઉષા રાત્રા સાથે જીવન વિતાવવાનું નક્કી કરી, નિવૃત્તિ સ્વીકારી લીધી.

પણ બધાંને નસીબ સાથ નથી આપતું. ૧૯૩૦ આસપાસ કારકિર્દી શરૂ કરનારાં અને ગભરા કે જો હમ સર કો ટકરાયે   (‘મહલ’, ૧૯૪૯) અને સુન બૈરી બલમ સચ બોલ રી ઈબ ક્યા હોગા ( ‘બાવરે નૈન’, ૧૯૫૦)જેવાં ગીતોનાં ગાયિકા  રાજકુમારી કારકિર્દીના શિખરે હતાં, ત્યારે ઐશ્વર્ય  એમના ચરણોમાં  આળોટતું હતું. પછીના ગાળામાં એમનું પતન એવું થયું કે ટકી રહેવા માટે પણ એમનો સંઘર્ષ શરૂ થઈ ગયો. જો કે નિયતીની ક્રુરતા સામે કુદરતની મહેર હતી.

(રતનબાઈ)

ઉમર વધવાની સાથે ન તો એમના અવાજની ગુણવત્તામાં ઘટાડો થયો કે ન જીવનની વિટંબણાઓ થકી એ હિંમત હાર્યાં. આમ હોવાથી એમનાં કેટલાંક સમકાલિનોની જેમ એ હારીને ખલાસ ન થઈ ગયાં. એક જમાનાની આકર્ષક ગાયિકા-અભિનેત્રી રતનબાઈ (તેરે પૂજન કો ભગવાન મન મંદીર બના આલિશાન  ફિલ્મ ’ ભારત કી બેટી’, ૧૯૩૫)ને છેલ્લી અવસ્થામાં હાજી અલીની દરગાહ પાસે ભીખ માંગવાનો સમય આવ્યો હતો. પ્રસિધ્ધ સંગીતકાર-ગાયક ખાન મસ્તાના ( વતન કી રાહ મેં વતન કે નૌજવાન શહીદ હો ‘શહીદ’, ૧૯૪૮) માહિમ દરગાહ પાસે ભિખારી અવસ્થામાં અવસાન પામ્યા. આવા કિસ્સાઓ રાજકુમારી ક્યારેય ભૂલ્યાં નહતાં.

જ્યારે કેટલાક શુભેચ્છકો ખાન મસ્તાના માટે ફાળો એકત્ર કરી રહ્યા હતા ત્યારે આરામદાયી નિવૃત્તિજીવન વિતાવી રહેલી એક ગાયિકાએ માત્ર રૂપીયા ૧૦૦/- પરખાવ્યા. એ પછી જ્યારે પણ ખાન મસ્તાનાનો ઉલ્લેખ થાય ત્યારે પોતે જાણે બહુ મોટું સત્કાર્ય કરી નાખ્યું હોય એમ પોતાનો ફાળો યાદ કરાવતી. જાણીને નવાઈ લાગે કે એ જ ગાયિકાએ એની સમકાલિન જહાંઆરા કજ્જન ( ઘૂંઘટપટ ના હી ખોલું, ફિલ્મ ‘ભરથરી’,૧૯૪૪) માટે ૧૯૪૦ના દાયકાના મધ્યભાગમાં એના ખરાબ સંજોગો વખતે એટલી પણ ઉદારતા નહોતી દેખાડી.

૧૯૩૭ની ફિલ્મ ‘દુનીયા ના માને’નું ગીત મન સાફ તેર હૈ યા નહીં પૂછ લે દિલ સે એક ભીખારીના કિરદાર માટે ગાનાર માસ્ટર પરશુરામ નામના છોકરાએ સપને પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ એને ખરેખર ભીખ માંગવાનો વારો આવશે. સંજોગોની લાચારી એને દેશી દારૂના વ્યસન તરફ દોરી ગઈ. તબસ્સુમે એને ફૂટપાથ ઉપરથી ઉઠાવીને પોતાના ટેલીવીઝન શૉ ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’માં રજૂ કર્યો ત્યારે દર્શકો વિચલિત થઈ ગયા હતા. ચારે તરફથી એને માટે દાનનો પ્રવાહ વહેવા લાગ્યો. જે દર્શકો ફિલ્મ જોતી વેળાએ મનોરંજન કર ચૂકવતા હતા, એમને એક જરૂરતમંદ કલાકાર માટે નાનકડી રકમ દાન તરીકે આપતાં જરાયે ખચકાટ ન થયો. પણ ફિલ્મોદ્યોગ, કે જેનો માસ્ટર પરશુરામ એક ભાગ હતો, એના સભ્યો માટે એનું કોઈ જ વજૂદ નહતું.

થોડાં વર્ષો પહેલાં ૧૯૩૦ના અરસાની એક ગાયિકા-અભિનેત્રી કલકતાની શેરીમાં નિરાધાર અવસ્થામાં મૃત્યુ પામી ત્યારે HMV  કંપનીએ એના ગરિમાપૂર્ણ અંતિમ સંસ્કાર થઈ શકે એ હેતુથી શબનો કબ્જો લીધો. HMV તરફથી જોવા મળેલી આવી ચેષ્ટાની અપેક્ષા ભાગ્યે જ કોઈને હોય. વર્ષો સુધી એકધારી ઈજારાશાહી ભોગવતી આવેલી આ કંપનીને પોતાના નફાની વધુ દરકાર રહેતી. જે કલાકારો થકી એ શક્ય બનતું હતું એમની એને ભાગ્યે જ પડી હતી. જ્યારે તીવ્ર સ્પર્ધાને લીધે એનાં વળતાં પાણી થવા લાગ્યાં ત્યારે HMVને અચાનક એની સામાજિક જવાબદારીનું ભાન થયું. એણે કલાકાર કલ્યાણ નીધિની સ્થાપના કરી અને એની મોટે પાયે જાહેરાત કરી. જો કે આ બાબતને કોઈએ ગંભીરતાથી લીધી નહીં. અપવાદરૂપે એક સંગીતરસિયાએ HMVનું ધ્યાન દોર્યું કે રાજકુમારી એમના પતિની કેન્સરની સારવારને લઈને ભીડમાં હતાં.

(રાજકુમારી)

HMVના અધિષ્ઠાતાઓને રાજકુમારી જેવાં વયસ્ક પાર્શ્વગાયિકાનું ઋણ ચૂકવવાની આનાથી બહેતર તક કઈ મળી હોત? થોડા મહિના પહેલાં જ એ લોકોએ પાર્શ્વગાયનનાં પચાસ વર્ષ પૂરાં કરવા માટે રાજકુમારીનું પુષ્પગુચ્છ અને વખાણબાજી વડે સન્માન કર્યું હતું. પણ એ જ રાજકુમારીને મદદ કરવા માટે HMVના જે અફસરને કહેવામાં આવ્યું એણે એ પરત્વે જરાયે ધ્યાન ન આપ્યું. કદાચ એ લતા મંગેશકરની પાર્શ્વગાયિકા તરીકેની કારકીર્દીનાં ૪૦ વરસની ઉજવણી માટે એક 5-સ્ટાર હોટેલમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં વ્યસ્ત હતા. છેવટે કલાકાર કલ્યાણ નીધિની સ્થાપના એક ચમકદમકભરી જાહેરાત બની રહી .

દૂરદર્શનના એક સમયના ડાયરેક્ટર જનરલ ગીજુભાઈ વ્યાસે એમના ઑલ ઈન્ડીયા રેડીઓ (AIR) મુંબઈના કાર્યકાળના દિવસોને ભારે હૈયે યાદ કરતાં જણાવ્યું કે સુંદરાબાઈ અને ફૈયાઝખાન જેવાં મૂર્ધન્ય ગાયકોને એમની કારકિર્દીનાં પાછલાં વર્ષોમાં કલાકાર કર્મચારી તરીકે નિમવામાં આવ્યાં હતાં. આમ કરવાનું પ્રયોજન એ હતું કે એ લોકોને માસિક આવક્નો લાભ મળતો રહે. સંગીતમાં એમના પ્રદાનની કદરરૂપે કરવામાં આવેલી આ ચેષ્ટાથી એ કલાકારો ઘણાં રાજી હતાં.

સુંદરાબાઈ (મન પાપી ભૂલા, ફિલ્મ આદમી, ૧૯૩૯)ને ૧૯૫૨માં એમની આખરી અવસ્થામાં બોમ્બે હોસ્પીટલમાં AIRના ખર્ચે સારવાર અપાઈ હતી. એના ખર્ચ માટે ત્યારના સ્ટેશન ડાયરેક્ટર ઝેડ.એ. બુખારીએ ગવર્નરની પરવાનગી મળે એની રાહ સુદ્ધાં જોઈ નહતી. સંગીતકાર જયદેવ પાસે પોતાનું મકાન ન હતું અને એ જિંદગીના છેલ્લા તબક્કામાં સંગીતપ્રેમીઓ ઉપર આધારિત બની ગયા હતા.

મીર્ઝા ગાલિબ અને પાકીઝા જેવી ફિલ્મોના સંગીતનિર્દેશક ગુલામ મોહમ્મદે એક સંગીતકાર અને રીધમિસ્ટ તરીકે નોંધનીય પ્રદાન કર્યું છે. મીનાકુમારી અને એના પતિ તેમ જ ફિલ્મના નિર્માતા કમાલ અમરોહી વચ્ચેના મતભેદોને લીધે પાકીઝા આઠેક વર્ષ માટે અટવાઈ પડ્યું ત્યારે ગુલામ મોહમ્મદ ભારે આર્થિક સંકટમાં મૂકાઈ ગયા હતા. આ મુશ્કેલ સમય એમણે મોટે ભાગે આશા ઉપર વિતાવ્યો. એ સ્વાભિમાની માણસે પોતાની આ અંગત સમસ્યાની ચર્ચા કોઈની સાથે કરી નહીં.

પણ એકવાર એ બોજો ન સહેવાવાથી એમણે આ લેખક સાથે વાત કરતાં જણાવેલું કે એ મહત્વાકાંક્ષી પ્રક્લ્પ પૂરો થાય એ માટે તે બહુ મોટી આશા બાંધીને બેઠા હતા. પણ, નિયતીની મરજી જુદી હતી. પાકીઝા પ્રદર્શિત થાય એ પહેલાં ગુલામ મોહમ્મદ અવસાન પામ્યા. એ સાથે ૩૦ વર્ષની કારકિર્દી ધરાવતો એ સંગીતકાર ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયો.

મોહભંગની અવસ્થામાં મરણ પામનાર ગુલામ મોહમ્મદ એકમાત્ર સર્જક નથી. ફિલ્મ ‘ચાંદ’ (૧૯૪૪)થી પ્રસિધ્ધી મેળવનાર સંગીતકાર જોડી હૂશ્નલાલ- ભગતરામ ‘પ્યાર કી જીત (૧૯૪૮), બડી બહન (૧૯૪૯), છોટી ભાભી (૧૯૫૦) અને ‘શમા પરવાના’ (૧૯૫૪) જેવી સંગીતપ્રધાન ફિલ્મો દ્વારા અજેય બનીને ઉભરી આવ્યા. ૧૯૬૮માં હુશ્નલાલનું અચાનક અવસાન થતાં ભગતરામ દિશાહિન બની રહ્યા. એમના ચેલા શંકર(જયકિશન) એમને મદદ કરવાની કોશિશ કરતા રહ્યા, પણ ફિલ્મ દુનિયાના અન્ય સભ્યો માટે જાણે કે ભગતરામનું અસ્તિત્વ જ નહતું.


( ક્રમશ:)

( નલિન શાહ લિખીત Melodies, Movies and Memories માંથી)


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

5 thoughts on “સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ (૨) ઉદયથી અસ્ત ભણી

 1. Superb.
  એકે એકે વાત હૃદયવિદારક અને નક્કર તથ્યવાળી છે.’એક તેરા સહારા’ ગીતમાં શમશાદ બેગમનો સ્વર મારા કાને ક્ષણાર્ધ માટે પણ પડતાં વેંત હું મારી જિંદગીના પાછલાં 75 વર્ષના પગથિયાં એક સામટાં ઉતરી જઇને સુખદ ઘેનમાં ડૂબી જાઉં છું.
  ઉત્તમ લેખન અને એવા જ ટંચન અનુવાદ બદલ લેખક અનુવાદક બેઉને આભાર સાથે અભિનંદન.

  1. પ્રોત્સાહન માટે આભારી છું. આ તબક્કે મારે ધ્યાન દોરવું રહ્યું કે મારા કરેલા તરજુમા ઉપર બીરેનભાઈ એમની કાબેલ પીંછી ફેરવીને સાહજિક બનાવી આપે છે.

 2. તેરે પૂજન કો ભગવાન મન મંદીર બના…… તેની ગણના હજુ પણ કલાસિક ભજનમાં થાયછે. અત્રે યે યાદ આપવું કે રતનબાઈ ના પુત્રી શોભના સમર્થ જે નૂતન અને તનુજાના માતુશ્રી.

 3. ઘણી જાણકારી મળી.
  ફિલ્મી દુનિયા જેટલી ઝગમગે છે એટલી જ સ્વાર્થી છે.
  લેખ માટે નલિનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ.
  પ્રફુલ્લ ઘોરેચા

Leave a Reply

Your email address will not be published.