નિસબત : મહિલાઓના ઘરકામની કિંમત અંકાશે

ચંદુ મહેરિયા

ભારતમાં મહિલાઓ વહેલી સવારથી મોડી રાત સુધી આખા ઘરના કામનો ઢસરડો કરતી હોય છે. ઘરની સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, પતિ-બાળકો અને સાસરિયાની સેવા અને દેખભાળ, બાળકોને ભણાવવા, શાળાએ મૂકવા-લેવા જવાં, બજારમાં ખરીદી કરવી, કપડાંને ઈસ્ત્રી કરવી, ગામડાંઓમાં ઘર, કામ અને ખેતી સાચવવી, છાણ-વાસીદાં કરવા,  ઢોર-ઢાંખર સાચવવા, પાણી ભરવું, ઘાસચારો અને બળતણ લેવા જવું, અંતે ઘરના સૌને જમાડ્યા પછી  વધ્યું-ઘટ્યું ખાવું – એવી નિયતિ ભારતીય સ્ત્રીઓના માથે મારવામાં આવી છે. એક અંદાજ મુજબ એક સ્ત્રી એક જિંદગીમાં એકલી ત્રણ લાખ તો રોટલી જ  બનાવે છે. ઘરના બીજાં કામો તો જુદાં. આટઆટલા કામો કરવા છતાં સામાન્ય રીતે એક સંવાદ લગભગ બધાં ઘરોમાં પુરુષોના જ નહીં સ્ત્રીઓના મુખે પણ સાંભળવા મળે છે : “ આખો દા’ડો ઘરમાં જ હોય છે કશું જ કરતી નથી.” અણમોલ એવા મહિલાઓના ઘરકામનું કુટુંબ, સમાજ અને સરકારને કશું જ આર્થિક કે ભાવનાત્મક.મૂલ્ય નથી.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં જે ૧૬.૫૬ કરોડ લોકોને “કશું જ કામ ન કરતી વસ્તી”ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, તેમાં ૧૫.૯૦ કરોડ ઘરકામ કરતી મહિલાઓ છે.. જે દેશની કુલ કામ વગરની વસ્તીનો ૯૬.૫ ટકા હિસ્સો છે. સ્ત્રીઓના ઘરકામને આપણે ત્યાં બિનઉત્પાદક શ્રમ ગણી તેની કોઈ આર્થિક ગણતરી થતી નથી. ઘરના કામને કોઈ કામ જ ગણવામાં આવતું નથી. ૨૦૧૯ના ટાઈમ યુઝ ઈન ઈન્ડિયા સર્વેમાં મહિલાઓ અવેતનિક ઘરેલુ કામોમાં રોજ ૨૯૯ મિનિટ અને ઘરના સભ્યોની દેખભાળ માટે ૧૩૪ મિનિટ મળીને કુલ ૪૩૩ મિનિટ કે ૭ કલાક ૧૩ મિનિટ  ખર્ચે છે જ્યારે પુરુષ માત્ર ૫૧ મિનિટ ખર્ચે છે.પૂર્ણ પણે ઘરકામ કરતી મહિલાઓને જ નહીં નોકરી કરતી સઘળી મહિલાઓને પણ ઘરકામ કરવું પડે છે.છતાં  દેશના જીડીપીમાં ગૃહિણીના ઘરકામની કોઈ ગણતરી થતી નથી અને તેને નગણ્ય માનવામાં આવે છે.

સ્ત્રીઓના માથે ઘરકામનો બોજ નાનપણથી લાદી દેવામાં આવે છે. ‘યુનિસેફ’ના જણાવ્યા મુજબ ૫ થી ૯ વરસની છોકરીઓ તેમની જ ઉંમરના છોકરાઓની તુલનામાં ૩૦ ટકા વધુ કામ કરે છે. વિશ્વમાં અવેતનિક ઘરકામમાં ૧૬ અબજ કલાક  ખર્ચાય છે. ભારતીય પુરુષોને રોજ સરેરાશ ૨૮૩ મિનિટ ફુરસદનો સમય મળે છે. જ્યારે સ્ત્રીઓને ૨૨૧ મિનિટ મળે છે. યુ.કે, અમેરિકા જેવા મૂડીવાદી દેશ હોય કે ચીન જેવો સામ્યવાદી દેશ,  દરેકમાં પુરુષો કરતાં સ્ત્રીઓને ફુરસદનો સમય ઓછો જ મળે  છે.૨૦૧૯ના નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસના સર્વે મુજબ વેતનિક કામો કરતાં પુરુષો ૫૭.૩ ટકા છે પણ સ્ત્રીઓ ૧૮.૪ ટકા જ છે. માત્ર ગ્રુહિણીને જ નહીં નોકરી કરતી સ્ત્રીઓને પણ ઘરકામ કરવું પડે છે. કશી કમાણી ન કરવી અને જેનું કશું નાણાકીય મૂલ્ય અંકાતું નથી તેવું ઘરકામ કરવું  તે બે બાબતો વચ્ચે રહેલો ભેદ સમજાતો નથી કે સમજવો નથી.એટલે પણ રાતદિવસ જોયા વિના સ્ત્રીઓ જે ઘરકામ કરે છે તેને અન્નપૂર્ણા ગણી પોરસાવીને ઈતિશ્રી માની લેવાય છે. આખી દુનિયામાં એવો ખ્યાલ પ્રચલિત છે કે મહિલાઓ તો સેવા કરવા જ જન્મી છે.અને તેના માટે ઘરકામ કરવું સહજ છે.

ઉતરતું, હલકું અને નીચા દરજ્જાનું મનાતું ઘરકામ પણ અનિવાર્યપણે આર્થિક મૂલ્ય ધરાવે છે તેવી દીર્ઘ પ્રતીક્ષિત અને સ્વાગતાર્હ ચર્ચા સુપ્રીમ કોર્ટના તાજેતરના જજમેન્ટથી ફરી ઉભી થઈ છે. જસ્ટિસ એન.વી.રમન્ના, એસ.અબ્દુલ નજીર અને સૂર્યકાંતની બેન્ચનો ચુકાદો જણાવે છે કે ઘરકામ કરતી મહિલાઓના શ્રમ, સેવા અને બલિદાનનો કોર્ટ સ્વીકાર કરે છે. માર્ગ અકસ્માતના કેસમાં નોકરી કરતા પતિ કરતાં ગૃહિણી પત્નીને ઓછું વળતર મળવાપાત્ર છે એવી દલીલને સર્વોચ્ચ અદાલતે ગ્રાહ્ય રાખી નથી. વળતરની ગણતરીમાં મહિલાના ઘરકામને નજરઅંદાજ કરવું જોઈએ નહીં .અને  મહિલાના ઘરકામની કાલ્પનિક આવક ગણતરીમાં લેવી જોઈએ. તેમ જણાવી જસ્ટિસ રમન્નાએ દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે મહિલાઓના ઘરકામની કિંમત આંકવી પડશે. ૧૯૮૯માં જમશેદપુરમાં જમશેદજી તાતાના જન્મ શતાબ્દી ઉજવણી કાર્યક્રમમાં આગ લાગતાં  ૨૫ મહિલાઓ સહિત  ૬૦ લોકોના મોત થયાં હતા ૨૦૦૧માં આ મહિલાઓના વળતરના કેસમાં કોર્ટે ઘરકામનું સાંકેતિક મૂલ્ય આંક્યું હતું. પણ તાજેતરના ચુકાદામાં તો ગૃહિણી પણ નોકરી કરતા પતિ જેટલા જ વળતરની હકદાર હોવાનું સ્પષ્ટ કર્યું 

સિને અભિનેતા અને નવોદિત રાજકારણી કમલ હાસને, “રાજ્યે ગૃહિણીઓના ગ્રુહકાર્યને માન્યતા આપવી  જોઈએ તથા તેના માટે વેતન આપવું જોઈએ”  તેવી માંગણી કરી છે. તમિલનાડુનો પ્રાદેશિક પક્ષ દ્રવિડ મુનેત્ર કડગમ તેના આગામી વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં ગૃહિણીઓને માસિક બે હજાર રૂપિયા વેતન આપવાનું વચન આપવાનો હોવાનું કહેવાય છે. ઈલાબહેન ભટ્ટ સમિતિના ૧૯૮૮ના “શ્રમશક્તિ” અહેવાલમાં મહિલાઓના ઘરકામ સંદર્ભે જણાવ્યું છે કે, “ બધી જ સ્ત્રીઓ શ્રમિક છે. કેમ કે તે ઉત્પાદક અને પ્રજનનકર્તા છે. તે વેતનિક કામ કે રોજગાર નથી કરતી ત્યારે પણ સામાજિક રૂપમાં ઉત્પાદન અને પ્રજનન કાર્યમાં સંલગ્ન હોય છે. જે સમાજના અસ્તિત્વ માટે આવશ્યક છે. ગ્રુહિણીના રૂપમાં મહિલાઓ જે કામ કરે છે તેને સામાજિક-આર્થિક ઉત્પાદન માનવું જોઈએ.”

મહિલાઓના ઘરકામનું આર્થિક મૂલ્ય આંકવાથી કે ઘરેલુ કામને ઉત્પાદક માની તેની આર્થિક ગણતરી કરી દેશના જીડીપીમાં ઉમેરો કરવાથી આવકના આંકડા દૂષિત થવાનો ભય કેટલાક અર્થશાસ્ત્રીઓનો છે. જો ઘરના કામ માટે મહિલાઓને દૈનિક રૂ. ૨૮૩ના લઘુતમ વેતનની ચુકવણી કરવાની થાય તો આશરે ૧૬ કરોડ ગ્રુહિણીઓના ઘરકામનું મૂલ્ય રૂ. ૧૬,૨૮૬ અરબ, એટલે કે સરકારના બજેટ જેટલું, થાય. ઓકસફામના રિપોર્ટ પ્રમાણે દુનિયાની ગૃહિણીના ગ્રુહકાર્યનું  નાણામાં મૂલ્ય આંકવામાં આવે તો વરસે લગભગ ૧૦,૦૦૦ અબજ ડોલર જેટલું અર્થાત  એપલ કંપનીના ટર્નઓવરથી ૪૦ ગણું વધારે થવા જાય છે.  બીજી તરફ રોજગારના ઘટતા આંકડાઓમાં વ્રુધ્ધિ દર્શાવવા સરકારો ઘરકામ જેવા વગર વેતનના કામોને કદાચ રોજગારમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ હાલમાં દેશની અડધી આબાદી એવી સ્ત્રીઓનો મોટો ભાગ જેમાં રોકાયેલો છે તે ઘરકામનું કોઈ મૂલ્ય નથી તે હકીકત છે.

મહિલાઓના ઘરકામનું આર્થિક મૂલ્ય નક્કી કરવાથી પણ  ગૃહિણીઓને સન્માન અને ઓળખ મળશે કે નહીં તે મોટો સવાલ છે. ઘરકામ સ્ત્રીઓ પોતાની મરજીથી નહીં પણ પિત્રુસત્તાક સમાજના સામાજિક-સાંસ્ક્રુતિક માપદંડોને કારણે કરે છે.એટલે ઘરકામની જવાબદારી અને બોજ માત્ર મહિલાના માથે ન મૂકી દેતાં ઘરકામમાં કુટુંબના સૌ સભ્યોનો ફાળો  હોય તેવો સામાજિક માહોલ ઉભો કરવાની જરૂર છે. માત્ર ગ્રુહકાર્યનું આર્થિક મૂલ્ય આંકીને સમાજ જવાબદારીમાંથી છટકી શકે નહીં. દેશ અને દુનિયાનું મહિલા આંદોલન પણ ઘરના કામનું આર્થિક મૂલ્ય જ ન માંગે ઘરના કામમાં સૌની ભાગીદારી અને યોગદાન પણ માંગે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “નિસબત : મહિલાઓના ઘરકામની કિંમત અંકાશે

  1. માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે, એક યા બીજાં કારણોસર સ્ત્રીને વ્યક્તિ તરીકે ઉતરતું સ્થાન મળતું ગયું.

    કુદરતે નર અને નારીની જે સહજ ભિન્નતા પેદા કરી છે તેની સથે સુસંગત રહીને, આજે હવે જો તેને એ સ્થાન મળે તો તેનાં સામર્થ્યવાન થવાની, તેનાં કામનું મૂલ્ય સ્વીકારવાની વાતો જ અપ્રસ્તુત બની જઈ શકે.

Leave a Reply

Your email address will not be published.