રજનીકુમાર પંડ્યા
સારી ટેવ નથી, પણ હતી. અરીસો ટુવાલથી ઢાંકી દેવો, પાંચસો વાર એમાં જો જો કર્યું હોય, પછી પાંચસો ને એકમી વાર જોવાનું મન થાય તો તેને અટકાવવાનો આ એક માત્ર ઉપાય.
એ જ વખતે ડોરબેલ વાગી. એ દિવસોમાં ટેલિફોન શ્રીમંતોને ઘેર જ હતા. મારે ત્યાં એક કનેકશન વગરનું ડબલું રાખેલું. તેની પર નેપકિન ઢાંકી દેતો. એક-બે વાર નવાસવા આવેલા પડોશી પૂછવા પણ આવ્યા હતા : ‘જરા એક ફોન…’
‘કનેકશન નથી.’ હું હસીને કહેતો :‘માત્ર દેખાવનું છે. હ…હ…હ…હ….’ હું હસતો. એ ઓઝપાતા ‘સોરી’ કહીને ઉંબરો છાંડી જતા.
આજે પણ ઘડિયાળ સિવાય એક એક શોભીતી ચીજ પર જાળીદાર કપડું ઢાંકવાની મને ટેવ છે. મને ખબર છે, સારી નથી, પણ છે. ટીવી સેટ પર બી ન જોવું હોય ત્યારે સિનેમાના ઊઘાડા પડદા જેવું સફેદ કપડું જોવા મળે. એ જોઈને હજુ હું એક થનારા અને જોવાનારા જલસાનો ધણી છું એવો અહેસાસ થાય છે. આમ ન થવું જોઈએ, પણ થાય છે.
જો કે, આ તો એ દિવસોની વાત છે… મારે ત્યાં સાચો ટેલિફોન નહીં એટલે સુરેશ આવીને કહી ગયો : ‘છોકરીવાળા બોરીવલીથી નીકળી ગયા છે. અંધેરી પહોંચતાં કેટલી વાર ? તૈયાર રહેજે. તારે બસ બેસવાનું જ છે ઊંચા કોલર કરીને, બાકી ચા-નાસ્તો તો દીદી આપી જશે…’ પછી આટલું ભાષણ ઓછું હોય એમ બારણેથી પાછો વળ્યો :‘ટેલિફોનમાં કાંઈક મને એવું સમજાણું કે બે ત્રણ જણાં જ આવવાના છે. છતાંય વધારે ખુરશી મોકલાવું ?’
‘કાંઈ જરૂર નથી.’ મેં કહ્યું :‘આવવા તો દે !’
આ લોકો જરા વિચિત્ર હતા. એક વાર હું જો એમને ત્યાં જઈ આવ્યો હોઉં, એમની દીકરીને મળી ચૂક્યો હોઉં, જરા શામળી છતાંય નકાર ન ભણ્યો હોય તો પછી જલદી ગોળ-ધાણા ખાઈને વાતને ખીલે બાંધી દેવાની હોય. પછી મારી રૂમ જોવા આવવાની જરૂર કંઈ ? જો કે, વડીલોના ભેજામાં શું ભૂસું ભર્યું હોય તે આપણે જાણતા નથી હોતા. પડદો ઢાંકેલા ટીવી જેવું.
અરિસા પરથી એક વાર ટુવાલ ઊંચો કરીને મોં જોઈ લીધું, ચમકારો આવ્યો. આવો છોકરો આવી શામળી છોકરીને દીવો લઈને ગોતવા ગયેય ક્યાં મળવાનો હતો ? કહેવત ખોટી હતી ? વહુ ઘર દીપાવે તેવી ખપે, જમાઈ આંગણું દીપાવે તેવો. કશા પણ મેકઅપ વગર જો હું આવો જમાવટ દેખાતો હોઉં તો… મને પહેલો જ ઝડપી લેવો જોઈએ.
સ્વસ્થ થઈને બેઠો. એમ થયું કે આ સેટઅપ વચ્ચે મારો એક ફોટો પાડી લેવાની જરૂર હતી. કોઈ પણ મારું ઘર જોવા આવે એને ધરી દેવાય. લો, આમાં ઘર પણ છે, ને વર પણ. કોણ કોનાથી ઊતરે એમ છે ? લો, કો’ !
*********
આવનારા આવ્યા. આજે આટલાં વરસે પણ મને યાદ છે કે એમાંથી એક જાકીટવાળો પગે સહેજ લંઘાતો હતો, છતાં વારંવાર ખુરશી પરથી ઊભો થઈને રૂમની જડતી લેવાની હોય તેમ લગભગ બધું જ ઉપરતળે કરી કરીને જોતો હતો.
‘સન્મુખ…’ અચાનક વસંતભાઈએ એને કહ્યું હતું :‘તું બેસ તો ખરો, આપણે મોહિતકુમાર સાથે થોડી વાત કરીએ.’
‘બેઠો જ છું ને મોટાભાઈ!’ સન્મુખલાલ કે જેનો પગ ખોડંગાતો હતો એ બોલ્યો ત્યારે જ મને ખબર પડી કે એ જયાનો કાકો હતો. આટલું સાંભળવા છતાં એ બેઠો નહીં ને બારીના પડદા ખસેડીને બહાર જોવા માંડ્યો. મને આ ન ગમે.
‘આ તો મારું ટેમ્પરરી ઘર છે.’ મેં કહ્યું: ‘કંપની તરફથી મને મોટું ક્વાર્ટર મળવાનું છે, પણ યુઝવલી, એ લોકો મેરેજ પછી જ આપતા હોય છે.’
સન્મુખરાય હવે સન્મુખ થયા : ‘રાઇટ, ક્વાર્ટર્સ એટલે ફૅમિલીની જ વસાહત. સ્વાભાવિક જ છે કે તમે ગમે તે કેટેગરીમાં હો, ગમે તેટલા હોશિયાર હો, રૂડારૂપાળા હો, સંસ્કારી હો, પણ ફૅમિલીઓ વચ્ચે તમને એ લોકો એકલાને રાખે જ નહીં !’
મારી કંપનીની પૉલિસીની વળી એને કોડાને શી ખબર ? મને જવાબ દેવાનું ઠીક ન લાગ્યું. હું વસંતરાય સાથે ખપાવવા માંડ્યો. આખરે ! જયાના બાપ તો એ જ ને !
‘હકીકતે….’ મેં કહ્યું: ‘હજુ મારે પણ મારા પેરેન્ટ્સ સાથે વાત કરવાની છે. મારેય કહેવું પડશે એમને કે કન્યા મારા કરતાં દેખાવમાં જરા….. બાર આની…’
‘છતાં પણ એમની તો હા આવી ગઈ ને !’ વસંતભાઈ બોલ્યા : ‘હવે તો આપણે જ ફાઈનલ કરવાનું. આમ તો જયા બી કહેતી હતી કે ઠેકાણું મને પાસ પડ્યું છે. છતાં અમારો વડીલોનો જીવ ન રહે એટલે તમારા રહેણાંક ઉપર પણ આવ્યા.’
‘અરીસા પર આ ટુવાલ કેમ ઢાંકવો પડ્યો ?’
લંઘાતી ચાલે સન્મુખ ત્યાં ક્યારે પહોંચી ગયો તેની મનેય ખબર નહોતી રહી. ટુવાલ ઊંચો કરીને એ પોતાના વાળ અરીસામાં ઠીક કરવા માંડ્યો હતો.
‘ચકલાં એ તો…’ મેં કહ્યું :‘ચકલાં આવીને અરીસામાં ચાંચ ટોચ્યાં કરતાં હોય ને ! ચકલાઓને અરીસો બહુ ગમે. ગમે ત્યાં બેઠાં હોય, ઊડી ઊડીને ત્યાં જાય.’
સન્મુખે ચમકીને ટુવાલ પાછો ઢાંકી દીધો.
**********
‘ભાઈશ્રી….’
આ સંબોધન વાંચીને જ મને ઘા લાગ્યો.
જયા લખતી હતી : ‘કારણમાં એટલું જ તમારી પર્સનાલિટી આગળ હું ઝાંખી લાગું.તમે તો મોટું મન રાખીને હા પાડેલી, પણ એ તો તમારી મહાનતા. બાકી શારીરિક કજોડાં હોય, માનસિક કજોડાં હોય એમ રૂપનાં કજોડાં પણ હોય. મારા પપ્પા અને અંકલ સાથે તમે વાતો કરી એ ઉપરથી થયું કે આવાં રૂપનાં કજોડાં હોય અને એ તો ભાવિ સંતતિ સુધી પીછો ન છોડે. માટે તમારો આભાર. હું મારી જાતને પાછી ખેંચી લઉં એ જ સારું. તમને સુયોગ્ય એવી રૂપસુંદરીઓનો આ જગતમાં તોટો નથી. એમાંથી કોઈ નસીબદાર તમને પામશે. મારી શુભેચ્છા સાથે વિરમું….
તમારી બહેન જયા.’
એક ક્ષણ મને કટાક્ષ જેવું લાગ્યું, પણ પછી થયું કે કટાક્ષ હોય તોય શેના પર ? કોઈની શ્રીમંતાઈ પર કટાક્ષ કરો ત્યારે એને શ્રીમંતાઈ છે એ તો કન્ફર્મ્ડ જ ને ! સારું છે. ઉઝરડાથી વધારે પીડા નહીં, પણ મજા તો ખરીને જીવતા હોવાની ખાતરીની !
સુરેશ આવ્યો ત્યારે મેં એને કાગળ વંચાવ્યો. એ બિચારો શું સમજે ? ઉંમર મારાથી નાની, ને અક્કલ તો ઉંમરથીય નાની. બોલ્યો :’દીદી કહેતી જ’તી !’
‘એમ ?’ મેં ચમકીને પૂછ્યું : ‘તારી દીદી વળી આમાં શું જાણે ?’
‘એ હું ન જાણું.’ એ બોલ્યો :‘પણ એ કહેતી’તી કે મોહિતભાઈને પોતાનું રૂપ નડશે.’
‘એમ ને !’ હું મલકીને બોલ્યો, બલકે બોલાઈ જવાયું.
‘એમ તો જાણકાર લાગે છે.’ પછી અચાનક દિમાગમાં સવાલોની સરવાણી ફૂટી. મેં પૂછ્યું સુરેશને : ‘એનો બાબો કેવડો થયો ?’
‘બસ, હવેના જૂનમાં કે. જી.માં જશે.’
‘સ્માર્ટ છે.’ મેં કહ્યું :‘વહાલો લાગે એવો… બાપ પર ઉતર્યો લાગે છે.’
‘બાપનાં બીજાં લખણ ગ્રહણ ના કરે તો સારું.’ સુરેશ ગમગીન થઈ ગયો :‘અઢાર વર્ષની દીકરીનાં લગ્ન કરાવીને મારા ફાધર-મધરે બ્લંડર કરી. વીસ વરસે બાબો આવ્યો એ પહેલાં પેલો બૅન્કફ્રોડના કેસમાં, જેલમાં પડ્યો. કોઈ એને જુએ તો ખબર ના પડે કે એના આવા અવળા ધંધા હશે. રઈસ ઘરાનાનો મહાકલ્ચર્ડ લાગે. જૂની ફિલ્મના હીરો રહેમાનને જોયેલો ? એની જ કોપી. ફૂટપાથ પર લઘરવઘર લૂગડે એકલો ઊભો હોય ને ! તો માગે તોય કોઈ ભીખ ન આપે, ગાડીવાળો એને ગાડી સોંપીને પોતે રિક્ષામાં ઘેર જાય. અરે…’ સુરેશ દૃશ્યો જોતો હોય એમ બોલવે ચડ્યો :‘બૅન્કફ્રોડમાં એનું કામ કાંઈ નહીં. ખોટી સિગ્નેચર નહીં, ખોટું નામ નહીં, ખોટા ફોર્મ-બોર્મ કાંઈ નહીં. બસ એનું કામ જે ઓથોરીટીઝ હોય ને, એને આંજી દેવાનું. અને એ કરવા માટે એણે કાંઈ જ નહીં કરવાનું. બસ, સામે જઈને ઊભા રહેવાનું ને સ્માઈલ આપવાનું અને તે પણ એવી રીતે કે સામાને થાય કે આવું સ્માઈલ આખા બ્રહ્માંડમાં આને એકલાને જ ઉપરવાળે આપ્યું હશે.’
‘બસ, બસ.’ મેં કહ્યું :‘કોઈક કોઈક હોય છે એવા. બધા હેન્ડસમ લોકો એવા હોતા નથી.’
‘પણ…’ એ બોલ્યો: ‘પોલીસવાળાઓને એ આંજી ના શક્યો. એ ઊંઘતો ઝડપાયો. મોહિતભાઈ, એને જીજો કહેતાં શરમ આવે. પણ શું થાય, જુબાનીમાં લખાવવું પડ્યું. દીદી તો કાંઈ રાતે પાણીએ રડે, કાંઈ રડે !’
જો કે, એની દીદી હતી જ એવી રોતી સૂરત. આવી સ્ત્રી વળી, મારી બાબતમાં વરતારા કરે ? લ્યો, બોલી ! મોહિતભાઈને પોતાનું રૂપ નડશે ! મારાથીય વરસ દિવસ નાની, દેખાવમાં ઘરકામ કરનારી છોકરી લાગે એવી મામૂલીમાં આવી સેન્સ આવી ક્યાંથી ?
જો કે, એની વાત સાચી નીકળી.
‘રૂપ બાબત હું શું કહું ?’ સુરેશને મેં સમજ પાડી : ‘ઉપરવાળા બહુ ઓછાને વરદાનરૂપે આપે છે. કોઈ એનો ગેરઉપયોગ – જેમ કે તારો જીજો – કરે એમાં એના રૂપનો વાંક નથી – મતિનો વાંક છે.’
‘એટલે સંસ્કૃતમાં પેલીકહેવત છે કે આકૃતિ ગુણામ કથયતે. આકૃતિથી જ ગુણોની ઓળખ થાય છે એ કહેવત ખોટી ?’
એક પળ હું બમ્પ આવ્યો હોય એમ વિચારોના પાટા પરથી ઊથલ્યો. કહ્યું : ‘ના, ના, સાવ એવું તો નથી કે એ કહેવત કાયમ માટે ખોટી… કેટલાકની બાબતમાં પુરુષના ગુણ પણ રૂપ અનુસાર જ હોય.’
‘તમે કહેવા શું માગો છો ?’
‘ખાસ કાંઈ નહીં.’ બોલ્યો. બીજું શું બોલવું ? બોલતાં સંકોચ થાય એવું બોલવા કરતાં જવાબ આ રીતે બોલીને ટાળી દેવો સારો.
‘ના ના તોય !’
‘કાંઈ નહીં. કાંઈ નહીં.’
**** **** ****
છોકરી મારી સામે બેઠી.
હવે પાંત્રીસનો થયો હતો એટલે પહેલાં જેવો એક ઘા ને બે કટકાવાળો તો નહીં જ હું…. કારણ કે એટલું સમજું છું કે જે લોકો કુરૂપ હોય છે એવાઓનો પણ હુંકારો તો હોય જ છે. મેં આજ લગીમાં મારા સોહામણાપણાનાં વખાણ કરનારા હજારો જોયા, કોઈ કોઈએ તો એમ પણ કહ્યું કે તમે ફિલ્મમાં હીરો કેમ નથી બનતા ? કોઈએ તો વળી મને દેવ આનંદ કહ્યો. કોઈ કોઈ તમારો ફેસ તો બહુ ફોટોજેનિક હોં, બાકી.’ એમ બોલવાવાળા નીકળ્યા. એ બધું જ સાચું. પણ આજ સુધીમાં મેં એકેય સાચાબોલો એવો નથી જોયો કે પોતે તો આવો અગ્લી (બેડોળ) છે કે હું તો મારા ફેસને કારણે જ માર ખાઈ ગયો. બાકી ટેલન્ટમાં હું દિલીપકુમાર લાગું, એમ બોલ્યો હોય. મારું નમ્ર માનવું છે કે ગાંધીજી આટલા સત્યવાદી, પણ એમણેય પોતાના ફેઈસની બાબતમાં કાયમ સોમવાર-મતલબ કે મૌનવાર જ પાળ્યો છે. પોતાની હોજરી વિશે બોલ્યા. સિકલ વિશે બોલ્યા ક્યારેય ? બાકી એમણેય અરિસામાં તો જોયું જ હોય ને !
એટલે ઘડાઈ-ટિપાઈને એટલું શીખ્યો હતો કે ભલે ને સુરેશની દીદી જેવી, જોયા પછી બે દિવસ લગી ખાવાનું ન ભાવે એવી ઓરત હોય, પણ કદી એને ઉતારી ન પાડવી.
એ લોકો ગામ છોડીને બીજે ગામ ગયાં એ વાતને આજ દસ વરસ થયાં, સરનામાની ખબર નથી. બાકી હોત તો જરૂર એને સોરી કહેત!
**** **** ****
છોકરી સામે બેઠી. ઠઠારો ભારે કર્યો હતો. બાકી મેરેજ બ્યૂરોમાં ફોટો જોયેલો તેમાં તો સિમ્પલ હતી.
કોલ્ડ કૉફી આવી ગઈ. થોડી ડાયાબિટીસની બિગિનિંગ ખરી એટલે ખાંડ વગર જ સીપ કરી. એને વાત કરવાનો મુદ્દો મળી ગયો : ‘કેમ ?’
‘ખોટું નહીં બોલું.’ મેં કહ્યું :‘લિટલ ડાયાબિટીસ… જસ્ટ બોર્ડર લાઈન.’
‘હું તો ગળપણ પાછળ ગાંડી છું.’ એ હસી: ‘મારા બ્રધર્સ કાયમ મને કહેતા કે તને તો કોઈક કંદોઈને પરણાવવી પડશે. કંદોઈની પોળમાં કીડીબાઈ પેઠાં.’
‘મને પણ સ્વીટ્સ તો બહુ રેલીશ થાય.’ મેં કહ્યું: ‘પણ જે ભાવતું હોય તે બધું જ આપણને જગતમાં મળે એવું થોડું જ છે ?’
‘બધું ના મળે એ સાચું, પણ પ્રયત્ન કરો તો થોડુંક તો મળે હોં !’
‘એમ ને !’ હું બોલ્યો, પણ મારા મનમાં કટાક્ષ ડેવલપ થયો. અરે સતી, અઠ્ઠાવીસની થઈ છો. બોલ, તને મળવાનું મળી ગયું હોત તો અત્યારે રાતના સાડા આઠે કોઈ મુરતિયાની સામે ઈન્ટરવ્યૂ આપવા મંડાણી હોત ?’ અરે, આ અગાઉના મારા પાડોશી સુરેશની બહેન તારા જેવડી જ હશે, પણ અત્યારે એનો બાબોય પંદરનો થયો હશે. મમ્મીને ચા બનાવીને પાતો હશે. ને તું ? પારકા છાપરા નીચે, પારકા ઠોચરામાં, પારકા પુરુષ સામે બેસીને હજુ તો તારું પરમાણુ નાખવા આવી છો ? તારો દેખાવ તો જો ! લાગે છે કે તારે તો ફોટામાં જ જીવવું જોઈએ. એમાં જ તું કાંઈક જોવાજોગી લાગે છે.
સારું છે કે મનમાં ચાલતા કુવિચારો કમ્પ્યુટરના સ્ક્રીનની જેમ કપાળે લખાઈને ઊપસી આવતા નથી.નહીં તો એ મારા પર કોફીના મગનો છુટ્ટો ઘા કરે.
‘શું વિચારો છો ?
‘તમે ?’
‘હું તો તમને જોઈ રહી છું. બોલો છો ત્યારે લાગો છો એના કરતાં વિચારો છો ત્યારે વધારે હેન્ડસમ લાગો છો.’
‘મતલબ ?’
‘વિચારોનું તેજ ફેઈસ પર વગર લાઈટિંગે લાઈટિંગનું કામ કરે. આ મેં ક્યાંક વાંચેલું.’
મને હસવું આવ્યું તે માંડ ખાળ્યું. વિચારોનું તેજ જો સિકલ પર રેલાતું હોત તો અત્યારે મારો ચહેરો તારાથીય વધુ ભયંકર લાગતો હોત. તું તો ભેંસની જેમ ભડકીને ભાગી જ જાત.
‘હશે.’ મેં કહ્યું :’પણ પુરુષ હેન્ડસમ શું કામનો ? બાવળ રંગીન હોય તોય શું ?’ જો કે, મને બોલતાં બોલતાં થયું કે એ વાતનો વિરોધ કરે તો સારું. પણ અચાનક એણે યુ-ટર્ન લીધો.
‘તમને હું કેવી લાગી ?’
હવે મને સમજાયું કે મારા રૂપનાં એણે કરેલાં વખાણ (ભલે સાચામાં સાચાં હતાં પણ) અસલમાં એ પોતાના જ વાવટા ફરકાવવાના પેંતરા હતા. મને કોણ જાણે શું સૂઝયું ? કોઈનેય ઉતારીના પાડવાના મારા વ્રતમાંથી ચલિત થઈ ગયો. તડ દઈને બોલ્યો : ‘શણગાર, દાગીના ને એવું બધું જળનું કામ કરે છે. હું નથી કહેતો, સંસ્કૃતમાં કાલિદાસે કહ્યું છે.’
‘એટલે?’
‘એટલે એમ કે કાળા પર પાણી રેડીને ધૂઓ તો વધુ કાળું લાગે, ને સફેદ પર પાણી રેડીને ધૂઓ તો વધુ સફેદ લાગે. બસ, આટલામાં જ સમજી જાઓ.’
એણે એકદમ પોતના ગળાના નેકલેસ પર ફર્યા કરતી આંગળીઓ હટાવી લીધી.
એના વગર કહ્યે હું આગળ બોલ્યો : ‘મને ઠઠારા ગમતા નથી ને બીજી વાત, આજથી નક્કી કરું છું કે માત્ર ફોટા જોઈને જ કોઈ આશાવંતીને મળવા ના બોલાવવી. નાશ કરવા કરતાં નિરાશ કરવાનું પાતક મોટું છે.
મારી ભૂલ કહેવાય. મને કોણ જાણે શું ઘુરી ચડી તે આમ બોલ્યો, પણ બોલ્યો તે હકીકત. આમેય ક્યાં મારી પર્સનાલિટી, ને ક્યાં આ છોકરી ?
એ રાતે ઘેર જઈને મેં અરીસા પર બત્તી કરી. ટુવાલ હટાવી લીધો. આ પાસ-નાપાસનાં ચક્કરમાં જરા વધુ પડતો ભેરવાયો. નહીંતર,નહીંતર….પેલી જયાના શબ્દો યાદ આવી ગયા : તમને સુયોગ્ય એવી રૂપસુંદરીઓનો આ જગતમાં તોટો નથી. એમાંથી કોઈક નસીબદાર તમને પામશે. લિ. તમારી બહેન જયા.
એ સાચું પણ….. મને વિચાર આવ્યો. નીચે પડેલો નેપ્કિન ઊંચકીને મેં બે-ચાર કરચલીવાળા ગળા પર લપેટી લીધો. બસ, જોયું કે જયાના શબ્દો સાચા પડે એવું હજુ બી છે. સૌથી મોટો પ્લસપૉઈન્ટ પર્સનાલિટી છે. બસ, થોડું ફ્લેક્સિબલ (અનુકૂળ) થવું.
**** **** ****
‘માંડ માંડ તમારું સરનામું મળ્યુ. આના કરતાં ભગવાનને શોધવા સહેલા પડે.’ બેતાળાનાં ચશ્માં નાકની દાંડી પર બે વાર સીધા કર્યા ત્યારે પોસ્ટકાર્ડમાંથી મને આટલું ઊકલ્યું : ‘લખ્યું હતું : ખેર, બોમ્બે તારીખ 14મીના રોજ બે દહાડા માટે આવવાનું થયું છે. કંપની મને ફેમિલી સાથે કદાચ આયરલૅન્ડ મોકલે એની વાત અંગે. કાંદીવલી કઝીનને ત્યાં ઊતરવાનો છું, પણ તમારી પાસેય એક જરૂરી વાત અંગે આવવાનું છે. હવે ફોન કરવાનો ટાઈમ નથી. સોમવારે સાંજે સાત પછી અમારી રાહ જોશો. સાથે દીદી પણ હશે.’
પણ આટલે સુધી વાંચ્યા છતાં છતાં લખનારની સહી ગરબડિયા હતી તે દીદી શબ્દથી એકદમ ચોખ્ખી થઈ. અરે, આ તો સુરેશ ! અરે, હું તને શું શોધવાનો હતો, તેં જ મને શોધી કાઢ્યો ! વાહ, સુંદર ચહેરાની જેમ સુંદર સંબંધો પણ કાયમી ધોરણે સ્મૃતિમાં રહે છે.
કેટલું સુંદર ? આ પત્ર આજે ના આવ્યો હોત તો સોમવાર સવારે જ મહાબળેશ્વરમાં અમારા ચાર-પાંચ મિત્રોના વાંઢાવિલાસમાં પહોંચી જવાનો હતો. કાલે રાત્રે જ જયુ આચાર્યનો ફોન હતો : હીરો, ક્યારે આવે છે ? મેં કહ્યું હતું : ‘તમે ફિક્ટી પ્લસ મજા કરો, પછી મારા જેવા ફોર્ટી પ્લસનો વારો. કૅરેક્ટર એક્ટરોની એન્ટ્રી પછી જ છેલ્લે હીરોની એન્ટ્રી થાય ને ! હીરોઈન વગરનો હીરો.’
ફૅમિલી સાથે કોઇ ઓરત હોય, પછી ભલે ને આવનારની સિસ્ટર જ કેમ નથી ! પણ એકલરામના ઘરમાં બધું વ્યવસ્થિત કરવું પડે. સોમવાર બપોર સુધી એમાં ઘાંઘોવાંધો રહ્યો. વિચારો આવતા હતા જથ્થાબંધ. કેટલા વરસે સુરેશ અને એની દીદી મળશે. એનો હસબન્ડ સાથે હશે કે છોકરો? જે પણ પચ્ચીસનો હોઈ શકે. સુરેશના પોતાના ફેમિલીમાં કોણ કોણ હશે ?
**** **** ****
જો કે, માત્ર માથાના ઓછા થયેલા વાળ, થોડી સફેદી અને લિટલબીટ ટમી (ફાંદ) સિવાય સુરેશમાં કાંઈ ફેર નહીં. જો કે, ફેર તો હવે પડે કાળદેવતાના ડંશ પછી. પણ એની દીદી ઠીક ઠીક સ્થૂળ થઈ ગયેલી ને ચહેરો કાંઈ થોડો બદલ્યો હોય ? કુરુપતાનો અભિશાપ અભિશાપ જ રહેતો હોય છે.
‘કેમ છો, કેમ છો’ પછી એની દીદી રસોડામાં ઠીકઠાક કરવા ગઈ એટલે સુરેશ મારી નજીક સરક્યો. ‘આવ આવ.’ મેં એને હીંચકામાં જરા સંકોડાઈને જગ્યા આપી.
‘હજુ લગી કેમ એકલા ?’ સુરેશે મને પૂછ્યું.
‘પેલું ગીત યાદ છે ને ?’ મેં એને કહ્યું : ‘વો પરી કહાંસે લાઉં, તેરી દુલ્હન જિસે બનાઉં, ગોરી કોઈ પસંદ ન આયે તુઝકો.’
‘આપણે એ બાબતમાં પ્રેક્ટિકલ.’ એણે કહ્યું ને હીંચકાને ઠેલો માર્યો: ‘કાળી-ધોળી, કાળી-ધોળીની લપ જ મૂકી દીધી…. દીદીની એક પાકી બહેનપણીની નાની બહેન જરા ત્રાંસી આંખની હતી. દીદીએ જ ચોગઠું ગોઠવી દીધું. વરસ થઈ ગયાં વીસ. આજે ઘેર ત્રણ છોકરા છે. મોટો તો નવમીમાં છે. બીજા એનાથી નાના.’
‘ફાઈન.’ મેં પૂછ્યું :’પણ બધા જ…’
સમજી ગયો એ. જરીક ઉધરસનું ઠસકું ખાઈને બોલ્યો: ‘ મારા પર કોઇ ઉતર્યું જ નથી. બધા જ દેવનાં ચક્કર જેવા-ટચવુડ.’ એ ગળે હાથ મૂકીને બોલ્યો : ‘દુશ્મનની છાતી ફાડે એવા.’
‘એક્સેલન્ટ.’ હું બોલ્યો, પણ એક ઊંડો વિષાદ અચાનક જ ઘેરી વળ્યો. આપણને આ સુરેશની ઈર્ષા નથી થતી, થવી પણ ન જોઈ. શું કામ થવી જોઈએ ? પણ પૂછવાનું એટલું કે પ્રભુને ઘેર ક્યાંય ન્યાય જેવું છે ખરું ?
‘પણ ….’ સુરેશે એકદમ નીચો અવાજ કરી નાખ્યો. ઠેલા પણ હળવા કર્યા. અરે, સિકલ જ દયામણી થઈ ગઈ. એક પળ જવા દઈને એ બોલ્યો : ‘એક બાબતમાં તમારી મદદની જરૂર છે.’
‘બોલ ને ભાઈ !’ મેં કહ્યું : ‘હવે તો હું તારો વડીલ કહેવાઉં, બોલ, બોલ, બોલ.’
‘આ દીદી છે ને !’
‘યસ.’
‘એની ચિંતામાં છું.’
‘કેમ હજુય તારો જીજો ઠેકાણે નથી આવ્યો ? છોકરો પણ હવે તો જુવાન.’
’તમને નથી ખબર ?’
‘શેની ?’
‘અચ્છા,અચ્છા.’ એણે જાતે જ મનને પૂછીને સમાધાન મેળવી લીધું :‘તો તમારા ગયા પછી આ બન્યું.’
‘શું બન્યું ?’
‘જીજો તો પોલીસ એન્કાઉન્ટરમાં સુરત નજીક કામરેજ ચોકડી પાસે ઠાર થઈ ગયો. એ તો સમજ્યા. માનો ને કે દીદી એનામાંથી છૂટી.’
એક પળ જેટલો વખત આ વાતને મારા મનમાં બેસાડતાં થયો. પણ ‘ખેર, ગુંડાઓનો આ જ અંજામ હોય છે. પણ…. પણ છોકરો ?’
‘છોકરો પણ બાપના રવાડે જ. સાત વરસથી પત્તો નથી. કહે છે કે નેપાળકોર ઊતરી ગયો છે !’
‘અરર….. અરર…..’ મને ખરેખર દયા આવી ગઈ.
‘એ તો સમજ્યા.’ સુરેશે હીંચકો સાવ થંભાવી દીધો :‘પણ હવે મને ચિંતા દીદીની છે. તેંતાલીસની થઈ. કાંઈ કમાણી નથી. અમે આયરલૅન્ડ જતાં રહીએ તો એનું કોણ?’
‘વાત સાચી.’
‘એટલે મેં એને માંડ મૅરેજ માટે સમજાવી છે. એણે હાય પાડી છે, પણ ખાટલે મોટી ખોડ એ કે એના જોગું પાત્ર હવે કાઢવું ક્યાંથી? હેં? હેં?’
એકદમ ઝીણી નજરે એણે ભીંત તરફ તાકીને જોયું : ‘બધેય મેદાન કોરુંધાકોર જ દેખાય છે. મેરેજ બ્યૂરોવાળા કાંઈ કરતા નથી. કે’છે કે તમારી બેન જો જરા ઓછી ફેટી હોત, શીળીનાં બે-ચાર ડાઘ ન હોત તો ક્યાંક ગોઠવી પણ દેત. પણ..’
‘તો શું વિચાર્યું તેં?’
‘વિચાર્યા પછી મને થયું કે તમને મળું. કારણ કે તમે આ ફિલ્ડના અનુભવી છો. કેટકેટલાય બ્યૂરોમાં પણ ફરી આવ્યા હો ! તમે મને આમાં કાંઈક સળ સુઝાડી શકો. છે કોઈ પાત્ર ધ્યાનમાં મારી દીદી માટે ?’
હું વિચારોમાં ગરકાવ થઈ ગયો. સાલું કેવું કેવું બને છે ?
‘જુઓ.’ એ બોલ્યો: ‘આપણે રંગ-રૂપ કાંઈ જોવા નથી. વિધુર પણ ચાલે. પિસ્તાલીસ-પચાસ બસ! બે પૈસા કમાતો હોય, ને દીદીને સાચવી શકે. જીવતાં પાળવી, મરતાં બાળવી એ રીતે બંધાતો હોય તો…’
‘સુરેશ…’ મેં ઊઠીને પંખો જરા તેજ કર્યો. ફરી હીંચકે આવીને બેઠો. હીંચકાને પગનો જોરથી ઠેલો દીધો. એક નજર રસોડા ભણી કરી. પછી કાનમાં ગુસપુસાતા અવાજે પૂછ્યું : ‘તારી દીદીને હું પાસ પડતો હોઉં તો…’
એ ક્ષણે જાણે કે સુરેશ ઓગળી ગયો. એની દીદી રસોડાના બારસાખની ફ્રેમમાં જડાયેલી દેખાઈ!
અહા… કેટલી સુંદર !
મનમાંથીય બીજી વાર કોઇક બોલ્યું: ‘ અહા, કેટલી સુંદર !’
આ વાર્તાની સર્જનપ્રક્રિયા
વાર્તાકારની પોતાની વાર્તા વિષેની કેફીયત એવી ન હોવી જોઇએ કે કે વાર્તાના ધ્વનિને ઉઘાડો પાડી દે. આ ડરથી હું આ વારતા વિષેની મારી કેફિયતને વધારે શબ્દોમાં ઢાળવા માગતો નથી. માત્ર એટલું જ કહેવું મને ઠીક લાગે છે કે મનુષ્યના સ્વભાવના મારા સતત નિરીક્ષણે મારી અનેક વાર્તાઓને જન્મ આપ્યો છે. એમ આ વારતાને પણ.
કેલિડોસ્કોપના નળાકારમાં એક છેડે આંખ માંડીને બીજા છેડા પર સફેદ સ્ક્રીન પછવાડે સરકી સરકીને સતત નવી રંગોળી રચ્યે જતા બંગડીના ટુકડાઓને જોવાનું મને મારા નાનપણમાં બહુ જ ગમતું હતું. નજરમાં પુખ્તતા આવતાં મારું કેલિડોસ્કોપ બદલાયું. જૂનું ગયું. હવે રંગીન કાચના સરકતા ટુકડાઓને બદલે એના જેવા જ મનુષ્યના સહસ્રરંગી મનોવલણોથી રચાતાં વિવિધ સંયોજનો માણતાં હું ધરાતો નથી. મારો વાર્તાકાર એનાથી સતત પોષાતો રહે છે. જોવાયેલું બધું તો સર્જનોમાં ઉતારી ન શકાય એટલું બધું અણખૂટ છે, પણ આવા એકાદ મનોવલણના બદલાવની આ વાર્તા છે.
વધુ તો વાર્તા ઝીણવટથી વાંચનારા સૌ કોઇને સમજાય તેવું છે તેમ હું માનું છું.
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com