નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૫

‘તું બીજી બધી રીતે ભલે ગરીબ હોય પણ આખરે છે તો કરોડપતિ… મારી મજાલ છે કે તને મહેણું મારું?’

નલિન શાહ

‘ઓળખી નહીં? હું શશી.’ કહીને ધનલક્ષ્મીને સામે આવી ભેટી. શશીને અળગી કરી એની સાથે હાથ જોડી ઊભેલા પુરુષને પ્રશ્નસૂચક દૃષ્ટિથી જોયું.

 ‘આ મારા પતિ છે, સુધાકર. તારા આશીર્વાદ લેવા આવ્યાં છીએ.’

‘તારા લગ્ન ક્યારે થયાં? મને ખબરે ના પડી!’

‘બા-બાપુજી પણ અજાણ છે. આજે  જ કાગળ લખી જાણ કરી છે.’

‘હું કાંઈ સમજી નહીં, આ ભાઈ કોણ છે, ક્યાંના છે?’

‘તેં તો ચાર ચોપડી ભણી ક્યારનું છોડી દીધુ હતું એટલે તું ના ઓળખે. અમે એક જ ક્લાસમાં હતાં એસ.એસ.સી. સુધી આપણી સ્કૂલના ચોકીદાર રામજીના પુત્ર છે. ગ્રેજ્યુએટ થયા છે.’ શશીએ સાહજિકતાથી કહ્યું જાણે કશું અજુગતું ન હોય.

 આ સાંભળીને ધનલક્ષ્મી હેબતાઈ ગઈ, એણે આગંતુક તરફ નજર કર્યા વગર શશીને ‘અંદર આવ’ કહી હાથ પકડીને બેડરૂમમાં ઘસડી ગઈ.

‘બોલ, આ બધું શું છે? ઘેરથી ભાગીને આવી છે?’

 ‘ના, બા-બાપુજીને લગ્ન માટે વિરોધ હતો, એટલે ઘર અને ગામ છોડીને આવી છું, ભાગીને નહીં.’

‘એ લોકોએ તને રોકી નહીં?’

‘રોકી શકે તેમ હતાં નહીં. મારો નિર્ણય અફર હતો. નાની બહેન હોવાના કારણે કેવળ રાજુલ મારા પક્ષમાં હતી, પણ એ કાંઈ બોલી શકે એવી સ્થિતિમાં નહોતી. ન્યાતવાળાઓએ ધમકી આપી કે આખા કુટુંબનો બહિષ્કાર કરશે. મારે બા-બાપુજીને તકલીફમાં નહોતાં મૂકવાં. એટલે ઘર અને ગામ બંને છોડી દીધાં. સુધાકરની બહેનને ત્યાં સુરત ગયાં અને ત્યાં જ લગ્ન કર્યાં અને તારા આશીર્વાદ લેવા અહીં આવ્યાં, એના મિત્રને ત્યાં બોરિવલીમાં ઊતર્યાં છીએ.’

‘મારા આશીર્વાદ હલકી વર્ણના લોકો માટે ફાલતુ નથી પડ્યા. શું કરે છે તારો એ ચોકીદારનો છોકરો?’

‘એનું નામ સુધાકર છે.’ શશીએ શાંતિથી કહ્યું.

‘એ જે હોય તે.’

‘બી.એ. થઈ પાલણમાં જ એક ફેક્ટરીની ઓફિસમાં હતા. હવે રાજાપુરમાં મારી સાથે ગ્રામસેવાનું કામ કરે છે. કેટલાંક સેવાભાવી લોકો સાથે મળીને અમે એક સ્કૂલ ખોલાવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. જે આજુબાજુના ગામોને પણ ઉપયોગી થાય. સાથે સાથે ગ્રામ સફાઈ, મહિલાઓ માટે ગૃહ-ઉદ્યોગ, જૂના રૂઢી, રીતરિવાજ અને અંધશ્રદ્ધા સામે ઝુંબેશ અને…..’

‘બસ, બસ. બહુ સાંભળ્યું. કેટલી આશા રાખી હશે બા-બાપુજીએ તારી પાસે!’

‘આશા તો એમણે તારી પાસે પણ બહુ રાખી હતી. બોલતાં નહોતાં પણ સમજતાં જરૂર હતાં. દીકરાના જન્મ પછી કદી પાછા વળી ગામ તરફ જોયું છે?’

‘ધૂળ-માટીના એ પછાત ગામમાં મારો દમ ઘૂંટાતો હતો.’

‘વાહ… જે ગામમાં ઊછરી એ આજે પછાત લાગે છે? મારે માટે તો એ તીર્થસ્થાન છે.’

‘તો સબડ્યા કર ગામમાં જ, મારે શું?’

‘એ તો જેવો જેનો દૃષ્ટિકોણ, વાંક તારો નથી, મારો છે કે મેં તારી પાસે આશીર્વાદની આશા રાખી. શું કરું વર્ષો પછી ભાણેજને જોવાની લાલચ રોકી ના શકી.’

‘અને સાથે સાથે પૈસાની પણ લાલચ હશે ને?, બોલ કેટલા જોઈએ છે? જલદી બોલ મારા મિત્રો આવવાના છે. એ મોટા ઘરની સ્ત્રીઓ સામે ઘરમાં પછાત વર્ણનાં લોકોનું પ્રદર્શન નથી કરવું.’

‘તારા જેવી ગરીબ પાસે કશી પણ આશા રાખવી વ્યર્થ છે. રહી પૈસાની વાત તો અમારી પાસે આત્મસંતોષની મૂડી છે, જે સુખેથી જીવવા માટે પૂરતી છે. પણ એ બધું તને નહીં સમજાય’.

એટલું બોલી શશીએ બહાર જવા પગ ઉપાડ્યા ત્યાં જ કિંમતી પોશાકમાં સજ્જ થયેલો પરાગ બારણું ખોલી દાખલ થયો. શશીએ ઉમંગથી હાથ લંબાવ્યા, ‘મને ઓળખે છે? હું તારી માસી છું.’ એ આગળ કાંઈ બોલે તે પહેલાં જ ધનલક્ષ્મીએ સામે આવી એક સજ્જડ તમાચો એના ગાલ પર ચોડી દીધો, ‘તને ઓળખાણ આપવાનું કોણે કહ્યું?’
શશીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. પરાગ હેબતાઈ ગયો. ‘એ શીમલામાં ભણે છે, અંગ્રેજીમાં. તારી ઓળખાણ આપી એને શરમાવા માંગે છે?’

શશીએ કોઈ પણ જવાબ આપ્યા વગર બહાર જવા પગ ઉપાડ્યા ત્યાં જ ધનલક્ષ્મીનો અવાજ કાને અથડાયો, ‘શું શું આશા રાખી હશે બા-બાપુએ આની પાસે?’

શશી થંભી ગઈ, સામે જોઈ ફરી બોલી, ‘શું આશા રાખી હતી? મારા બાપની ઉંમરના કોઈ જમીનદારને પરણી હોત તો એમની આશા ફળી હોત એટલું જ ને?’

‘મને મહેણું મારે છે?’

શશીએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, ‘તું બીજી બધી રીતે ભલે ગરીબ હોય પણ આખરે છે તો કરોડપતિ. મારી મજાલ છે કે તને મહેણું મારું?’ એટલું બોલી ત્વરિત પગલે બહાર નીકળી ગઈ. સોફાના ખૂણા પર સંકોડાઈને બેઠેલો સુધાકર વિસ્મયથી ઊભો થઈ ગયો. શશી ચહેરા પર સખ્તાઈના ભાવ દર્શાવી બોલી, ‘ચાલો, અહીં શ્રાપના ભંડાર છે. આશીર્વાદની મૂડી નથી’ અને બંને બહાર નીકળી ગયાં.

નોકરાણીએ બે બહેનોને ભેટતાં જોયાં હતાં, બેડરૂમના અર્ધા ખુલ્લા દરવાજામાંથી સંવાદના કેટલાક ટુકડા સાંભળ્યા હતા,લપડાકનો અવાજ પણ કાને પડ્યો હતો અને ગરીબ દેખાતી એ બેનને રડમસ ચહેરે ચાલી જતાં નિહાળી હતી. એનું હૃદય શેઠાણી પ્રત્યે ઘૃણાથી ભરાઈ ગયું, એને થયું કે ખરેખર જો ભગવાન જેવું કોઈ હોય તો એ પૈસાને બહુ તુચ્છ વસ્તુ માનીને જ આવાં લોકોના હવાલે કરતો હશે.

સમય બદલાઈ રહ્યો હતો ને સમયની સાથે સૈકાઓ જૂના રૂઢી-રીતરિવાજો પણ નષ્ટ થઈ રહ્યાં હતાં. પણ સમયે સર્જેલા એ બદલાવને સામાજિક સડો માની રૂઢીવાદીઓ હજી પણ કેટલાંક ગામડાઓમાં ઊંચનીચની પ્રથા જાળવી રાખવાના પ્રયત્નો કરી રહ્યા હતા, આવા સંજોગોમાં નીચી જાતના કહેવાતા ચોકીદારના છોકરા સાથે શશીનું લગ્ન કુટુંબ માટે એક સામાજિક આપત્તિરૂપ હતું. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો એ યુવક ગ્રેજ્યુએટ હતો. પ્રગતિશીલ, આદર્શવાદી અને કાબેલ હતો, એ હકીકતનું પાલણમાં રૂઢીવાદીઓને કોઈ મહત્ત્વ ન હતું. શશીથી છ વરસ નાની બહેન રાજુલ એક માત્ર એવી હતી જેને માટે શશીનો નિર્ણય સમજદારીના પ્રતીકરૂપ હતો. પણ પંદર વરસની એ છોકરીને દાદ દેનાર કોઈ નહોતું. મા-બાપની સંકોચજનક સ્થિતિનો વિચાર કરી શશીએ સ્વેચ્છાએ પાલણ છોડી એની મોટી બેન ધનલક્ષ્મીએ ત્યજેલાં વીસ માઇલ દૂર આવેલા ગામ રાજાપુરમાં વસવાટ કર્યો હતો. એ ગામ બધી રીતે પછાત કહેવાતું હોઈ એનું ગ્રામસેવાનું સપનું સાકાર કરવા આદર્શરૂપ હતું. શશીનાં લગ્ન ચર્ચાનો વિષય જરૂર બન્યાં, પણ બદલાયેલા સમયમાં સમાજનું વર્ચસ્વ પહેલાં જેવું નહોતું રહ્યું અને નવા લોકો સમાજના નિયમોને ગણકારતા નહોતા. એટલે હિંમત કરીને શશીના પિતાએ રાજુલ મારફત પત્રમાં શશીને ઘેર આવવાનું આમંત્રણ મોકલ્યું.

શશીએ લગ્ન કરીને મા-બાપને લખેલો પત્ર કેવળ તેમની ક્ષમા માગવા અને આશીર્વાદની યાચના કરવા પૂરતો હતો. ત્યાર પછીનો પત્રવ્યવહાર કેવળ રાજુલ સાથે જ હતો.

શશીએ રાજુલને લખેલા પત્રમાં લગ્ન કરી મુંબઈ મોટી બેનના આશીર્વાદ લેવા જવાની ઇચ્છા દર્શાવવી. આ વાંચીને રાજુલનું મન ખાટું થઈ ગયું. જે બેને પૈસાનાં મદમાં પિયરનાં ગરીબ કુટુંબ સાથે સંબંધ રાખવામાં નાનમ અનુભવી હતી, એ બેનના તે આશીર્વાદ લેવાય? પણ એ જાણતી હતી કે આદર્શવાદી શશીના મનમાં રાગદ્વેષને કોઈ અવકાશ નહોતો. એ તો સાપને દૂધ પાવા માટે પણ નાગપંચમીની પ્રતીક્ષા કરે એવી નહોતી. એટલે ઘમંડી બેનના આશીર્વાદ લેવા પણ જાય એમાં અચરજ પામવા જેવું કાંઈ નહોતું.

જ્યારે રાજુલે બાપુને શશીનાં બેનને મળવા મુંબઈના પ્રવાસની વાત કરી ત્યારે એ લોકોના મનમાં આશાનો સંચાર થયો. શક્ય છે કે તેર વર્ષે મુલાકાત થતી હોવાથી ધનલક્ષ્મી લાગણીના આવેગમાં શશીને રોકી રાખે. લોહીની સગાઈ કાંઈ ભુલાય? મા-બાપે વર્ષોથી એમના પૌત્રને જોયો નહોતો, ન તો ધનલક્ષ્મીએ મુંબઈ આવવાનું ઔપચારિક આમંત્રણ પણ કદી આપ્યું નહોતું. ન તો કદી એમના ખબર-અંતર પૂછ્યાં હતાં. મા-બાપ એને શહેરના ધમાલિયા જીવનનો દોષ સમજી મનને મનાવી લેતાં હતાં.

રાજુલ શશી કરતાં છ વર્ષ નાની હતી. ઉંમરના પ્રમાણમાં એ ખાસ્સી ઠરેલ અને સમજુ હતી. એણે કોઈ પણ બાબતમાં કોઈની અપેક્ષા રાખી નહોતી. એની સહેલીઓ ક્યારેક એને કહેતી કે એની પૈસાપાત્ર બહેન એને મુંબઈ તેડાવી સારાં ભણતરની તક આપી શકી હોત. તીવ્ર બુદ્ધિની રાજુલ રોકડો જવાબ પરખાવતી કે કેટલીયે નામાંકિત વ્યક્તિઓ ગરીબીમાં ઊછરી હતી અને ગામડામાં કોડિયાના ઝાંખા પ્રકાશમાં ભણીને સફળતાની ઊંચાઈએ પહોંચી હતી. જેને સફળ થવું છે એ તક ગમે ત્યાંથી શોધી લે છે. તકની પ્રતીક્ષા નથી કરતાં. સ્કૂલમાં પણ રાજુલની પ્રતિભાથી શિક્ષકો અંજાઈ જતાં. ખાસ કરીને ડ્રોઈંગ શિક્ષક  જેણે એને સ્કૂલની લાયબ્રેરીનાં પુસ્તકોમાં દેશ-વિદેશના ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરતા જોઈ, એનામાં વધુ રસ લેવા માંડ્યો. ક્યારેક નિસાસો નાખી કહેતા કે, ‘આ ખાબોચિયા જેવી સ્કૂલમાં તારી આકાંક્ષાઓને કોઈ અવકાશ નથી.’

રાજુલ સ્વપ્નશીલ અને સ્વમાની હતી. એ જાણતી હતી કે ગરીબી એના જીવનમાં અવરોધ સમાન હતી, પણ સૌથી વધુ ચિંતા એને કુટુંબની દરિદ્રતા માટે હતી અને એની બહેન શશી એક માત્ર સાંત્વના આપતી હતી.

ત્રીજે દિવસે શશીનો રાજુલ પર પત્ર આવ્યો. એ મુંબઈથી પાછી આવી ગઈ હતી અને ક્ષેમકુશળ હતી. એની ગેરહાજરીમાં કામ ખોરવાઈ ગયું હોવાથી તે કામમાં ગુંથાઈ ગઈ હતી. બા-બાપુને યાદ વિ.વિ. બસ આટલું જ. મુંબઈમાં બેનની મુલાકાતનો કોઈ ઉલ્લેખ નહોતો. એને નવાઈ લાગી અને કેટલીક શંકા પણ ઉદ્ભવી.

‘કદાચ એને શહેરમાં ના ગોઠ્યું હોય એ ઉદ્ગાર કાઢ્યા.

‘કદાચ બેને ના આવકારી હોય!’ રાજુલે શંકા વ્યક્ત કરી.

‘આવું ના બોલાય, ધનુ મોટી બેન છે અને લોહીની સગાઈનાં તાંતણા એટલાં સહેલાઈથી નથી તૂટતાં.’

રાજુલે પ્રત્યુત્તર ના આપ્યો પણ વિચાર્યું જરૂર કે, ‘લોહીના તાંતણા’ એ તો એક લોકવાયકા છે. ભાઈ-ભાઈને પણ પૈસા ખાતર દગો આપે છે અને કેટલીક બહેનો વચ્ચે બોલાચાલીનો વ્યવહાર પણ નથી રહેતો. એવી માઓ પણ જોઈ છે જે ગરીબ કુટુંબમાં વરેલી દીકરીને ધૂત્કારે છે અને શ્રીમંત દીકરીને આવકારે છે. કમાતો દીકરો વહાલો લાગે છે અને બેકાર અળખામણો.

‘બા આપણી ન્યાતનાં મોતીકાકીને તું સારી રીતે જાણે છે ને?’ રાજુલ થોડી વાર ચૂપ રહીને બોલી, ‘વિધવા છે અને એકલાં રહે છે. ગામમાં જ પરણેલી જ બે સાવકી દીકરીઓ નરબદીબેન અને સરસ્વતીબેન અને એના દીકરાઓ પણ એ સાવકી માનું કેટલું ધ્યાન રાખે છે? એટલું જ નહીં પણ એમને જાતરા કરાવી. અહીં ક્યાં લોહીનું સગપણ હતું? જે કર્યું એ કેવળ ફરજ સમજીને જ કર્યું. કહેવતો તો ભાષામાં અલંકાર તરીકે વપરાય છે, હંમેશાં એ વાસ્તવિકતાનું દર્શન નથી.’

‘બહુ બોલતાં શીખી ગઈ છે, આ તારું ભણતર જ તને બગાડે છે.’

‘તારી સૌથી મોટી દીકરી તો અભણ જેવી જ છે ને તો એ કેમ આવી પાકી? ભણતરને શું કામ વગોવે છે?

થોડી વારની ચૂપકીદી સેવી સવિતા બોલી, ‘રાજુલ, મને કેટલીક વાર લાગે છે કે તારી પંદર વર્ષની ઉંમરના પ્રમાણમાં તું બહુ પ્રૌઢ થઈ ગઈ છે. કેટલાંક જન્મથી જ બુદ્ધિશાળી હોય છે અને કેટલાંક મારા જેવાં પચાસ વટાવ્યાં છતાં ઠોઠ રહે છે.’

રાજુલે સાંભળ્યું ન સાંભળ્યું કરી ગંભીરતાથી પૂછ્યું, ‘બા, મારાં લગ્ન ક્યારે થશે?’

‘કેમ આવું પૂછે છે?’

‘બસ, અમથું જ પૂછું છું.’

‘બે એક વર્ષ પછી તારી ફિકર એ કરવી પડશે’

રાજુલ કાંઈ બોલ્યા વગર બહાર ચાલી ગઈ.

. . . .

બીજે દિવસે રાજુલે બેનને મળવા રાજાપુર જવાની જીદ પકડી.

‘એકલી જઈશ?’ બાપુએ પૂછ્યું.

‘એમાં શી મોટી વાત છે. કલાક-એકની બસ સફર કાંઈ બહુ લાંબી ના કહેવાય અને હું કાંઈ સાવ અજાણી તો નથી.’

‘ભલે’ બાપુ એ કહ્યું અને બીજે દિવસે રતિલાલ રાજુલને એસ.ટી. સ્ટેન્ડ પર મૂકવા ગયા.

પાલણ અને રાજાપુર વચ્ચે લોકોની નિયમિત આવજાવ થતી હોવાથી સથવારો શોધવામાં કોઈ તકલીફ ના પડી. બાપુએ એના હાથમાં દસ રૂપિયા મૂક્યા. જમીનદારને ત્યાં નોકરી કરતા બાપુની હાલત રાજુલથી અજાણી નહોતી. ‘આ બહુ કહેવાય બાપુ, પાંચ રૂપિયા પણ ઓછા નથી.’

‘ના દીકરા, સાથે રાખવા સારા’ કહી બસ ઊપડવાનો સમય થતાં નીચે અનાયાસે ધનલક્ષ્મીની યાદ આવી ગઈ. કેટલાં સપનાં સેવ્યાં હતાં કે એની મોટી દીકરી પરણ્યા પછી એની હાથી જેવી મોટરમાં એનાં ગામ આવે અને પાછળ ધૂળનો વંટોળ ઊડાડતી એ મોટર આંગણે આવી ઊભી રહે અને એના જમાઈના ધંધાધારી મિત્ર ગણાતા એના જમીનદાર શેઠને ત્યાં એની દીકરી થકી આખાં કુટુંબને ચા-નાસ્તાનું  કાં તો જમવાનું આમંત્રણ મળે અને એ કુટુંબ સહિત દીકરીની મોટરમાં ત્યાં જાય અને ગામલોકો જોઈને અચરજ કરે વગેરે વગેરે. નાના માણસોનાં સપનાં પણ નાનાં હોય છે. પણ આ તો કદાચ બહુ મોટું સપનું હતું એટલે જ પુરુ ના થયું.

બસની ઘંટી રણકી અને રતિલાલનું સ્વપ્ન ભંગ થયું. બસની પાછળ ઊડતા ધૂળના ગોટાઓ દેખાયા ત્યાં સુધી જોયા કર્યું. હવામાં થોડી ઠંડક હોવા છતાં ધોતિયાના છેડાથી મોં પરનો પસીનો અને આંખો લૂછીને ધીરે પગલે ચાલવા માંડ્યું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.