રક્ષા શુક્લ
ગીતોની ગાડી જોડે છે.
કવિ એફ.બી.માં ઘૂસીને, ડિફરન્ટ ડિફરન્ટ માલ ચૂસીને,
ગઝલોની ગાગર ફોડે છે.
લલ્લુજીના જોડકણાં પર લાઈક્સ જોઇને થાય બળાપો,
ટેન્શનમાં છું’ કિયા બ્લોગ પર પ્રિન્ટર પકડી મારું છાપો.
પબ્લિકમાં નહિ મેસેન્જરમાં સરકાવી દ્યો એક તરાપો,
જંગલ, ઝરણાં, ઝાકળ, ઝાંઝર, ઝટપટ થોડા શબ્દો આપો.
કવિ પછી તો હાથવગો જે નવોદીતનો એ ઝંડો લઇ
અહિયાં-તહિયાં જઈ ખોડે છે. ગીતોની ગાડી જોડે છે.
સંપાદક તો સનેપાત, સાભાર કવિતા પરત કરે છે,
કેટકેટલાં ભક્તો લથબથ લાઈક ભરેલો થાળ ધરે છે.
વિવેચકોને કોણ કહે અહીં કમેન્ટ કરતા ઈન્દ્ર ડરે છે,
અદ્ભુત, વેરી નાઈસ, વાહ’વા, ટેરવડેથી સરર સરે છે.
કવિ લાગતો કપિ પછી તો, ડાળ મળે દસ-બાર પછી તો
બેલગામ ઊડતે ઘોડે છે. ગીતોની ગાડી જોડે છે.
ચણા હજુ જીંજરિયે ચોંટ્યા, તોય ભજનના ભજીયા તળતો,
છંદ બધા કુછંદ છે કહી પ્રાસ-ત્રાસના ઢાળે ઢળતો.
અર્થોને મારી મચડીને ઘઉંના બદલે કોદર દળતો,
વોટ્સેપ ઝોલે ચડતું ત્યારે ફેસબુકની વાડે વળતો.
કવિ બિચારો બેવડ થઈને, કાચા-કોરા કલ્પન કાજે
ગુગલના દ્વારે દોડે છે. ગીતોની ગાડી જોડે છે.
સુશ્રી રક્ષાબહેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com