ભગવાન થાવરાણી
પાછા વળી આવીએ જાણીતા નામો ભણી.

જાન્નિસ્સાર અખ્તર વિષે એમ કહીએ કે એ જાવેદ અખ્તરના પિતા હતા તો એ સાચું તો કહેવાય પણ ન્યાયસંગત નહીં લેખાય. તેઓ ફિલ્મોના જાણીતા ગીતકાર તો હતા જ, ઉર્દૂ સાહિત્યિક વર્તુળોમાં પણ એમનું નામ પૂરા આદરથી લેવામાં આવે છે.
એમના એક ફિલ્મી ગીતનો મુખડો આજે કેટલો પ્રાસંગિક લાગે છે!
ગ઼મ કી અંધેરી રાત મેં દિલ કો ન બેકરાર કર
સુબ્હા ઝરૂર આએગી સુબ્હા કા ઈંતઝાર કર
એમની એક પ્રમાણમાં ઓછી જાણીતી ગઝલનો મત્લો છે :
આએ ક્યા – ક્યા યાદ નઝર જબ પડતી ઈન દાલાનોં પર
ઉસકા કાગઝ ચિપકા દેના ઘર કે રૌશનદાનોં પર
પરંતુ આ જ ગઝલનો એક અર્થગંભીર શેર જૂઓ :
સસ્તે દામોં લે તો આતે લેકિન દિલ થા – ભર આયા
જાને કિસ કા નામ ખુદા થા પીતલ કે ગુલદાનોં પર..
ફરીથી જરા વાંચજો. એક આખી વાર્તા દબાયેલી પડી છે આની હેઠળ. ગુજરી બજારમાં સસ્તા ભાવે એક પિત્તળની ફૂલદાની વેચાઈ રહી છે. એને જોઈને લેનાર – જે સ્વાભાવિક છે, એક ઋજુ-હૃદય શાયર છે – નું દિલ ભરાઈ આવે છે. કેમ ? કેમ કે એ ફ્લાવર-વાઝની ઉપર કોઈકનું એટલે કે એના અસલી માલિકનું નામ કોતરાયેલું છે (ઉર્દૂમાં ‘ ખુદા હૈ ‘) સંવેદનશીલ શાયર એ જોઈ વિચારે છે કે એવી તે કઈ મજબૂરી હશે કે ગુલદાનના અસલી માલિકે એ ગુજરીમાં વેંચી નાખવું પડ્યું હશે !
‘ સબ કો અપની હી કિસી બાત પે રોના આયા ‘ …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ ખુબ જ સરસ શેર. ૠજુ હ્રદય ધરાવતી વ્યકતિ જ સામેના પાત્રની મજબુરી વિચારી શકે.સાચી વાત છે ઘણીવાર આપણને ગુજરી બજારમાં એન્ટિક લાગતી વસ્તુઓ ત્યા સુધી કેવી રીતે પહોંચી હશે. તેના અસલી માલિકને તે વેચવાની મજબૂરી એ કેટ કેટલી વેદના માંથી પસાર થવુ પડયું હશે. ખુબ ખુબ અભિનંદન તથા વંદન સર.🙏⚘
આપના પ્રતિભાવ બદલ આભારી છું પ્રીતિબહેન !