ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૨૨) હોસ્ટેલની યાદો

           જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.  

પીયૂષ મ. પંડ્યા

 —————*—————-*——————-*——————-*——————

મારી ફૂટતી યુવાનીનાં વર્ષોનો સારો એવો સમયગાળો હોસ્ટેલમાં રહી, ભણવા(!)માં વિત્યો. કૉલેજની બોય્ઝ હોસ્ટેલો જેને માટે જાણીતી/નામચીન હોય છે, એવાં લગભગ બધાં જ તત્વોની મોજૂદગી અમારી હોસ્ટેલમાં પણ સ્વાભાવિક રીતે જ હતી. આમ, ‘ગુણવત્તા’ની દ્રષ્ટિએ ૧૮ થી ૨૧ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ છોકરાઓને સમાવતી અન્ય કોઈ પણ હોસ્ટેલ કરતાં અલગ ન પાડી શકાય, એવી નડીયાદની ‘ઉત્તરસંડા હોસ્ટેલ’ની વિશિષ્ટતા સંખ્યાત્મક હતી. જૂન ૧૯૭૧ થી મે ૧૯૭૩ દરમિયાન માઈક્રોબાયોલોજી વિષય લઈને ડીગ્રી મેળવવા માટે તે સમયની ખુબ જ પ્રતિષ્ઠિત એવી જે. એન્ડ જે સાયન્સ કૉલેજમાં પ્રવેશ લેનારા ૩૮ છોકરાઓ આ હોસ્ટેલના ઉપરના માળે આવેલી રૂમોમાં રહેતા હતા. એ બે વર્ષ અમારા બધા માટે યાદગાર બની રહ્યાં છે. કોઈને પુસ્તક લખવા માટે પૂરતો કાચો સામાન અને મસાલો મળી રહે એવાં પાત્રો અને બનાવો સતત હાથવગાં રહેતાં.

એ વેળાના સહવાસીઓમાંના નિશીથ ભટ્ટ, (ચન્દ્ર)શેખર પંડ્યા અને ઈમેન્યુઅલ રેમન્ડ સાથે આજે પણ ગાઢ મૈત્રી જળવાઈ રહી છે. તે ઉપરાંત ઋષિકેશ વસાવડા, પંકજ ત્રિવેદી, રજનીકાંત લાખાણી, કાસમ રવન્ના, પુરૂષોત્તમ માંગરોળીયા, હસમુખ સિયારા, રાજેન્દ્ર બાવડા, ગોવીંદ રીબડીયા, અબ્દુલઅઝીઝ ખત્રી અને ઘનશ્યામ સોની જેવા મિત્રો સાથે આજે પણ નિયમીત ધોરણે સંપર્ક જળવાઈ રહ્યો છે. ઉમેશ પટેલ, ડી.કે. શાહ, હરિશ પટેલ, અબ્દુલ શેખ, ભરત ગાંધી, મનોજ પટેલ, સુરેશ પટેલ, કેશવ જાલંધરા, નટવર કોશિયા અને સુધીર ત્રિવેદી ક્યાંય જડતા નથી. ભરત દેસાઈ, યાકુબ લાખાણી, મોહન કુકડીયા, મનુભાઈ તલાવીયા, બીપિન જોશી અને હરકાંત જોશી જેવા અઝીઝો દુનિયા છોડી ગયા છે, પણ અમારી યાદદાસ્તમાં જીવંત છે અને રહેશે. આટલાં નામ એટલે ગણાવ્યાં કે અમારા બધા વચ્ચે અનેક પ્રકારના આર્થિક, સામાજિક, ઉછેરમૂલક અને સમજણના પારાવાર તફાવતો હોવા છતાં જે તત્વ સામાન્ય હતું તે હતો ભાઈચારો. એમ પણ આજથી અડધી સદી પહેલાંના સમયના સમાજમાં લાગણીદુભાઉ માનસિકતા ભાગ્યે જ જોવા મળતી. અમે પણ એવા જ હતા. અન્યથા એકબીજા માટે ચાલતી રહેતી મજાકોમાં એવી કેટલીયે વાતો આવતી રહેતી, જે આજના સંજોગોમાં મોટા રમખાણને નોતરી લાવે.

એ સમયગાળાની કેટલીક યાદો હજી બિલકુલ અકબંધ છે. અમુક ખુબ જ આનંદદાયી છે, જે અહીં તબક્કાવાર વહેંચવાની ચેષ્ટા કરું છું. એમાં સામેલ પાત્રોની ઓળખાણ જે તે પ્રસંગના વર્ણન સમયે થતી રહેશે.

—————*—————-*——————-*——————-*——————

મારે અગાઉથી જ પરિચય હતો એવા બે મિત્રો નિશીથ અને શેખર સાથેની કેટલીક મજેદાર યાદોથી શરૂઆત કરું. અમે ત્રણેય ભાવનગરના વતની. વળી પેઢીઓથી ઉતરતા આવેલા પારિવારિક સંબંધથી એકબીજા સાથે જોડાયેલા છીએ. આ કારણથી શાળાના દિવસોથી જ અમારી મૈત્રી તો હતી જ. જો કે હું જ્યારે નડીયાદની મેં કૉલેજમાં અને હોસ્ટેલમાં પ્રવેશ લીધો ત્યારે મને એ બન્ને ત્યાં હશે એવી કલ્પના પણ નહતી. મેં હોસ્ટેલના રૂમમાં સામાન ગોઠવ્યો ત્યાં તો સામેની રૂમમાંથી નિશીથ પ્રગટ થયો. બસ, એ સાંજથી જ અમારો દિવસરાતનો સંગાથ શરૂ થઈ ગયો. શેખર એ સમયે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં કેમિસ્ટ્રી ભણતો હતો. અમે બે નડીયાદમાં સાથે છીએ એવી જાણ થતાં એ પણ અમારી સાથે માઈક્રોબાયોલોજી ભણવા આવી ગયો. એને પ્રવેશ માટેની ઔપચારિકતામાં ત્રણેક અઠવાડીયાં લાગી ગયાં એ દરમિયાન નિશીથે અને મેં હોસ્ટેલમાં ‘આમ બીજો કોઈ વાંધો નહીં પણ સરવાળે આઘા રાખવા જેવા’ તરીકેની પ્રતિષ્ઠા(!) અર્ચિત કરી લીધી હતી. કોઈની પણ મજાક કરી લેવામાં અમે ઝાઝો વિચાર ન કરતા. મોટા ભાગના સહવાસીઓનાં વિશિષ્ટ નામ અમે પાડ્યાં હતાં. એ નામ જે તે છોકરા માટે જરાય આનંદદાયક ન હોય એ સ્વાભાવિક હતું. પણ બાકીના છોકરાઓ તો એ નામ ખુબ જ ઝડપથી અપનાવી લેતા હતા. એક તબક્કો એવો આવ્યો કે લગભગ બધા જ કોઈ ને કોઈ ખાસ નામથી વિભૂષિત થઈ ગયા! એ નામાભિધાન પ્રક્રિયામાંથી હું પણ બાકાત ન હતો. જો કે નિશીથનું નામ પાડવાની હિંમત કોઈએ કરી નહીં એની પાછળ એક મજેદાર વાત છે.

મનોજ નામના એક છોકરાના નામમાં એના બાપુજીનું નામ ‘ટી’ મૂળાક્ષરથી શરૂ થતું હોવાની જાણ થતાં નિશીથે એને ખિજવવાનું શરૂ કર્યું. “તે હેં મનકા! તારા બાપાનું નામ ટીકુભાઈ છે? કે પછી ટોમીલાલ?” આવાં કેટલાંયે ચિત્રવિચિત્ર નામો લીધા પછી બોલ્યો, “કદાચ તો તિલોત્તમાપ્રસાદ હશે!” આ સાથે મનોજની ધીરજ ખૂટી. એ કહે, “હું ક્યારેય તારા બાપાનું નામ પૂછું છું?” એ આટલું જ બોલ્યો, ત્યાં તો નિશીથે ઉઠીને મનોજને બે લાફા અડાડી દીધા! “હરામખોલ! બાપા ઉપર જા છ?” કહીને ફરીથી ફટકાર્યો. હવે એણે મનોજ સાથે આવું પ્રેમાળ વર્તન કર્યું એ જોયા પછી બીજો કોઈ નિશીથને છંછેડવાની હિંમત કરે ખરો?

—————*—————-*——————-*——————-*——————

એ સમયે હોસ્ટેલની દરેક રૂમમાં ત્રણત્રણ છોકરાઓને રાખવામાં આવતા. નિશીથ સાથે ભરત ગાંધી અને શરદ મોદી હતા. એ બન્નેએ એક જ મહિનાના સહવાસમાં ‘આવતે વર્ષે આવો ખેપાની પાર્ટનર ન ખપે’ નક્કી કરી, એની જાહેર ઘોષણા કરી દીધી હતી. સામેની રૂમમાં મારા પાર્ટનર્સ રજની લાખાણી અને રેમન્ડ પણ મારે વિશે આવું જ મન મનાવીને બેઠા હતા. લાખાણી તો એક વાર મારાથી એટલો ગળે આવી ગયેલો કે એણે સામસામેની બેમાંથી એક રૂમ નિશીથને અને અને મને આપી, અન્ય રૂમમાં બાકીના ચારે રહેવું એવી પણ દરખાસ્ત મૂકી હતી! એનો તર્ક સાદો હતો….”ઈ રૂમમાં ઈ બેય ભલે એકબીજા હારે માથાં ફોડે, આપડે ચાર જણા ભીડમાં યે શાંતિથી રહેશું.” જો કે એ યોજના નવા શૈક્ષણિક વર્ષ સુધી અમલમાં ન આવી. એટલે ખાસ કરીને ભરત ગાંધી અને શરદ મોદીનો સહેલાઈથી છૂટકારો ન થયો. ખાસ કરીને ગાંધીની સહનશક્તિ જવાબ દઈ દે એવા મોકા નિશીથ નિયમિત ધોરણે આપતો રહેતો હતો.

અમારી પહેલી આંતરિક પરીક્ષા નજીક આવતાં જ અમને બધાને ભાન થયું કે અમને અમારાં મા-બાપે નડીયાદ ખાતે માત્ર હવાફેરે તો નહોતા મોકલ્યા! ઘરેથી નિયમિત ધોરણે મનીઓર્ડર આવતો રહે એ માટે પરીક્ષામાં પાસ થવું ફરજિયાત હતું અને એ માટે વિષયનું આવડવું જરૂરી હતું. હવે વિષય તો જ આવડે જો કૉલેજમાં એના વર્ગો ભર્યા હોય અને એને લગતાં પુસ્તકો અને જાતે બનાવેલી નોંધોનું પઠન કર્યું હોય. આ વૈજ્ઞાનિક તથ્ય તો અમે જાણતા હતા, પણ જ્યારે પરીક્ષાને આડે માંડ દસેક દિવસ રહ્યા ત્યારે એનો અમલ પણ કરવો એવો નિર્ણય અમારી દૈનિક સામાન્ય સભામાં સામુહિક ધોરણે લેવામાં આવ્યો. એ ચર્ચા દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે એકાદબે છોકરાઓને છોડીને બીજા કોઈએ નિયમિત વર્ગો પણ નહોતા ભર્યા, એમાં ક્લાસનોટ્સની તો વાત જ ક્યાં કરવી! આમ તો રોજ સાંજે હોસ્ટેલના ઉપરના માળની વિશાળ અગાશીમાં અમારી સામાન્ય સભા મળતી રહેતી. મોટે ભાગે તો એમાં જે તે દિવસે મેસમાં મળેલા ભોજનને વખોડી નાખવાનો એજેન્ડા હાથ ઉપર લેવાતો. તે ઉપરાંત એ સમયની ઉમરે સતાવે એવા કૂણી લાગણીભર્યા પ્રશ્નોની પણ ચર્ચા થતી. પણ હવે તો એ બધું કોરાણે મૂકી દઈ, ટાંચાં સંસાધનો સાથે આવી પડનારી પરીક્ષા માટેની તૈયારી શી રીતે કરવી એ બાબતે ચર્ચા ચાલી. હવે પછીના અઠવાડીયા-દસ દિવસમાં કમર કસીને તૈયારી કરી લઈએ, જેથી પરિણામના દિવસે માથું ઊંચું રાખીને કૉલેજમાં ફરી શકાય એમ નક્કી કરવામાં આવ્યું.

હવે વાંચવું તો જરૂરી હતું જ, પણ ક્યારે અને કેટલું વાંચવું એ પણ વિચારણીય મુદ્દો હતો, જે બધાએ જાતે આયોજિત કરવા બાબતે એકમતિ સધાઈ ગઈ. નિશીથ, શેખર અને હું અલગઅલગ રૂમમાં રહેતા હતા, પણ અમે સાથે મળીને તૈયારી કરવાનું ઠરાવ્યું. એમ નક્કી કર્યું કે સાંજે જમીને વ્હેલા સૂઈ જવું. પછી પાછલી રાતે ઉઠીને વાંચવું. એ માટે અલબત્ત, બે પ્રશ્નો હતા. ૧) કોણ ઉઠાડે અને ૨) થોડી તાજગી આવે એ માટે ચા કોણ બનાવી આપે. અમને ત્રણેયને પોતાને જ અમારી બનાવેલી ચા નહોતી ભાવતી એટલે એ માટે તો કોઈ વિશાળહ્રદયી છોકરો ગોતવો જરૂરી હતો.

આ પ્રશ્નનો હલ તો મળી ગયો. અમારી બાજુની જ રૂમમાં રહેતા કાસમ રવન્નાએ કહ્યું કે પોતે આખ્ખી રાત જાગીને વાંચવાનો હોઈ, નિશીથને, શેખરને અને મને  અમે કહીએ એ સમયે ઉઠાડશે અને ‘મસ્ત, કાવા જેવી’ ચા પણ બનાવી આપશે. બદલામાં અમારે એને જો જરૂર પડે તો ભણવામાં મદદ કરવાની રહેશે. આ સાંભળીને અમને ભાન થયું કે અમારા કોઈ જ આયાસ વગર જ, કાસમ તો અમને ત્રણેયને હોંશિયાર માની બેઠો હતો! અમે તો આવી બાબતોમાં કોઈ મતભેદ કર્યા વગર સામેની પાર્ટીના અમારા માટેના અભિપ્રાયને વધાવી લેતા હતા.

એ રાતથી જ કાસમનું અભિયાન ચાલુ થઈ ગયું. અલગઅલગ રૂમમાં સૂતેલા અમને ત્રણેયને ઉઠાડવામાં એનો ખાસ્સો સમય ખર્ચાયો. એમાં પણ નિશીથને જગાડવા માટે તો કાસમે એવા પ્રબળ પ્રયાસો કરવા પડ્યા કે આજુબાજુની રૂમોવાળાઓ અમથે અમથા જાગી ગયા. આમ થતાં કાસમની પ્રતિષ્ઠા રાતોરાત વધી ગઈ. એટલા બધા છોકરાઓએ એને પોતાને જગાડવાની વરદી આપી કે કાસમે દરેક માટે જગાડવાના સમયની ચિઠ્ઠી બનાવવી પડી! એ પછીની બે રાતોમાં કાસમ બધાને જગાડવામાં એટલો વ્યસ્ત રહ્યે કે એની પોતાની તૈયારી અધૂરી રહી જાય એવી ભીતિ એને લાગી. આખરે ત્રીજા દિવસની સાંજે અગાશીમાં મળેલી સભામાં કાસમે જાહેર કરી દીધું કે એ પોતે એ રાતથી કૉલેજના મેદાનમાં આવેલા પેવીલિયનના ઓટલે વાંચવા જતો રહેવાનો હતો. ત્યાંની ઝાંખી બળતી બતીમાં વાંચતાં એને બહુ તકલીફ પડશે એવુ મેં ધ્યાન દોર્યું ત્યારે એણે કહ્યું કે પૂરી રાત એક રૂમથી બીજા રૂમમાં ‘જાગો, જાગો!’ની આલબેલ પોકારવામાં એને પડેલી તકલીફ કરતાં એ કષ્ટ ઓછું હશે!

આમ થતાં અમારામાંના ઘણા બધા નોંધારા થઈ ગયા. પણ નિશીથના રૂમપાર્ટનર ગાંધીએ અમને ત્રણેયને જગાડવાની તૈયારી બતાડી. એની શરત એ હતી કે અમારે અગાશીમાં સૂઈ જવું, જેથી એકસાથે એ અમને ઉઠાડી દઈ શકે. એ પ્રમાણે એ નિયત સમયે અમને જગાડવા આવી પણ પહોંચ્યો. શેખર અને હું તો જાગી ગયા, પણ નિશીથ તો અઘરો દાખલો હતો. હવે એણે સાંજે ગાંધીને ખાસ કહેલું કે પોતે સહેલાઈથી જાગી ન શક્તો હોવાથી ગાંધીએ વિના સંકોચે શક્ય પ્રયાસો કરી, એને બેઠો કરી દેવાનો હતો. આ સૂચનાના અમલના ભાગરૂપે થોડા નિષ્ફળ પ્રયાસો પછી ગાંધીએ એક તપેલીમાં પાણી લઈ, ઉંઘી રહેલા નિશીથ ઉપર રેડી દીધું. આ સાથે જ નિશીથે બેઠા થઈ, ભાવનગરી અને સુરતી બોલીના ચુનંદા સાહિત્યિક પ્રયોગોનો ઉપયોગ ચાલુ કર્યો. ક્ષણવારમાં એને ખ્યાલ આવ્યો કે એની નિદરમાં ભંગ પાડનાર તો ભરત ગાંધી હતો. એ સાથે જ એણે ગાંધીને એટલા જોરથી લાત મારી કે એ બિચારો ગલોટીયું ખાઈ ગયો. એ સાથે ફરી એકવાર અમે મધરાતે જાગવા બાબતે નોંધારા થઈ ગયા. બીજે દિવસે સવારે અલબત્ત, નિશીથે ભાઈબાપા કરીને ગાંધીને ગુસ્સો થૂંકી નાખવા સમજાવી દીધો, પણ મને ખાતરી છે કે ગાંધી એ પછી ક્યારેય કોઈનેય – એનાં સંતાનોને પણ – જગાડવા માટે નહીં ગયો હોય.

—————*—————-*——————-*——————-*——————

અન્ય એક ઘટનામાં નિશીથની ઝપટે કેશવ જાલંધરા ચડી ગયો. અમારા સહાધ્યાયીઓમાં જે ત્રણ જણા પરિણીત હતા એ પૈકીનો એક જાલંધરા હતો. એક સાંજે અમે બધા નિત્યક્રમના ભાગરૂપે સાંજના ભોજન પછી અગાશીમાં બેસીને ગપ્પાં મારી રહ્યા હતા. એવામાં હસમુખ સિયારાએ તે જ સાંજે આવેલા એની પત્નીના કાગળની વાત છેડી. એ બાબતે સૌએ ખુબ જ હર્ષ વ્યક્ત કર્યો. એવામાં કોઈએ જાલંધરાને પૂછ્યું કે એની પત્નીના શા વાવડ હતા. જાલંધરાએ હતાશા સાથે જણાવ્યું છેલ્લાં બે અઠવાડીયાંથી કોઈ જ કાગળ નથી આવ્યો. એનો જુસ્સો જાળવી રાખવા માટે મેં કિધું કે એમ હતાશ થયે ન ચાલે. એકાદબે દિવસમાં કાગળ ચોક્કસ આવશે. એવામાં થોડે દૂર બેઠેલો નિશીથ કહે, “ એ ભાઈ કેશવ! તપાસ કરાવ, બધું બરોબર તો છે ને?  હમણાં હમણાંથી ઈ મને ય કાગળ લખતી બંધ થઈ ગઈ છે!”

આ સાથે જ ત્યાં બેઠેલાઓમાં અટ્ટહાસ્યનું મોજું ફરી વળ્યું. એમાં બે જણા બાકાત હતા. એક તો કેશવ જાલંધરા, જે દાંત પીસીને નિશીથને પીસી નાખવા માટે ધસી ગયેલો. બીજો હતો ખૂદ નિશીથ, જે જાલંધરાના હૂમલાથી બચવા ફટાકડાના રોકેટની ગતિથી અગાશીમાં દોડાદોડી કરી રહ્યો હતો. જો કે એ બીજા બધાને આ બાબતે હસતા જોઈને ઠંડો પડ્યો. પછી બોલ્યો, “ભટ્ટીયા, @#$%&*! પાછો વિયો આવ્ય! બેહી જા, નહીં મારું તને. તારી જેવો કોણ થાય!” પછી અમારી સામે જોઈને બોલ્યો, “આવડો આ ભટ્ટીયો બાકી દાંત બહુ કઢવે શ, પણ જો સુધરશે નહીં તો કોક દિ’ મારી જેવો કોક ટીચી નાખવો શ.”

એ ઘટનાના પાંચ દાયકાઓ પછી યે હજી સુધી તો નિશીથને કોઈએ ટીચી નથી નાખ્યો એટલે લાગે છે કે એ જાલંધરાની અપેક્ષા મુજબનાં ધારાધોરણો પ્રમાણે ‘સુધરી’ જ ગયો હોવો જોઈએ.


   શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

4 thoughts on “ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૨૨) હોસ્ટેલની યાદો

  1. એલા ભાઈ, આ તો ઓછું પડ્યું હોં.. થોડું વધારે પીરસ્યું હોત તો!
    પાગલમાં ખપાઈ જાઉં એટલું હસ્યો…😂

  2. મજા મજા પડી ગઈ.મને તો આવા પ્યાર દોસ્તી લડાઈ પણ ખૂબ ગમે.તમે તાજગી આવી જાય વાંચીને. જૂના અમારા દિવસો સાથે એનુંય કોઈ વાતે અનુસંધાન કે સગપણ નીકળે એવી એવી વાતો મૂકી કે પોતીકી મસ્તી અને નફિકરા હોવાનું અમારું ચરિત્ર પણ પ્રતીત કર્યું થોડી ક્ષણો માટે.વાહ..
    મુકા પછી બધા લંગોટિયા લફંગા જાણે અમારા ગ્રુપના કોઈ સાથે બંધબેસતા આવે એવા દોસ્તો માણ્યા.સલામ👍

  3. મજા મજા પડી ગઈ.મને તો આવા પ્યાર દોસ્તી લડાઈ પણ ખૂબ ગમે.તાજગી આવી જાય વાંચીને. જૂના અમારા દિવસો સાથે એનુંય કોઈ વાતે અનુસંધાન કે સગપણ નીકળે એવી એવી વાતો મૂકી કે પોતીકી મસ્તી અને નફિકરા હોવાનું અમારું ચરિત્ર પણ પ્રતીત કર્યું થોડી ક્ષણો માટે.વાહ..
    મુકા પછી બધા લંગોટિયા લફંગા જાણે અમારા ગ્રુપના કોઈ સાથે બંધબેસતા આવે એવા દોસ્તો માણ્યા.સલામ👍

  4. આ બધું વાંચ્યા જાણ્યા પછી પડોશીઓ અહોભાવથી મને જોતા થઇ ગયા હોં !

Leave a Reply to Nishith Bhatt Cancel reply

Your email address will not be published.