સાયન્સ ફેર – પીરિયડ્સ ઇન સ્પેસ : સ્ત્રી અવકાશયાત્રીઓની આ સમસ્યા વિષે વિચાર્યું છે કદી?!

જ્વલંત નાયક

કરોડો-અબજો રૂપિયાના ખર્ચે થનારા આ મિશન માણસજાતના ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે, આથી એમાં અનેક નાની નાની બાબતો પ્રત્યે તંતોતંત કાળજી રાખવી પડે છે. એમાં જરાસરખી ચૂક ચલાવી લેવાય નહિ. અને એટલે જ હેડિંગમાં જે લખી, એ બાબતના સોલ્યુશન માટે પણ અવકાશ વિજ્ઞાનીઓએ ખાસ્સું મગજ લગાવવું પડે એ સ્વાભાવિક છે. બાકી સરેરાશ પુરુષને તો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતી હોવા અંગેનો વિચાર પણ ભાગ્યે જ આવ્યો હશે!

ખેર, સામાન્ય માણસોને આમેય અવકાશ વિજ્ઞાન વિષે બહુ થોડી જાણકારી હોય છે. દાખલા તરીકે ‘સ્પેસ ગાયનેકોલોજી’ જેવી પણ કોઈ તબીબી પ્રશાખા હોઈ શકે, એવું ભાગ્યે જ કોઈને ખબર હશે. લંડનના ‘સેન્ટર ઓફ હ્યુમન એન્ડ એરોસ્પેસ ફિઝીયોલોજીકલ સાયન્સ’ સાથે વિઝીટીંગ રિસર્ચર તરીકે સંકળાયેલા ભારતીય મૂળના ડૉ વર્ષા જૈન આવા જ એક સ્પેસ ગાયનેકોલોજીસ્ટ છે, જે સ્પેસ ફ્લાઈટ્સ સાથે સંકળાયેલી મહિલાઓના સ્વાસ્થ્ય પર રિસર્ચ કરી રહ્યા છે. અવકાશમાં ઘણા શારીરિક ફેરફારો નોંધાતા હોય છે, ટાઈમઝોન અને ગ્રેવિટી બાબતે પૃથ્વી કરતા સાવ વિપરીત પરિસ્થિતિ હોય છે. તેમ છતાં ડૉ જૈનના કહેવા મુજબ આશ્ચર્યજનક રીતે સ્ત્રીઓની પીરીયોડીક સાઈકલ પર અવકાશીય પરિસ્થિતિની કોઈ અસર થતી નથી, એ પોતાની પેટર્ન મુજબ ચાલુ જ રહે છે! એમના રિસર્ચ વિષે વધુ વાત કરતા પહેલા ‘ફીમેલ ઇન સ્પેસ’ વિષે આજ સુધી કેવી માન્યતાઓ પ્રવર્તી રહી છે, એ વિષે જાણવું જોઈએ.

જેન્ડર બાયસ અડચણો અને એન્ડોમેટ્રિઓસિસનું જોખમ :

સ્પેસ તો છોડો, વિદેશના કહેવાતા સુધરેલા સમાજના ઘણા લોકો ય માને છે કે પ્લેન ઉડાડતી મહિલા પાઈલટને પીરિયડ્સ ચાલુ હોય તો પ્લેન ક્રેશની શક્યતા વધી જાય છે! વર્ષો સુધી અવકાશયાત્રી તરીકે મહિલાઓને ‘અયોગ્ય’ ગણવાનું ચલણ હતું. ઘણા તજજ્ઞો સુધ્ધાં આખી બાબતે ઈમોશનલ એન્ડ હોર્મોનલ ઈમ્બેલેન્સ વિષે ચિંતિત રહેતા. એમનું માનવું હતું કે ઝડપથી ક્ષુબ્ધ થઇ શકે એવી માનસિકતા ધરાવનાર વ્યક્તિ (દાખલા તરીકે પીરિયડ્સ જેવી હોર્મોનલ કન્ડિશન ધરાવતી સ્ત્રી) અને જટિલ મશીનરીને ભેગા કરવા, એ એક જોખમી વિચાર છે. મૂડ સ્વિંગ અને હોર્મોનલ ચેન્જીસને કારણે સ્પેસ મિશન પર કામ કરતી સ્ત્રીને માટે જટિલ મિકેનિઝમ ઉપર કામ કરવું અઘરું થઇ શકે છે. સાથે જ આવી સ્ત્રીને એન્ડોમેટ્રિઓસિસ (Endometriosis) જેવા જોખમનો સામનો કરવો પડી શકે છે. એન્ડોમેટ્રિઓસિસ એટલે એવી કન્ડિશન, જેમાં પીરિયડ્સ માટે જવાબદાર ગર્ભાશયનું આંતરિક આવરણ ઓવરીઝ અને ફેલોપિયન ટ્યુબમાં પણ વિકસવા માંડે છે! ઘણાનું એવું ય માનવું હતું કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં પીરિયોડીક બ્લડ ફેલોપિયન ટ્યુબમાં પ્રવેશી શકે છે!

જો કે સમય જતાં આ તમામ ભય ‘કાલ્પનિક’ અને અવૈજ્ઞાનિક જ સાબિત થયા છે! અત્યાર સુધીમાં કોઈ અવકાશયાત્રીને આ પ્રકારની ગંભીર તકલીફો થઇ હોવાનું નોંધાયું નથી!

વાસ્તવિકતા શું છે?

જેમ પૃથ્વી ઉપર પીરિયડ્સ વિષે અનેક ગેરમાન્યતાઓ અને કાલ્પનિક ભય પ્રવર્તે છે, એ જ રીતે અવકાશીય મુસાફરી દરમિયાન થતા મેનસ્ટ્રુએશન વિષે પણ ઘણા ભય કાલ્પનિક જ છે. તેમ છતાં કેટલીક શારીરિક તકલીફોની અવગણના થઇ શકે નહિ. સ્વચ્છતા અને મેનસ્ટ્રુઅલ કીટના મેનેજમેન્ટનો પ્રશ્ન સૌથી વિકટ હોય છે. અવકાશયાનમાં તસુભાર જગ્યા પણ વધારાની વાપરી શકાય નહિ! એટલે સ્વછતા માટે Bidet જેવા સંસાધનો તો લક્ઝરી જ ગણાય. વળી યુઝ્ડ કીટ્સ (પેડ, ટેમ્પોન વગેરે) પણ ‘એક્સ્ટ્રા પેલોડ’ ગણાય. અવકાશયાત્રા દરમિયાન એક-એક ગ્રામ વજન ઈંધણ સહિતના ફેક્ટર્સ પર અસર કરે, ખાસ કરીને ૨-૩ વર્ષ લાંબા મિશન્સમાં!

અહીં મહિલા અવકાશયાત્રીઓ માટે બે ઓપ્શન્સ રહે છે. પહેલો એ કે વિપરીત પરિસ્થિતિમાં અનેક સ્ત્રીઓ કરે છે એમ, દવા લઈને પીરિયડ્સ લંબાવી દેવા. (મેનસ્ટ્રુએશન સપ્રેશન!) પરંતુ સ્પેસમાં આવું કરતાં એક બીજું જોખમ રહે છે. આ પ્રકારની દવાઓ લાંબા ગાળે હાડકાની મજબૂતાઈ (બોન્સ મિનરલ ડેન્સિટી) ઉપર અવળી અસર કરે છે. જે ઓસ્ટીયોપોરોસીસ અને હાડકાના ફ્રેક્ચર જેવી તકલીફ ઉભી કરી શકે છે. બે-ત્રણ વર્ષ લાંબા મિશન પર જનારી સ્ત્રીએ એક હજાર કરતા વધુ પિલ્સ મેનસ્ટ્રુએશન સપ્રેશન માટે પેટમાં પધરાવી હોય તો લાંબા ગાળે એ નડે જ! બીજો ઓપ્શન છે મેનસ્ટ્રુએશન સાઈકલને કુદરતી રીતે ચાલવા દેવી અને જે અગવડ પડે એ વેઠી લેવી. જો કે હાલમાં એક ત્રીજા નવીન કન્સેપ્ટ ઉપર પણ કામ થઇ રહ્યું છે.

એક નવો કન્સેપ્ટ – LARC ઈમ્પ્લાન્ટ :

સ્પેસ ગાયનેક વર્ષા જૈન પોતાના રિસર્ચને આધારે કહે છે કે ખાસ પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ આ મામલે મદદરૂપ થઇ શકે છે. લોંગ-એક્ટિંગ રિવર્સીબલ કોન્ટ્રાસેપ્ટીવ (LARC) એજન્ટ્સ ચામડીની નીચે અથવા ગર્ભાશયમાં ઈમ્પ્લાન્ટ કરી દેવામાં આવે, જે ધીમે ધીમે મેનસ્ટ્રુએશન સપ્રેશનનું કામ કર્યા કરે. જો કે આ મામલે હજી સંશોધનો ચાલ્યા કરે છે. પણ વિજ્ઞાનને સહારે માનવજીવનની અનેક તકલીફોનો ઉકેલ શોધી શકાયો છે, એમ આ તકલીફનો ઉકેલ પણ નજીકના ભવિષ્યમાં જડી આવશે. અને પછી ત્રણ-ચાર કે પાંચ વર્ષ લાંબા સ્પેસ મિશન્સ પર જવા માટે કોઈ ‘જેન્ડર બાયસ’ મજબૂરીઓ અડચણરૂપ નહિ બને!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “સાયન્સ ફેર – પીરિયડ્સ ઇન સ્પેસ : સ્ત્રી અવકાશયાત્રીઓની આ સમસ્યા વિષે વિચાર્યું છે કદી?!

Leave a Reply

Your email address will not be published.