રાજુલ કૌશિક
ઇટલીના મિલાન શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી જગ્યાએ મૂકવાની હતી કે જ્યાં સુધી ભાગ્યેજ કોઇની નજર પહોંચે .શિલ્પકાર હાથમાં ટાંકણુ લઇને અતિ લીન થઈને એકે એક રેખામાં , એકે એક વળાંકમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. આ જોઇને બીજી વ્યક્તિએ ટીકા કરી ,” આ મૂર્તિ પર કોઇની નજર પડવાની નથી તો શા માટે આટલી મહેનત ?” મૂર્તિકારે પોતાનુ કામ ચાલુ રાખતા જવાબ આપ્યો , ” બીજુ કોઇ જુવે કે ન જુવે પણ હું તો જોઉ છું .બીજુ કોઇ જુવે કે ના જુવે મારો ભગવાન તો એ જોશેને?”
એક દિવસ યુનિવર્સિટીની સાયન્સ લેબોરેટરીમાં એક છોકરીની ભૂલથી રિસર્ચ માટે મૂકેલી પ્લેટ્સમાં જરાક નુકશાન થઈ ગયુ..તે સમયે બીજુ કોઇ તો હાજર નહોતુ જ. જો તે છોકરીએ કદાચ એ વાત પોતાના સુધી રાખી હોત તો પણ કોઇને ખબર પડવાની નહોતી પરંતુ તેણે સામે ચાલીને હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ( H O D )ને પોતાની ભૂલની વાત કરી. ઘડીભર તેની વાત સાંભળીને તેમણે કહ્યુ, “નુકશાન એવું ય ખાસ નહોતુ. તેં ના જણાવ્યુ હોત તો કોઇને ક્યાં ખબર પડવાની હતી?”
છોકરીએ સાવ સરળતાથી જવાબ આપ્યો, “મને -મારા અંતર આત્માને અને ઉપર બેઠેલા ‘હેડ ઓફ ધ હોલ ડિપાર્ટ્મેન્ટને -ભગવાનને તો ખબર પડવાની જ હતી ને? મારી ભૂલ કોઇને ધ્યાનમાં આવે કે ના આવે મારા તો ધ્યાનમાં હતી જ. મારું મન એની સાક્ષી હતુ. એ ભૂલનો ભાર મને હંમેશા રહેત.”
હંમેશા નહીં તો ક્યારેક એવું બનતુ હોય છે કે આપણી ભૂલ અથવા સારપની કદાચ કોઈને ખબર હોય કે ન હોય, તેની નોંધ કોઈ લે કે ન લે પણ આપણો અંતર આત્મા તો જાણતો જ હોય છે. વ્યક્તિનો પોતાનો જો મ્હાંયલો સાચો હોય તો કોઇ કહે કે ના કહે પોતે પોતાની ભૂલનો ભાર તો ચોક્કસ અનુભવે છે.
એવી રીતે સારી વાત સારા કાર્યની પણ જો કોઈ નોંધ લે કે ન લે વ્યક્તિ આપ એની સાક્ષી હોય છે. એ સારપ એને પીંછા જેવી હળવાશ બક્ષે છે.
સીધી વાત-મન હ્રદય જ જેનુ સાક્ષી છે એવી વ્યક્તિને કોઇ ગીતા કે કોઇ કુરાનના ટેકા કે આડશની જરૂર હોતી જ નથી. જેનુ મન સાફ છે તેને કોઈનો ડર નથી. મન જેટલુ શુધ્ધ હોય તેને દુનિયાની અશુદ્ધિ સાથે શું લેવાદેવા? અંતરમાં જ જેના ઉજાસ છે એને બાહ્ય પ્રકાશની શી આવશ્યકતા?
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
રાજુલ, ખુબ મનનિય લેખ. આવી વાત ફરી ફરીને યાદ કરતા અને કરાવતા રહેવી જોઈએ.
સરયૂ
આભાર સરયુબેન