પરેશ પ્રજાપતિ
માંગુ પુનર્જન્મ શિક્ષકનો

પોતાના વ્હાલા સંતાનના શાળાકીય શિક્ષણના આરંભથી જ તેને કયા માધ્યમમાં શિક્ષણ આપવું તે અંગે વાલીઓ દ્વિધા અનુભવતા હોય છે. આજે ચોતરફ અંગ્રેજી શિક્ષણની બોલબાલા જોતાં ઘણી વાર ઘરના માહોલને તથા માતૃભાષાને અવગણીને સંતાનને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ અપાવીને વાલી રાહત અને કંઈક અંશે ગર્વ અનુભવતા જોવા મળે છે. કોઈ પણ ઈમારત માટે મજબૂત પાયા જેટલું જ મહત્વ બાળકની ભાવિ શૈક્ષણિક કારકીર્દી તેમજ સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શિક્ષણનું છે. એ નિર્વિવાદ હકીકત છે કે અન્ય કોઈ પણ ભાષાના મુકાબલે બાળક માતૃભાષામાં સહજતાથી અને વધુ સ્પષ્ટપણે શીખી-સમજી શકે છે. આમ છતાં, યોગ્ય શૈક્ષણિક સંસ્થાઓનો અભાવ તથા અંગ્રેજી શિક્ષણથી અંજાયેલા મા-બાપ માતૃભાષામાં શિક્ષણનું મહત્વ આંકવામાં થાપ ખાતા હોય છે.આજથી પચાસ કરતાં વધુ વર્ષો પહેલાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણની જરુરિયાત અંગે રામકૃષ્ણ મિશનના એક સ્વામી-આત્મસ્થાનંદજીના મનમાં પણ આ પ્રશ્ન ઘોળાતો હતો. તેમના સૂચનને ગુલાબભાઈ તથા ઉષાબહેન જાનીએ આદેશ સમજીને માથે ચડાવ્યો. એ રીતે માતૃભાષામાં શીખવતા બાળમંદિરની શરૂઆત દ્વારા ‘સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ’નો પાયો નાંખ્યો.
તેમનું આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક હતું, કારણ કે જાની દંપતિ હાઈસ્કૂલના પ્રાધ્યાપક તરીકે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા હતા. આથી તે બાળકના સર્વાંગી વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણનું મહત્વ સમજતા હતા. જાનીદંપતિએ હિંમતભેર નિર્ણય લીધો. પ્રાધ્યાપકનો મોભાદાર હોદ્દો ફગાવીને તેમણે બાલમંદિરના ‘માસ્તર’ બનવું સ્વીકાર્યું. તેમના માટે આ પડકાર પણ હતો, કારણ કે લબરમૂછીયાઓને વિવિધ વિષય ઊંડાણથી શીખવવાની આદતવાળા માટે બાલમંદિરના દૂધમલોને હાથમાં પાટી-પેન પકડાવીને કક્કો અને એકડા ઘૂંટાવવા માટે તદ્દન સામા છેડાની આવડતની જરૂર પડે! આમ છતાં, બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે તેમણે જૂન ૧૯૬૮માં ૧૭ વિદ્યાર્થીઓ સાથે સિસ્ટર નિવેદીતા બાલમંદિરની શરુઆત કરી. આજે પસાસ કરતાં વધુ વરસો પછી તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અનેક દિશામાં પાંગરી છે. ‘સિસ્ટર નિવેદીતા’ સ્કૂલમાં બાલમંદિરથી લઈને પ્રાથમિક કક્ષાનું માતૃભાષામાં પાયાનું શિક્ષણ આપવા ઉપરાંત ‘સ્કૂલ ઑન વ્હીલ્સ’નો તદ્દન નવતર પ્રયોગ કરીને વીસેક હજાર જેટલાં બાળકોને શિક્ષિત કરવાનું તેમજ પ્રયોગો દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા નિર્મૂલનનું પ્રશંસનીય કાર્ય તેઓ કરી રહ્યાં છે.
દંપતિના સદ્કાર્યની કદરનોંધ લઈને અનેક સંસ્થાઓ તથા મહાનુભાવો તેમને વિવિધ એવોર્ડથી સન્માનિત કરતા રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસ, ફૂલછાબ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ચિત્રલેખા જેવાં અનેક માધ્યમોમાં સમયાંતરે તેમના વિષેના પ્રેરણાદાયક લેખો લખ્યા છે. જાહેર ક્ષેત્રની કોઈ પણ સામાજિક કે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે અડધી સદીનો ગાળો નાનો ન કહેવાય. શરુઆતનાં લેખોમા પછીથી વિકસેલી પ્રવૃત્તિઓ વિષે માહિતી ન હોય તે સંભવ છે.
વિવિધ સ્થળોએ અને સમયે વિવિધ લોકો દ્વારા લખાયેલા લખાયેલાં લેખોને એક જ સ્થાને મૂકવા માટેના જાની દંપતિના શુભેચ્છકો-ચાહકોના આગ્રહના નતીજારૂપે તૈયાર થયું પુસ્તક ‘માંગું પુનર્જન્મ શિક્ષકનો’!
પુસ્તકના સંપાદકો ડૉ.સુધાબહેન પંડ્યા, ડૉ.નિરંજનભાઈ પંડ્યા તથા બળવંતભાઈ દેસાઈએ ચૂંટેલા વિવિધ લોકો દ્વારા લખાયેલા લેખોને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. દરેક લેખનનો સાર જાની દંપતિની પ્રવૃત્તિઓ હોય તે સ્વાભાવિક છે, પરંતું લખનાર તેને પોતાની દૃષ્ટિથી મૂલવે છે. વાચકોને પોતાના આગવા રસ્તે વાંચનસફર કરાવે છે. દરેક લેખકોની આગવી લેખનશૈલી, કોઈ માહિતી આધારિત, તો કોઈ પ્રસંગ આધારિત – એમ અવનવી લેખન શરુઆત રસપ્રદ પાસું જણાય છે.
જાનીદંપતિનાં હાથ નીચે શિક્ષિત થયેલાં કેટલાક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના અભિપ્રાયો તેમજ ગુલાબભાઈ જાની તેમજ ઉષાબહેન જાનીના પાત્રપરિચય પરથી દંપતિનાં કેટલાંક અજાણ્યાં પાસાં ઉજાગર થાય છે. જેમ કે સવારની ચા હંમેશાં ગુલાબભાઈ જ બનાવે છે! મહેમાન આવે ત્યારે બંનેમાંથી જેણે સાથે બેસવું જરુરી હોય તે સાથે બેસે. અન્ય વ્યક્તિ નાસ્તા- પાણીની સગવડ કરે. તેમનાં દાંપત્યજીવનની આવી ઑફબીટ જાણકારી ઉપરાંત તેમની કેટલીક વાતો સ્થાપિત ભ્રમ તોડવા માટે સક્ષમ છે.
પુસ્તકના બીજા વિભાગમાં મિત્રો અને પરિવાર તેમજ વિટંબણા વિષે જાની બેલડીએ લખેલા લેખો સામેલ છે. પુસ્તકના આરંભે રંગીન ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે. દરેક લેખના અંતે વિવિધ મહાનુભાવોનાં શિક્ષણ અંગે પ્રેરક વિચારો આપ્યા છે, જે પુસ્તકમાં મૂલ્યવૃદ્ધિ કરે છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
માંગુ પુનર્જન્મ શિક્ષકનો
(પૃષ્ઠસંખ્યા:૨૩૨) કિંમત : 225/-
પ્રથમ આવૃત્તિ, ૨૦૨૦
પ્રકાશક: સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન, રાજકોટ