નિસબત : શું આપણે ભ્રષ્ટ પ્રજા છીએ ?

ચંદુ મહેરિયા

અમદાવાદના રેલવે સ્ટેશન પર આરસની તકતીમાં કોતરીને, ગાંધીજીની ૨૮મી ઓકટોબર, ૧૯૪૭ની, “બિના ટિકિટ કી મુસાફરી”ની શીખ મુકવામાં આવી છે. તેમાં લખ્યું છે, “ લોગ અગર યહ સોચ લે કે ચલો રેલોં મેં મુફ્ત સૈર કરે યા કહીં કામ સે ભી જાયેં તો ઉસમેં કિરાયા ક્યા લેના. યહ તો જ્યાદતી  હૈં મેરે હિસાબ સે બિલકુલ લૂટ હૈ. ઈસલિયે અગર આદમી રેલમેં મુસાફરી કરતા હૈ તો બિના પૈસે દિયે ન કરે. પૈસે દિયે બિના એક ભી મુસાફિર ન ચલે “ 

રેલવે મુસાફરી  ટિકિટ લઈને જ કરવા જેવી સામાન્ય બાબતના આચરણ માટે રાષ્ટ્રપિતાની વિનંતી રેલવે સ્ટેશન પર જાહેર તકતી લગાવીને  મૂકવી પડી છે તે શું એ વાતની ગવાહીરૂપ નથી કે લોકો ભ્રષ્ટ છે અને ટ્રેનની ટિકિટ લેતાં નથી ?

હવે થોડી નક્કર હકીકતો જોઈએ. કોરોના મહામારીને કારણે દેશમાં છેલ્લા એકાદ વરસથી અનરિઝવ્ર્ડ પેસેન્જર ટ્રેનો બંધ છે પણ ૨૦૧૬ પછીના ગયા ત્રણ વરસોમાં વગર ટિકિટે રેલવેમાં મુસાફરી કરનારાઓમાં ૩૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૬ થી ૨૦૧૯માં રેલવેને રૂ. ૧૩૭૭ કરોડના દંડની આવક વગર ટિકિટે મુસાફરી કરનારાઓ દ્વારા થઈ છે. ૨૦૧૮-૧૯માં ૮૯ લાખ લોકોએ વગર ટિકિટે મુસાફરી કરીને ૫૩૦.૦૬ કરોડનો દંડ ભર્યો હતો. એપ્રિલ થી ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન ૨૧.૩૩ લાખ લોકો માત્ર પશ્ચિમ રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતા પકડાયા હતા અને રેલવેએ તેમની પાસેથી રૂ. ૧૦૪.૧૦ કરોડનો દંડ વસૂલ કર્યો હતો. ૨૦૧૮ કરતાં પશ્ચિમ રેલવેના ખુદાબક્ષ મુસાફરોમાં ૨૦૧૯માં ૮.૮૫ ટકાનો વધારો થયો હતો.યાદ રહે આ આંકડાઓ તો વગર ટિકિટે મુસાફરી કરતાં રેલવે દ્વારા પકડવામાં આવેલાઓના છે.પકડાયા ન હોય તેવા મુસાફરો તેથી ઘણા વધારે હશે. મહાત્મા ગાંધીની વગર ટિકિટે રેલયાત્રા ન કરવાની વિનંતીને ઘોળી પીતા ભારતીયો શું ભ્રષ્ટ પ્રજા છે ?

ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશનના કુલ ૨.૮૩ કરોડ વીજ ગ્રાહકોમાંથી ૧.૦૯ કરોડ  ગ્રાહકોએ ક્યારેય વીજળીનું બિલ ભર્યું નથી !. આ ગ્રાહકોમાં ૯૬ ટકા ગ્રામીણ યુ.પી.ના છે અને ૩૮ ટકાએ તો વીજ જોડાણ લીધું ત્યારથી જ વીજળીનું બિલ ભર્યું નથી.!  યુ.પી.પાવર કોર્પોરેશન ખાતે  રૂ.૬૮,૦૦૦ કરોડ બાકી વીજ બિલના લેણા છે. વીજળીની  ચોરી પણ મોટી સમસ્યા છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. જુલાઈ ૨૦૧૯માં વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ દયાળુ ગુજરાત સરકારે રૂ. ૧૭,૩૦૮.૨૬ લાખની વીજ ચોરીની રકમ માફ કરી દીધી હતી.

દેશના ૧૦૦ મોટા દેવાદારો બેન્કોના સાડા ચાર લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે. બેન્કોના લોન ઠગાઈ કૌભાંડોમાં ૨૬૮ ટકાની વ્રુધ્ધિ થઈ છે. ૨૦૧૪-૧૫ના રૂ.૧૯,૪૫૫ કરોડના બેન્કિંગ કૌભાંડો ૨૦૧૮-૧૯માં વધીને રૂ.૭૧,૫૪૩ કરોડના થયા છે.  સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ૧૭ રાજ્યોના ૪૨૫ પુલોનો અભ્યાસ જણાવે છે કે તેમાં ૨૮૧ અર્થાત ૬૨.૭  ટકા પુલો ખરાબ કે નબળી ગુણવત્તાના છે, નબળા બાંધકામ ધરાવતા પુલોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વળી આ પુલો બહુ જૂના પણ નથી ૨૮૧માંથી ૨૫૩ એટલે કે ૯૦ ટકા પુલો છેલ્લા પાંચથી સાત વરસોમાં બનાવવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચાર શબ્દનો સામાન્ય અર્થ તો ભ્રષ્ટ, ખોટું, અનુચિત, અનૈતિક આચરણ કે વર્તન એવો થાય. પણ તે સવિશેષ લાંચ-રુશ્વત અને આર્થિક અનાચરણ માટે વપરાય છે. “ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ”નો ૨૦૨૦નો અહેવાલ જણાવે છે કે દર બીજો ભારતીય લાંચિયો છે. ‘ગ્લોબલ કરપ્શન બેરોમીટર ફોર એશિયા’ અનુસાર ભ્રષ્ટાચારમાં ભારત ટોચે છે. ૧૮૦ દેશોમાં તેનો ક્રમ ૮૬મો છે. ૨૦૧૨થી ભ્રષ્ટાચારના આંકમાં ભારત વધુને વધુ  નીચે ઉતરે છે. ૫૧ ટકા ભારતીયોને લાંચ આપવી પડી છે અને તે પૈકીના ૬૩ ટકાને તે સામે કોઈ ફરિયાદ પણ નથી.૮૯ ટકા ભારતીયોને સરકારી કચેરીઓનો ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા લાગે છે.

સામાન્ય લોકોના કામમાં ઝડપ, ધનવાનોના અભિપ્રાયો અને કામને પ્રાથમિકતા તેમજ વહીવટમાં પારદર્શિતાના માપદંડે અપાયેલા ગુણાંકમાં દુનિયાના અડધોઅડધ દેશોને ૧૦૦માંથી ૫૦ કરતાં ઓછા ગુણ મળ્યા છે. સરેરાશ ૪૩ ગુણ સામે ભારતને ૪૦ ગુણ મળતાં ભારતમાં લાંચ-રુશ્વતની બદી વ્યાપક હોવાનું જણાય છે. ૨૦ રાજ્યોના બે લાખ લોકોના સર્વે પર આધારિત ‘ઈન્ડિયા કરપ્શન રિપોર્ટ ૨૦૧૯’ માં ભ્રષ્ટાચારનું પ્રમાણ કેરળમાં ૧૦ ટકા, ગુજરાતમાં ૪૮ ટકા અને રાજસ્થાનમાં ૭૮ ટકા નોંધાયું  છે.

માત્ર સરકારી કચેરીઓમાં જ નહીં જાહેર રસ્તે અને રાજમાર્ગો પર પણ લાંચ લેવાય છે. સ્થાનિક, ટ્રાફિક અને હાઈવે પોલીસ તથા આરટીઓને દરવરસે એકલા ટ્રક ડ્રાઈવરો અને તેના માલિકો રૂ.૪૮,૦૦૦ કરોડની લાંચ આપે છે. દેશભરના મહાનગરોમાં ૮૨ ટકા, અસમના ગુવાહાટીમાં ૯૭ ટકા, મુંબઈમાં ૯૩ ટકા, ચેન્નઈમાં ૮૯ ટકા , દિલ્હીમાં ૮૪.૪ ટકા અને અમદાવાદમાં ૭૫ ટકા ટ્રક ડ્રાઈવરોને લાંચ આપવી પડે છે. ટ્રકવાળાઓ એક ટ્રિપ દીઠ દેશમાં સરેરાશ રૂ.૧૨૫૭ અને અમદાવાદમાં રૂ.૬૮૩ની લાંચ આપે છે. તેના કારણોમાં લાઈસન્સ રિન્યૂ ન હોવું, અન્ય ડોક્યુમેન્ટનો અભાવ અને ઓવરલોડિંગ મુખ્ય છે.

સર્વવ્યાપી ભ્રષ્ટાચારમાં કલેકટરથી કારકુન અને મંત્રીથી સંત્રી સુધીના સૌ લિપ્ત છે. સામાન્ય રીતે પોલીસ, રેવન્યુ, શહેરી વિકાસ અને નગરપાલિકા જેવા તંત્રોમાં જ ભ્રષ્ટાચાર પ્રવર્તતો હોવાનું મનાય છે. પણ તે અર્ધસત્ય છે. મનરેગા, જાહેર વિતરણ વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય અને જંગલ ખાતુ પણ તેનાથી મુક્ત નથી.

કેવા કેવા લોકો, કેવા કામો માટે અને કેટલી રકમની લાંચ લે છે તે જાણીને આઘાત અને આશ્ચર્ય થાય છે .અસમના સિનિયર રેલવે ઓફિસરે ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપવા રૂ.૧ કરોડની, રાજસ્થાનના દૌસા જિલ્લાના પોલીસ અધીક્ષક અને એસડીએમે લાખોની, વડોદરાના મેથોડિસ્ટ ચર્ચના પાદરીએ તેમની શાળામાં શિક્ષકની નોકરી માટે રૂ. ૭ લાખની, અમદાવાદની સોલા સિવિલના બે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર્સે કેટરિંગના બિલના ચુકવણા પેટે ૨૦ લાખની, લુધિયાણા-પંજાબના એડીશન ડાયરેકટર ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્ટે નિકાસ કંપનીઓ પાસેથી ૩ કરોડની, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામના મહિલા સરપંચે ચાલચલગતના પ્રમાણપત્ર માટે રૂ.૬,૦૦૦ની, ગુજરાત મેટ્રો લિન્ક પ્રોજેકટના એક્ઝિક્યુટિવ ચેરમેન અને આઈએએસ અધિકારીએ સપ્લાયરો પાસે કરોડો રૂપિયાની, અમદાવાદના એક મહિલા સામાજિક કાર્યકરે છૂટાછેડાના કેસમાં રૂ. ૬૦૦૦ની  અને ઉત્તરપ્રદેશના દેવબંદના સીબીઆઈ અધિકારીએ  ભ્રષ્ટાચારના કેસોની તપાસ માટે લાખોની લાંચ લીધી છે. જોકે આ ઉદાહરણો તો હિમશિલાનું ટોચકું જ માત્ર છે.

સરકારી યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં લાંચ-રુશવત અને કૌભાંડોનું ચલણ છે. ભાગ્યે જ કોઈ યોજનાના લાભાર્થીને લાંચ આપ્યા વિના નાણાં મળે છે.કે યોજનામાં ગેરરીતિ થતી નથી.  ગુજરાતમાં એક જ પરિવાર પાસે આયુષ્યમાન યોજનાના ૧૭૦૦ કાર્ડ હતા. એક જ પરિવારના ૫૭ લોકોએ આંખની સર્જરી કરાવી સરકારી નાણા ઓળવ્યા હતા.મહારાષ્ટ્રમાં ૧૯૭ મહિલાઓના ગર્ભાશયના ઓપરેશનના નાણા તો મળી ગયા પણ તે બધા નામો પુરુષોના હતા. ૨૦૧૯થી આરંભાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાના એક એવા ત્રણ હપ્તે દર વરસે રૂ. ૬૦૦૦ ખેડૂતના બેન્ક ખાતામાં જમા થાય છે. આ યોજનાનો લાભ આવકવેરો ભરતા ખેડૂતોને મળતો ન હોવા છતાં લાખો અયોગ્ય લાભાર્થીઓને રૂ. ૧૩૬૪ કરોડ ચુકવાયા છે. ગુજરાતમાં આવકવેરો ભરતા ૧.૮૨ લાખ ખેડૂતોને રૂ. ૧૮૬ કરોડ કિસાન સન્માન નિધિના ચુકવાયા છે. પ્રધાનમંત્રી બીમા ફસલ યોજનામાં નિયમ કરતાં ઓછો વીમો ચૂકવીને વીમા કંપનીઓ ૩૦,૦૦૦ કરોડ ચાઉં કરી ગઈ છે.

ભ્રષ્ટાચારથી મુક્ત મનાતી ભારતીય સેનાઓ પણ હવે ખરડાઈ છે. દેશના ચીફ  ડિફેન્સ ઓફ સ્ટાફ જનરલ બિપિન રાવતે સેનાના નિર્માણ પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની ટિપ્પણી પછી જાહેરમાં શરમ વ્યક્ત કરી છે. ભ્રષ્ટાચાર આચરીને જવાનો માટે બનાવાયેલા ક્વાર્ટર્સની ગુણવત્તા એટલી હલકી છે કે તેને ‘સિરિયાઈ બેટલ ગ્રાઉન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.

હવે લાંચ આપવી લેવી એ જાણે કે સામાન્ય વ્યવહાર થઈ ગયો છે અને તેની કોઈને શરમ નથી. લાંચ લેનાર જેટલો જ લાંચ આપનાર પણ કાયદાની નજરે ગુનેગાર છે. પણ રાજસ્થાનના બિકાનેરમાં શિક્ષણ ખાતાની કચેરીના કાયદા અધિકારી એક વ્યાયામ શિક્ષકના ચાર ગુનાઈત પડતર કેસોના નિકાલ માટે લીધેલી રૂ.૩૦,૦૦૦ની લાંચ કામ ન કરી શકતાં પરત આપતા પકડાયા હતા ! . તેલંગાણાના મહેબૂબનગરના એક કોન્સ્ટેબલ, આઝાદી દિને બેસ્ટ કોન્સ્ટેબલનો જિલ્લાકક્ષાનો એવોર્ડ મળ્યાના કલાકોમાં, રેતીના વેપારી પાસેથી રૂ.૧૭,૦૦૦ લાંચ લેતા હતા. સવારે જેમના વરદહસ્તે ધ્વજવંદન થયું , રાષ્ટ્રપ્રેમ અને ઈમાનદારીનું જેમણે જાહેર ભાષણ આપ્યું તે કોટાના નાર્કોટિક્સ વિભાગના ડેપ્યુટી કમિશનરે એ જ રાત્રે અફીણની ગેરકાયદે ખેતીના કેસમાં લાંચ લીધી હતી.તેમના ઘરેથી રૂ.અઢી કરોડની રોકડ જપ્ત થઈ હતી. દેશની કે રાજ્યોની રાજધાનીઓએ જ નહીં ગ્રામ પંચાયત સ્તરે પણ કેવો ભ્રષ્ટાચાર છે તે મહારાષ્ટની બે ગ્રામ પંચાયતોની ચૂંટણી હરાજી કરીને આપવામાં આવ્યાના સમાચારથી જાણવા મળે છે.

ભ્રષ્ટાચાર મિટાવવાનો એક માર્ગ કાનૂની કાર્યવાહીનો છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮, કમિશન ઓફ ઈન્કવાયરી એકટ, નાગરિક અધિકાર પત્ર અને માહિતી અધિકારનો કાયદો  ઉપરાંત  કેન્દ્ર કક્ષાએ લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની વ્યવસ્થા છે. સીવીસી (સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર), સીબીઆઈ (સેન્ટલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન) અને એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો) જેવા તંત્રો ઉભા કરાયાં છે. કેન્દ્ર કક્ષાએ લોકપાલને ૨૦૧૯-૨૦ના વરસમાં ભ્રષ્ટાચારની જે ૧૯૨૭ ફરિયાદો મળી છે. તેમાં ૪ ફરિયાદો કેન્દ્રીય મંત્રીઓ-સાંસદો સામેની છે. ૨૦૨૦માં ગુજરાતમાં એસીબીએ ૧૯૮ લાંચ કેસો પકડી ૩૦૭ વ્યક્તિઓની ધરપકડો કરી હતી. જેમાં વર્ગ-૧ના ૭ અધિકારીઓ અને વર્ગ ૩ના ૧૫૯ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ૨૦૨૦માં ગુજરાતમાં અપ્રમાણસર સંપતિના ૩૮ કેસો એસીબીએ પકડ્યા હતા.

જોકે વિલંબિત ન્યાય પ્રક્રિયા અને સજાના ઓછા દરને કારણે કાનૂન દ્વારા ભ્રષ્ટાચારને ડામવામાં ઝાઝી સફળતા મળતી નથી.ગુજરાત તકેદારી આયોગના ૨૦૧૮ના અહેવાલ પ્રમાણે સરકારે ભ્રષ્ટાચારના માત્ર ૧૨ જ કેસોમાં મોટી શિક્ષા કરી હતી. ૬૫ ટકા કેસોમાં એસીબી લાંચ લીધાનું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હતું.રાજ્યોની વિવિધ અદાલતોમાં ભ્રષ્ટ્રાચારના ૧૪૬૧ કેસો પડતર છે તેમાં ૧૫૪ કેસો તો દસ વરસો કરતાં વધુ સમયથી પડતર છે. 

લાંચ-રુશ્વત અને ભ્રષ્ટાચારનું પ્રમુખ કારણ જટિલ અને વિલંબિત વહીવટી પ્રક્રિયા, અપારદર્શી વહીવટ, બિનજરૂરી નોકરશાહી તંત્ર અને અધૂરા અને અસ્પષ્ટ સરકારી નિયમો છે.  આ દિશામાં ખાસ વિચારાતું નથી. કોન્ટ્રાકટ, ટેન્ડર અને  વહીવટી મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવાથી પણ ભ્રષ્ટાચાર અટક્યો નથી. ૪૪ ટકા લોકોએ ઓનલાઈન કે કમ્પ્યૂટરાઈઝેશન છતાં અને ૧૬ ટકાએ સીસીટીવી કેમેરા છતાં લાંચ આપવી પડી છે.!  નૈતિકતા, પ્રામાણિકતા અને નિષ્ઠાના ઉપદેશોથી પણ આ બદી ઘટતી નથી. ભ્રષ્ટાચાર નાબૂદી  માટે  મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ મોટો અવરોધ છે.

ભ્રષ્ટાચારની ગંગોત્રી અતિખર્ચાળ ચૂંટણીઓ, રાજકીય પક્ષોને અજ્ઞાત સ્ત્રોતોમાંથી મળતા બેહિસાબ ચૂંટણી ભંડોળો અને કાળા નાણા છે. તેના પર ઘા કરવાને બદલે ઈલેકટોરલ બોન્ડની ભ્રષ્ટ નીતિ લાગુ પાડવી અને ખાતો નથી ખાવા દેતો નથીની બૂમો પાડવી કે દેશના સરકારી નાણાના ચોકીદાર હોવાના બણગા ફૂંકવાથી ભ્રષ્ટાચાર કદી દૂર થવાનો નથી. ભ્રષ્ટાચાર જેવા જટિલ રાજકીય, આર્થિક, સામાજિક દૂષણના નિવારણ અર્થે ભારતીય નાગરિકે પણ ખુદની ભ્રષ્ટ હોવાની છાપ મિટાવી સતર્ક ને સુદ્રઢ નાગરિક સમાજ બનાવવો પડશે.ભ્રષ્ટાચારમુક્ત દેશ અને વહીવટ આપી શકે તેવા પ્રામાણિક અને ઈમાનદાર લોકોને પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટવા પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “નિસબત : શું આપણે ભ્રષ્ટ પ્રજા છીએ ?

 1. After 72 year of independence of India what did we teach our children? just think it is not fault of children, it is fault of
  our education and morality of public. As I believe and also read in newspaper that most people are dishonest, currupt
  and cheating. Wants all rights & benefits from Government and do not perform their duty. What is going to happen after
  few years if this trend continues? I left India in 1962 and do not wish to visit India. I am proud of India what Modi is
  doing. Indian business people have to learn from China. We were same in 1960. See now where they are? We are too
  behind. We are backward in international trade. Anyway, I felt to write something. After all I born in India. I love India.

Leave a Reply

Your email address will not be published.