પણ મારે તો વચન દીધાં તે નિભાવવાનાઅને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં

‘વેબગુર્જરી’ના રવિવારી પદ્ય વિભાગમાં કવિતાની સાથે સાથે અન્ય ભાષાઓની કવિતાના ગુજરાતી અનુવાદ રજૂ કરવાનો એક ઉપક્રમ શરૂ કર્યો છે એ મુજબ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા ૧૯મી સદીના શ્રેષ્ઠ કવિ શ્રી રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા પ્રસ્તૂત છે.

રોબર્ટ ફ્રોસ્ટ પ્રકૃતિ પ્રેમી કવિ હતા. તેમને ૪૦ થી વધુ માનદ પદવીઓ  અને ચાર વખત પુલિત્ઝર પ્રાઈઝ મળ્યા હતાં. કહેવાય છે કે, જવાહરલાલ નહેરુના તકિયા પાસે Robert Frost  ની આ કવિતા Stopping by Woods on a Snowy Evening ની આખરી ચાર પંક્તિઓ એમના દેહાવસાનના સમયે પણ હાજર હતી. આ ઉપરાંત, તેમની કવિતા પરથી ચિત્રો કરીને સુસન જેફર્સે એક પુસ્તક પ્રગટ કરેલું છે. 

From Susan Jeffer’s website, page from Stopping by the Woods on a Snowy Evening

આ કવિતાનો કાવ્યનાયક વનમાં ચાલતો હોય છે. તે સમયે પથરાયેલ બરફની સુંદરતા એને મોહી લે છે અને તે ત્યાં રોકાઈ જવા મજબૂર થાય છે. વનોનો માલિક જાણીતો તો છે જ પણ દૂર ગામમાં હોવાથી એ આ સૌંદર્યપાનમાં ખલેલ પહોંચાડવાનો નથી. પણ થીજેલા તળાવ પાસે અંધકારના ઓળાં ઊતરી રહ્યા હોય અને આસપાસ કંઈ પણ ન હોય એવા નીરવ સ્થાને તેને આમ અટકેલો જોઈને ઘોડાને આશંકા જાગે છે કે કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? અને એ ગળામાંની ઘંટડી હલાવીને  જાણે કે સવાલ કરે છે. પવનના મંદ મંદ સૂસવાટા અને હિમફર્ફરમાં લીન થયેલ નાયક સહસા તંદ્રામાંથી જાગે છે અને એને પાળવાનાં વચનો યાદ આવી જાય છે. કર્તવ્યબદ્ધ એ પોતાના રાહ તરફ આગળ જવા તૈયાર થઈ જાય છે..

આ કવિતાનો અનુવાદ કવિ શ્રી ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ પણ કરી ચૂક્યા છે. અહીં એક નવો અનુવાદ સુરતના કવિ શ્રી વિવેક ટેલરે કર્યો છે જે તેમની સંમતિ સાથે વે.ગુ.ના વાચકો માટે આનંદપૂર્વક રજૂ કરીએ છીએ.

(વે.ગુ. પદ્ય સમિતિ-દેવિકા રાહુલ ધ્રુવ અને રક્ષા શુક્લ.)


 મૂળ કવિતાઃ

Stopping by Woods on a Snowy Evening

Robert Frost

Whose woods these are I think I know.
His house is in the village though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.

My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.

He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.

The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.


અનુવાદ

કવિ શ્રી વિવેક  મનહર ટેલર

કોનાં છે આ વન ? હું માનું, મને જાણ છે,
પણ એનું તો પણે ગામમાં, રહેઠાણ છે.
જોતો એના વન ભરાતાં હિમવર્ષાથી
મને થોભતો એ ક્યાં જોશે? એ અજાણ છે.

નાના મારા અશ્વને એ લાગશે વિચિત્ર નક્કી
ત્યાં જઈ થંભવું, જ્યાં નજીકમાં ઘર ના કોઈ
વન અને આ થીજી ગયેલા તળાવ વચ્ચે,
વર્ષ આખાની સૌથી કાળી સાંજ ઝળુંબતી.

જરા હલાવી ધુરા ઉપરની ઘંટડીઓને
ક્યાંક કશી કંઈ ભૂલ નથી ને? – એ પૂછે છે
હિમ-ફરફર ને હળવે વાતી મંદ હવાના
અવાજ સિવાય બીજા અહીં કો’ અવાજ ક્યાં છે?

વન છે કેવાં પ્યારાં-પ્યારાં, ગાઢ ને ઊંડા,
પણ મારે તો વચન દીધાં તે નિભાવવાના
અને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં
અને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કાવ્ય રચના નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “પણ મારે તો વચન દીધાં તે નિભાવવાનાઅને ગાઉના ગાઉ જવાનું સૂતા પહેલાં

 1. અદભુત અને સર્વકાલીન મહાન કવિતાઓમાંની એક !

  ઉમાશંકર જોશી અથવા હરીન્દ્ર દવેએ જે ભાવાનુવાદ કર્યો છે એની અંતિમ પંક્તિઓ કૈંક આમ હતી :

  વન આ રૂડાં સુંદર શ્યામ
  પણ મારે કરવાના કામ
  જોજનના કંઈ જોજન દૂર
  નીંદર પહેલા જવું જરૂર ..

Leave a Reply

Your email address will not be published.