ફિલ્મસંગીતના નકશીકારો :(૧૨) સેબેસ્ટીયન ડી’સોઝા

પીયૂષ મ. પંડ્યા

આ લેખમાળામાં આપણે ફિલ્મી ગીતો સાથે સંકળાયેલા કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગોનો ઉલ્લેખ વારંવાર કરતા આવ્યા છીએ. જેમ કે પ્રિલ્યુડ, ઈન્ટરલ્યુડ, ફેડ આઉટ, ઓબ્લીગેટોઝ/ કાઉન્ટર મેલોડી, કૉરસ, કોયર, હાર્મની, વગેરે. આ બધા જ શબ્દોને સુપેરે સમજી શકાય એવુ એક ઉદાહરણ માણીએ.

પ્રસ્તુત ક્લિપમાં એક જ ગીતનાં બે અલગ અલગ રૂપ એક પછી એક સાંભળવા મળે છે. શરૂઆતમાં ફિલ્મ ‘આવાઝ’ (૧૯૫૬)માં મૂકાયેલું લતા મંગેશકર અને સાથીદારો (કૉરસ)ના અવાજમાં ગવાયેલું ગીત છે. એ પૂરૂં થયે એ જ ગીત બંગાળી ભાષામાં હેમંતકુમારના સ્વરમાં શરૂથાય છે. બેયનો ઢાળ એકસમાન જ છે. બન્ને સ્વરરચના સલિલ ચૌધરીની છે. આવાં કારણોથી બન્ને ગીતોની મધુરપ સરખી જ લાગવી જોઈએ. પણ સાંભળતી વેળા સહેજ બારીકાઈથી ધ્યાન આપતાં ખ્યાલ આવે છે કે હેમંતકુમારના ગીતમાં નકશીકામ ઓછું થયું છે. લતાએ ગાયેલા ગીતમાં આપણે ઉપર ઉલ્લેખ કર્યો એવાં કાઉન્ટર મેલોડી, કૉરસ અને હાર્મની જેવાં વિશેષાંગો ઉમેરાયેલાં છે. આ બધાં જ તત્વોના અભાવે હેમંતકુમારના ઘેઘૂર અવાજમાં કાને પડતા ગીતમાં કશુક ખુટતું હોય એવું સતત લાગ્યા કરે છે. સહેજ આગળ વધીને કહેવાની ઈચ્છા થાય છે કે હેમંતકુમાર વાળા ગીતમાં જે ખુટે છે એ આપણી આજ ની કડીના નાયક.એવા એક સુખ્યાત નકશીકાર, જેમણે દાયકાઓ સુધી સહાયક સંગીતકાર અને  એરેન્જર તરીકેની બેવડી ભૂમિકા નિભાવી.

સેબેસ્ટીયન ડી’ સોઝા

સંગીતકાર સલિલ ચૌધરીના શ્રેયને યથાવત રાખીને કહેવું જોઈએ કે લતાના સ્વરમાં ધ્વનિમુદ્રીત થયેલા ગીતમાં જે રંગપૂરણી થઈ છે એનો યશ મહદઅંશે આ ઉત્તમ કક્ષાના એરેન્જરને આપવો રહ્યો. હકીકતે સહાયક સંગીતકાર અને એરેન્જરનું કામ જ એ હોય કે સંગીતકારે તૈયાર કરેલી ધૂનમાં કયા તબક્કે કયાં વાદ્યોનો ઉપયોગ કરવો એ નક્કી કરવું. એટલી જ મહત્વની બાબત એ પણ છે કે રેકોર્ડીંગ સમયે સમગ્ર વાદ્યવૃંદની બેઠકવ્યવસ્થા એ રીતે ગોઠવવી કે જેથી યોગ્ય મકામ ઉપર ઈચ્છનીય વાદ્યનો અવાજ બરાબર ઉપસી આવે. એક વાર ગીતનું સમગ્ર માળખું તૈયાર થઈ જાય પછી એકસાથે બધા જ સાજીંદાઓ પાસે વારંવાર રીહર્સલ કરાવવાં એ પણ ખુબ આવશ્યક છે કે જેથી એમની વચ્ચે ઈચ્છનીય સમાયોજન સધાય. વળી આપણે જાણીએ છીએ એમ સમગ્ર ગીત દરમિયાન બધાં જ વાદ્યો સતત અને એકસાથે વાગતાં નથી હોતાં. આ માટે જરૂરી છે કે જે તે સાજીંદાને એણે ક્યારે અને કેટલા સમય માટે વગાડવાનું છે તેની લેખીત નોંધ આપવી રહી. યાદ રાખીએ કે આપણે એ સમયગાળાની વાત કરી રહ્યા છીએ જ્યારે ઈલેક્ટ્રોનીક વાદ્યો બજારમાં આવ્યાં ન હતાં. સીન્થેસાઈઝર અને કોમ્પ્યુટર તો હજી બહુ દૂર હતાં. રેકોર્ડીંગને લગતાં સંસાધનો પણ અત્યંત મર્યાદિત હતાં. એવા સંજોગોમાં કેટલાક અતિશય કાબેલ કલાકારોએ ફિલ્મી સંગીતકારોના સહાયક અને/અથવા એરેન્જર તરીકેની કારકિર્દી સ્વીકારી. એ પૈકીનું એક ખુબ જ ઉજ્જવળ નામ એટલે સેબેસ્ટીયન ડી’સોઝા. સને ૧૯૫૨ થી ૧૯૭૪ સુધીનાં વર્ષોમાં એમણે ઘણા સંગીતકારો સાથે કામ કરીને એમની રચનાઓને યાદગાર બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. એ પૈકીના મુખ્ય હતા શંકર-જયકિશન, સલિલ ચૌધરી અને ઓ.પી.નૈયર. શરૂઆતમાં સાંભળ્યું એ ગીતોનું જોડકું પોતાની ક્ષમતાથી એમણે સલિલ ચૌધરીની સ્વરરચનામાં કેવું કર્ણપ્રિય પરિમાણ ઉમેર્યું એ બતાવે છે.

હવે એક વધુ ક્લિપ સાંભળીએ.

રસિકજનો જાણે છે એમ શંકર-જયકિશનનાં બનાવેલાં કેટલાંયે ગીતોમાં વાયોલિન્સનો પ્રભાવક ઉપયોગ કાને પડે છે. આ ક્લિપમાં એક પણ ગીત નથી, પણ વિવિધ ગીતોના પ્રિલ્યુડ, ઈન્ટરલ્યુડ તેમ જ કાઉન્ટર્સમાં પ્રયોજાયેલા વાયોલિન્સના ટૂકડાઓ સાંભળવા મળે છે. જે તે જગ્યાએ એક રસિક શ્રોતા સહેલાઈથી કયા ગીત સાથેના ટૂકડાઓ વાગી રહ્યા છે તે ઓળખી શકે છે. એવું કહીએ કે એ ટૂકડાઓ જે તે ગીતની સાથે શંકર-જયકિશનની પણ ઓળખ બની ગયા છે તો એ અતિશયોક્તિ નહીં ગણાય. આ ક્લિપ સાંભળતી વેળાએ જેટલી તીવ્રતાથી સંગીતકારોને યાદ કરીએ એટલી જ તીવ્રતાથી સેબેસ્ટીયનને પણ યાદ કરવા રહ્યા. આપણે માણી એ બે અલગઅલગ ક્લીપ્સમાં આપણને સેબેસ્ટીયનની કુશળતાનો તો પરિચય મળે જ છે. પણ સાથે એ પણ નોંધવું રહ્યું કે વારાફરતી સંભળાતી બન્ને પૂરી રચનાઓમાં આપણને અનુક્રમે સલિલ ચૌધરી અને શંકર-જયકિશનની જ છાંટ વર્તાય છે. ક્યાંય સેબેસ્ટીયન પોતાની જાતને પ્રગટ નથી કરતા. એક આદર્શ સહાયક પાસેથી આ જ અપેક્ષા હોય છે કે એ પોતાની બધી જ હોંશિયારીનો ઉપયોગ કર્યા પછી પણ જે તે સંગીતકારની ઓળખ જાળવી રાખે.

સને ૧૯૦૬ની ૨૯મી જાન્યુઆરીએ ગોવાના પરિવારમાં જન્મેલા સેબેસ્ટીયનના બાળપણનાં વર્ષો વતનમાં જ વિત્યાં. સંગીત માટેનો રસ અને એની જન્મજાત સૂઝને ત્યાંના ચર્ચની પરંપરામાં ખાસ્સું પોષણ મળ્યું. નાની વયથી જ એમણે પિયાનો, વાયોલીન અને ચેલો – આ ત્રણ વાદ્યો વગાડવા ઉપર સારો એવો કાબુ મેળવી લીધો. પિયાનો અને વાયોલીન્સ તો બહુ જાણીતાં વાદ્યો છે, પણ ચેલોનો પરિચય મેળવી લઈએ. ચેલો પ્રાથમિક રીતે વાયોલિનના વર્ગનું જ તંતુવાદ્ય છે. પણ એ કદ, એને વગાડવાની પધ્ધતિને અને ઉપયોગને અનુલક્ષીને વાયોલિનથી ખાસ્સ્સું અલગ પડી જાય છે.

ઉપરની બે છબિઓમાં ચેલોની રચના અને એના કદનો બરાબર ખ્યાલ આવી શકે છે. સેબેસ્ટીયને આ ત્રણેય વાદ્યો – પિયાનો, વાયોલિન્સ અને ચેલોનો વિવિધ ધૂનોમાં બખૂબી ઉપયોગ કર્યો છે.

ફિલ્મી સંગીતની દુનિયામાં સેબેસ્ટીયનનો પ્રવેશ પ્રમાણમાં મોટી ઉમરે થયો. એ અગાઉ એમણે ગોવામાં અને પછી પંજાબનાં કેટલાંક શહેરોમાં જુદાં જુદાં બેન્ડ્સ સાથે ખાસ્સું કામ કર્યું. વાદ્યો ઉપરના અસાધારણ કાબુ ઉપરાંત સંગીતની ઊંડી સમજ, પ્રયોગશીલ માનસ અને સ્વરલીપિ/નોટેશન્સ લખી શકવાની કુશળતા સેબેસ્ટીયન માટે પ્રગતીના નવા નવા દરવાજા ખોલી આપવા માટે પૂરતાં હતાં. સૌ પહેલાં એમણે ઓ.પી. નૈયરની યાદગાર રચના ‘પ્રીતમ આન મીલો’ (૧૯૪૯) માટે એરેન્જર તરીકે કામ કર્યું. એ પછી એમને વાદક તરીકે જુદા જુદા સંગીતકારોના વાદ્યવ્રુંદમાં કામ મળવા લાગ્યું. થોડી ફિલ્મો માટે શંકર-જયકિશન સાથે પણ વગાડ્યું. એ સંગીતકારોએ સેબેસ્ટીયનની પ્રતિભા પારખી, એમને ફિલ્મ ‘દાગ’ (૧૯૫૨)નું સંગીત તૈયાર કરતી વેળાએ પોતાના સહાયક તરીકે પ્રદાન કરવા માટે કરારબદ્ધ કર્યા. બસ, એ પછી અનુગામી ૨૨  વરસ સુધી સેબેસ્ટીયને અનેક સંગીતકારો સાથે કામ કર્યું. ચોક્કસ આંકડો તો ઉપાલબ્ધ નથી પણ એમણે લગભગ ૧૨૫ જેટલી ફિલ્મોનાં એક હજાર જેટલાં ગીતોને પોતાના આગવા સ્પર્શથી સજાવ્યાં.

જાણકારો એવું કહે છે કે હિન્દી ફિલ્મી સંગીતમાં આગવા પ્રયોગોની શરૂઆત અનિલ બિશ્વાસે કરી. એ પરંપરાને આગળ વધારવાનો યશ આ હોનહાર સંગીતજ્ઞને જાય છે. ફિલ્મ ‘દાગ’થી જ સેબેસ્ટીયને ધમાકેદાર શરૂઆત કરી. આ લેખમાળાની વિસ્તાસ્પ બલસારાનો પરિચય આપતી કડીમાં આપણે આ ફિલ્મના તલત મહમૂદે ગાયેલા યાદગાર ગીત ‘એ મેરે દિલ કહીં ઓર ચલ’ ની વાત કરી ગયા છીએ. એના અંતરા ગવાતા હોય એ દરમિયાન એની પ્રતિસમાંતરે સતત સંભળાતા રહેતા અને બલસારાએ વગાડેલા હાર્મોનીયમના ટૂકડાઓ આજે પણ ઓબ્લિગેટોઝના ઉત્તમ ઉદાહરણ તરીકે જાણીતા છે. એ માટેની પ્રેરણા સેબેસ્ટીયને પૂરી પાડી હતી.

આમ તો કહેવાય છે કે ખરા રસિકજનોને રસદર્શન કરાવવાની જરૂર નથી હોતી. પણ અહીં સેબેસ્ટીયન વડે સજાવાયેલાં બે ગીતોની ઝીણવટભરી બાબતો ઉપર વાત કરવી છે. એક તો છે ફિલ્મ ‘અનાડી’ (૧૯૫૯)નું ગીત. શંકર-જયકિશનની બનાવેલી ધૂનમાં સેબેસ્ટીયન દ્વારા કેવી જબરદસ્ત રંગપૂરણી કરવામાં આવી છે! ગીત છે ‘બન કે પંછી ગાયે પ્યાર કા તરાના’. સામાન્ય રીતે આપણે ગીત સાંભળીએ ત્યારે એને સમગ્રતયા માણતા હોઈએ છીએ. પણ એ દરમિયાન જો ગીતની બાંધણીની નાની નાની ખૂબીઓ ધ્યાને લેતા જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે એ બાંધણીમાં કેવાં કેવાં રત્નો જડાયેલાં છે.

પહેલાં ગીત સાંભળીએ અને પછી એનાં આગવાં પાસાંનું પૃથક્કરણ કરીએ. સુગમતા માટે ટાઈમર ચાલુ રાખવા ભલામણ છે.

0.14 સુધીના પ્રિલ્યુડ પછી લતા મંગેશકરના સ્વરમાં ગાયકી શરૂ થાય છે. એક વાર મુખડો ગવાઈ ગયા પછી 0.35 ઉપર એનું પુનરાવર્તન થાય ત્યાં લતાની સાથે સહગાયીકાઓ જોડાઈ જાય છે, જેને આપણે કોરસ તરીકે ઓળખીએ છીએ. આપણે સગવડ ખાતર જ્યાં શાબ્દિક સાથ હોય ત્યાં કોરસ શબ્દનો ઉપયોગ કરશું અને જ્યાં સહગાયકો આલાપ વડે સાથ આપતાં હોય ત્યાં કોયર શબ્દપ્રયોગ કરશું (બેય શબ્દોના શાસ્ત્રીય અર્થ એટલા સરળ નથી!). એ પછી 1.02 ઉપર શરૂ થતા ઈન્ટરલ્યુડમાં વાદ્યસંગીત સાથે કોયર ભળીને અનોખી અસર ઉપજાવે છે. એ પછી ગવાઈ રહેલા અંતરાનું જ્યારે પુનરાવર્તન થાય છે ત્યારે 1.44 થી લતાની સાથે કોરસ પણ સૂર પૂરાવે છે. વળી પશ્ચાદભૂમાં કાઉન્ટર્સ પણ વાગે છે. 1.55 ઉપર તો સાવ નવતર પ્રયોગ છે. ત્યાં અંતરો પૂરો થયે મુખડો ગવાય છે એમાં કોરસ અને કોયર બન્નેનું સંમિશ્રણ કાને પડે છે! બીજા ઈન્ટરલ્યુડમાં અને અંતરામાં પણ 2.54 ઉપર આવા પ્રયોગો કરવામાં આવ્યા છે. અંતમાં ગીત પૂરું થવા આવે છે ત્યાં સુધી કોરસ અને કોયર સાથ પૂરાવતાં જ રહે છે. આવા ચુનંદા પડાવો ઉપરાંત ભાવકો પોતાની રીતે પણ કેટલાય મકામ ઉપરની બારીકીઓ માણી શકશે.

હવે બીજા ગીત તરફ આગળ વધીએ. એ ગીત ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ (૧૯૬૦)નું છે. ફરી એકવાર શંકર-જયકિશનના નિર્દેશનમાં બનેલું આ ગીત છે, લતા મંગેશકર અને સહગાયીકાઓના સ્વરમાં ગવાયેલું  ‘અજીબ દાસતાં હૈ યેહ’. અહીં પણ સંગીતકારોએ બનાવેલી ધૂન ઉપર રસીયાઓને મુગ્ધ કરી દે એવી કોતરણી કરીને સેબેસ્ટીયને ગીતમાં રંગો ભરી દીધા છે.  

આ ગીતની ખાસ નોંધનીય બાબત એ છે કે એમાં ત્રણ ઈન્ટરલ્યુડ્સ છે અને દરેક ઈન્ટરલ્યુડ બીજા બે કરતાં સાવ અલગ છે. આ દ્રષ્ટીએ મૂલવતાં આ એક અસાધારણ કક્ષાની સાંગીતિક રચના છે. ટાઈમર ચાલુ રાખીને સાંભળીએ ત્યારે પ્રિલ્યુડ સાથે 0.10 થી કોયર કાને પડવા લાગે છે. 0.36 થી શરૂ થતા મુખડા સાથે 0.39 થી વાયોલીન્સના કાઉન્ટર્સ અને એ સાથે કોયરનો પ્રયોગ છે. 1.14 થી 1.38 સુધી સેક્સોફોન અને કોયરના સંમિશ્રણથી સજાવાયેલ ઈન્ટરલ્યુડ છે. એમાં વાયોલીન્સનો પણ સમયસમયે ઉપયોગ થયો છે. એ પછી શરૂ થતા પહેલા અંતરાને ગીટાર અને કોયરના કાઉન્ટર્સ વડે સજાવવામાં આવ્યો છે. 2.26 થી બીજો ઈન્ટરલ્યુડ શરૂ થાય છે, જેમાં ગીટારનો અને કોયરનો ઉપયોગ સાંભળવા મળે છે. 2.55 થી શરૂ થતા બીજા અંતરામાં વાયોલીન્સનો ઉપયોગ થયો છે. 3.40 થી શરૂ થતા ત્રીજા ઈન્ટરલ્યુડમાં ફરી એકવાર સેક્સોફોન અને કોયરનું સંમિશ્રણ છે. જો કે યાદ કરાવવાનું કે એની ધૂન સાવ અલગ છે. ત્રીજા અને છેલ્લા અંતરામાં ગીટારના કાઉન્ટર્સ છે.

આટલી ઝીણવટથી આ બે ગીતોનું પૃથક્કરણ કરવાનું પ્રયોજન એ બાબત પ્રત્યે નિર્દેશ કરવાનું છે કે કોઈ ગીત આપણા કાન સુધી પહોંચે તે પહેલાં એ કેટકેટલા સંસ્કારોમાંથી પસાર થયું હોય છે. અને એમાં કસબીઓની કેટલી મહેનત સમાયેલી હોય છે. રાજ કપૂર જેવા સર્જકને તો સંગીતની પણ ઊંડી સૂઝ હતી. એ આવી સર્જનક્રિયા દરમિયાન ગીતકારો – સંગીતકારો સાથે નિયમિત બેઠક કરતા રહેતા. પ્રસ્તુત છબિમાં રાજ કપૂર, શંકર, જયકિશન અને શૈલેન્દ્ર સાથે સેબેસ્ટીન (ડાબે) પણ બેસેલા જોઈ શકાય છે.

એક જાહેર કાર્યક્રમની છબિ જોવાથી આછો ખ્યાલ આવી શકે કે એક એરેન્જરનું શું પ્રદાન હોય છે. શંકર-જયકિશનના નિર્દેશનમાં પાર્શ્વગાયક મુકેશ કોઈ ગીત છેડી રહેલા જોઈ શકાય છે. વાદ્યવૃંદમાં ગીટાર, મેન્ડોલીન, એકોર્ડીયન અને વાયોલીન્સ વગાડનારા સાજીંદાઓ દેખાય છે. એ ઉપરાંત પણ અન્ય વાદકો હશે, જે છબિમાં ઝીલાયા નથી. આ બધા વાદકોની બેઠકવ્યવસ્થા અને માઈક્રોફોનની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે જેથી યોગ્ય સમયે યોગ્ય વાદ્યનો અવાજ બરાબર ઉપસી આવે. વળી ગાયકનો અવાજ સતત પ્રભાવક બની રહે એ પણ ખ્યાલ રાખવો પડે. ડાબી બાજુએથી બીજે આ ફરજ નિભાવી રહેલા સેબેસ્ટીયન નજરે પડે છે. અત્રે યાદ રાખીએ કે રેકોર્ડીંગ સ્ટુડીઓમાં અહીં જોવા મળે છે એનાથી અનેકગણા વધુ સાજીંદાઓ માટેની વ્યવસ્થા કરવાની હોય છે. આવી તો અનેક પ્રકારની ફરજો નિભાવીને સેબેસ્ટીયને ફિલ્મી સંગીતની દુનિયામાં પોતાનું નામ કાયમી ધોરણે અંકિત કર્યું છે.

૨૨ વરસ જેટલી દિર્ઘ કારકિર્દી પછી સને ૧૯૭૪માં સેબેસ્ટીયને નિવૃત્તિ સ્વીકારી લીધી. ખાસ કરીને ફિલ્મી સંગીતમાં ઈલેક્ટ્રોનીક્સ વાદ્યયંત્રોનો વધતો જતો પ્રભાવ એમની પ્રકૃત્તિને અનુકુળ ન આવ્યો. એકવાર નિર્ણય લીધા પછી ઝાઝો વિચાર કર્યા વિના એમણે એને અમલમાં મૂકી દીધો. એ પછી મુંબઈ છોડી, એમણે બાકીનાં વર્ષો વતનમાં જ ગાળ્યાં. ત્યાં રહ્યે રહ્યે એમણે સંગીતની આરાધના ચાલુ જ રાખી. તદ્દન બિનવ્યવસાયિક ધોરણે મોટી સંખ્યામાં શિષ્યોને આ ક્ષેત્રમાં નિપૂણ બનાવ્યા. એકદમ નમ્ર એવા આ કલાકાર પ્રસિધ્ધિથી શક્ય દૂરી જાળવીને રહ્યા. ક્યારેય એમના બારામાં લખાણો કે એમના ઈન્ટરવ્યુ વાંચવામાં નથી આવ્યા. એ જ રીતે એમના ફોટોગ્રાફ્સ પણ જૂજ પ્રમાણમાં જ મળી આવે છે. નીચે ડાબી બાજુના ફોટોગ્રાફમાં સેબેસ્ટીયન અને શંકર મહંમદ રફીને કોઈ ગીતનું રિહર્સલ કરાવી રહેલા જણાય છે. જ્યારે જમણી બાજુએ શંકર અને સિતારવાદક રઈસખાન સાથે સેબેસ્ટીયન નજરે પડે છે.

અનેક સંગીતકારોની સ્વરરચનાને સજાવવાનું કામ કરી ચૂકેલા આ કલાકારના કર્તૃત્વનો વધુ પરિચય મેળવવા માટે કેટલાંક પ્રતિનિધિરૂપ ગીતો સાંભળવા માટે આગ્રહભરી ભલામણ છે.  

સુન સુન સુન સુન જાલીમા( મિસ્ટર એન્ડ મિસિસ 1955, ૧૯૫૪, ઓ.પી. નૈયર)
મેરા નામ ચીં ચીં ચૂં  ( ‘હાવરા બ્રીજ’,૧૯૫૮. ઓ. પી. નૈયર)
દેખ કે તેરી નજર(                “                     )
જાગો મોહન પ્યારે(જાગતે રહો, ૧૯૫૬, સલિલ ચૌધરી)
આજા રે પરદેસી         (મધુમતી, ૧૯૫૮, સલિલ ચૌધરી)
જુલ્મી સંગ આંખ લડી(                “                 )
યે રાત ભીગી ભીગી(ચોરી ચોરી, ૧૯૫૬. શંકર-જયકિશન)
રાત કે હમસફર(એન ઈવનીંગ ઈન પેરીસ, ૧૯૬૭, શંકર-જયકિશન)  

છેલ્લે, શંકર-જયકિશને આ હોનહાર કલાકાર સાથે બનાવેલા અને શાશ્વતકાળ સુધી ટકી રહેશે એવા ગીતની

ભલામણ સાથે આ યાદીનું સમાપન કરીએ.

આ અબ લૌટ ચલે ( જીસ દેશ મેં ગંગા બહતી હૈ’, ૧૯૬0)

તા. ૯/૩/૧૯૯૬ના દિવસે ૯૦ વર્ષની જૈફ વયે સેબેસ્ટીયને દેહ છોડ્યો. સંગીતરસિકોની યાદમાં આ નામ ક્યારેય ભૂંસાવાનું નથી.


નોંધ……       તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

                 વીડિઓ ક્લિપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.


ખાસ નોંધ……

૧) આ લેખમાળાની દસમી કડીમાં ફિલ્મ ‘તીસરી મંઝીલ’ના સંગીતમાં શમ્મી કપૂર માટે ડ્રમ્સનું પાર્શ્વવાદન કેરસી લોર્ડે કર્યું હોવાનો ઉલ્લેખ હતો. હકિકતે એ સમગ્ર વાદન લેસ્લી ગુડીનોએ કરેલું છે. માહિતીદોષ પ્રત્યે ધ્યાન દોરી, યોગ્ય સુધારો સુચવવા માટે નીકી ક્રીસ્ટી (સુરત)નો આભાર.

૨) ગઈ એટલે કે અગિયારમી કડીમાં મૂકાયેલી દીલિપ ધોળકિયાની કેટલીક તસવીરો ઉર્વીશ કોઠારીના સૌજન્યથી મળી હતી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

6 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો :(૧૨) સેબેસ્ટીયન ડી’સોઝા

 1. અદ્ભુત લેખ! ખૂબ જ ઝીણવટ ભરી માહિતી પણ રસપ્રદ રીતે રજૂ કરીને ઉત્તમ અંજલિ આપી. ખુબ આભાર. 🙏

 2. સહાયક સંગીતકારોમાં સ્બેસ્ટીયન ડી’સોઝાનું નામ થોડું વધારે જાણીતું કહેવાય.

  પરંતુ તેમનાં કામની આટલી સ-રસ વિગતો અછતી રહી હતી.

  શંકર જયકિશનનાં ગીતો સાંભળતી વખતે જયકિશનનો સ્પર્શ અને સલીલ ચૌધરીનાં ગીતો સાંભળતી વખતે સલીલ ચૌધરીનો અને વળી ઓ પી નય્યરનાં ગીતો સાંભળતી વખતે ઓ પી નય્યરનો જ સપર્શ લાગે એટલી હદે પોતાની પ્રતિભાને એ કામમાં ઓગાળી દેવી એ સેબેસ્ટીયન ડી’સોઝા જેવા સંગીત સહાયકોની અકલ્પનીય લાક્ષણિકતા છે.
  તેમણે શરૂઆત વાયોલીન વાદક તરીકે કરી અને તે પછી ઓ પી નય્યરે રચેલ અવિસ્મરણીય ગૈર ફિલ્મી સર્જન પ્રીતમ આન મિલો (ગાયકઃ સી એચ આત્મા)માં તેમણે સૌ પ્રથમ વાર સંગીત સહાયકની ભૂમિકા નિભાવી.
  https://youtu.be/kEwJnRIuWTg
  આ જ ગીતને મિ. એન્ડ મિસિસ ૫૫માં સાવ નવા જ અંદાજમાં રજૂ કરાયું.
  https://youtu.be/7wyRHrKtVdo

  સંગીત સહાયકોનાં યોગદાનોનું બહુ ઓછું દસ્તાવેજીકરણ થયું છે એ બાબતને ધ્યાનમાં લઈએ તો પિયૂષભાઈનૂ આ શ્રેણી બહુ અમુલ્ય બની રહે છે.

  1. અશોકભાઈએ ‘પ્રીતમ આન મિલો’નાં બન્ને વર્ઝન સરસ રીતે આપ્યાં. ગુલઝાર દિગ્દર્શીત ‘અંગૂર’માં પણ આ ગીત જુદા, રમૂજી અંદાજમાં સપન ચક્રવર્તીના સ્વરમાં લેવાયું હતું.
   https://www.youtube.com/watch?v=X18KrBxjUqA
   પિયૂષભાઈની પોસ્ટ પર આટલી છૂટ લેવી ક્ષમ્ય.

 3. બીરેનભાઈ, આને ‘છૂટ લીધી’ ન કહેવાય, તમે તો મૂલ્યવર્ધન કર્યું. તમારા અને અશોકભાઈના થકી જ આ શ્રેણીમાં આગળ વધી શકાય છે.

 4. પિયુષભાઇ,
  ખુબ સરસ લેખ. સુંદર વર્ણન અને સમજ આપી….

 5. પિયુષકાકા, સરસ!!! મને ઘણા વખતથી સેબેસ્ટીયન વિશે જાણવાની તાલાવેલી હતી જે આજે તૃપ્ત થઈ ….

Leave a Reply

Your email address will not be published.