“મધ” માં કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”

હીરજી ભીંગરાડિયા

     “હીરજીભાઇ ! આપણે સીતાપરથી જે “મધ” લાવ્યા છીએ તે મધ તો બોટલમાંને બોટલમાં જામી ગયું છે. નક્કી આ મધમાં ખાંડની ચાસણી જેવું કંઇક ભેળવ્યું હોય એવું ભેળસેળિયું લાગે છે.” અમારા કૃષિવિકાસમંડળના એક સભ્યશ્રીએ મધની શુદ્ધતા બાબતે ફોનમાં ફરિયાદ કરી.

      હકિકત એવી બનેલી કે અમારા પાડોહવાડિયા ગામ સીતાપરમાં અમારા કૃષિવિકાસમંડળના જ સભ્યશ્રી બાબુભાઇ માણિયાએ એની વાડીમાં સજીવખેતી પદ્ધત્તિથી 60 વિઘામાં અજમાનો પાક ઉગાડેલો, અને એ જ્યારે ફૂલો ખિલવાના તબ્બકે પહોંચ્યો ત્યારે કોઇ મધુમખ્ખીપાલક દ્વારા એપિસમેલીફેરા પાલતુ મધમાખીની 250 જેટલી મધપેટીઓ લગાડેલી.

        અજમા, વરિયાળી, રાય, સૂરજમુખી, ડુંગળી [બીજપ્લોટ] જેવા ખેતીપાકોમાં વધારનો કશો ખર્ચ કે વ્યવસ્થા કર્યા વિના માત્ર મધમાખીઓની ઊઠબેસ અને અવરજવરથી તેના શરીર સાથે ચોટી જતા પરાગકણો દ્વારા પરાગનયનરૂપી અમૂલું કાર્ય આપમેળે થતું રહેતું હોવાથી 20 થી 30 % સુધી ઉત્પાદનનો વધારો થઈ શકે છે તેવું તે વિષયના તજજ્ઞોનું કહેવાનું છે.

            એટલે અજમાની ખેતી અને મધમાખીઓ થકી તેમની વાડીમાં થઈ રહેલું ફલીકરણુનું કાર્ય નજરે જોવા-સમજવા અમારા મંડળની દર મહિનાના છેલ્લા બુધવારે મળનારી-90-100 ખેડૂતોની ખાસ હાજરીવાળી આ મહિનાની  મીટિંગ એમની વાડીએ રાખેલી, અને મીટિંગ પૂરી થયે જરૂરિયાતવાળા મિત્રોએ કીલો બે કીલો મધ એ મધુપાલક પાસેથી ખરીદેલું. અને એ સર્વેને પણ શિયાળ દરમ્યાન મધ જામી ગયું. એટલે એક પછી એક ચાર પાંચ જણાની આવી જ ફરિયાદ મારા પર આવી, પણ મને “બાબુભાઇ માણિયાની વાડીવાળા મધમાં ભેળસેળ” હોવાની વાત કેમેય કરીને ગળે ઉતરે નહીં.

     હું એક મારું જ ઉદાહરણ આપી આ વાત સમજાવું કે અમારા ગામ માલપરામાં લાભુભાઇ નાવડિયા કરીને એક ખેડૂત હતા. તેઓ પોતાની ખેતી કરવા ઉપરાંત મગફળી-કપાસ-જીરુ-તલ-મગ જેવી ખેતપેદાશનો યથાશક્તિ વેપાર પણ કરતા. મેં ઘણીવાર મારો માલ એમને વેચેલો. પણ જ્યારે જ્યારે માલ વેચવાનો થાય ત્યારે હું એમને કહેતો કે “લાભુભાઇ ! માલનો ભાવ નક્કી કરતાં પહેલાં માલનો ઢગલો તો નજરે જોઇ લો !” ત્યારે તરત તેઓ કહેતા “હું હીરજીભાઇ તમને ઓળખું છું. તમારો માલ ક્યારેય પોણીવીશ હોય જ નહીં, અને જો એવું હોય તો તમે પોતે જ ચોખવટ કરી દેતા હો છો !” અને ભાવ બાબતે પણ કદિ એમની સાથે મારે કોઇ રકજક કરવાનું બન્યું નથી. મારા મનમાં પણ પૂરો ભરોસો કે લાભુભાઇ કદિ પીઠથી ઓછો ભાવ આપે જ નહીં ! અમને બન્નેને પરસ્પર એકબીજાની ઇમાનદારી પ્રત્યે કેટલો વિશ્વાસ બોલો !

        બસ, એમ જ, સીતાપરવાળા ખેડૂત શ્રી બાબુભાઇ માણિયાને હું સારીરીતે ઓળખું. તેમની માનસિકતા અને પ્રામાણિકતાને હું બરાબરના પિછાણું. એટલે મને પૂરી ખાતરી હતી કે તેમની વાડીએ સહેજ પણ ખોટું થાય નહીં. ભલેને મધ પેલા મધુમખ્ખીપાલક [ધંધાર્થી] પાસેથી લીધું હોય- પણ બાબુભાઇની વાડીમાં હોય ત્યાં સુધી તેમાં કોઇ ભેળસેળનો પ્રશ્ન જ ન હોય ! એટલે એ મધમાં ભેળસેળ હોવાની વાત માનવા મારું મન તૈયાર જ નહોતું. અને એ મારો વિશ્વાસ દ્રઢ કર્યો ફૂલછાબની પંચામૃત પૂર્તિની “આહાર વિહાર” કોલમની લેખિકા ડૉ.પ્રીતિ દવેના લખાણે.

        એ લખાણમાં લેખિકા લખે છે “ઘણી વખત મધમાં જામેલી શર્કરાને જોઇને લોકો મધમાં ચાસણીની ભેળસેળ છે એવું માનવા પ્રેરાતા હોય છે. પરંતુ શુદ્ધ મધ પણ નીચા તાપમાને જામી જતું હોય છે. એટલે ઠંડીમાં મધ જામી જાય કે કણી પડી જાય તો એ નકલી મધ કે ચાસણી છે એમ માની લેવું ભૂલભરેલું છે.”

       તમે જુઓ ! સવાર પડે. સૂર્યપ્રકાશ સર્વત્ર ફેલાય. ફૂલો માંડે ખિલવાં. અને મધપૂડા માંહ્યલી સ્વયંસેવક માખીઓ ફૂલની અંદર પેસી મધુ રસ માંડે ચૂસવા અને જઠરના ખાસ વિભાગમાં માંડે ધકેલવા ! તેના પર થાય કેટલીક રાસાયણિક પ્રક્રિયા. અને રસના અર્કમાંથી મધ થાય તૈયાર. બસ, ઠાલવી દે મધપૂડાના ઉપરના કક્ષમાં. એક કીલો મધ બનાવવા મધમાખીને એકાદ લાખ આંટાફેરા મારવા પડે છે. મધ બનાવવા માટે મધમાખીઓનો કેવો જંગી પુરુષાર્થ ? મધુમખ્ખી નિષ્કામ ભાવી પુરુષાર્થનો પર્યાય ગણાયો છે.    ..

       મધમાખી મધુસંગ્રહ અન્યો માટે પરોપકારાર્થે અનાસક્તભાવે કરે છે. મધથી ભરેલી પ્લેટો પરથી તે હટી જઇ આપણને મધ લેવા દે છે. હા, તે આપણાથી દબાઇ જાય કે અણઘડભરી રીત ભાળે તો મૂકે નહીં ! ડંખ માર્યા પછી પોતે જીવતી રહેશે નહીં, એવું એ પોતે જાણતી હોવાછતાં વસાહતના રક્ષણ માટે જાત હોમી દેવાનો આનાથી મોટો બીજો ક્યો સંદેશ હોઇ શકે ? સમાજ બાંધીને રહેવું હોય તો સમાજહિત માટે પોતાની ઇચ્છા-અનિચ્છાને વશ ન થવાય. મધપૂડામાં ગોઠવાએલી માખીઓને જોજો ! ટાઢ-તાપ-વરસાદ-તોફાનમાં એકબીજીથી ભીંસાતી પૂડાની ઢાલરૂપ હોય છે. આપણે સુધરેલા મનુષ્યો કોઇનો પગ અડી જાય તો શક્તિ હોય તો લાફો નહિતર વડછકું તો ભરી જ લઈએ છીએ ! અને છતાં અન્ય પ્રાણી જગતને અણઘડ-જંગલી અને એક માત્ર પોતાને સામાજિક પ્રાણી હોવાનો દાવો કરીએ છીએ. ભગવાને વનસ્પત્યાહારી બનાવી મોકલ્યા છતાં મોટામાં મોટા પ્રાણીભક્ષી છીએ ! માખી ફૂલોમાંથી મધ લે છે, પણ તેને હાનિ પહોંચાડ્યા વિના પરાગનયનનો અમૂલ્ય બદલો આપે છે. પ્રાણી જગતમાં મનુષ્ય પોતાને પહેલો નંબર આપે છે. મુલ્યાંકનનું આ કામ કોઇ મનુષ્યેતર તટસ્થ પ્રાણીને સોંપ્યું હોય તો લાખેકની યાદીમાં કોઇ એવી જગ્યાએ આપણને મૂકે કે શોધ્યું યે ન જડે ! પણ આ વાત થોડી વિષયાંતર વાળી થઈ ગઇ, મૂળ વાત પર આવીએ તો…….   

     હાલ આવો “મધુમખ્ખી પાલન” ગૃહઉદ્યોગ એ ખેતીને સંલગ્ન વ્યવસાય તરીકે ઉત્તમ પૂરવાર થઇ રહ્યો છે. બીજા ધંધાની સરખામણીએ મૂડી રોકાણ પણ મામુલી, વળી તેને માટે કોઇ ઇમારત કે કોઇ જમીન રોકાણની જરૂરત નહીં. આજ લગણ આપણે ત્યાંની સ્થાનિક દેશી- મધમાખીઓને ખોરાક-પાણી પૂરાં પાડવાની ચિંતા કરી છે કોઇએ ? છતાં ગમે ત્યાંથી આવળ, બાવળ, આંકડા કે શેઢાપાળાની વાડની વનસ્પતિ કે વાડીના શાકભાજી કે ચારાના ફૂલોમાંથી, ભીની માટી, કાદવ કે કીચડમાંથી-જ્યાંથી મળે ત્યાંથી તે ખોરાક મેળવી લે છે અને એનો સ્વભાવ જ છે સંચય કરવાનો-એ પ્રમાણે મધનો સંચય કર્યા કરે છે. એટલે કેટલાક ખેડૂતો જેમ “દૂધની ખેતી”, “શાકભાજીની ખેતી”, “ફળોની ખેતી”, ”માછલીની ખેતી” કરી રહ્યા છે તેમ “મધની ખેતી’” નો એક નવો અભિગમ વ્યવસ્થિતરીતે અપનાવી રહ્યા છે, તે આમ ગણીએ તો બહુ સારી વાત ગણાય.

        પણ મધમાખીઓના જંગી પુરુષાર્થ અને એને બનાવવાની આવી લાંબી પ્રક્રિયા પછી તૈયાર થયેલ મધ કંઇ સસ્તુ તો ન જ હોય ! અને જ્યારે ધંધાદારી લોકોને તો વધુ જથ્થામાં તૈયાર કરવાનું હોય તો કેટલો બધો સમય લાગે ? અને એટલે જ તેઓને મધમાં ભેળસેળ કરવાનું મન થઈ જતું હોય છે.

      પણ એ ન ભૂલવું જોઇએ કે આપણને-ખેડૂતોને “અન્નદાતા” નું બિરૂદ મળેલું છે. આપણાથી આ ઉત્તમ એવા ખાદ્યપદાર્થ- કે જે એક ઉત્તમ પ્રકારની દવા છે, ઉત્તમ ટોનિક અને ઉત્તમ ખોરાક ગણાયો છે, તેવું મધ, જેનું બાળકો-યુવાનો અને વૃદ્ધો-દરેકને આંખોની જાળવણી અને લોહીના શુદ્ધિકરણ દ્વારા રક્તકણોની વૃદ્ધિ અને પાચનતંત્રની વ્યવસ્તિતતામાં મોટું યોગદાન રહ્યું છે તેવા મહામૂલા પદાર્થમાં ક્યારેય દાનત બગાડી, ભેળસેળ કરી “ખેડૂતપણાં” ને ભુંડું લગાડીએ તો તો “અન્નદાતા” તરીકેનું બિરૂદ લજવ્યું ગણાય હો ભાઇઓ !

શું ? મધમાં ભેળસેળ શક્ય છે ? મને થયેલ એક અનુભવ : ઘણા વરસો પહેલાં અભ્યાસ ખાતર “મંગલાયતન લોકશાળા-શારદાગ્રામ”માંથી હુ પાલતુ મધમાખી એપિસ ઇંડિકાની બે મધપેટીઓ લાવેલો. મને ત્યાંથી એવી ભલામણ કરેલી કે “શરુ શરુમાં જ્યાં મધપેટી મૂકવાની હોય ત્યાં આસપાસમાં ફૂલવાળા છોડ-ઝાડ થોડાં ઓછાં હોય અને મધમાખીઓને સ્થળ જરા અજાણ્યું હોય એટલે એ ભૂખી રહેવા ન પામે એ માટે થોડા દિવસો પેટીની આસપાસ થાળીમાં ખાંડનું પાણી રખાવશો તો એને વધુ ફાવશે, અને

 પછી તો ચો તરફના બે બે ને ત્રણ ત્રણ કીલોમીટરના વિસ્તારમાં જાણીતી અને ફરતી થઈ જશે પછી વાંધો નહીં આવે .”.                     

         અને એ પ્રમાણે મેં પેટીઓને પડખે ખાંડનું પાણી મૂકવાનું ચાલુ કરાવેલું. પણ અમારી વાડી-“પંચવટીબાગ”માં તો ટપક દ્વારા ઠારોઠાર મળતું પાણી, ભીની જમીન, ફળવૃક્ષો-શાકભાજી અને રજકા જેવાના ફૂલો ભરપૂર માત્રામાં હોવાથી માખીઓને ખાવાનું પૂરતું મળવા માંડ્યું, એ તો ઠીક ! પણ  તમે માનશો ? દસ જ દિવસમાં બન્ને પેટીના બધા પૂડાની અંદરના મધુકક્ષની બધી પ્લેટો મધથી ભરાઈ ને સીલ થઈ ગઈ ! આ જોઇ હું તો અચંબો પામી ગયો કે આટલા થોડા દાડામાં બન્ને પેટીની બધી પ્લેટોના મધુકક્ષ મધથી ભરાઇ ગયા ? કહેવું પડે ! પણ મધમાખી સાથેના સહવાસ અને પછીના અભ્યાસ પરથી જાણ્યું કે આટલી ઝડપથી મધ તૈયાર થવા પાછળનું કારણ મેં મધમાખીઓને  ખવરાવેલ ખાંડનું પાણી જવાબદાર હતું ! એ જે મધ બન્યું હતું તે રંગમાં સાવ સફેદ અને કાચું હતું, એ શુદ્ધ મધ નહોતું, ખરું કહીએ તો એ ભેળસેળવાળું જ ગણાય અને વનસ્પતિના ફૂલોમાંથી બનેલ મધ જેટલું ગુણકારી પણ ન ગણાય.

મધમાં ભેળસેળ કરવાની રીતો : 

[અ]……મધમાખીને ગળ્યા પદાર્થો ખવરાવીને : મધમાખીને જો ગોળ, ખાંડ, સાકર, મોલાસીસ, ગ્લુકોઝ, બુરુ કે સ્ટાર્ચ જેવા ગળ્યા પદાર્થો ખાવા આપીએ તો તે ઝડપથી તેને આરોગી જાય છે, અને મધના કક્ષ પણ પણ ખુબ ઝડપથી ભરી દઈ, વધુ જથ્થામાં મધ તૈયાર કરી આપે છે. પણ એ મધ મેં અગાઉ કહ્યું તેમ કાચુ અને અશુદ્ધ જ ગણાય.

[બ]……..મધમાં અન્ય પદાર્થો ઉમેરીને : મધમાં ચાસણી, ગળ્યું પાણી, મોલાસીસ, ગ્લુકોઝનું પ્રવાહી જેવા ગળ્યા પદાર્થોનું સીધું ઉમેરણ કરીને પણ ભેળસેળ કરવામાં આવતી હોય છે.

મધ “શુદ્ધ” છે કે “ભેળસેળિયું” ? એની ખાતરી થઈ શકે ? હા, જરૂર થઈ શકે. અને એ પણ વધારાના ખાસ ખર્ચ વિના અને ઘરગથ્થુ પદ્ધતિથી જ થઈ શકે છે. ચાલો આપણે જાણીએ.

[1]…..મધના જથ્થામાંથી ચમચી ભરી, ઉંચેથી ઝીણી ધાર કરતાં જો તેની ધાર તૂટ્યા વિના એકધારી નીચે ઢળતી રહે તેવું ઘટ્ટ અને સ્નિગ્ધ હોય તો આ મધ “શુદ્ધ” છે તેમ માનવું. પણ ધારના જો કટકા કટકા થઇ નીચે પડે તો તે મધ ભેળસેળિયું છે તેમ ગણવું.

[2]……ઉંચેથી નીચે મધની ધાર કરતાં મધ પાણીની જેમ સપાટી પર ફેલાઇ જવાને બદલે તળિએ ઢગલી રૂપે જથ્થો ભેગો થતો ભળાય તો મધ ચોખ્ખું છે જેમ માનવું.

[3]…….પાણી ભરેલા પ્યાલામાં મધનાં ટીપાં નાખીએ કે ધાર કરીએ એટલે તે ટીપાં કે ધાર પાણીમાં પ્રસરી જવાને બદલે સીધાં પ્યાલાના તળિયે ઢગલીરૂપે જમા થવાં જોઇએ. અને માનો કે પ્યાલામાંથી ધીરેધીરે પાણી ખાલી કરીએ તો મધ જો  શુદ્ધ હોય તો  જેવુંને તેવું જ –પાણીમાં પ્રસર્યાં વિનાનું પરત મળી જવું જોઇએ.

[4]…….એક કોડિયામાં જેમ દિવેલ ભરતા હોઇએ એમ મધ ભરી, તેમાં રૂ નું પુમડું કે વાટ મૂકી તેને અગ્નિ લગાડવાથી દીવાની જેમ જલવા માંડે તો મધ શુદ્ધ છે તેમ સમજવું. પણ ફટ ફટ કરી હોલવાઇ જાય તો તેમાં અશુદ્ધિ તેમ સમજવું.           

[5]……સામાન્યરીતે મધમાં 18-20 ટકાથી વધારે પાણી હોતું નથી. એટલે મધમાં પાણીની આદર્શ ટકાવારી કરતાં પાણીનું પ્રમાણ વધારે હોય તોતો તે પણ એક જાતની અશુદ્ધિ જ ગણાય.

મધમાં “પાણી”નું પ્રમાણ વધુ છે કે નહીં ? તે જાણવું હોય તો  ?       

[અ]……ચમચી વડે મધની ધાર કરતાં નીચે થર પર થર થયા હોય એ રીતે ઢગલી આકારે જથ્થો ભેગો થઈ, ઢગલી ઢળી પડવાને બદલે સીધેસીધું વાસણના તળિયે ફેલાતું જાય તો તેમાં પાણીની ટકાવારી વધુ છે તેમ સમજવું.

[બ]…….બ્લોટિંગ પેપર પહોળો કરી, તેના પર મધનાં ટીપાં પાડતાં જો જેમનાતેમ ઠઠ્યાં રહે તો મધ શુદ્ધ-પાણીની માપસરની ટકાવારી વાળું ગણાય. પણ જો મધનાં ટીપાં બ્લોટિંગ પેપરમાં શોષાઇ જાય તો પાણીનું પ્રમાણ વધુ ગણાય.

[ક]……એક ચોખ્ખા અને કોરા કાગળ પર મધનું ટીપું પાડી, આંગળી ઘસી પ્રસરાવતાં, કાગળ પર મધ ફેલાઇ જાય છતાં કાગળ અંદરથી ભીનો ન થાય તો મધ શુદ્ધ ગણાય.

         એટલે મધ શરીર સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી હોવા છતાં તે “શુદ્ધ” ને બદલે “ભેળસેળિયું” ઉપયોગમાં લેવાઇ જાય તો લાભને બદલે નુકશાન થવાની પણ પૂરી ભીતિ છે એ ન ભૂલવું હો ભાઇઓ !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

2 thoughts on ““મધ” માં કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”

  1. પણ મધમાખી સાથેના સહવાસ અને પછીના અભ્યાસ પરથી જાણ્યું કે આટલી ઝડપથી મધ તૈયાર થવા પાછળનું કારણ મેં મધમાખીઓને ખવરાવેલ ખાંડનું પાણી જવાબદાર હતું ! એ જે મધ બન્યું હતું તે રંગમાં સાવ સફેદ અને કાચું હતું, એ શુદ્ધ મધ નહોતું,

    this is totally new ! By experience person say wah new concept
    Full details of Honey with small details ,
    Thanks to Bhai ———> હીરજી ભીંગરાડિયા

Leave a Reply to saryu parikh Cancel reply

Your email address will not be published.