ફિર દેખો યારોં : વિદેશી હાથથી સ્વદેશી લેબલ સુધીની આત્મનિર્ભરતા

બીરેન કોઠારી

‘હું સી.આઇ.એ.એજન્‍ટ છું.’ સાંસદ પીલૂ મોદી આ લખાણવાળું પાટિયું ગળામાં લટકાવીને લોકસભામાં પ્રવેશ્યા હતા. એ વખતે દેશના વડાપ્રધાનપદે ઇન્‍દિરા ગાંધી હતાં. વિરોધ કરનારને ‘સી.આઇ.એ.એજન્‍ટ’નું કે ‘વિદેશી હાથ હોવાનું’ લેબલ મારવાની રીત તેમણે અપનાવેલી. તેમની આ રીતની ફીરકી લેવા સારું રમૂજવૃત્તિ માટે ખ્યાતનામ સાંસદ પીલૂ મોદીએ આવું કરેલું.

દાયકાઓ વીત્યા પછી પરિસ્થિતિમાં ફરક પડ્યો હોય તો માત્ર એટલો જ કે હવે વિરોધીને ઉતારી પાડવા માટે વિદેશી લેબલની જરૂર રહી નથી. એને એક પ્રકારે આત્મનિર્ભરતા પણ કહી શકાય. હવે ડાબેરી, નક્સલ, અર્બન નક્સલ, લીબરલ, લેફ્ટલીબરલ, સેક્યુલરથી લઈને દેશદ્રોહી સુધીની શ્રેણીનાં વિવિધ લેબલો ઉપલબ્ધ બન્યાં છે. બદલાયેલા સમયની બલિહારી એવી કે આ લેબલમાં ‘કોંગ્રેસી’નો પણ સમાવેશ થઈ ગયો છે.

પરિસ્થિતિનો બદલાવ એ પણ ખરો કે પહેલાં આવાં લેબલ મોટે ભાગે રાજકારણીઓ અન્ય રાજકારણીઓ પર લગાવતા હતા. હવે અમુક નાગરિકો એને અન્ય નાગરિકો પર લગાવવા માંડ્યા છે. તત્કાલીન વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધી માટે આસામી રાજકારણી દેવકાન્‍ત બરુઆએ એક સમયે ‘ઈન્‍ડિયા ઈઝ ઈન્‍દિરા’ જેવો શબ્દપ્રયોગ કર્યો હતો, જે દેખીતી રીતે જ ખુશામતખોરી હતી. ઈન્‍દિરા ગાંધીના વિરોધીઓને તેમણે રાષ્ટ્રદોહી કે વિદેશી એજન્‍ટ નહોતા કહ્યા એટલું ગનીમત. હવે વાત ખુશામતખોરી પૂરતી સીમિત રહી નથી. નાગરિકોનો એક મોટો વર્ગ એમ માનતો થયો છે કે શાસક એ જ દેશ અને તેની નીતિઓ યા વિચારો સાથે સંમત ન હોય એ…એના માટે અગાઉ જણાવ્યું એવાં વૈવિધ્યપૂર્ણ લેબલ ઉપલબ્ધ છે.  

કોઇ પણ દેશમાં નાગરિક ઘડતરની પ્રક્રિયા ધીમી અને લાંબી હોય છે. શાસકો તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. નાગરિક તરીકે સૌથી મહત્ત્વનો ગુણ વિકસવો જોઈએ સંવેદનશીલતાનો. અલબત્ત, ગુજરાતી ચિંતકો દ્વારા પ્રમાણિત ‘સંવેદનશીલતા’ અલગ વસ્તુ છે. અહીં આંખ, કાન, મન ખુલ્લાં રાખીને પોતાની આસપાસની ઘટનાઓને મૂલવવાની વાત છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કાયદો અને વ્યવસ્થાનો સ્પષ્ટ અને દેખીતો મામલો હોય તો પણ એને કોઈ ને કોઈ રંગ અપાઈ જાય છે. વર્તમાન યુગમાં પ્રત્યાયનનાં માધ્યમો એટલાં સુલભ, વ્યાપક અને ઝડપી બની ગયાં છે કે કોઈ પણ વાત ગણતરીની સેકન્‍ડમાં ચોમેર પ્રસરી જાય છે. બની ગયેલી દુર્ઘટના પછી તો કોરાણે રહી જાય છે અને પેલાં લેબલો ઉછળવા લાગે છે. આને લઈને દુર્ઘટનાના મૂળ સુધી ઉતરવાનું, તેનું પુનરાવર્તન ન થાય એવાં પગલાં લેવાનું કે એ અંગેની જાગૃતિ ફેલાવવાનું કામ કદી થતું જ નથી. આ બધું જોઈને એમ થાય કે પ્રત્યાયન કે સમૂહ પ્રત્યાયનનાં માધ્યમોની શોધ આપણા પૂર્વસૂરિઓએ શું આ બધા માટે કરી હતી?

અંગત રીતે સંવેદનશીલતા ધરાવવી અલગ બાબત છે, અને નાગરિક તરીકેની સંવેદનશીલતા સાવ જુદી બાબત છે. એ માપવા માટેનું કોઈ મીટર નથી. નાગરિક તરીકે એટલું જ વિચારવાનું રહે છે કે સામાન્ય સંજોગોમાં આપણે જેટલા સ્વસ્થ અને સંવેદનશીલ હોવાનું માનીએ છીએ એટલા જ સ્વસ્થ અને સંવેદનશીલ અસામાન્ય સંજોગોમાં કે કટોકટી વખતે રહી શકીએ છીએ ખરા? જાણ્યેઅજાણ્યે આપણે રાજકારણીઓના દુષ્પ્રચારતંત્રનો હાથો તો નથી બની રહ્યા ને?

  ભલે ધીમું, છતાં પ્રમાણમાં સસ્તું ઈન્‍ટરનેટ મળતું થયું, અને આપણી ભાષામાં ટાઇપ કરી શકવાની સુવિધા મળી, તેનો ઉપયોગ આપણે શેના માટે કરી રહ્યા છીએ? વિના વાંચ્યે કે વિચાર્યે આપણા સુધી ધકેલાતી સામગ્રીને આપણે પોતે પણ વાંચ્યા કે વિચાર્યા વિના આગળ ધકેલ્યે જઈએ છીએ. એક નાગરિક તરીકે તો ઠીક, સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ તરીકે પણ આ કૃત્ય આપણને શોભતું નથી. સૌ કોઈ જાણે કે માહિતીના અતિરેકથી ફાટફાટ થાય છે અને બને એટલી વહેલી તકે એને બીજાઓ સુધી ધકેલી દેવાની ફિરાકમાં હોય છે. નાગરિક તરીકેની આપણી સંવેદનશીલતા આપણી પર અને આપણા દ્વારા ધકેલાતા સંદેશાઓ પૂરતી સીમિત થઈ ગઈ હોય એમ લાગે. આવી કૃત્રિમ રીતે ઉભી કરાવાયેલી સંવેદનશીલતાનો ગેરલાભ લેવાય એટલો ઓછો! રાજકારણીઓને આ સૌથી વધુ ફાવતી બાબત છે, કેમ કે, લોકો નાગરિકો મટીને તેમના દ્વારા ચલાવાતા એજન્‍ડાના અનાયાસે અને પછી આદતવશ પ્રતિનિધિ બની જાય છે, અને સત્તાધીશોને બદલે એકમેકને સવાલો કરતા થઈ જાય છે.

હાલ ચાલી રહેલું કિસાન આંદોલન હોય કે અગાઉનું શાહીનબાગ આંદોલન, નશીલા દ્રવ્યના કૌભાંડમાં ફસાયેલી પ્રસિદ્ધ વ્યક્તિઓ હોય કે આત્મહત્યા કરતા અજાણ્યા ખેડૂતો, હોસ્પિટલમાં લાગતી આગ હોય કે ઉદ્યોગમાં છાશવારે થતા અકસ્માતો, કોવિડ કાળમાં નિયમભંગ બદલ લેવાતો આકરો દંડ હોય કે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વસૂલાતો દંડ યા સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીની વિવિધ ઘટનાઓ હોય, એક વાત શાંત ચિત્તે, ઊંડો શ્વાસ લઈને વિચારવા જેવી છે કે આવી ઘટનાઓ બની એ પહેલાં અને એના થોડા સમય પછી જે તે મુદ્દે આપણે શું વિચારતા હતા? તેના વિશેના આપણા અભિપ્રાયમાં શો બદલાવ આવ્યો? શેની અસરથી આવ્યો? એક નાગરિક તરીકે આપણે આ ઘટનાઓ માટે સામાજિક નેટવર્કિંગનાં કયાં માધ્યમ ઉપર કેવાં વિધાન કર્યાં અને અન્યોનાં પણ કેવાં કેવાં વિધાનોનો પ્રસાર કર્યો? આ બધામાં આપણી માનસિક ભૂમિકા એક જવાબદાર નાગરિક તરીકેની રહી કે કોઈ રાજકીય પક્ષના અવેતન પ્રચારકની?  

સંવેદનશીલ હોવું એટલે દિલ અને દિમાગ વચ્ચે સમતોલન જાળવીને વિચારવું. પોતાના ધર્મ, જાતિ, જ્ઞાતિ, વિસ્તાર કે વ્યક્તિની વાત આવે ત્યારે આપણે એમ કરી શકીએ છીએ? આ જવાબ બીજા કોઇને નહીં, આપણી જાતને આપવાનો છે. આ કટારના નામ મુજબ, કોઇ પણ પ્રકારનાં ચશ્માં ઉતારીને આપણે ફરીથી, નવેસરથી વિચારતા થઈએ અને વિચારતા રહીએ તો જ નાગરિક તરીકેની આપણી ભૂમિકા ખરી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧-૦૨–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : વિદેશી હાથથી સ્વદેશી લેબલ સુધીની આત્મનિર્ભરતા

  1. નાગરિક તરીકેની આપણી ભૂમિકા ખ
    જવા દો ને યાર! નગરમાં રહીએ એટલા જ આપણે નાગરિક. બાકી….
    ‘ નાગરિકોની પણ કશી ફરજ હોય છે,’ એ ખયાલ રમૂજ વૃત્તિ માટે ઠીક છે !

Leave a Reply

Your email address will not be published.