નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૩

‘બા, દેવતાઓ તો તેત્રીસ કરોડ છે અને અહીં તો ફક્ત વીસ-પચ્ચીસ મૂર્તિઓ જ છે. તો બીજી બધી ક્યાં છે?’

નલિન શાહ

પરાગના પિતા ભંવરલાલ મહેતા ગામ રાજાપુરના સૌથી વધુ નામાંકિત જમીનદાર હતા. નામાંકિત એટલા માટે કે તે પૈસેટકે સહુથી વધુ સમૃદ્ધ હતા. એકાવન વર્ષે તેઓ નિઃસંતાન હતા. ત્રણ પત્નીઓ એક પછી એક મરણ પામી. ભંવરલાલની મા રેવતીને દુઃખ હતું તો કેવળ એટલું કે અઢળક સંપત્તિનો કોઈ વારસ નહોતો. ત્યારે કોઈ લાગતાવળગતાએ વીસ માઇલના અંતરે આવેલા ગામ પાલણના રતિલાલ મુન્શી પરિવારની મોટી દીકરી ધનલક્ષ્મીનું માગું આપ્યું. ભાળ કાઢી ત્યારે રેવતીને લાગ્યું કે એની વિચારધારાને અનુરૂપ જરૂરી ગુણો ધનલક્ષ્મીમાં હતા. ગરીબ પરિવારની હતી અને કેવળ ચાર ચોપડી ભણેલી હતી.

રેવતીની માન્યતા પ્રમાણે એ જરૂરી હતું કે વહુ ગરીબ ઘરની, ભૌતિક સુખોથી વંચિત રહેલી હોય. તો એ સંપન્ન કુટુંબમાં આવીને ઓશિયાળી અને આજ્ઞાંકિત થઈને રહે અને ફક્ત ટપાલમાં આવેલા કાગળનું લખાણ થોડું ઘણું વાંચી શકે તો ઉપયોગમાં આવે. તત્કાળ મળેલી દેશની આઝાદીએ સર્જેલી સ્ત્રીસમાનતાની વિચારધારાની અસરમાં તે આવી ના હોય,

ધનલક્ષ્મી દેખાવમાં કાંઈ ખોટી નહોતી. ચૌદ વરસની ઉંમર પણ બહુ નાની ના કહેવાય ને! સૌથી મહત્ત્વનું એ હતું કે સાસુની સામે માથું ઊંચકવાની હિમ્મત ના હોય. રેવતીએ માંગુ નાખ્યું. પિતા રતિલાલને ઉંમરનો વાંધો હતો, પણ એમની પત્ની સવિતાને દીકરીના સુખ માટે આથી વધુ કોઈ અપેક્ષા પણ નહોતી. ચાર વરસની બીજી દીકરી શશીને ભવિષ્યમાં આવો સંબંધ ઉપયોગી નીવડે. ધનલક્ષ્મીને તો પૂછવાનો સવાલ આવતો જ નહોતો અને પૂછ્યું પણ હોત તો એને પતિની ઉંમર કરતાં, પ્રાપ્ત થનારાં સુખ-સગવડમાં વધારે રસ હતો.

સાસરામાં પગ મૂકતાંની સાથે જ ધનલક્ષ્મી પામી ગઈ કે ઘરમાં પતિ કરતાં સાસુનું વર્ચસ્વ વધારે હતું. પહેલે દિવસથી જ એણે સાસુને ખુશ રાખવાનાં પ્રયત્નો આદરી દીધા. સાસુની સેવામાં ખડેપગે તૈયાર રહેતી. એમનો પડ્યો બોલ ઝીલવા એ હંમેશાં તત્પર રહેતી. એનો દાગીનાનો ડબ્બો પણ સાસુ પાસે રહેતો અને વાર-તહેવારે જે આપતાં એ જ પહેરતી. ૭૦ વર્ષનાં સાસુને દુઃખ હતું તો કેવળ એટલું જ કે વહુ એને ઠપકો આપવાનો કે નીંદા કરવાનો કદી મોકો નહોતી આપતી.

ભંવરલાલે ગરીબ ખેડૂતોનું શોષણ કરી સંપત્તિ જમા કરી હતી. જરૂરતમંદોને પૈસા ધીરવા તે હંમેશાં તત્પર રહેતા. વ્યાજ અને પૈસાની સલામતી માટે દેવાદારનાં જર-જમીન વગેરે એની પાસે રહેતાં. એ જાણતા હતા કે મોટા ભાગના દેવાદારો કદી દેવું ભરપાઈ કરી શકવાના નહોતા. પરિણામ સ્વરૂપ વખત જતાં એની પાસે જમા કરેલા દાગીના, જમીન વગેરે પર એમનો હક્ક સ્થાપિત થઈ જતો. પણ ભંવરલાલ ચિંતામાં ગ્રસ્ત હતા. આ મોભો અને જાહોજલાલી ભોગવનાર વારસનો અભાવ એમને પારાવાર ડંખતો હતો.

એમના જ ગામનો એક પ્રસંગ એમની નજરની સામે હતો. એમના જ સમાજની સ્ત્રી ચતુર પતિના મૃત્યુ બાદ એકલી હતી. વ્યાજની લાલચમાં પતિએ છોડેલી સંપત્તિમાંથી પૈસા ધીરવાનું શરૂ કર્યું. જ્યારે અચાનક હૃદયરોગના હુમલામાં ચતુરનું મૃત્યુ થયું ત્યારે એના લોખંડના તોતિંગ પટારામાંથી દેણદારોના પચાવી પાડેલા દાગીના હાથ લાગ્યા, જે કોઈ વારસના અભાવે નજદીકના સગાઓએ આપસમાં વહેંચી લીધા.

ભંવરલાલે ત્રીજા લગ્ન માટે માની પસંદગી સહર્ષ સ્વીકારી લીધી. ધનલક્ષ્મીને ખાવા-પીવાના અને પહેરવા-ઓઢવાના શોખ ઉપરાંત નાટક-સિનેમા જોવાની પણ તાલાવેલી ભરપૂર હતી. પણ પરિવારની ગરીબીને કારણે એ બધા શોખોથી વંચિત રહેતી. સાસરામાં જ્યારે પૈસાનો અભાવ ન રહ્યો ત્યારે સાસુનો કોપ અને સખ્તાઈ સહન કરવાની વેળા આવી. સાસુની માન-મર્યાદા જાળવવાની ક્રિયા તો એક ડોળ હતો. સાસુના જોરજુલમના કારણે એના કોડ પૂરા ન થવાનો આક્રોશ પતિની સામે એકાંતમાં ઠાલવતી. એનો ગુસ્સો વધારે એ કારણે હતો કે સાસુની સામે એનો પતિ પણ નિરૂપાય હતો. પત્નીનું રુદ્ર સ્વરૂપ જોઈને એ ડરી ગયો. એની વિડંબણા એ હતી કે ન તો માને કંઈ કહી શકતો, ન તો એનામાં પત્નીના ગુસ્સાનો સામનો કરવાની હિંમત હતી. ધનલક્ષ્મીને વધારે અકળામણ એટલે થતી હતી. સંપન્ન કુટુંબમાં રહેવાની જે આશાઓ સેવી હતી, એમાંથી એક પણ ફળીભૂત ના થઈ. ઘરમાં તો સાસુનું સામ્રાજ્ય હતું જ, પણ પડોશમાં કે બહાર ક્યાં પણ જવા માટે સાસુની રજા લેવી પડતી હતી.

એ જ અરસામાં ગામમાં ટુરિંગ થિયેટરનો તંબુ ઊભો થયો હતો અને થોડા વખત પહેલાં જ ગાજેલી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’નો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો હતો. આજુબાજુ રહેનારી એની સહેલીઓ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ હતી, ત્યારે ધનલક્ષ્મી કેવળ સાસુના ભયથી કોઈ ઉત્સાહ દાખવી ન શકી. પણ ફિલ્મનું આવવું ને સાસુનું જવું એક સંજોગની વાત હતી. કોઈ સગાના કુટુંબીઓ સાથે સાસુ ગોકુળ-મથુરાની જાત્રાએ જવાનો યોગ ઊભો થયો અને ધનલક્ષ્મીએ આનંદનો અતિરેક અનુભવ્યો.

ધનલક્ષ્મી પડોશણો સાથે ‘ગુણસુંદરી’ જોવા ગઈ. બધી ચાર આનાની ટિકિટો લઈ આગળ જમીન પર બેઠી. જ્યારે ધનલક્ષ્મી જમીનદારીનો મોભો જાળવવા એક સહેલીને લઈ દસ આનાની ટિકિટમાં પાછળ પતરાની  ફોલ્ડિંગ ખુરશીમાં બેઠી. ફિલ્મમાં ‘ઓ ભાભી, તમે થોડાં થોડાં થાઓ વરણાગી’ ગાયને એના મનમાં વંટોળ જગાવ્યો. એક વર્ષ પહેલાં અંગ્રેજો દેશમાંથી વિદાય થયા હતા. પણ એમની સંસ્કૃતિ છોડી ગયા હતા. તેની અસર શહેરોમાં તો વર્તાતી હતી, પણ સિનેમાના માધ્યમથી ગામોમાં પણ પગપેસારો કરી રહી હતી. છાપાંમાં જાહેરખબરો જોઈ અને મુંબઈ જતાં-આવતાં લોકોની વાતો સાંભળી, ત્યાં પ્રવર્તતી આધુનિક સંસ્કૃતિ પ્રત્યે ધનલક્ષ્મીને ગજબનું આકર્ષણ જાગ્યું. ‘ઓ ભાભી તમે’ ગીત મગજમાં ગુંજતું રહ્યું.

જમીનદારના મોભા પ્રમાણે ઘરમાં ભુંગળાવાળું વાજું તો હતું, પણ તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક જ થતો અને તે પણ કોઈક ભજનની રેકોર્ડ વગાડવા માટે. એણે ‘ગુણસુંદરી’ બે વાર જોયું અને ત્રીજી વાર પતિને બળજબરીથી સાથે લઈ ગઈ, જેથી એ સમજી શકે કે વરણાગી થવું એ માણસની નબળાઈ નહીં પણ સમયની માંગ હતી. એણે પતિ આગળ હઠ પકડી કે મુંબઈથી ‘અફઘાન સ્નો’ પાવડરનો ડબ્બો મંગાવી આપે અને ‘ઓ ભાભી તમે’ની રેકોર્ડ પણ. ભંવરલાલ હેબતાઈ ગયા, ‘બાને ખબર પડશે તો?’ એમણે પૂછ્યું. ‘હું નહીં પડવા દઉં’ ધનલક્ષ્મીએ આશ્વાસન આપ્યું.

મુંબઈના પાર્સલની પ્રતીક્ષામાં દિવસો વીતતા ગયા. ફુરસદના સમયે ધનલક્ષ્મી આજુબાજુના ઘરની એની ઉંમરની પરણિત અને અપરણિત છોકરીઓ પાસે નવી ફેશનના પહેરવેશની બાબતમાં જાણકારી મેળવતી હતી, ફક્ત એનું કુતૂહલ શમાવવા માટે. મુંબઈથી પાર્સલ આવ્યું ત્યારે ભંવરલાલે તેને શયનખંડમાં છુપાવી દીધું. કારણ એની મા જાત્રા કરી પાછી આવી ગઈ હતી. રાત્રે ધનલક્ષ્મીએ દરવાજો બંધ કરીને પાર્સલ ખોલ્યું, સ્નોની સુગંધ લીધી, ચહેરા પર લગાડ્યો, પફથી પાવડર છાંટ્યો અને એકાગ્રતાથી અરીસામાં એનું પ્રતિબિંબ નિહાળી રહી. એ જાણતી હતી કે આ મોં પર લપેડા કરીને નવી ફેશનની બંગાળી ઢબથી પહેરેલી સાડીને ‘ગુણસુંદરી’માં આવે છે એમ વગર બાંયના બ્લાઉઝમાં સજ્જ થઈ બહાર નીકળવાની હિંમત એનામાં નહોતી.

આ વિચાર આવતાં જ એના મોંમાંથી સાસુ માટે અપશબ્દ નીકળી ગયા. ભગવાનની છબી આગળ હાથ જોડી એણે પ્રાર્થના કરી, ‘હે નાથ! મારી સાસુને ઊઠાવી લે, તો તારા મંદિરમાં પાંચ રૂપિયાનો પ્રસાદ ચડાવીશ’.

સવારે ઊઠીને ધનલક્ષ્મીએ આખો ચહેરો પાણીથી ઘસી ઘસીને સાફ કર્યો. રખેને ક્યાંક સાસુને ગંધ આવી જાય. ધનલક્ષ્મી મોં લુછી રહી હતી ત્યાં જ સાસુનો સાદ કાને પડ્યો, ‘જલદી નાહી-ધોઈને પૂજાનો ઓરડો-મંદિર સાફ કરી નાખ. પંચામૃતથી બધી મૂર્તિઓને સ્નાન કરાવી ફૂલની છાબડી મૂક અને પાથરણું પાથર. મારો માળા ફેરવવાનો સમય થઈ ગયો છે. હવેથી આ બધાં કામ તારાં છે. મેં જિંદગીભર કર્યાં, હવે થાક લાગે છે.’

પૂજાના ઓરડામાં નોકર ચાકરોને જવાની મનાઈ હતી. સાસુ સવારથી આ કામમાં વ્યસ્ત રહેતાં. હવે…..? આ વિચારે ધનલક્ષ્મી સમસમી ગઈ. આ સાસુનો કોઈ નવો કીમિયો તો નથી ને મને હેરાન કરવાનો? ધનલક્ષ્મી ઝાડુફટકો લઈ પૂજાઘરમાં દાખલ થઈ. શ્રીનાથજીની એક મોટી મૂર્તિ અગ્રસ્થાને હતી. એની આજુબાજુ અને પાછળ કેટલાંક પ્રચલિત દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી. આ બધા દેવતાઓને સ્નાન કરાવવાના વિચારે એને કંપારી છૂટી, ત્યાં જ એની નજર સાસુ પર પડી. આજે પહેલી વાર એ આ કામ કરી રહી હતી. એટલે સાસુ એના કામનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં. ધનલક્ષ્મીને આ અણગમાના કામનો ગુસ્સો આવ્યો અને ન ચાહતા પણ એના મોંમાંથી કટાક્ષનું વેણ નીકળી ગયું, ‘બા, દેવતાઓ તો તેત્રીસ કરોડ છે અને અહીં તો ફક્ત વીસ-પચ્ચીસ મૂર્તિઓ જ છે. તો બીજી બધી ક્યાં છે?’ બસ સાસુને આવા જ કોઈ વેણની મહિનાઓથી પ્રતીક્ષા હતી. એણે આગળ આવી ધનલક્ષ્મીના વાળ ખેંચી મોં પર એક લપડાક ચોડી દીધી, ‘નફ્ફટ, મારા દેવતાઓની મશ્કરી કરે છે?’ ‘મેં ક્યાં મશ્કરી કરી બા?’ ધનલક્ષ્મી રડમસ અવાજે બોલી. બીજી લપડાક, ‘હરામી, એક તો પાપ કરે છે ને પાછી સામે જવાબ આપે છે?’

ધનલક્ષ્મી રડી પડી. સાસુ ધુંધવાઈને બહાર આવી ગયાં. ધનલક્ષ્મીએ હાથ જોડી ભગવાનને સવાલ કર્યો, ‘નાથ! આવાં સાસુ પર તારા ચાર હાથ અને મારા માથે એક પાંદડીનો છાંયડો પણ નહીં?’ ભગવાન સાંભળતા રહ્યા, પણ બોલ્યા નહીં. સાસુ અંદર આવી પાથરણા પર બેઠાં અને માળા હાથમાં લીધી ત્યાં જોયું કે પ્રસાદની સામગ્રી નહોતી મુકાઈ. એણે ત્રાડ પાડી, ‘એ કાળમુઈ, પ્રસાદની સામગ્રી ક્યાં?’ ‘બા, તમે નહોતું કહ્યું’ ધનલક્ષ્મી રડમસ અવાજે બોલી. ‘કેમ તારામાં અક્કલ નથી? ભગવાન ભૂખ્યા ન થયા હોય, બધું કહેવું પડે?’

ધનલક્ષ્મીએ કેળાંના કટકા કરી છાબડીમાં મૂકી આપી ગઈ. સાસુએ માળા ફેરવતાં ફેરવતાં સંતોષની લાગણી અનુભવી. વહુ પર ધાક જમાવવાની પળ પ્રદાન કરવા માટે પ્રભુનો પાડ માન્યો.

બપોરે ચારથી છ વાગ્યાની વચ્ચે સમાજની આધેડ અને મોટી ઉંમરની સ્ત્રીઓ મંદિરના પ્રાંગણમાં ભેગી થઈ મેળાવડા જેવું વાતાવરણ સર્જતી હતી. પછાત ગામમાં આટલું જ મનોરંજન ઉપલબ્ધ હતું. ત્યાં બેસીને ભગવાનની સેવામાં જરૂરી ફૂલોની માળાઓ ગુંથતી અને પોતાના સુખદુઃખની વાતો, પોતાની વહુઓની નિંદા અને ન્યાતનાં કૌભાંડોની ચર્ચામાં સમય વ્યતીત કરતી હતી. રેવતી પોતાની મોટાઈનું પ્રદર્શન કરવા અને વહુને વગોવવાનો આ મોકો કદી નહોતી ચૂકતી. લગ્નને પાંચ વર્ષ થવા આવ્યાં છતાં એની વહુએ એકે બાળક નહોતું જણ્યું. આ એની રોજની ફરિયાદ હતી. જે લોકોને નાછૂટકે સાંભળીને એને સહાનુભૂતિ દર્શાવી પડતી હતી.

એક દિવસ રેવતીને મંદિર જવામાં વિલંબ થતો જોઈ ધનલક્ષ્મીએ બે વાર પૂછ્યું ‘બા કેમ હજી મંદિર ગયાં નથી?’ ત્યારે જ રેવતીને કાંઈક ગંધ આવી, પણ કાંઈ સમજાયું નહીં. મંદિરમાં પણ એનું મન ના ચોંટ્યું અને એક કલાક પહેલાં જ ઊઠીને ઘેર આવી ગઈ. ઘરમાં દાખલ થતાં જ વહુને આંખ બંધ કરીને એકાગ્રતાથી ‘ઓ ભાભી, તમે થોડાં થોડાં થાવ વરણાગી’ ગાયનની રેકોર્ડ સાંભળતી જોઈ થંભી ગઈ. ‘મારી પીઠ પાછળ ઘરમાં આ જ કૃત્ય આચરે છે’ કહીને એક લપડાક એના ગાલ ઉપર ચોડી દીધી અને વાજું બંધ કરી રેકોર્ડ ઊઠાવીને બહાર ફેંકી. રેકોર્ડના ટુકડાઓ જમીન પર વિખરાઈ ગયા. આંસુ સાર્યાથી વધુ ધનલક્ષ્મી કશું કરી શકે તેમ નહોતી.

રેવતીને સૌથી વધુ દુઃખ એ હતું કે દીકરાનાં ત્રણ ત્રણ લગ્ન થયાં છતાં સંપત્તિના વારસનું સપનું અધુરું જ રહ્યું હતું. ભંવરલાલને એ ચિંતા હતી કે એની સંપત્તિ સગાઓમાં લૂંટાઈ ના જાય. પંચાવન પૂરાં થયાં હતાં અને મોતનો કોઈ ભરોસો નહોતો. લગ્નને પાંચમે વર્ષે ધનલક્ષ્મીએ સાસુ આગળ ડરતાં ડરતાં શંકા વ્યક્ત કરી કે એને દહાડા રહ્યા હોય એવું લાગે છે. ગામમાં એક એલ.સી.પી.એસ. ડૉક્ટર અને બે વૈદ્યો હતા. બધા પાસે જ્યારે શંકાનું નિવારણ થયું ત્યારે ધનલક્ષ્મીને શાતા વળી કે એને માથેથી વાંઝણીનું મહેણું આખરે ટળશે.

રેવતીનો આનંદ મિશ્રિત હતો. કદાચ દીકરી આવે તો? એ તો પારકાં ઘરની થાપણ કહેવાય. એ ચિંતામાં દિવસો વીતતા ગયા. ધનલક્ષ્મીએ સંપન્ન કુટુંબમાં આવીને પિયરને સાવ વિસારી દીધું હતું. ગરીબ મા-બાપ અને બહેન સાથે સંબંધ રાખવામાં એ નાનમ અનુભવતી હતી. પણ એની માએ ‘પહેલી પ્રસૂતિ તો પિયરમાં જ થાય’ એવો આગ્રહ કર્યો. રેવતીની ઇચ્છા નહોતી કે એ ગરીબ ઘરમાં એનો કુળનો દીપક પેદા થાય.

પણ ભંવરલાલ જાણતા હતા કે વીસ માઇલના અંતરે આવેલું એ ગામ પાલણ એમના રાજપુર કરતાં મોટું અને વેપાર ધંધાની દૃષ્ટિએ વધારે મહત્ત્વનું હતું. ત્યાં સરકારી દવાખાનું અને પ્રસૂતિગૃહ હતાં. એટલે સલામતી ખાતર ત્યાં જ જવું વધારે જરૂરી હતું. જ્યારે ધનલક્ષ્મીની મા એની પડોશણની સાથે એને તેડવા આવી ત્યારે એમની હાજરીમાં જ રેવતીએ ચોખ્ખા શબ્દોમાં વહુને તાકીદ કરી કે, ‘ખબરદાર, જો દીકરી લઈને આ ઘરમાં પગ મૂક્યો છે તો.’

ધનલક્ષ્મી નીચું મોં કરી સાંભળી રહી. ભંવરલાલે ડરતાં ડરતાં કહ્યું, ‘બા, આપણા નસીબમાં જ જો ખોટ હોય તો એ શું કરે?’

 ‘હું કાંઈ ના જાણું’ રેવતી તડૂકી, ‘મને એવી વહુ ના ખપે, જે કુટુંબની મિલકતની સંભાળ ના કરી શકે.’


સંપાદકીય નોંધઃ
હવેથી શ્રી નલિન શાહની પ્રસ્તુત નવલકથા ‘પ્રથમ પગલું’ ૨૧-૨-૨૦૧૨ના રોજ અને તે પછીના દર રવિવારે પ્રકાશિત કરીશું.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.