સમાજ દર્શનનો વિવેક :: ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન: નેહરુની દૃષ્ટિએ

કિશોરચંદ્ર ઠાકર

ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુની નાસ્તિક કે હિંદુ વિરોધી છાપ ઉપસાવવામાં તેમના વિરોધીઓનો જેટલો ફાળો છે એટલો જ જેમણે નેહરુના વિચારો પૂરેપુરા જાણ્યા નથી  તેવા તેમના સમર્થકોનો પણ છે.

પરંતુ નેહરુનું જાણીતું પુસ્તક ‘મારું હિંદનું દર્શન’ વાંચતા જણાય છે કે તેઓ ન તો હાડોહાડ નાસ્તિક હતા કે ન કોઈ ધર્મના વિરોધી હતા. એ જ રીતે  તેઓ માત્ર અર્વાચીનતાના જ આગ્રહી ન હતા કે પ્રાચીનતાના  વિરોધી માત્ર પણ ન હતા. નેહરુને વાંચતા તો એમ લાગે છે કે તેઓ જો રાજકારણમાં ન ગયા હોત તો પોતાની એક દાર્શનિક તરીકેની છાપ ઊભી કરી શક્યા  હોત. અહીં તેમના ‘ધર્મ, ફિલસૂફી  અને વિજ્ઞાન’ વિષયક  વિચારો વાંચીએ એ પહેલા પ્રાચીન ભારત બાબતે તેઓ શું કહે છે તે જોઇએ.

          “હિંદે તેના ભૂતકાળ સાથેનો નાતો ઘણે અંશે તોડવો  જોઈએ અને વર્તમાન પર એનું પ્રભુત્વ જામવા દેવું ન જોઈએ. ભૂતકાળના ઘણા નિષ્પ્રાણ અવશેષોનો બોજો આપણે વહન કરી રહ્યા છીએ. એનો મતલબ એવો સહેજ પણ નથી કે ભૂતકાળમાં જે કાંઈ પ્રાણદાયી હોય તેની સાથેનો સબંધ પણ તોડી નાખવો. હિંદના ભૂતકાળમાં આપણી જાતિને સદૈવ પ્રેરણા  આપતા એવા આપણા પૂર્વજોનાં આદર્શો, શાણપણ, જીવન તેમજ કુદરત પ્રત્યેના તેમના પ્રેમ, તેમની જિજ્ઞાસાવૃતિ, તેમના હિંમતભર્યા વિચારો, સાહિત્ય અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં તેમની અપ્રતિમ સિદ્ધિઓ, સત્ય, સૌંદર્ય અને સ્વતંત્રતા માટેના તેમના પ્રેમને, જીવનનાં ગૂઢ રહસ્યોની તેમની સમજ અને સૌથી મહત્વની અન્ય  જીવનપ્રણાલી કે વિચારો પ્રત્યેની તેમની ઉદારતા સાથેની બીજી પ્રજાઓને તેમની સંસ્કૃતિક સિદ્ધિઓ  સહિત  પોતાનામાં સમાવી લઈને તેને આત્મસાત કરીને મિશ્ર સંસ્કૃતિ ખીલવવની તેમની અદ્ભૂત શક્તિ – અ બધું કદી ન વિસારી શકાય તેવું છે. હિંદ જો આ બધું ભૂલી જાય તો હિંદ તરીકેની પોતાની ઓળખ જ ગુમાવી દે” 

ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન સબંધી તેઓ કહે છે,

 “માનવજાતના વિકાસમાં ધર્મોનો ફાળો મોટો છે. તેમણે કેટલાક મૂલ્યો અને ધોરણો ઠરાવ્યા છે અને માનવજીવનનાં માર્ગદર્શન માટે કેટલાક સિધ્ધાંતો બનાવ્યા છે. પણ આ બધી સારી વસ્તુઓની સાથે તેમણે સત્યને ઠરાવેલા બીબામાં ને રૂઢ માન્યતાઓમાં બંદીવાન કરવાનો પ્રયાસ કર્યો છે.  આ ઉપરાંત તેમણે  કેવળ  એવા બાહ્યાચાર, વિધિઓ અને એવી પ્રથાને ઉત્તેજન આપ્યું છે કે જેનાથી ધર્મો પોતાનો મૂળ અર્થ જ ખોઈ બેસે. ધર્મોએ  પોતાની ચોતરફ વ્યાપી રહેલા અજ્ઞાત તત્વને વિષે માણસનાં મનમાં ગૂઢતાની લાગણી તેમ જ ભય પેદા કરી  અજ્ઞાત તત્વને સમજતા રોકવા ઉપરાંત  સામાજિક પુરુષાર્થના માર્ગમાં જે કાંઈ બાધારૂપ થઈ પડે તેને સમજવાનો પ્રયત્ન કરતાં પણ તેને રોક્યો છે. કુતૂહલ, જિજ્ઞાસાવૃતિ તેમજ વિચારને ઉત્તેજન આપવાને બદલે તેમણે કુદરતને, સ્થાપિત ધર્મવ્યવસ્થાને, વર્તમાન સમાજવ્યવસ્થાને તેમજ જે કંઈ પ્રચલિત હોય તેને વશ વર્તવાની ફિલસૂફી ઉપદેશી છે. આ વિશ્વની પાછળ કોઈક નિયંતા, દૈવી શક્તિ રહેલી છે એવી શ્રધ્ધાને પરિણામે સામાજિક ભૂમિકા પર અમુક પ્રમાણમાં બેજવાબદારીની લાગણી પેદા થઈ છે અને ભાવના તેમજ વેવલાપણાએ બુદ્ધિપૂર્વકની વિચારણાનું સ્થાન લીધું છે. ધર્મે અસંખ્ય માણસોને  સમધાન આપ્યું છે અને મૂલ્યોથી સમાજને સ્થિરતા બક્ષી છે, એ નિર્વિવાદ છે. પણ માનવસમાજના પાયામાં રહેલી પ્રગતિ ને પરિવર્તનની વૃતિને તેણે  રોકી છે.”

   ધર્મને  ફિલસૂફી(તત્વજ્ઞાન)થી અલગ પાડીને નેહરુ લખે છે, “ધર્મની મર્યાદા ફિલસૂફીએ દૂર કરી છે.  જીવનનો હેતુ શું હોઈ શકે ? જેવા આત્યંતિક સવાલો પર ફિલસૂફી ધ્યાન કે‌ન્દ્રિત કરે છે. પરંતુ આમ કરવા જતા  માનવજીવન અને રોજબરોજના સવાલોથી  અલગ પડીને સામાન્ય રીતે એકદંડિયા મહેલમાં બેસી જવાથી  માણસનાં જીવન સાથેનો નાતો તે તોડી નાખે છે. ફિલસૂફીના માગદર્શક તો તર્ક અને બુદ્ધિ છે અને તે માણસને અનેક દિશાઓમાં આગળ લઈ જાય છે. પરંતુ તર્ક એ તો ચિત્તનું ફરજંદ છે જેને હકીકતો(material facts)  જોડે લેવાદેવા નથી.”

   “ફિલસૂફીએ જે અંતિમ હેતુઓ પર લક્ષ આપ્યું છે તેની  વિજ્ઞાને સદંતર અવગણના કરી છે અને માત્ર હકીકતો તરફ જ ધ્યાન કે‌ન્દ્રિત કર્યું છે. વિજ્ઞાને કૂદકે ને ભૂસકે દુનિયાને આગળ ધકેલીને ઝગમગતી સંસ્કૃતિ ઊભી કરી છે. જ્ઞાનના વિકાસ માટે તેણે અગણિત માર્ગો ખૂલ્લા કર્યા  અને માનવીનું સામર્થ્ય એટલું બધું વધારી મૂક્યું કે પહેલી વાર માણસને એવું લાગ્યું કે  આસપાસની ભૌતિક પરિસ્થિતિ પર તે વિજય મેળવી શકશે ને તેને ધારે એવું સ્વરૂપ પણ આપી શકશે. તેને એમ પણ લાગ્યું કે  નિસર્ગના અન્ય પરિબળો જેવું પોતે પણ એક પરિબળ બની ગયો છે અને આ પૃથ્વીને રાસાયણિક રીતે, ભૌતિક રીતે તેમજ બીજી અનેક રીતે પેલા અન્ય પરિબળોની જેમ બદલી શકે તેમ છે.  દુનિયા તેને પોતાની મૂઠીમાં લાગી.”

         “આમ છતાં વિજ્ઞાને જીવનના અંતિમ હેતુઓ બાબતે તો ઠીક , તાત્કાલિત હેતુ વિષે પણ કશું કહ્યું નથી. માનવી વિજ્ઞાનની  મદદથી કુદરત પર કાબૂ રાખતો ભલે થયો હોય પણ પોતાની જાત પર કાબૂ રાખવા બાબતે વિજ્ઞાનનો ઉપયોગ કરી શક્યો નહિ. અલબત જીવવિદ્યા, માનસશાસ્ત્ર જેવા બીજા શાસ્ત્રોની નવી શોધો પહેલાના કરતા પોતની જાતને વધારે કાબૂ રાખવામાં મદદરૂપ થઈ પણ  શકે છે.  પરંતુ તેમ કરવામાં તેણે લાંબો પંથ કાપવો પડે તેમ લાગે છે.  ત્યાં સુધીમાં તો માણસ પોતે રચેલી સંસ્કૃતિનો જ નાશ કરી નાખે અને તેને એકડે એકથી ફરી શરૂ કરવું પડે તેવો ભય તોળાઈ રહ્યો છે.”

   “વિજ્ઞાનને જો જીવનના મૂળભૂત હેતુઓ શોધવાની દિશામાં આગળ વધવાની તક મળે તો તે આગળ વધી પણ શકે છે. પરંતુ આ માટે તેણે હાલની અવલોકન પદ્ધતિં(કાર્યપદ્ધતિ)ને અતિક્રમી જવી પડે. તેમ કરવાથી  થોડો પંથ કાપ્યા પછી વિજ્ઞાન અને તત્વજ્ઞાન બન્ને સહપ્રવાસી થઈ જશે.”  અહીં  નેહરુ  ચિત્તના હાલના બંધારણને કારણે બુધ્ધિની મર્યાદા સ્વીકારતા  કહે છે, “બુદ્ધિના બાળકો એવા વિજ્ઞાન અને તત્વજ્ઞાન જ્યાં હારી જાય ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે બીજી કોઈ શક્તિ હોય તેના પર આધાર રાખવો પડશે.” 

   “બુદ્ધિ અને વૈજ્ઞાનિક પદ્ધતિની આ મર્યાદા સમજી લીધા પછી પણ આપણે તેને પૂરેપૂરી રીતે વળગી રહેવું જોઈએ. કારણ કે એના નક્કર પાયા વિના કોઈપણ પ્રકારનાં સત્ય અથવા વસ્તુનાં સાચા સ્વરૂપની પક્કડ મેળવી શકાતા નથી. જગતનાં તમામે તમામ રહસ્યોનો પાર પામવાના મિથ્યા પ્રયાસોમાં ગોથાં ખાધાં કરીએ, તેના કરતાં તેનું અંશત: સત્ય સમજવું અને તેને આપણાં જીવનમાં ઉતારવું બહેતર છે. હરેક દેશ અને પ્રજા માટે વિજ્ઞાનનો વિનિયોગ આજે અનિવાર્ય બન્યો છે. વિજ્ઞાનનો ઉપયોગ કરવા કરતાં તો આપણે માટે વધારે જરૂરી છે વૈજ્ઞાનિક દૃષ્ટિ, અને  વિજ્ઞાનની સાહસિક છતાં વિવેચક પ્રકતિની. જોવાં એ મળ્યું છે કે વિજ્ઞાનના ઉપાસક હોવાનો દાવો કરનારા આજના ઘણાખરા વિજ્ઞાનીઓ પોતાનાં નિશ્ચિત ક્ષેત્રની બહાર એ બધું વિસારી મૂકે છે. વૈજ્ઞાનિક દષ્ટિ કે વલણ એ બીજું કાંઇ નથી પણ એક જીવનપ્રણાલી છે, જેના વડે આપણે આપણા સમાગમમાં આવતા માનવબંધુઓ સાથે યોગ્ય રીતે કામ પાડી શકીએ.* પરંતુ આ પ્રમાણે આચરણ કરી શકે તેવા બહુ ગણ્યાગાંઠ્યા માણસો પણ મળવા મુશ્કેલ છે. વૈજ્ઞાનિક માનસ એ બંધનમુક્ત માણસનું માનસ છે જે માનવીને કયે રસ્તે આગળ વધવું એનો દિશાનિર્દેશ કરે છે.”

   “પણ એ વલણ દુનિયાભરમાં ક્યાંય પ્રજામાં કે નેતાઓમાં જરા સરખું પણ દેખાતું નથી. આપણે જેને વિજ્ઞાન કહીએ છીએ તેનો કાર્યપ્રદેશ તો પ્રત્યક્ષ જ્ઞાન અથવા બાહ્ય કે દૃશ્ય જગતનું જ્ઞાન છે,  પરંતુ એમ કરતા આપણને એવું માનસ પ્રાપ્ત થઇ શકે છે કે જે ઉપરોક્ત કાર્યક્ષેત્રની સીમા ઓળંગીને આગળ સુધી જવાની ક્ષમતા ધરાવે છે. જ્ઞાનપ્રાપ્તિ, સૂક્ષ્મ દર્શન તેમજ માંગલ્ય તથા સૌંદર્યનો અનુભવ એ માનવજીવનના અંતિમ હેતુઓ ગણી શકાય. આપણી આજની દૃશ્ય જગતનાં સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિ માનવજીવનનાં આ અંતિમ હેતુઓ પાર પાડવામાં ઉપયોગી થઈ શકતી નથી. જીવનની અત્યંત મહત્વની માર્મિક બાબતો તેના કાર્યપ્રદેશની બહાર છે.” આ વાત એક સરસ ઉદાહરણ આપીને નેહરુ સમજાવે છે. “ગમે તેટલો પારંગત વનસ્પતિશાસ્ત્રી કે પ્રાણીશાસ્ત્રી પ્રકૃતિનું સૌંદર્ય તેમજ મોહકતા કદી અનુભવી ન શકે તેમ બને,  કોઈ સમાજશાસ્ત્રીમાં માનવપ્રેમનો અભાવ હોય એમ પણ બને,  પણ   વૈજ્ઞાનિક માનસની ક્ષમતા  તો હાલની વૈજ્ઞાનિક પદ્ધતિના કાર્યક્ષેત્રની સીમા ઓળંગી શકે તેમ છે. ખરેખર તો આપણે ગિરીશૃંગોનાં ફિલસૂફીના ઉન્નત દેવાલયમાં જવું હોય, ઉન્નત ભાવનાઓ અનુભવવી હોય અથવા આ દૃશ્ય જગતની પાર રહેલા અજ્ઞાત મહાસાગર તરફ નજર કરવી હોય તે બધા માટે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિ અને વલણ જરૂરી હોય છે”.

“ધર્મની કાર્યપદ્ધતિ વિજ્ઞાનની કાર્યપદ્ધતિથી તદ્દન જુદી છે. એનો નાતો વધારે તો ઇન્દ્રિય જ્ઞાનની પેલી પારના પ્રદેશો સાથે હોવાથી તે ભાવના તેમજ અંત:પ્રેરણા કે સંપ્રજ્ઞાન પર આધાર રાખે, એ કદાચ સમજાય પરંતુ જેમનું અવલોકન કરી શકાય તેમજ બુદ્ધિપૂર્વક જેનાં વિષેનું જ્ઞાન મેળવી શકાય એના માટે પણ તે આ જ પદ્ધતિ (ભાવના તેમજ અંતઃપ્રેરણાની ) લાગુ પાડે છે. સંગઠિત ધર્મ તો વળી ઈશ્વરવિદ્યાનો આશરો લે છે અને તેને આધ્યાત્મિક બાબતો કરતા ઘણીવાર સ્થાપિત હિતોની વધારે પડી હોય છે. તે વિજ્ઞાનનાં વલણથી વિરુદ્ધના વલણને ઉત્તેજન આપીને સંકુચિતતા,  અસહિષ્ણુતા, અંધશ્રદ્ધા,  વહેમ, લાગણીવેડા અને જડતા પેદા કરે છે.”

ઈશ્વર ન હોત તો કોઈને કોઈ પ્રકારે આપણે તેને શોધવો પડત, એવા વોલ્ટેરનાં વિધાન સાથે સંમત થવાનાં કારણ તરીકે નેહરુ કહે છે, “માણસનું ચિત્ત આવી કોઈ માનસિક મૂર્તિ અથવા ખ્યાલ નિર્માણ કરવાને સદા મથતું આવ્યું છે. પરંતુ ઈશ્વર હોય તો પણ તેની સામે મીટ માંડીને બેસી રહેવું અથવા તેના પર સદાકાળ આધાર રાખવો ઈચ્છનીય નથી કારણ કે અનુભવો એવા છે કે પારલૌકિક વસ્તુઓ પર વધારે પડતું અવલંબન રાખવાથી માણસ સ્વાશ્રયની વૃત્તિ ખોઈ બેસે છે અને તેની કાર્યદક્ષતા તેમજ સર્જનશક્તિ મંદ પડી જાય છે.”

“આમ છતાં ભૌતિક જગતથી પર એવા કોઈ ચેતન તત્વ વિષેની શ્રદ્ધા, નૈતિક, આધ્યાત્મિક જેવી આદર્શવાદી કલ્પનાઓ વગેરે આપણા જીવનનો આધાર હોય એમ લાગે છે. આને કારણે જ બુદ્ધિપૂર્વક વિચારતા મિથ્યા લાગે તેવા કોઇ વ્યક્તિગત, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય આદર્શોની મનુષ્યો આરાધના કરે છે અને તેની અગોચર વેદી પર આહુતિ આપે છે. આપણાં અંતરમાં રહેલું આવું કોઈ તત્વ આપણને આગળ ને આગળ ધકેલે છે.  અનંતકાળ અને અનેક પેઢીઓથી આપણે એ મજલ કાપતા આવ્યા છીએ.”     

“જ્ઞાન  આગળ વધતું જાય છે તેમ તેમ સંકુચિત અર્થમાં ધર્મનું ક્ષેત્ર સંકોચાતું જાય છે. જીવન વિશેની આપણી સમજ વધતી જાય છે તેમ તેમ દૈવી કારણો ખોળવાની જરુર ઘટતી જાય છે. ખોરાક, પહેરવેશ જેવી આપણી રહેણીકરણી તથા સામાજિક સબંધો પર જેમની આણ પ્રવર્તતી હતી એવા ધર્મ તેમજ ધર્મગુરુઓનાં નિયમનમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. પરંતું ધાર્મિક માન્યતાઓનાં પડખામાં રહેતા વહેમોની પ્રબળ હજુ પણ ટકી રહી છે.”

“અંતિમ રહસ્ય હજી પણ ચિત્તની પહોંચની બહાર ભલે રહ્યું હોય પણ આપણને તાત્કાલિક સ્પર્શતી અને જેના ભેદો ઉકેલી શકાય એવી ફિલસૂફીને લગતી અનેક બાબતો વૈજ્ઞાનિક માનસ વડે આપણે ઉકેલી શકીએ તેમ છીએ”.

“આમ ફિલસૂફી સાથે વૈજ્ઞાનિક માનસ તેમજ તેનાં વલણનો સુયોગ સાધીને આપણે જીવન જીવવામાં સફળ થઈએ તો  એવું અખંડ દર્શન ખીલવી શકીએ  જે પોતાના વિશાળ પટમાં વર્તમાન અને ભૂતકાળને તેમની બધી જ ઉંચાઇઓ તથા ઉંડાણોને આવરી લઈને ભવિષ્યની તરફ પ્રસન્નતાથી અને ધીરગંભીર દૃષ્ટિથી નજર કરતું હોય.”

“આપણી આસપાસ ચોમેર પથરાયેલાં સૌંદર્યની પડખે દુ:ખ, હાડમારી  તથા યાતનાઓ હંમેશ રહે છે. માણસનું જીવન જ સુખ અને દુઃખ, આનંદ અને શોકનું વિચિત્ર મિશ્રણ છે અને એનાથી જ માણસ જીવનના પાઠ શીખીને આગળ પ્રગતિ કરી શકે છે. આત્માનું કષ્ટ અને વેદનાઓ કરૂણ હોય છે. બહારના બનાવોની ભલે આપણા પર પ્રબળ અસર થતી હોય,  પણ આપણાં ચિત્તને લગતા સૌથી ભારે આઘાતો તો આપણાં અંતરના ભયો તેમજ અંતરના સંઘર્ષોથી જ ઉદ્ભવે છે. માટે બાહ્ય ભૂમિકા પર પ્રગતિ કરવાની સાથે આપણે અંતરમાં તેમજ આપણી આજુબાજુની પરિસ્થિતિ વચ્ચે પણ શાંતિ સ્થાપવી જોઈએ. એ શાંતિ માણસની દેહની ભૂખ સંતોષવાની સાથે અન્ય પ્રાણીઓથી તેને નિરાળો પાડનારી તેની આંતરિક પ્રેરણાઓ,  આકાંક્ષાઓ તેમજ સાહસની ભાવનાની ભૂખ પણ સંતોષે છે.”

“પશ્ચિમી જગત પોતાની વિજ્ઞાનની પ્રગતિના ગમે તેટલા યશોગાન ગાય છતાં ત્યાના લોકોએ હજી પણ વૈજ્ઞાનિક દૃષ્ટિ કેળવી નથી. તેમણે શરીર અને આત્માનો  સુમેળ હજુ પેદા કરવાનો છે. ભારતે પણ આ દિશામાં લાંબો પંથ કાપવાનો હોવા છતાં તેના માર્ગમાં અડચણો ઓછી છે. કારણ કે તેના પાયામાં યયુગયુગાંતરથી સત્ય માટેની નિર્ભય ખોજ, માનવમાત્રની એક્તા, જીવમાત્રની દિવ્યતા તથા ઉત્તરોત્તર વધારે ને વધારે સ્વતંત્ર તથા માનવવિકાસની વધુ ને વધુ ઉચ્ચ ભૂમિકા તરફ લઈ જનારી વ્યક્તિ તેમજ સમષ્ટિની એકબીજાના સહારે રહી પ્રગતિ કરવાની જીવનપદ્ધતિ રહેલા છે.”

(* ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ની મૂળ સમજણ આવી હોવી જોઈએ તેવો વિચાર અહીં ફલિત થાય છે. )


(આખો લેખ જવાહરલાલ નેહરુનાં પુસ્તક  Discovery of Indiaના શ્રી મણિભાઈ દેસાઈએ કરંલા અનુવાદ “મારું હિંદનું દર્શન’નાં -ધર્મ ફિલસૂફી અને વિજ્ઞાન-નામનાં પ્રકરણમાંથી લીધો છે. જરૂર લાગી ત્યાં શક્ય તેટલી સરળ ભાષામાં લખવા પ્રયાસ કર્યો છે, છતાં કેટલીક જગ્યાએ નમૂના દાખલ નેહરુની કાવ્યમય ભાષા જેમની તેમ રાખી છે )


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

3 thoughts on “સમાજ દર્શનનો વિવેક :: ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાન: નેહરુની દૃષ્ટિએ

  1. છેલ્લો પેરોગ્રાફ ખુબ જ સરસ છે.નેહરુનુ ચિંતન સર્વ ગ્રાહી છે. આટલા સરસ લેખ માટે આપને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.