ચેલેન્‍જ.edu : કર્તવ્યપરાયણતાની કટોકટી

રણછોડ શાહ

તું હવે સંજોગ સામે યુદ્ધ કર,
યુદ્ધ જો તું ના કરે તો બુદ્ધ બન.
એ ભલે કંટક તને આપે છતાં,
તું સદા ખુશ્બૂ ભરેલા પુષ્પ ધર.

જાગ્રત વ્યાસ ‘મધુકર’

આજથી વર્ષો અગાઉ જૂનું એટલં સોનું’ (Old is Gold) ની ભાવના હતી. પહેલાંના સમયમાં તમામ પ્રકારના કૌટુંબિક અને સામાજિક સંબંધોમાં પારિવારીક હૂંક અને ઐકય રહેતું અને તેમાં સૌ ગૌરવ અનુભવતા. સગપણ સિવાય પણ બે કુટુંબો

વચ્ચે બે-ત્રણ પેઢી સુધી વફાદારીના પાયા ઉપર સંબંધો ખૂબ લાંબા સમય સુધી ટકી રહેતા અને અન્યોને તે કહેવામાં ગૌરવ અનુભવતા. એક જ ગામમાં વસવાટ થતો હોવાથી આ સહેલાઈથી શકય બનતું. પરંતુ આજના ‘ફાસ્ટ ફડ’ (Fast food) ના જમાનામાં એક કુટુંબમાં રહેતા સભ્યો વચ્ચે પણ વફાદારી કેટલી છે તે કહેવું કઠીન છે.

આજથી થોડા વર્ષો પહેલાં સામાન્ય રીતે વ્યકિત એક સંસ્થામાં વ્યવસાય અર્થે જોડાય તો તે નિવૃત્ત થાય ત્યાં સુધી ત્યાં જ કાર્યરત રહેતો. વ્યાવસાયિક કામગીરી અંગે જોડાયેલ બે વ્યકિતઓ ધીમે ધીમે ખૂબ નજીક આવતા અને તે જોડાણ કૌટુંબિક સંબંધોમાં પરિવર્તિત થઈ જતું. માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ માત્ર શેઠ-નોકર વચ્ચેનો ન રહેતાં બે કુટુંબો ખૂબ નજીકતા અનુભવી એક જ કુટુંબના સભ્યો હોય તે રીતે સંબંધ સાચવતા. નોકરી આપનાર કોઈ ઉપકાર કરે છે તેવી ભાવના નહોતી રાખતા અને તેથી નોકરી કરનાર પણ વ્યવસાયમાં માત્ર ચોક્કસ કલાક નોકરી કરવાની છે તેવી ભાવનાથી કામ કરતા નહીં. કેટલીક સંસ્થાઓમાં તો એક કરતાં વધારે પેઢી એ જ સંસ્થામાં કાર્ય કરતી. વ્વવસાય આપનાર પણ તે કહેવામાં ગૌરવ અનુભવતા કે તેમના પિતાશ્રી પણ અમારી સાથે જ હતા.

આજે શહેરીકરણના ફૂંકાયેલ વાવાઝોડાને કારણે આ દૃશ્ય લગભગ અદૃશ્ય થઈ ગયું છે. એક તરફ સામાજિક મૂલ્યો અને સંબંધનું ખૂબ ધોવાણ થઈ રહ્યું છે. ભોતિકવાદનો ભરડો સૌને ભરખી ગયો છે. યેનકેન પ્રકારેણ ધનવાન થવામાં અહમ્‌ પોષાય છે. ખૂબ ઝડપથી અને કોઈ પણ ભોગે તાત્કાલિક ધનાઢય થઈ જવાનો પવન ફેલાઈ ચૂકયો છે. ખાસ તો સમાજમાં સંપત્તિધારકો જ સફળ થયા છે તેવી ગેરસમજ ફેલાઈ ગઈ છે. સફળ થવું કે સાર્થક થવું તે વચ્ચેનો ભેદ ભૂંસાઈ અને ભૂલાઈ ગયો છે.

વર્તમાન પરિસ્થિતિમાં કર્મચારી જે સંસ્થામાં નોકરી અંગે જોડાય તેના બીજા જ દિવસથી વધુ સારી તક માટે ફાંકા મારવાની શરૂઆત કરી દે છે. સંસ્થાની કામગીરી સંપૂર્ણપણે શીખી લેવાને બદલે બીજી વધુ સારા વળતરવાળી નોકરીની શોધમાં લાગી પડે છે. અડધુંપડધું શીખ્યો ન શીખ્યો અને બીજે કૂદકો મારવા ‘વાડ’ ઉપર જઈને બેસી જાય છે. સંસ્થાના અન્ય સારા કર્મચારીઓની સોબત કરવાને બદલે સંસ્થાની ટીકા કરતા મિત્રોની ટીમમાં જોડાઈ જઈ તે પણ સંસ્થામાં શું શું અયોગ્ય છે તેની શોધમાં લાગી

પડે છે. કોઈ પણ સંસ્થામાં બે પ્રકારની વ્યકિતઓ તો હોવાની જ – ‘વફાદાર અને બીનવફાદાર.  કોની સંગત કરવી તે તો વ્યકિતએ પોતે નક્કી કરવાનું છે.

નવા જોડાનાર આગંતૂકે નક્કી કરવાનું હોય છે કે મારે કેવી ટીમના સભ્ય બનવું છે. શીખવાની વૃત્તિવાળી ટીમના? કે બહાના બનાવી કામ ન કરનારી ટીમના ? વ્યકિત ખૂબ કાચી ઉંમરે વ્યવસાયમાં જોડાય છે. તેની પાસે આગળનો જાતઅનુભવ હોતો નથી. આ સંજોગોમાં તે કોનું સાંભળે છે, કોના જેવું કરે છે અને શા માટે કરે છે, તેની સ્પષ્ટ સમજ ન હોય તો તે જરૂ૨ ગેરમાર્ગે દોરાય જ. તેને સતત લાગે છે કે તેનો માલિક તેનું શોષણ જ કરે છે. માલિક વધારે કામ આપી અને ઓછું વળતર આપે છે. તેની

આ ગ્રંથી તેના મનમાં એકવાર સ્થાયી થઈ જાય તો પછી સતત સંસ્થા અને તેના સંચાલકોની ટીકા કરવામાં જોડાઈ જાય છે. તેને ‘પાણીમાં પોરા’ દેખાવા માંડે છે. ઉપરી અધિકારી તરફ શંકાની નજરે જોવાનું શરૂ કરી દે છે. કયારેક સાહેબ સારું અને નવું કામ તેને એટલા માટે ચીંધે છે કે તે નવું નવું કામ શીખી આગળ વધે, નવું નવું જાણી જીવનમાં પ્રગતિ કરે જેથી તેના આર્થિક વળતરમાં વધારો કરાવવાનું ઉપરી અધિકારી માટે સુગમ બને. પરંતુ મનમાં રોપાયેલ નકારાત્મક વિચારો તેને નવું કામ કરતાં રોકે છે. તે એવું માને છે કે મને આ રીતે પટાવી-ફોસલાવી વધારે કામ કરાવવા માંગે છે. ખરેખર તો વ્યકિત પોતાને સોંપાયેલ કાર્ય કરતાં

વધારે કામ કરે તો તેને બે ફાયદા થાય છે :

(૧) ઉપરી અધિકારીની આંખમાં વસી જાય છે. જેથી તેમનો પ્રેમ અને લાગણી સંપાદન કરી શકે છે. જે તેને પ્રગતિ કરવામાં ખૂબ મદદગાર બને છે.

(૨) એક નવું કાર્ય શીખી લીધું હોવાથી નવા અનુભવો બીજે કાર્યક્ષેત્રમાં પણ કામ લાગે. વળી તે અન્ય સાથી કર્મચારીઓ કરતાં વધારે ફાળો આપી શકે છે જે તેને અંતે આર્થિક વળતરરૂપે ફાયદાકારક બને છે અથવા અન્ય જગ્યાએ જાય ત્યારે પોતાનું કામ તો જાણે જ છે, પરંતુ વધારાનું પણ કાંઈક જાણતો હોવાથી અન્યો કરતાં આગળ રહેવાનું તેને માટે અત્યંત સરળ અને સુલભ બને છે.

માણસ છીએ તો કામો પણ ત્રણ-ચાર કરીએ,
મીરાંને તડીપાર તો મહેતાને નાતબાર કરીએ,
આપણે કાં ભગવાન છીએ, એ જ અઘરું,
ઇશુ મળે તો ફાંસી, ગાંધીને તો ઠાર કરીએ.

કવિ ભાસ્કર ભટ્ટ

ભારત એક પ્રગતિશીલ દેશ છે. વિવિધ ક્ષેત્રોમાં નોકરીની ખૂબ મોટી તકો ઉપલબ્ધ છે. સૌને સારા માણસોની ખૂબ મોટી સંખ્યામાં જરૂર છે. તમામ ક્ષેત્રે આજે વિસ્તૃતિકરણ (Expansion) થઈ રહ્યું છે. પ્રત્યેક સંસ્થા પોતાના વ્યવસાયને વધારે ને વધારે આગળ ધપાવવા માટે તનતોડ મહેનત કરે છે. તે સંજોગોમાં સૌ કાર્ય પ્રત્યે નિસબત ધરાવતા કુશળ અને વફાદાર લોકોની શોધમાં હોય તે સ્વાભાવિક છે. અન્ય સંસ્થામાં જોડાઈ પ્રગતિની પગદંડી ઉપર આગળ વધવામાં સહેજ પણ અયોગ્ય નથી. પ્રત્યેક વ્યકિત

જીવનમાં પ્રગતિ કરે તે માત્ર જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે.

પરંતુ જે સંસ્થામાં જે ફરજ બજાવતા હોય ત્યાં વફાદારીનો ગુણ હંમેશા જાળવી રાખવો અત્યંત જરૂરી છે. આપણી સાથે કાર્ય કરનારાઓ પણ આપણને ખૂબ બારીકાઈથી જોતા હોય છે. અન્ય સ્થળના કર્મચારીઓ આગળ તેઓ આપણા વિશે વાતો કરતા જ હોય છે. સૌને ખબર છે કે જે વ્યકિત એક સંસ્થા કે વ્યકિતને વફાદાર નથી તે અન્ય જગ્યાએ પણ વફાદાર રહેશે નહીં. વ્યકિત ઉપર લાગેલ ‘બીનવફાદારી’નું લેબલ લાંબા ગાળે જે તે વ્યકિતને ખૂબ નકસાનકારક પૂરવાર થાય છે. સૌની તેના તરફ

જોવાની દૃષ્ટિમાં પણ બદલાવ આવી જાય છે. જે વ્યક્તિ એક જગ્યાએ ટકી શકે નહીં તે બીજા સ્થળે કેવી રીતે ઠરીઠામ થઈને બેસશે ? એમ સૌ કોઈ વિચારે છે.

આવી બીનવફાદાર વ્યકિતને વ્યકિતગત જીવનમાં પણ ખૂબ સહન કરવું પડે છે. ખાસ કરીને તેમના સંતાનોના વ્યાવસાયિક અને સામાજિક પ્રસંગોએ લોકો તેમનાથી દૂર રહેવનું પસંદ કરે છે. સોને એમ લાગે છે કે તેમની સાથેના સંબંધમાં છેતરાવું પડશે. આ પરિસ્થિતિ ખૂબ ભયાનક સ્વરૂપ પકડી લે છે. પરંતુ ત્યાં સુધીમાં તો સમય ખૂબ વીતી ગયો હોય છે. ઢોળાયેલ દૂધ ઉપર આંસુ સારવાથી કાંઈ બનતું નથી. એક વાર અપ્રામાણિક, બિનવફાદાર અને અવિશ્વાસુની છાપ લાગી જાય પછી જીવતર ધૂળ બની જાય છે. આ બધું વૃદ્ધાવસ્થામાં સમજાય ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

યુવાનવયે આંબો રોપ્યો હશે તો ઘડપણમાં કેરી મળશે, પરંત બાવળ રોપ્યા હશે તો કાંટા વાગશે. યુવાનીમાં જે કાર્યો કરીશું તે જ આપણી મૂડી બનશે. તેથી જ તો કહેવાય છે કે ‘સવારે વહેલો ઊઠી જે ચાલવાની શરૂઆત કરે છે તેને બપોરનો તડકો વેઠવો પડતો નથી.’ યુવાન વયે જે સદ્‍ગુણોનું પાલન કરવાનું છે તે કરવામાં આર્થિક લાભ જતો કરવો પડે તો તે કરવા જેવો છે. જિંદગીમાં આગળ વધતાં આર્થિક સદ્ધરતાં કરતાં સંબંધોની મૂડી ખૂબ ઉપયોગી બને છે. સંબંધો સચવાયેલ હશે તો જ જીવન મધુરું

બનશે.

આચમન:

માણસોનાં મન સુધી પહોંચી જવું સહેલું નથી,
એક બારી, બારણું પણ ખોલવું સહેલું નથી,
પ્રયત્ન કરશો તો ખબર પડશે, કસોટી થઇ જશે,
જિંદગીમાં નિત્ય સાચું બોલવું સહેલું નથી!

સુરેશ કોટક (આશિત)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.