નિસબત – રાજ્યપાલ : બંધારણીય વડા કે વફાદાર સુબેદાર ?

ચંદુ મહેરિયા

થોડા દિવસો પહેલાં  પુડુચેરીના કોંગ્રેસી મુખ્યમંત્રી વી.નારણસામીએ રાજ્યના ઉપરાજ્યપાલ કિરણ બેદીને હઠાવવાની માંગ સાથે ચાર દિવસનું ધરણાં-આંદોલન કર્યું હતું. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઉપરાજ્યપાલ વિરુધ્ધ ધરણાં કર્યા હતા. મોટાભાગના વિપક્ષશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે સતત ટકરામણો ચાલે છે. જ્યાં તુરતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેના વિવાદો હવે રોજના છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. પરંતુ તેને બદલે તેઓ કેન્દ્રના હિતોના ખેતરપાળ તરીકે વર્તે છે. રાજભવનો જાણે કે વિપક્ષી રાજ્ય સરકારો સામેના જંગનું મેદાન બની ગયાં છે. આ બંધારણીય પદ સૌથી વધુ વગોવાઈ રહ્યું છે. તેને કારણે રાજ્યપાલના પદની પ્રસ્તુતતા પર સવાલો ઉઠી રહ્યા છે અને તેની નાબૂદીની પણ માંગ થઈ રહી છે.

રાજ્યપાલના પદ સામે સવાલો કંઈ હાલમાં જ ઉઠ્યા નથી અને તેના રાજકીય ઉપયોગની ફરિયાદ પણ કંઈ તાજેતરની નથી. બંધારણના ઘડવૈયાઓની ગવર્નરના પદની  કલ્પના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સેતુની હતી.પરંતુ આઝાદી પછી તુરત જ રાજ્યપાલના પદનું રાજનીતિકરણ થયું હતું. આ પદ માટે ૩૫ વરસની ઉંમર અને ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે જરૂરી હોય તે બધી લાયકાત નિર્ધારિત કરી છે. દેશના રાષ્ટ્રપતિ, સંઘ સરકારની એટલે કે વડાપ્રધાનની, પસંદગીથી તેમની નિમણૂક કરે છે. જોકે તેમની નિમણૂકની એક અલિખિત શરત રાજ્યની વિપક્ષી સરકારને અસ્થિર અને હેરાન કરવાની ગણાય છે.મોટાભાગના રાજ્યપાલો નિવ્રુત રાજકારણીઓ અને સરકારના પ્રિતીપાત્ર નિવ્રુત સનદી, પોલીસ અને લશ્કરી અધિકારીઓ હોય છે. રાજ્યપાલનું આ  બંધારણીય પદ ભારે ખર્ચાળ અને ધોળા હાથી જેવું છે રાષ્ટ્રપતિ(રૂ.પાંચ લાખ), ઉપરાષ્ટ્રપતિ(રૂ.ચાર લાખ) પછીના ક્રમે તેમને સાડાત્રણ લાખ રૂપિયા માસિક પગાર મળે છે. રાજભવનો નિવ્રુત રાજકારણીઓ માટેના સરકારી ખર્ચે બનાવેલા આરામગ્રુહો ગણાય છે. ભારતમાં આજે કેન્દ્રના સત્તાપક્ષના બે પૂર્વ મુખ્યમંત્રીઓ સહિતના ઘરડાઠચ્ચ રાજકારણીઓ રાજ્યપાલના પદે વિરાજમાન છે. વર્તમાન રાજ્યપાલોમાં સાત મહિલાઓ અને અને બે મુસ્લિમો છે. મધ્યપ્રદેશ અને ગોવાના રાજ્યપાલોના પદ ખાલી છે. રાજ્યપાલના પદની મુદત પાંચ વરસની હોય છે. પરંતુ હાલના ગવર્નરોમાં કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા સૌથી વધુ, સાડા છએક વરસોથી, આ પદે છે.અગાઉ ઈસીએલ નરસિંહન સળંગ ૧૨ વરસ છત્તીસગઢ, આંધ્ર અને તેલંગાણાના રાજ્યપાલ રહ્યા હતા.

રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે ચાલતો હોય છે. પરંતુ ચૂંટાયેલી  રાજ્યસરકાર જ સર્વસત્તાધીશ હોય છે. જો સરકારી કામકાજમાં કંઈક ખોટું થતું હોય તો તે સરકારનું ધ્યાન દોરવાની, નિર્દેશ આપવાની કે સૂચન કરવાની સત્તા ધરાવે છે પણ વિપક્ષી રાજ્ય સરકારોના ગવર્નરો જે રીતે જાહેર માધ્યમો દ્વારા મુખ્યમંત્રી અને સરકાર વિરુધ્ધ નિવેદનો કરે છે તે પદની ગરિમા અને બંધારણીય મર્યાદાને નેવે મૂકીને વિપક્ષી નેતાની ભૂમિકા અદા કરતા હોય તેવું લાગે છે. સમયાંતરે રાજ્યપાલ કેન્દ્રને રાજ્યની કામગીરીનો અહેવાલ મોકલતા હોય છે પરંતુ રાજ્ય સરકારને બરખાસ્ત કરવાની તેમની ધમકીઓ તો જનાદેશના અપમાન બરાબર છે. બંધારણના અનુચ્છેદ ૩૫૬ મુજબ કેન્દ્ર સરકાર રાજ્યપાલના અહેવાલના અધારે રાજ્ય સરકારને બરખાસ્ત કરી કેન્દ્રનું એટલે કે રાષ્ટ્રપતિનું શાસન દાખલ કરી શકે છે. આ જોગવાઈનો અણગમતી રાજ્ય સરકારો વિરુધ્ધ કેન્દ્રની બધી જ સત્તાધારી પાર્ટીઓએ મનફાવતો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધીમાં દેશમાં આશરે સોએક વખત કેન્દ્ર દ્વારા રાજ્યસરકારોને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. તેમાંથી અડધોઅડધ રાષ્ટ્રપતિ શાસન તો ઈંદિરા ગાંધીના પંદર વરસના શાસન દરમિયાન લગાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર વિરુધ્ધની રાજ્યપાલોની જાહેર ટિપ્પણીઓ પણ તેમના પદની ગરિમાને હાનિ કરે તેવી હોય છે. ઉત્તરાખંડના બીજેપીના પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કોરોનાને કારણે રાજ્યમાં મંદિરો બંધ હતા તે ખૂલવાની વિપક્ષી ભાજપાની માંગણીનો પડઘો પાડતા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “રાજ્યમાં બાર અને રેસ્ટોરન્ટ ખૂલી ગયાં છે પરંતુ મંદિરો ખૂલ્યાં નથી. ક્યારેક હિંદુત્વનું કટ્ટર સમર્થન કરનારા તમે  શું અચાનક સેક્યુલર થઈ ગયા છો ?” કેન્દ્રીય ગ્રુહ મંત્રીએ પણ રાજ્યપાલના આ નિવેદન સંદર્ભે, “તેઓ વધુ સારા શબ્દો વાપરી શક્યા હોત”,  એમ કહેવું પડ્યું હતું. ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલ રહેલા પશ્ચિમ બંગાળ બીજેપીના નેતા તથાગત રાયે ગવર્નરના બંધારણીય હોદ્દે રહીને ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી. તેમણે પુલવામા હુમલા પછી કશ્મીરીઓના માલસામાનના બહિષ્કારની અને હિંદુ –મુસ્લિમ સમસ્યાનો ઉકેલ ગ્રુહયુધ્ધ જ હોવા જેવા વિચારો પણ જાહેરમાં વ્યક્ત કર્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકડ મુખ્યમંત્રી મમતા બેનરજીની  અને રાજ્યસરકારની વિવેકહીન ટીકાઓ કરતા રહે છે. હમણાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ટીકા કરતા રાજ્યમાં અલકાયદાના પ્રવેશનો અને રાજ્યમાં બોંબની ફેકટરીઓ ધમધમતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણી પછી જો કોઈ એક પક્ષને કે ગવર્નરના કુળના પક્ષને બહુમતી  ન મળે કે ગઠબંધન સરકારો રચાય ત્યારે ગવર્નરો પક્ષીય રાજનેતાની જેમ વર્તે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બીજેપીને બહુમતી મળી ન હોવા છતાં સંબંધિત રાજ્યોના રાજ્યપાલોએ મુખ્યમંત્રી તરીકે બીજેપીના નેતાઓની સોગંધવિધિ કરાવી હતી.વગર બહુમતીએ બિહારમાં નીતિશ કુમારને પ્રથમ વખત સાત દિવસ માટે અને ઉત્તરપ્રદેશમાં જગદમ્બિકા પાલને એક દિવસ માટે મુખ્યમંત્રીનું પદ રાજ્યપાલની ક્રુપાથી મળ્યું હતું.  દેશની વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતોએ અનેકવાર તેમના ચુકાદામાં બહુમતીનું પરીક્ષણ વિધાનસભામાં કરવા અંગેના ચુકાદા આપ્યા છતાં રાજ્યપાલો જનાદેશને હડસેલીને પોતાના પક્ષના નેતાઓની ઉતાવળે મુખ્યમંત્રીઓ તરીકે સોગંદવિધિ કરાવી દે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસી સરકારોને અસ્થિર કરવામાં અને બીજેપીને બહુમતીનો માર્ગ કરી આપવામાં રાજ્યપાલોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી.પોતાના પક્ષની રાજ્ય સરકારોના વટહુકમોની આકસ્મિકતા અને તાત્કાલિકતા ચકાસ્યા વિના મંજૂરી આપે છે અને વિપક્ષી સરકારોના મહત્વના વિધેયકોને મંજૂર કરવામાં વિલંબ કરે છે.

૧૯૬૬ની મોરારજી દેસાઈ વહીવટી સુધારણા સમિતિએ અને ૧૯૮૮ના સરકારિયા કમિશનના અહેવાલમાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિને રાજ્યપાલ ન બનાવવા કે છેલ્લા પાંચ વરસોમાં રાજકીય રીતે સક્રિય ન હોય તેવી વ્યક્તિને જ રાજ્યપાલ બનાવવા ભલામણ કરી હતી. રાજ્યપાલના બંધારણીય પદ પર નિષ્પક્ષ અને ન્યાયી વ્યક્તિની નિમણૂક થાય તેવી સંવિધાન નિર્માતાઓની ઈચ્છા ફળીભૂત થઈ નથી.રાજ્યપાલના પદના રાજકીયકરણનો નિમ્નતમ દાખલો ૨૦૧૪માં દેશની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશના પદેથી નિવ્રુત થયેલા પી. સદાશિવમની ચાર જ મહિનામાં હાલની કેન્દ્ર સરકારે કેરળના રાજ્યપાલ તરીકે કરેલી નિમણૂકનો છે.  આ નિમણૂક સ્વતંત્ર ન્યાયપાલિકા અને નિષ્પક્ષ રાજ્યપાલ બેઉની કલ્પનાનો છેદ ઉડાડનારી ઘટના હતી. રાજ્યપાલના બંધારણીય પદે વિરાજ્યા બાદ સુશીલકુમાર શિંદે, શિલા દીક્ષિત, અર્જુન સિંઘ અને મદનલાલ ખુરાના સક્રિય રાજકારણમાં પરત ફર્યા હતા.તેનાથી પણ આ પદની તટસ્થતા, નિષ્પક્ષતા અને બિનપક્ષીયતા રહી નહોતી. 

બંધારણના અનુચ્છેદ ૧૭૪ મુજબ પ્રધાનમંડળની ભલામણથી વિધાનસભાનું સત્ર બોલાવવા રાજ્યપાલ બંધાપેલા હોવા છતાં ત્રણ ક્રુષિ કાનૂનોની વિરુધ્ધમાં વિધાનસભાના વિશેષ સત્રોની માંગ અનેક વિપક્ષી રાજ્ય સરકારોના રાજ્યોના ગવર્નરોએ ઠુકરાવી હતી. ઝારખંડના મહિલા આદિવાસી ગવર્નરે આદિવાસીઓ માટે અલગ ધર્મકોડના પ્રસ્તાવ માટે વિધાનસભાના સત્રની માંગ સ્વીકારી નહોતી. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને વિધાનસભામાં રાજ્યસરકારે તૈયાર કરેલ ગવર્નરનું ભાષણ વાંચવાનો ઈન્કાર કર્યો હતો.રાજસ્થાનના રાજ્યપાલના પદે હોવા છતાં કલ્યાણ સિંઘે લોકસભા ચૂંટણીના ઉમેદવાર પુત્રનો પ્રચાર કર્યો હતો. તમિલનાડુના રાજ્યપાલ બે વરસથી રાજીવ ગાંધીના હત્યા કેસના દોષિત એ.જી.પેરારીવલનની દયા અરજી પર નિર્ણય લેતા નથી.  એનડીએના ઘટક પક્ષના ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે  રાજ્યની બીજેપી સરકારની મહામારી મુદ્દે જાહેરમાં ટીકા કર્યા પછી કેન્દ્રે તેમની બદલી મેઘાલયમાં કરી  છે.

આ બધી બાબતો એવો પણ નિર્દેશ કરે છે કે કેન્દ્રના વરદ હસ્ત અને સંરક્ષણને કારણે ગવર્નરો બંધારણબાહ્ય અમર્યાદિત આચરણ કરે છે. કેન્દ્ર થકી  નિયુક્ત રાજ્યપાલો જો જનાદેશને ભૂલાવી દેવાના પગલાં ભરશે, પક્ષીય નિષ્ઠા અને રાજકીય લાલસા સાથે કેન્દ્રના ખંડિયા રાજાની જેમ વર્તશે તો રાજ્યોની અને મતદારોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા ખતમ થઈ જશે.સર્વોચ્ચ અદાલતે એપ્રિલ ૨૦૨૦ના તેના ચુકાદામાં રાજ્યપાલોના અધિકારો ન્યાયિક સમીક્ષાને પાત્ર હોવાનું જણાવીને તેઓ રાજકીય વિચારધારા કે  રાજકીય દ્રષ્ટિકોણ વિના બંધારણીય રાજપુરુષની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા રાખી છે. એ સંજોગોમાં રાજ્યપાલના પદને શતમુખી વિનિપાતથી બચાવી લેવાની જરૂર છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.