વૈશાલી રાડિયા
અમદાવાદના સેટેલાઇટ એરિયાના સ્પ્રિંગરોલ અપાર્ટમેન્ટની સ્પ્રિંગ જેમ ફરતી આધુનિક ગ્લાસવાળી લિફ્ટ ગ્રાઉન્ડફ્લોર પર અટકી એટલે લિફ્ટમેને લિફટનું ડોર ખોલી થોડીક રાહ જોઈ પણ અર્ણવનું ધ્યાન એ તરફ હતું જ નહીં! ઉપરથી કોઈ લિફ્ટ બોલાવી રહ્યું હતું એટલે લિફ્ટમેને અવાજ દીધો, “અર્ણવસા’બ ચાલો.” એ અવાજથી અર્ણવ ચમક્યો અને લિફ્ટમાં પ્રવેશ્યો. રોજ લિફ્ટમેન સાથે હસીને ‘કેમ છો આલુચાચા?’ કહીને બોલાવતા અર્ણવને આજે ખોવાયેલો જોઇને લિફ્ટમેન અબ્દુલ પણ વિચારમાં પડ્યો કે, ‘આજે અર્ણવસા’બને શું થયું છે?’
ફ્લેટમાં પહોંચતાં જ અર્ણવે સોફામાં પોતાની જાતને પડતી મૂકી અને માથું બેકરેસ્ટ પર અઢેલી પગ સામે પડેલી ટીપોઈ પર લંબાવ્યા. ત્યાં જ મધુર ટહુકા જેમ બોલતી એની દીકરી વાચા આવી અને દોડીને સોફા પર ચડી પપ્પાના ખોળામાં પડતું મૂકી ગળામાં એના નાજુક, નાના-નાના હાથ વીંટાળી ગાલે બકી ભરી હસતી-હસતી ગાવા લાગી, “તેરી લાડકી મેં….” એનો ખીલ-ખીલ થતો દુધિયા દાંતવાળો મીઠડો ચહેરો જોઈને અર્ણવ થોડીવાર બધું ભૂલીને એની સામે હસી રહ્યો. ત્યાં જ એની પત્ની અસ્મિતા પાણી સાથે ચા-નાસ્તો લઈને હસતી-હસતી આવી અને વાચા કુદકો મારતી ફરી અંદર એની બહેનપણીઓ સાથે રમવા જતી રહી.
અસ્મિતા ભાવનગરના નાના એવા ગામમાં મોટી થયેલી પણ ગામના નામના ગુણ એનામાં ભારોભાર હતા. સાસરે આવી ત્યારથી એને સાસરીમાં ક્યારેય કોઈ સાથે મગજમારી કે બોલાચાલી નહોતી થઇ. અર્ણવના બા-એના સાસુ સાથે પણ અસ્મિતાને બહુ ફાવતું, જાણે મા દીકરી! અને અર્ણવના બાનો સ્વભાવ એમ પણ ખૂબ ઠંડો અને સરળ. અર્ણવના પપ્પા તો એ ચૌદ વરસનો હતો ત્યારે એક રાતે સૂતા અને ઊંઘમાં જ અટેક આવી જતાં એ ક્યારેય ઊઠયા જ નહીં! અર્ણવના બાના સરળ સ્વભાવને લીધે મોટા કુટુંબમાં પણ બધાંનો વહેવાર હંમેશા સચવાયેલો જ રહ્યો. અસ્મિતા પણ એવી જ કે કુટુંબનો સંપ અને વહેવાર સાસુના પગલે એણે જાળવી રાખ્યા સાથે અર્ણવને ગમે એમ જમાના પ્રમાણે તાલ મેળવી એની કંપનીની પાર્ટીસ, ફંકશન્સ કે ગ્રુપ બધે શોભે એવું એનું વ્યક્તિત્વ હતું. ભલે નાના સેન્ટરમાં રહેતી, પણ શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણેલી અસ્મિતા મોર્ડન પણ હતી અને ગામના ભાવથી કુટુંબ ભાવનાથી રહેવાના સંસ્કારનું સાયુજ્ય પણ એનામાં હતું, જે અર્ણવના ઘરને ‘ઘર’ અને અર્ણવને એક પૂર્ણતા બક્ષતું હતું.
અર્ણવના પપ્પા જૂનાગઢમાં એક નાની દુકાન ચલાવતા અને અર્ણવ એક જ સંતાન એટલે ખાધે-પીધે અને શાંતિએ સુખી એવું આ નાનું કુટુંબ કિલ્લોલથી જીવતું. અર્ણવના મમ્મી થોડામાં પણ સુખી રહી ઘર ચલાવતા. અર્ણવના પપ્પાના ગયા પછી પણ એમણે કોઈ ખોટી કાગારોળ કે દુ:ખના રોદણાં રડવાને બદલે ખુમારીથી દુકાન ચલાવી અર્ણવને ભણાવેલો. આજે અર્ણવ એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદા પર હતો. અમદાવાદમાં ફોર બીએચકે ફ્લેટ અને આધુનિકતાથી ભરપૂર તમામ સગવડવાળા ફ્લેટમાં રહી શકે એટલો એનો પગાર અને હૈયું ઠરે એવી પત્ની હતી. આખા અપાર્ટમેન્ટને વહાલી લાગે અને લિફ્ટમેનને આલુચાચા તેમજ કાળો વાન ધરાવતાં સીક્યોરીટી ગાર્ડને ભાલુચાચા કહી પતંગિયાની જેમ ઊડતી રહેતી વાચા જેવી ઢીંગલી હતી. બસ, એકદમ પ્રેમાળ અને વહાલી મમ્મી એક મહિના પહેલાં બધાને છોડીને જતી રહી હતી!
અર્ણવના મમ્મી દેવિકાબહેન ખૂબ સમજદાર અને જમાના સાથે તાલ મિલાવનાર સ્ત્રી હતાં. દેવિકાબહેને જીવનમાં મુશ્કેલીભર્યો અને સારો એમ બંને સમય જોયા હતા અને સમતોલ રહી જીવ્યા હતા. અર્ણવની તરક્કી જોઈને ખુશીથી દીકરાના સ્ટેટસ પ્રમાણે જીવન જીવવામાં પણ આનંદ અનુભવતા. એમાં પણ અસ્મિતા આવી અને દેવિકાબહેન સાથે એમની જોડી એવી જામી કે અર્ણવને ક્યારેય સાસુ-વહુના સંબંધોનો ભાર ઘરમાં જોવા ના મળ્યો! ઘણીવાર એ હસતો કે, ‘મને તો એમ હતું કે લગ્ન થશે એટલે રોજ સાંજે આવીને ઘરમાં અથવા બેડરૂમમાં રોજ રાતે મારે કાનમાં રૂ ભરાવીને એન્ટર થવું પડશે પણ તમે સાસુ-વહુ તો મને એવો મોકો જ નથી આપતા!’ એ સાંભળીને દેવિકાબહેન અને અસ્મિતા આંખોથી જ હસીને જાણે ઘણી વાતો કરી લેતાં! એ બંનેનું ટ્યુનિંગ જ એવું જોરદાર હતું. સખી ક્લબમાં જાય તો પણ સાથે, બ્યુટી પાર્લરમાં જાય તો પણ સાથે, કિટ્ટી પાર્ટી કરે તો પણ બંનેની કોમન ફ્રેન્ડસ જ હોય એમ બંનેના ગ્રુપમાં સાસુ-વહુ સાથે જ જાય! એમના ગ્રુપમાં ઘણાને નવાઈ લાગતી અને ઘણાને થોડી મીઠી ઈર્ષા પણ થતી. દેવિકાબહેન પણ અસ્મિતાના આગ્રહને પ્રેમથી વશ થઇને ક્યારેક પ્લાઝો તો ક્યારેક જિન્સ પહેરી નીકળી પડતા. ક્યારેક આ જોડી પાણીપુરી ખાતી હોય તો ક્યારેક સિનેમેક્સમાં મુવી જોતી હોય! તો ક્યારેક દેવિકાબહેન વાચાને સાચવતા હોય અને અસ્મિતા પોતાની ફ્રેન્ડસ કે અર્ણવ સાથે આનંદ કરતી હોય. ક્યારેક દેવિકાબહેન એમના મૂડ પ્રમાણે નીકળી પડે. કહ્યા વિના જ જાણે એકમેકની જરૂરિયાતોને સમય સમજી જવાતા હતા જે આધુનિક યુગમાં જવલ્લે જ બને અને એ પ્રેમ પણ ભાગ્યે જ જોવા મળે!
અર્ણવને ક્યાંય ફરિયાદ નહોતી. મા-દીકરા વચ્ચે એટલી સમજણ અને પ્રેમ હતો કે અર્ણવ મા સાથે કોઈપણ વાત શેર કરવામાં ક્યારેય અચકાતો નહીં. બસ, એક ખટકો રહેતો દેવિકાબહેને બધું જ બદલ્યું હતું પણ એક સાવ નજીવી વાત અર્ણવને બહુ ખૂંચતી; આટઆટલી સમૃદ્ધિ અને બ્રાન્ડેડ વસ્તુ લઇ શકે એવી પોઝિશન હોવા છતાં દેવિકાબહેન ઘરમાં વરસોથી બાટાના સ્લીપર જ પહેરતા! અર્ણવ રાતે ઘરે કોમ્પ્યુટર પર કામ કરતો હોય અને દેવિકાબહેન ઘરમાં આંટા મારતા હોય ને સ્લીપરનો પટક પટક અવાજ આવે એ અર્ણવને ના ગમે બસ! બહુ ગુસ્સાની તો ઘરમાં કોઈને ટેવ જ નહોતી. એ ઘણીવાર ધીમેથી પણ સહેજ અણગમા સાથે મમ્મીને કહેતો કે, ‘મમ્મી, પ્લીઝ! આ સ્લીપરના અવાજથી મને કામ કરવામાં ડિસ્ટર્બ થાય છે બીજા સોફ્ટ સ્લીપર પહેરને અવાજ વગરના’ અને આ એક જ વાત એવી હતી કે દેવિકાબહેન કાંઈ સામે બોલ્યા વિના બસ એક ગર્ભિત સ્મિતમાં વાત પતી ગયાના ભાવ સાથે પોતાના રૂમમાં જતાં રહેતા; એ જ પટક પટક પગલાં પાડતાં!
અસ્મિતા દેવિકાબહેનનો આ ભાવ કદાચ સમજી ગઈ હતી. એકવાર એણે હળવાશથી દેવિકાબહેનને પુછેલું કે, ‘મમ્મી, પપ્પાજીએ તમને પહેલી ગિફ્ટમાં સ્લીપર આપેલા કે શું?’ ત્યારે દેવિકાબહેન હસી પડેલા ને કહેલું, ‘બેટા, અમારા બંનેના એકવાર સાથે ચપ્પલ તૂટ્યા અને એ મહિને આવક પણ બહુ નહોતી. ત્યારે મેં થોડા પૈસા ભેગા કરેલ એમાંથી હું એમના માટે બાટાના સ્લીપર લાવી કે એમને તો રોજ દુકાને જવાનું; મારે તો ચાલશે થોડો ટાઇમ! એ સાંજે મને થયું હું એને સરપ્રાઇઝ આપીશ. એ આવ્યા ત્યારે એમણે મને એકબાજુ બોલાવીને કહ્યું, ‘દેવી, આ તારા માટે ગિફટ લાવ્યો છું, જરા ખોલ તો.’ મેં પણ એમને સરપ્રાઇઝ આપ્યું કે, ‘ખોલો તો જરા.’ અમે બન્નેએ એકસાથે જોયું અને ખૂબ હસ્યા! બંનેના હાથમાં સેમ ટુ સેમ બાટાના સ્લીપર હતા! પછી તો રોજ અમે બંને જ્યાં જતાં ત્યાં એ જ સ્લીપર પહેરીને જતાં, મેચિંગ-મેચિંગ! એ અમારા પ્રેમની રીત હતી અને એક મીઠી યાદ હતી જે અમે મનમાં જ નક્કી કરેલું કે જિંદગીભર એ યાદ સાચવશું! અવાજ વિનાના સોફ્ટ સ્લીપર પહેરવા તો મને પણ ખૂબ ગમે છે, પણ એમાં તારા પપ્પાના પ્રેમનો અવાજ નથી સંભળાતો એ આ અરુ દીકરાને કેમ સમજાવું?’ સાસુ-વહુ પ્રેમથી હસી પડયાં હતાં અને તાળી દેતાં એકસાથે બોલી પડયાં હતાં….. ‘પટક પટક……હહાહા…’ પણ સ્ત્રીની આવી ભાવનાત્મક વાતોમાં પુરુષોને ઘણીવાર વેવલાપણું લાગતું હોય એમ વિચારી અસ્મિતાએ આવું કઈ અર્ણવ સાથે શેર કરેલું નહીં. આફ્ટર ઓલ આ કાંઈ અર્ણવની મમ્મીનું શેરીંગ થોડું હતું? એક ફ્રેન્ડનું સિક્રેટ હતું, ફિલિંગ્સનું!
દેવિકાબહેન અંતિમ સમયે સ્વસ્થતાથી કોઈ લૌકિક આડમ્બરની ના પાડી શાંતિથી દેહ છોડી ગયાં હતાં. પંદર દિવસથી અસ્મિતા જોતી હતી કે અર્ણવ પહેલાની જેમ લેપટોપ પર કામ નથી કરી શકતો અને પ્રોજેક્ટ પૂરો કરીને સબમિટ કરવામાં હવે છેલ્લા બે દિવસ બાકી હતા. અસ્મિતા પણ ટેન્શનમાં રહેતી કે હું કઈ રીતે હેલ્પ કરું? આજે અર્ણવને વધુ ટેન્શનમાં જોઈને અસ્મિતા ભગવાનના મંદિર પાસે જઈ બે હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના કરતી હતી કે કાંઇક રસ્તો સુઝાડ, આંખ ખોલી ત્યાં મંદિરમાં સામે જ દેવિકાબહેનનો હસતો ફોટો દેખાયો અને અસ્મિતાને થયું કે મમ્મીનો સાથ હોય તો કેવું? એ વિચારમાં ને વિચારમાં જ એ દેવિકાબહેનના રૂમમાં જઈ એમના સ્લીપર પહેરીને બહાર આવી. પટક.. પટક.. અવાજ આવતા જ અર્ણવે લેપટોપમાંથી ઊંચું જોયું કે, મમ્મી….! ત્યાં અસ્મિતાની સાથે નજર મળતાં જ અર્ણવના મોંમાંથી નીકળી ગયું, “અસ્મી, તું ઘરમાં આ જ સ્લીપર પહેરજે. મમ્મીની ફિલ આવે છે!” અચાનક અર્ણવની આંગળીઓ લેપટોપ પર ફાસ્ટ ચાલવા લાગી …ઘણા દિવસે.. અસ્મિતા પાછું ફરીને દેવિકાબહેનના ફોટા સામે ભીની આંખે મલકી પડી!
સુશ્રી વૈશાલી રાડિયાનો સંપર્ક vaishaliradiabhatelia@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે.
સરસ વાર્તા
આભાર રીટાબેન
હૃદયસ્પર્શી વાર્તા .
આભાર
આભાર સમીરભાઈ
Superb
ખૂબ આભાર હિતેશ🙏
સુંદર ભાવવાહી વાર્તા! મઝા આવી ગઈ, વૈશાલીબેન!
ખૂબ આભાર દર્શાદીદી!
ખૂબ ખૂબ સુંદર વાર્તા છે
ખૂબ આભાર જીતુમામા🙏
ખુબ સરસ
ખૂબ આભાર પ્રજ્ઞાબેન! અઆ પ્લેટફોર્મ પર મારી રચના પહોંચાડવાની યાત્રામાં આપ નિમિત્ત છો એ માટે હૃદયપૂર્વક આભાર 🙏
ખુબ જ સરસ ભાવાત્મક વાર્તા, અને આજના જમાનાને સાસુ વહુ ના આવા સબંધોની સમજણ આપવા બદલ આભાર.
ખૂબ આભાર હિરેનભાઈ! 🙏
Superb
ખૂબ આભાર નિશીથ🙏
ખૂબ જ સરસ વાર્તા છે
ખૂબ આભાર બેસ્ટી 😍
Wow
Lagnibhaina sambandhoni khub Sunday varta
ખૂબ આભાર છોટી 😍
લાગણીથી છલકતી સ્ટોરી અને બે પેઢી વચ્ચે નુ સામાજય વાળી વાર્તા ખૂબ ગમી.
ખૂબ આભાર રેખાબેન😊🙏
સરળ શબ્દોમાં ઘણું બધું કહી જતી અને સમજાવી જતી વાર્તા. અભિનંદન વૈશાલીબેન .
ખૂબ આભાર નિરંજનભાઈ😊🙏