સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – ૧ – સુવર્ણની શોધમાં….

નલિન શાહ

(અનુવાદ: પિયૂષ મ. પંડ્યા)

ફિલ્મસંગીત વર્ષોના વહેણમાં અનેકવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે. એ પૈકીનો કયો તબક્કો એનો સુવર્ણયુગ ગણવો એવો સવાલ પૂછાય તો એના તદ્દન વિરોધાભાસી જવાબો મળે.

HMV (જેવી ફિલ્મસંગીતનુ રેકૉર્ડિંગ અને વેચાણ કરતી પેઢી) તો જો કે ખરીદારો આકર્ષાય એવા કોઈ પણ સમયગાળાનાં ફિલ્મી ગીતોને બેઝીઝક ‘સુવર્ણયુગીય’ ઘોષીત કરી દેતી હતી. પણ શોખીનો અંગત ધારાધોરણ મુજબ પોતાની યુવાનીના અને રોમાન્સના અરસાના ફિલ્મી સંગીત સાથે આ શબ્દપ્રયોગ કરવાનું પસંદ કરે. આ હિસાબે ૧૯૮૦ના અરસાનું ઢંગધડા વિનાનું અને ૧૯૯૦ પછીનું સાવ ક્ષુલ્લક ફિલ્મી સંગીત પણ એક દિવસ આ વ્યાખ્યામાં સમાવિષ્ટ થઈ શકે! આખરે તો કોઈ એકનું દુ:સ્વપ્ન અન્ય માટે સોનેરી સવારનું સોણું પણ હોઈ શકે.

ત્રણ તબક્કાઓની પ્રતિનિધિ સંગીતપ્રધાન ફિલ્મો

મારી જેવા (ભારત-પાકિસ્તાનના) ભાગલાના સમયગાળાના ફિલ્મી સંગીત સાથે ઉછરેલાઓ માટે આ ક્ષેત્રે સુવર્ણયુગનો પ્રાદુર્ભાવ લતા (મંગેશકર)ના આગમન સાથે થયો. રાજ કપૂરની ‘બરસાત’નાં ‘જીયા બેકરાર હૈ’ અને ‘બરસાત મેં હમ સે મીલે’ જેવાં ગીતોએ તે સમયના યુવાઓની ભાવનાઓને હચમચાવી મૂકી. અમે ૧૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી, અમારા ગામથી મુંબઈના ઈમ્પીરિયલ સિનેમા સુધી (એ ગીતો માણવા) પહોંચેલા. એ નિર્દોષ ઉમરનો એવો સમય હતો, જ્યારે અમારે માટે રોમાન્સ કરતાં ગીતોના માધુર્યનું મહત્વ વધારે હતું.

(મુંબઈમાં) નવા બંધાયેલા લિબર્ટી સિનેમાગૃહમાં મૂકાયેલી આરામદેહ બેઠકોના ખબર મળ્યે એ માયાનગરીની એક વધુ મુલાકાત લેવાનું જરૂરી બન્યું. મહેબૂબખાનની ફિલ્મ ‘અંદાઝ’ (૧૯૪૯)નું સંગીત એનાં ‘ઉઠાયે જા ઉન કે સીતમ’ અને ‘તોડ દીયા દિલ મેરા’ જેવાં ગીતો થકી ‘બરસાત’નાં ગીતો કરતાં વધારે અસરકારક હતું. જો કે એ અસર અમારી ઉપર થતાં સમય લાગ્યો હતો. પિયાનો વગાડતાં ‘તુ કહે અગર જીવનભર’ અને ‘ઝૂમ ઝૂમ કે નાચો આજ’ ગાતા દિલીપકુમારની રોમેન્ટીક છબીએ અમારા ઉપર અમીટ અસર છોડી.

૧૯૫૦ની ફિલ્મ ‘બાબુલ’નાં હલકભર્યાં અને માધુર્યસભર ગીતોએ (‘પંછી બન મેં પિયા પિયા ગાને લગા’, ‘મીલતે હી આંખેં દિલ હુઆ દીવાના’) અમને ગામડાના ટોળાબંધ છોકરાઓને વરસતા વરસાદમાં બાજુના શહેર તરફ જવા પ્રેર્યા. એક સિનેમાગૃહમાં સાંભળવા મળેલાં એ ગીતોના આનંદ સામે સફરમાં ભોગવેલી અગવડો નગણ્ય લાગી હતી. ગામડામાં એક રેડીઓ ફરતે વીંટળાઈને બેસીને એમાં વાગતું ગીત ‘આયેગા આનેવાલા’ (‘મહલ’, ૧૯૪૯) સાંભળતાં મળેલા આનંદની અનુભૂતિ યાદોમાં હજી પણ તાજી છે. એ જ રીતે જ્યારે મારી મોકલેલી ફરમાઈશનું ગીત ‘બડી ભૂલ હુઈ તુઝે પ્યાર કીયા ( ‘મગરૂર’, ૧૯૫૦) રેડીઓ ઉપર વાગ્યું ત્યારે અનુભવેલો ઉલ્લાસ પણ યાદ છે. સંગીતકાર જોડી હૂશ્નલાલ-ભગતરામનાં નામ જાણવા થકી અમને કોઈ ફરક નહોતો પડતો. અમારે માટે તો ટૂરીંગ ટૉકીઝની બહાર બેસીને કંતાનની બનાવેલી દિવાલની આરપાર નિ:શુલ્ક અને વારંવાર સાંભળવા મળતાં એમનાં બનાવેલાં ‘પ્યાર કી જીત’(૧૯૪૮)નું ‘એક દિલ કે ટૂકડે હજાર હુએ’ કે પછી ‘બડી બહન’(૧૯૪૯)નું  ‘છૂપ છૂપ ખડે હો’ જેવાં ગીતો થકી મળતો ઉલ્લાસ મહત્વનો હતો. ૧૯૪૪ની ફિલ્મ રતન (‘અખીયાં મિલા કે જીયા ભરમા કે’) છેક પાંચ વરસ પછી અમારા ગામમાં પ્રદર્શિત થઈ ત્યારે સ્થાનિકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગયેલી. કામચલાઉ ધોરણે ઉભા કરાયેલા એ ‘ટૉકીઝ’ની અંદર પ્રેક્ષકો હતા એના કરતાં બહાર એ ફિલ્મનાં ગીતો સાંભળવા ઉભડક બેઠેલા શ્રોતાની સંખ્યા વધુ હતી.

અમને લાગતું કે અગાઉનાં ફિલ્મી ગીતો આટલાં મધુરાં નહીં હોતાં હોય. અમને એ વાતની નવાઈ લાગતી કે અમુક મોટેરાઓ એ સમયની સંગીતકળાથી ખફા શાથી રહેતા. એ જમાનામાં ગ્રામોફોન મોભાનું પ્રતિક ગણાતું અને ભાગ્યે જ કોઈની પાસે હોતું. મોટા ભાગે લગ્નપ્રસંગોએ બાજુના નગરમાંથી એને ભાડે લાવવામાં આવતું. આવા જ કોઈ પ્રસંગે એક ઘસાઈ ગયેલી ૭૮ RPMની રેકોર્ડ ઉપરથી મારા કાને નૂરજહાંનું ગાયેલું ગીત ‘બૈઠી હૂં તેરી યાદ કા લે કર કે સહારા’ (ગાંવ કી ગોરી’, ૧૯૪૫) પડ્યું અને હું અંદરથી હલી ગયો. એ  જાદુઈ અવાજને ફરીફરી સાંભળવાની મને તાલાવેલી જાગી. ફિલ્મ ‘ખાનદાન’ (૧૯૪૨)નાં ગીતો (જેમ કે ‘તુ કૌન સી બદલી મેં મેરે ચાંદ હૈ આ જા’) સાંભળ્યા પછી મને ભાન થયું કે એ અવાજ તો મેં અગાઉ સાંભળેલા (એ જ) અવાજ કરતાં અલગ અને વધારે ઘેરી અસર છોડી જનારો હતો.

જ્યારે શોખ ઘેલછામાં પરિણમે ત્યારે એ સમયની મર્યાદાઓને ઓળંગી જાય છે. મારી તે સભાનતા મને ભૂતકાળમાં વધુ પાછળના દિવસોમાં લઈ ગઈ. એ દિવસો હતા ફિલ્મ ‘બસંત’ (૧૯૪૨, પારુલ ઘોષનું ગાયેલું ‘હમ કો તો હૈ પ્યારી હમારી ગલીયાં) અને ફિલ્મ ‘કિસ્મત’ (૧૯૪૩, અમીરબાઈ કર્ણાટકીનું ગાયેલું ‘ઘર ઘરમેં દિવાલી હૈ’) જેવાં ગીતોના. મને સમજાયું કે મારા જ સમયનાં ગીતો જ સૌથી મીઠાં હોય એ જરૂરી નહોતું. આમ, મારા રસનું કેન્દ્ર ખસ્યું. મુકેશ અને મહંમદ રફીનાં ગીતોની લોકપ્રિયતાથી અભિભૂત થયેલા ભાવકોને સાયગલનાં ગીતો અલગ યુગનાં લાગતાં હતાં. એમની અસાધારણ ક્ષમતાને સમજવા માટે મને લાંબો સમય લાગ્યો તેમ જ એ માટે મારે પ્રયત્ન પણ કરવો પડ્યો. છેવટે મને ઘેલછાની હદે એ ગમવા લાગ્યા.

જ્યારે મારી મનોભૂમિની ક્ષિતિજ ઉપર સાયગલનો ઉદય થયો ત્યારે પંકજ મલિક અને કાનન દેવી પણ બહુ દૂર નહતાં. મને સંગીત નિયોજકોનું મહત્વ સમજાયું અને મેં નોંધ્યું કે ન્યુ થિયેટર્સ, પ્રભાત અને બોમ્બે ટૉકીઝ જેવી સંસ્થાઓનાં ગીતો એમની પોતપોતાની શૈલી ધરાવતાં હતાં. એ સમયે મને લાગ્યું કે (ફિલ્મી સંગીતના) સુવર્ણયુગની તલાશનો તો છેડો જ આવે તેમ નહોતો. 

સમય જતાં સમજાયું કે તે સમયના સ્વરનિયોજકો, ગાયકો અને કવિઓની પોતપોતાની વિશિષ્ટતાઓ વડે ગીતોમાં અલગ જ છાંટ ભરી દેતા હતા. આ સમજણ કેળવાયા પછી મને અત્યારના યુગનાં રીમિક્સ કહેવાતાં છમકલાં તો કલાકારનું મહોરું પહેરેલા ધંધાદારીઓ દ્વારા દ્વારા એક પવિત્ર પ્રણાલી ઉપર થઈ રહેલા ઘાતકી હૂમલા જેવાં લાગે છે. (સરખામણી માટે કહી શકાય કે) પોતાના ઉદગમસ્થાનેથી નીકળેલી પવિત્ર ગંગાનું પાણી બોટલમાં ભરાઈને વેચાતા કોઈ સંમિશ્રીત પીણા જેવું બનીને રહી જાય છે.

રાજકુમારીનું ફિલ્મ ‘સ્વામી’ (૧૯૪૯) નું ‘બીરહન જાગે આધી રાત’, ઝીનત બેગમનું ગાયેલું ફિલ્મ ‘દાસી’ (૧૯૪૪) નું ‘રાતેં ના રહી વોહ’ કે પછી નસીમ અખ્તરનું ગાયેલું ફિલ્મ ‘શાહજહાં’ (૧૯૪૬) નું ‘આગ લગી દિલ મેં વોહ પ્યારી’ જેવાં કોઈ ખાસ પ્રયત્ન વિના જ કાને પડેલાં ગીતો થકી મારા માટે નવી દુનિયાના દરવાજા ખૂલ્યા. મારું કુતુહલ મને કજ્જન, શાંતા આપ્ટે, વિષ્ણુપંત પગનીસ, ઉમા શશી અને કે. સી. ડેના જમાના સુધી લઈ ગયું. ત્યારે મને સમજાયું કે અગાઉની પેઢીના શોખીનો એમના સમયના સંગીતને સુવર્ણમંડીત શાથી કહેતા હતા.

સવાલ એ ઉઠે છે કે સંગીતના કોઈ એક યુગનું મૂલ્યાંકન કોણ કરે? પોતાનો માલ વેચવા માટે પિત્તળને સોના તરીકે ઓળખાવવામાં જરાયે ક્ષોભ ન અનુભવતી સંગીતની વેપારી પેઢીઓ તો એમ ન જ કરી શકે. પોતાની સીમિત સમજણ વડે અભિપ્રાય કેળવનાર આપનાર એક સમાન્ય શોખીન પણ એમ ન કરી શકે. એક સરાસરી શ્રોતા તો મોટા ભાગે સ્વરનિયોજનના માધુર્યથી કે પછી ભવ્ય વાદ્યવૃંદ દ્વારા વગાડવામાં આવેલા સંગીતથી જ પ્રભાવિત થઈ જાય છે. એની પાસે સ્વરનિયોજનનું ઊંડાણ, ગાયક દ્વારા ઉચ્ચારવામાં આવતા ગીતના શબ્દો તેમ જ એ શબ્દોમાંનો ભાવ પ્રગટ કરવાની ક્ષમતા કે વાદ્યવ્રંદનું અસરકારક સંચાલન અને સ્વરનિયોજકની સર્જકતાને કે જે બધું મળીને ગીતને ચિરાયુષી બનાવી શકે, તે માણવા માટેની સમજ નથી હોતી.

કોઈ પણ સાંગીતિક સમયગાળાને સુવર્ણયુગ તરીકે ઓળખાવવા માટે સમય અને તે સમયની પરિસ્થિતિ જેવાં અનેક પરિબળોને ધ્યાને લેવાં પડતાં હોય છે. પણ આવો શાસ્ત્રીય અભ્યાસ જે તે સમયગાળાના સંગીતે પોતાનાં આગવાં આકર્ષક પાસાંઓ વડે તે સમયના શ્રોતાઓ ઉપર ઉભો કરેલો પ્રભાવ ઓછો ન કરી શકે. શરત એટલી કે એનામાં કશુંક ખાસ હોવું જોઈએ. ૧૯૩૦નું સંગીત મારાથી અગાઉના સમયગાળાનું છે તો પણ ત્યારથી લઈને અત્યાર સુધીના સંગીતની બારીક ચકાસણી કર્યા પછી મને લાગે છે કે ૧૯૩૦ના ગાળાનાં સાયગલ અને કાનનદેવીનાં ગાયેલાં ગીતો એ પછી આવેલાં મોટા ભાગનાં ગીતો કરતાં વધારે યાદગાર છે.

૧૯૪૦(ના દાયકાનાં) ગીતો મને એ પહેલાંનાં કે પછીનાં ગીતો કરતાં વધુ આનંદ આપનારાં લાગ્યાં છે. ૧૯૫૦નાં ગીતો ખુબ જ મધુરાં હોવા છતાં મને એમનામાં આડંબરી ભભકો જણાય છે. પડતીની શરૂઆત ૧૯૬૦માં થઈ. આ ક્ષેત્ર ૧૯૭૦ પછી ઉજ્જડ બનવા લાગ્યું. અલબત્ત, ૧૯૭૧ની ‘પાકીઝા’ અને ૧૯૮૧ની ‘ઉમરાવ જાન’ના સંગીત જેવા અપવાદો હતા. એ ગાળામાં મોટા ભાગના ક્ષમતાવાન સંગીતકારો યા તો દુનિયા છોડી ગયા હતા અને જે હતા એ પોતાની સર્જકતાની ધાર ગુમાવી બેઠા હતા. આજના સમયમાં મને મુગ્ધ કરી દે એવું સંગીત કાને પડે છે (જેમ કે ૨૦૦૫ની ફિલ્મ ‘પરીણિતા’નાં ગીતો), તો મને તરત જ સૂઝી આવે છે કે એ સંગીતનાં મૂળીયાં ઘણાં ઊંડે પડેલાં છે. ભૂતકાળની કોઈ ચીજને નવા વાઘા વડે સજાવી, પીરસી દેવામાં આવી હોવાનો ખ્યાલ આવે છે. જો કે સંગીતને નામે પીરસાયેલા કચરાની સરખામણીએ આવું સંગીત સાંભળવું ગમે છે. છેવટે તો ખેલ ચાલુ રહેવો જરૂરી છે.  


( નલિન શાહ લિખીત Melodies, Movies and Memories માંથી)


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

5 thoughts on “સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – ૧ – સુવર્ણની શોધમાં….

  1. નાલિનભાઈની સફર ની શરૂઆત ખૂબ સરસ થઈ છે. તેઓ સંગીત ઇતિહાસકાર તો છે જ એટલે તેમની સફર માં સાથે રહેવાનો આનંદ અનોખો હશે. ખાસ કરી ને મારા જેવા જુના ફિલ્મો-સંગીત -ગીતો ના શોખ ધરાવનાર ને એ બાબતે રસ હોય કે આવા ફિલ્મસંગીત ના પંડિત ની સફર કઈ રીતે શરૂ થઈ અને કેવા વળાંક આવ્યા.
    આવનારા હપ્તાઓ નો ઇંતજાર રહેશે.

  2. જુના ફિલ્મી ગીતોના નવા આયામ જાણવાની ખૂબ જ મજા પડશે.

  3. ગીતોની લિન્કથી વધારાનું-સમૃદ્ધ પરિમાણ ઉમેરાયું છે. પિયૂષભાઈનો અનુવાદ તો સરસ છે જ.

  4. પુસ્તક તો અમુલ્ય છે પણ ગુજરાતી અનુવાદ પણ. ટચનો ગુજરાતી છે. હું મુગ્ધ થઇ ગયો. અભિનંદન અને આભાર પણ એટલા માટે કે મારી પાસે એ અંગ્રેજી પુસ્તક હોવા છતાં હું કાંઇ એ વાંચી શકવાનો જતો . આ તો તમે ‘સરળ ચલણમાં ઇ એમ આઇ’ કરી આપ્યા એટલે હવે તો ઘોળીને પી જઇશ.
    વાહ

Leave a Reply

Your email address will not be published.