શબ્દસંગ : કચ્છ ભૂકંપ પુનર્વસન-વ્યવસ્થાપન:વિસ્તરી રહી મહેક

નિરુપમ છાયા

૨૬મી જાન્યુ. આવે અને મનહૃદયમાં કંપન પ્રસરી રહે. આ કંપન સાહિત્યનો વિષય પણ બને. પણ ક્યારેક એ કંપનો વચ્ચે વિધેયાત્મક કાર્યોની શીતળ લહર શાતા પણ આપે. હકીકતો અને આંકડાઓની એ ઘટના  સાહિત્યિકતામાં ન આવે પણ શબ્દસંગે એ ભાવાત્મક બની રહે. એ ઘટના ભલે  બે દાયકા પહેલાંની પણ સ્મરણમાં હજુ એટલી જ જીવંત જાણે ગઈકાલે જ બની હોય. અલબત્ત કચ્છમાં ભૂકંપ પછી પુનર્વસન વિશ્વમાં ઉદાહરણરૂપ બની રહે એટલી દ્રુત ગતિએ અને લોકો માટે સંતોષરૂપ બને એવાં વ્યવસ્થાપન કૌશલ્ય સાથે થઇ શક્યું. સરકારી તંત્ર, સમાજના ઉદાર સજ્જનો અને સેવાભાવી સમાજનિષ્ઠ સ્વૈચ્છિક સંગઠનોએ એકરૂપ બની, સંવાદિતાથી કરેલાં કાર્યનું આ સુફળ હતું. વિશ્વના લોકો ‘એક અચંબો દીઠો’ની જેમ  જોઈ જ રહ્યા ,’આવું કેમ શક્ય બને ?’  કચ્છ બેઠું થઈ ગયું. કદાચ એને જ કારણે ભૂકંપના ઘાવ રુઝાવામાં મદદ મળી છે.

                      સહુથી પ્રથમ ઉત્તમ બાબત એ બની કે કચ્છમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત ૨૮ સ્વૈચ્છિક સંગઠનોએ  એકત્ર મળીને છત્ર સંગઠન ‘ કચ્છ નવનિર્માણ અભિયાન’ રચ્યું. આમ સર્વની વહેંચાઈ જતી શક્તિ પુનર્વસન વ્યવસ્થાપનનાં વિરાટ જણાતાં કાર્ય માટે એટલાં જ વિરાટ સ્વરુપે કેન્દ્રિત થઈ શકી.

                       ભૂકંપને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ભયાવહ આંચકો ખમ્યા પછી રાહત પહોંચાડીને લોકોની પીડા ઓછી કરવાનો પ્રથમ પ્રયત્ન કર્યા પછી કળ વળી એટલે ધીરે ધીરે ભૂકંપથી સર્જાયેલી પરિસ્થિતિનો અંદાજ કાઢી, પુનર્વસનનો  અંદાજ આંક્યો. પણ ચિત્ર ઘણું બિહામણું હતું. બહુ ટૂંકા સમયમાં લગભગ ત્રણ લાખ ઘરો અને તે પણ કચ્છની ભૂરચનાને અનુલક્ષીને ધરતીકંપ સામે ટકી શકે એવાં, ઉચ્ચ  ગુણવત્તા સાથેના  તૈયાર કરવાનાં હતાં. આ કાર્ય એકલી સરકાર તેમ સ્વૈચ્છિક સંગઠનો પણ ન  કરી શકે. બાંધકામ ક્ષેત્રના વ્યવસાયિક લોકોથી પણ શક્ય ન બને. હિસાબ માંડીએ તો સામાન્ય રીતે એક ઘર બાંધવા 3 કડિયા અને છ મજુર પ્રમાણે એટલાં બાંધકામ કાર્ય માટેના જ કુશળ   નેવું લાખ જેટલા માનવ સ્ત્રોતની ઉપલબ્ધિ  અસંભવિત જ બને. તે ઉપરાંત બાંધકામ માટે કાચા  અને પાકા માલસામાનની ગણતરી માંડીએ તો એ અધધધ….અને  મળે તેમાં પણ અર્થશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર માંગ વધે તેમ ભાવ વધે જે પણ લોકોની સામાન્ય જીવનપ્રણાલીમાં શક્ય ન હોય. એટલે હવે  પાયાનો મહાપ્રશ્ન હતો, તો શું કરવું? સહુએ સાથે બેસીને મંથનનું નવનીત લોકશક્તિના રચનાત્મક વિનિયોગનું મળ્યું. આ એક નવતર વિચાર અને પ્રયોગ હતો અને એને માટે મથવું પડે તેમ પણ હતું. આ પ્રક્રિયા ચાલુ જ હતી ત્યાં સરકારે એક જાહેરાત કરી કે ભૂકંપ પ્રભાવગ્રસ્ત બધાં જ ગામો સ્થાનાંતરીત થશે, અન્ય સ્થળે વસાવવામાં આવશે એટલે કે RELOCATE થશે. હવે પુનર્વસનની આખી દિશા જ બદલાઈ જતી હતી. એટલે સરકારશ્રીના આ નિર્ણય પર મંથન શરુ થયું. કારણ કે, આખેઆખું  સામાજિક માળખું જ વિચ્છેદિત જ થઇ જાય. એક સ્થળે સદીઓ અને પરંપરાથી લોકસંસ્કૃતિ વિકસી, દૃઢ થઈ, એની સામે પણ આ મોટો પડકાર હતો. કદાચ આજે ૨૦ વર્ષો પછી પણ ભલે સૂક્ષ્મ રીતે પણ લોકો તેને અનુભવી રહ્યા છે. ફરી અગાઉ જેવો જ પ્રશ્ન થયો, હવે શું કરશું? એટલે અભિયાન સાથે જોડાયેલી દરેક સંસ્થા પોતપોતાનાં કાર્યક્ષેત્ર અને વિસ્તારમાં લોકમત જાણે જેમાં એક સીધા પ્રશ્ન, શું તમે સહુ, તમારું આખું ગામ સ્થાનાંતરીત-RELLOCATE-થવા ઈચ્છો છો?, સાથે આનુષાંગિક બાબતો પણ હોય. આ પ્રક્રિયા દ્વારા  વિવિધ અનેક કારણોસર લોકોનો એક જ સૂર  સ્થાનાંતરીત ન થવાનો હતો, લોકો પોતાનાં ગામમાં જ રહેવા ઈચ્છતા હતા. લોકમતની બધી, વિસ્તૃત વિગતો વ્યવસ્થિત સ્વરૂપે સરકારશ્રી સુધી પહોંચાડવામાં આવી. સાથે પુનર્વસન કાર્ય માટેનાં સૂચનો પણ મૂકવામાં આવ્યાં.અન્ય રીતે આવેલ રજુઆતો, વિવિધ સ્તરેથી પ્રાપ્ત માહિતી અને  એવાં કેટલાય પરિબળો પર વિચાર કરી, અંતે  સરકારશ્રીએ પણ  વિધેયાત્મક અભિગમ દર્શાવી, લોકભાગીદારીથી પુનર્વસન કરવાનો નિર્ણય લીધો.

                                       આમ એક રીતે જોઈએ તો લોકશક્તિનો આ પ્રભાવ પડ્યો. સરકારશ્રીએ આ સમગ્ર કાર્ય માટે લોકોને વિકલ્પો પણ આપ્યા કે વ્યક્તિ પોતે કે સંસ્થા સાથે મળીને જે રીતે મકાન બનાવવું  હોય તે રીતે બનાવી શકે. વળી આ કોઈપણ વિકલ્પમાં સરકારી સહાય  નિયમ પ્રમાણે આપવાની પણ જાહેરાત થઈ. આ કાર્યને પારદર્શક બનાવવા લોકો  બેન્કમાં  ખાતાં ખોલાવે જેના મારફત આ સહાયની રકમ ચૂકવવાનું નિશ્ચિત કરવામાં આવ્યું. વળી, લોખંડ સીમેન્ટ નિશ્ચિત ભાવે જ ઉપલબ્ધ થાય એ પણ નિર્ણય લઈ સાથે સાથે મકાન બાંધકામની ચોક્કસ પદ્ધતિ નિશ્ચિત કરી, નવી રચેલી GSDMA-ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી- મારફત લોકોને એ પહોંચાડી અને મકાન બાંધકામના વિવિધ સ્તર પ્રમાણે હપ્તાની ચુકવણીને એની સાથે જોડી. આમ સરકાર પણ આ રીતે પુનર્વસનમાં સહભાગી બની. 

                      હવે અભિયાન અને એની સાથે જોડાયેલી સંસ્થાઓએ લોકશક્તિ ઘડતરનું કાર્ય ઉપાડી લીધું. મકાન બાંધકામ સાથે જોડાયેલા લગભગ ૧૩૦૦-૧૪૦૦  કુશળ કારીગરો સાથે કાર્યશાળાનું આયોજન કર્યું. જેમાં આર્થિક આયોજન વગેરે પાસાં ચર્ચાયાં. અંદાજીત રીતે આ રીતે ખર્ચનું વિભાગીકરણ આવ્યું. ખર્ચના ૩૦% કાચો સામાન, ૩૦% પાકો સામાન અને ૪૦% મજુરી. કેટલાંક કાર્યોમાં ગામના જ વ્યવસાયિકો જોડાય તો ગામના પૈસા ગામ પાસે જ રહે અને પુનર્વસન સાથે  રોજગાર પણ ઊભા થાય. તે પછી લોકો સાથે એ જ રીતે સંવાદનું કામ  થયું. જેમાં આ પ્રમાણેના મુદ્દાઓનો ખ્યાલ લોકોને આપવામાં આવ્યો. ધરતીકંપ એટલે શું ત્યાંથી લઇ તેનાં કારણો, ભૂસ્તરીય રચના અને એને આધારે ઘર કેવાં હોવાં જોઈએ એ વિચાર લોકો સામે મૂકતાં, ધરતીકંપ ખમી શકે તેવાં ઘર હોવાં  જોઈએ એવું લોકોએ એકમતે સ્વીકાર્યું. આ પ્રકારના પ્રયાસોથી લોકોની સમજ દૃઢ થઈ અને  કાર્ય સરળ અને ઝડપી બન્યું. વધારામાં  ભારત અને વિશ્વમાંથી આવેલી સહાયે પણ લોકોને બળ આપ્યું અને આ રીતે માત્ર અઢી વર્ષમાં જ ૩૦૦૦૦૦ લાખ ઘર બંધાયાં જે એક વિક્રમ કહી શકાય. એક SATIFECTION સર્વે પણ થયો જેમાં જાણવા મળ્યું કે ૬૫% ઘર લોકોએ જાતે બનાવ્યાં, ૨૫% થી ૩૦%એ  સંસ્થાના સહયોગથી અને ૧૦% ઘરો કોઈકે બનાવ્યાં અને કોઈક રહેવા ગયું. આ માહિતી પુનર્વસન કાર્યને પ્રમાણિત કરે છે.

                                  મકાન સંસ્કૃતિની ઓળખને  સાચવે છે. ઉદાહરણ તરીકે બન્નીનું ભૂંગું સ્થાપત્યની દૃષ્ટિએ વિશિષ્ટતાઓ સાથે એ વિસ્તારની સંસ્કૃતિ, વ્યક્તિની ઓળખનું પ્રતિક બને છે. પુનર્વસન કાર્યમાં પરંપરાગત શૈલી સાથે  આ સંસ્કૃતિ સચવાઈ.

                     લોકો, સંસ્થા અને સરકારની સહભાગીતા અને પૂર્ણ વ્યવસ્થાપન કૌશલ્ય સાથે આ વિક્રમરૂપ કાર્યની મહેક ભારત જ નહીં, વિશ્વમાં પ્રસરી અને ઇન્ડોનેસિયા, ઈરાન, અફઘાનિસ્તાન નેપાળ  જેવા દેશોમાં અને ભારતના જ કાશ્મીર, બિહાર જેવાં રાજ્યોમાં કુદરતી આપત્તિ આવી ત્યારે કચ્છના અનુભવોનો લાભ લઈ એ જ રીતે પુનર્વસન કાર્ય કરવા અભિયાનને આમંત્રણ મળ્યું.

ઈન્ડોનેસિયામાં ત્સુનામી આવી ત્યારે કચ્છમાં સહાયભૂત થયેલી, ‘અભિયાન’નાં કાર્ય વ્યવસ્થાપન અને સફળતાથી પ્રભાવિત ફંડિંગ એજન્સી મીઝેરીઓ ઈન્ડોનેસીયામાં પણ સહાયે પહોંચી. ત્યાંની UPLINK સંસ્થાને કચ્છમાં સફળ થયેલ કાર્યપદ્ધતિની વાત કરતાં અભિયાનને આમંત્રણ મળ્યું. સંદીપ વિરમાણી અને કિરણ વાઘેલાએ ત્યાં જઈ અનુભવ વહેંચ્યો. ત્સુનામીથી ઈન્ડોનેસીયામાં દરિયો અડધો કી. મી. અંદર આવતાં ચોખાનાં ખેતર હતાં ત્યાં દરિયો આવી ગયો. ભૂગોળ જ બદલાઈ ગઈ. અભિયાને જ્યાં કામ કર્યું એ આઈલેન્ડનાં ૨૬ ગામોના ૯૦% લોકો મૃત્યુ પામ્યા.મકાનો લગભગ નહીંવત  કહી શકાય એટલાં બચ્યાં. આખું સામાજિક માળખું વેરવિખેર હતું. અભિયાને કચ્છનો અનુભવ કામે લગાડી, ત્યાંનાં ‘ઉદે બસારી’ સંગઠન સાથે મળી લોકભાગીદારી પદ્ધતિએ  કાર્ય શરુ કર્યું. ત્યાં પણ સરકારે ગામોને RELOCATE કરવા જાહેરાત કરી પણ લોકો દરિયા સાથે જ જોડાયેલા પોતાના વ્યવસાયને છોડી દરિયાથી દૂર વસવા તૈયાર નહોતા. અહીં સમસ્યા ઘણી જુદી હતી. કોઈ રેકોર્ડ જ બચ્યા નહોતા. પ્રશ્નો પણ ઘણા હતા. કોની જમીન ક્યાં હતી એની ભાળ મેળવવી, જે પરિવારમાં કોઈ બચ્યું જ નહોતું તેમની જમીનોનું શું વગેરે વગેરે…

આમ પુનર્વસન સિવાયના પણ પ્રશ્નો હતા. એ માટે લોકસમજ કેળવી. સમગ્ર કાર્યનાં પોણાત્રણ વર્ષ દરમિયાન અભિયાનના જુદા જુદા લોકો નિયમિત સમયાંતરે જતા હતા અને એ રીતે કાર્ય પૂરું થયું. ત્સુનામી પછી ૮-૧૦ રીક્ટર સ્કેલના ધરતીકંપ આવી ગયા પણ એકેય મકાનને નુકસાન ન થયું એટલું જ નહીં, આંતર રાષ્ટ્રીય સંસ્થા ‘યુ એન હેબીટાટ’નો  ત્યાંની UPC-UPLINK સંસ્થાને શ્રેષ્ઠ પુનર્વસન કાર્યનો એવોર્ડ મળ્યો.

                 એ જ રીતે ઈરાનમાં ૨૬ ડિસેમ્બર ૨૦૦૩નાં ૬.૬ મેગ્નીટ્યુડનો ધરતીકંપ આવ્યો ત્યારે કચ્છમાં કામ કરેલું એ  જાપાનની PEACEWIND  સંસ્થા ત્યાં સહયોગ માટે પહોંચી અને એના દ્વારા અભિયાનને આમંત્રણ મળ્યું. અભિયાને ત્યાંના જાહેર બાંધકામની રાષ્ટ્રીય સંસ્થા ‘બુનિયાદે મસ્કાન’નાં OFFICE સંકુલમાં સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી અને કુશળ માનવસ્ત્રોતને  સમજી, ધ્યાનમાં રાખી, ધરતીકંપ ખમી શકે એવું નમૂનાનું મકાન PEACE WINDના  સહયોગથી બેથી અઢી માસ જેટલા સમયમાં તૈયાર કર્યું.

                  અફઘાનિસ્તાનમાં ધરતીકંપ અનુસંધાને નાહરી વિસ્તારમાં મકાનો કેવાં બંધાવાં જોઈએ એ માટે કોડ તૈયાર કરવા- એની રૂપરેખા નિયમો  ઘડવાનું કાર્ય કરવા માટે એક ટીમ મેમ્બર તરીકે અભિયાન તરફથી કિરણ વાઘેલા જોડાયા. ૯૦% બાંધકામમાં  માટીનો ઉપયોગ થાય છે એ દેશમાં  પણ ધરતીકંપ ખમી શકે તેવાં બાંધકામ માટે આ કોડ લખવાનાં જહેમતભર્યાં કામનો તેઓ એક ભાગ બન્યા.

IMG_20210129_185415.jpgDSC02972.JPG                    નેપાળમાં ૨૦૧૫માં કચ્છ કરતાં પણ મોટો  ધરતીકંપ આવ્યો. લગભગ સાત લાખ ઘર તૂટી ગયાં. ત્યારે, ભારત સરકારના SOCIO TECHINICAL FACILITATION કાર્ય અંતર્ગત ગોરખા નામના જિલામાં બે શહેર અને ૧૦ ગામમાં ૨૭૦૦૦ મકાનો બાંધવાનાં કામમાં OWNER DRIVEN REHABILITATION COLLABORATIVE- ODRC-ની  ચાર સંસ્થાઓમાં અભિયાન સાથે સંલગ્ન હુન્નરશાળાના  મહાવીર આચાર્ય અને અન્ય કાર્યકરો જોડાયા. એમાં એક ઈજનેર, એક કુશળ કારીગર, સામાજિક અગ્રણીને લઈને સાત ગામ અને બે શહેરોમાં અલગ અલગ  બનેલી ટીમમાં  કુલ્લ ૧૫૦ લોકોને જોડયા. ડુંગરાળ વિસ્તાર કેટલીક જગ્યાએ વાહન ન જઈ શકે ત્યારે પગપાળા ડુંગરો ચડવા અને ઉતરવા પડે. સામાન્ય લોકો ટેવાયેલા ણ હોય એટલે સમય પણ લાગે. આવી પરિસ્થિતિમાં લોકોને હુંફ આપવી, વિશ્વાસ પેદા કરવો, ગ્રામસભાને સક્રિય કરવી, લોક સંપર્ક, લોકજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો, સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી અને પડી ગયેલાં મકાનની સામગ્રીનો ઉપયોગ, કારીગરના કૌશલ્ય વિકાસ માટે ટ્રેનીંગ વગેરે પદ્ધતિઓ વડે એ દુર્ગમ ખડકાળ વિસ્તારમાં ૨૦૧૯માં શરુ કરેલ કાર્ય ૯૬% થી ૯૭% જેટલું  પૂરું થયું  છે. 

                       અભિયાન સંસ્થાએ વિદેશોમાં કાર્ય કર્યું તો દેશબાંધવોની પડખે તો ઊભું રહે જ ને? કાશ્મીરના તંગધાર અને ઉરીમાં શિયાળામાં ધરતીકંપ આવ્યો ત્યાં બે’ક માસમાં બરફવર્ષા શરુ થઈ જાય તેમ  હતું. જો  એ સમય સુધીમાં પુનર્વસન ન થાય તો બીજો  ધરતીકંપ ખમવાની તૈયારી રાખવી પડે.  અભિયાનની ખ્યાતિથી પરિચિત કાશ્મીર સરકારનું આમંત્રણ મળતાં જ, સંસ્થા ત્યાં પહોંચી. સર્વપ્રથમ તૂટેલાં મકાનની સામગ્રીમાંથી ધરતીકંપ ખમી શકે તેવું એક નમૂનારૂપ મકાન ઊભું કરી, લોકોને સમજ આપી, માત્ર ત્રણ માસના ગાળામાં ૨૭૦૦૦ થી ૨૮૦૦૦ INTERIM SHELTR – મકાનો તૈયાર કર્યાં. બિહાર રાજ્યમાં કોશી નદીની પૂરથી પ્રભાવિત વિસ્તારમાં ત્યાંની વાંસનો ઉપયોગ કરીને પરંપરાગત પદ્ધતિએ મકાનો બનાવ્યાં.

                      આમ કચ્છમાં  સ્થાનિક સંસાધનો અને પરિસ્થિતિ  સાથે અનુકુલન સાધી લોકશક્તિના જાગરણ અને સંગઠનથી જે ચમત્કાર સર્જ્યો એ સફળ પદ્ધતિના અનુભવનો લાભ  દેશવિદેશમાં લેવાયો અને એની મહેક દૂરસુદૂર પ્રસરી.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.