‘હું મીરાં નથી ને માટે ઝેર નથી પીવું. જાણો છો, છતાં રોજે રોજ થાળ ધરો છો.’
નલિન શાહ
શિયાળાની સવારના ખુશનુમા વાતાવરણમાં ઝડપથી ચાલતાં ચાલતાં માનસી બહુ દૂર નીકળી ગઈ હતી. સમયનું ભાન થતાં પાછી વળી એનાં મકાનમાં દાખલ થઈ. થોડો થાક લાગ્યો હોવા છતાં લિફ્ટમાં ન જતાં છ માળ ચઢી. ઘેર પહોંચવાનો રોજિંદો નિયમ એણે ના તોડ્યો. ઘરમાં દાખલ થઈ સોફામાં બેસીને પગ લાંબા કરી માથું પાછળ ઢાળી દીધું. થોડી વારે સ્વસ્થ થઈ બાઈને ચા લાવવાનું કહીને મોર્નિગ વોકના શૂઝ ઉતાર્યા ને છાપુ હાથમાં લીધું.
અચાનક માનસીની નજર સામે ભીંતે લગાડેલા લાંબા અરીસામાં પડી ને એકાગ્રતાથી એનું પ્રતિબિંબ નિહાળી રહી. વાળમાં આછી સફેદી પર નજર પડતાં વીજળીની જેમ મગજમાં વિચાર ઝબક્યો. ‘જવાની કેટલી ઝડપથી સરી ગઈ.’ અઠ્ઠાવનમાં પ્રવેશીને પણ ચાલીસ વર્ષની વ્યક્તિ કરતાં એ વધુ સ્વસ્થ હોવા છતાં બે વર્ષ પછી લાગતાં વળગતાં લોકો મારા પર બુઢાપાનું લેબલ મારી દેશે. કોક વળી ષષ્ટિપૂર્તિ ઊજવવાનું સુચવશે તો કોક વળી મંદિરને પગથિયે બેસી ધ્યાન ધરવાની વણમાગી સલાહ આપશે!
રોજિંદા નિયમ પ્રમાણે બાઈ ચાના કપની સાથે પ્લેટમાં એક ખાખરો માનસીની સામે ટિપાઈ પર મુકી ગઈ.
ગરમ ચાની ઉષ્ણતા ઓછી થવાની વાટ જોતાં માનસી વિચારોમાં ખોવાઈ ગઈ. ત્યાં જ પૂજાના ઓરડામાંથી સુમિત્રા કંઠસ્થ કરેલા ન કળાય એવા સંસ્કૃતના શ્લોકો એના કર્કશ અવાજમાં બોલાતા સાંભળ્યા ને માનસી અનાયાસે હસી પડી. આઠ વરસ પહેલાં પક્ષાઘાતના કારણે પથારીવશ થયેલાં સાસુએ ભગવાનની સેવા કરવા સુમિત્રાને રોકી હતી. રોજ સવારે આવી મંદિરમાં સાફ સફાઈ કરતી, ભગવાનને ધરવા ફળફળાદિ સમારતી, ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવતી, ફૂલોની માળા ગૂંથતી ને પછી સમારેલાં ફળફળાદિનો થાળ સામગ્રીરૂપે ભગવાનની સામે ધરતી અને એક કલાક સુધી માનસીનાં સાસુ ધનલક્ષ્મી સુમિત્રાનો ઊંચે સાદે બોલાતા શ્લોકો સાંભળીને સેવા જાણે એમણે પોતે જ કરી હોય એવો ભાવ અનુભવતી.
માનસી સાસુનાં ઉપરના ફ્લેટમાં રહેતી હતી. રસોડું સાસુના ફ્લેટમાં હતું. ખાવા-પીવા અને સાસુની તબિયતની ખબર લેવાએ નીચે આવતી. સવારે મોર્નિંગવોકમાંથી આવીને ચા પણ નીચે પીતી હોવાથી સુમિત્રાના કર્કશ અવાજમાં ઉચ્ચારાતા શ્લોકોને સહન કરવા પડતાં.
માનસી જાણતી હતી કે ગુજરાતીમાં ચાર ધોરણ ભણેલી સુમિત્રા એક પણ શ્લોકનો ભાવાર્થ સમજતી નહોતી. પણ ભગવાનને ખુશ કરવાના હેતુથી અને ભગવાન સાંભળી શકે તે માટે ઊંચે સાદે ગોખેલાં વાક્યો (શબ્દ) ગાવાની ભાવથી ઉચ્ચારતી રહેતી. ભગવાન પણ ધૈર્ય જાળવી શકે છે એ વિચારે માનસીને હસવું આવ્યું. તેત્રીસ કરોડ દેવતાને પૂજવા એક જન્મ પૂરતો નથી. એ વિચાર આવતા જ શેરોસુખનની શોખીન માનસીને એક શેર યાદ આવ્યો, “જીતને ન દોંગે બંદે ખુદા હૈ ખુદાઈ મેં/કિસ કિસ ખુદા કે સામને સિજદા (નમન) કરે કોઈ.”
એક ભગવાનને રીઝવવા જઈએ તો બીજાને વાંધો પડે, હવે કયા ભગવાનને કયા ભગવાન સાથે કેવો સંબંધ છે એ જાણવા માટે તો શાસ્ત્રો ફેંદવા પડે અને તો પણ શંકા રહે એટલે સલામતી ખાતર રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન પાર્ટી બધાને ડોનેશન આપતા ઉદ્યોગપતિઓની જેમ બધાએ ભગવાનની ચમચાગીરી કરવી પડે.
કિંમતી ભેટસોગાદો ને મૂલ્યવાન મીઠાઈઓથી જો ભગવાન ખરીદાતા હોય તો બિચારા ગરીબોની શી મજાલ કે તવંગર સાથે સ્પર્ધા કરી શકે? પૂજારીઓએ અને લાલચુ ભક્તોએ ભગવાનને પણ ધંધાનો વિષય બનાવી દીધો હતો.
સુમિત્રાને પૂજાના ઓરડામાંથી બહાર આવતી જોઈ માનસીની વિચારમાળા તૂટી. માનસી આદતોથી સારી રીતે પરિચિત હોવા છતાં આગળ આવી માનસીની સામે પ્રસાદનો થાળ ધર્યો, ‘લો માનસીબેન પ્રસાદ લો.’
‘તમને ખબર છે ને સુમિત્રાબેન કે હું ફક્ત તાજાં સમારેલાં ફ્રૂટ જ ખાઉં છું?’
‘લો કરો વાત, આ કાંઈ ફ્રૂટ ના કહેવાય, પ્રસાદ છે. કલાક પહેલાં સમાર્યાં હોય તોયે શું; પ્રસાદને વાંધો ના આવે. મીરાં તો ઝેર પી ગઈ તો ને તોયે કાંઈ ના થીયું.’
‘હું મીરાં નથી ને માટે ઝેર નથી પીવું. જાણો છો, છતાં રોજે રોજ થાળ ધરો છો.’
સુમિત્રા મોં મચકોડીને પાછી ફરીને બડબડી ‘નરકમાં જશે; મારે શું.’
પણ માનસી સાંભળી ગઈ. ‘સુમિત્રાબેન’ એ બોલી,’ તમે તો સ્વર્ગમાં જ જવાના છો ને બસ પછી મને નરક ચાલશે, ત્યાં વધારે શાંતિ હશે.’
સુમિત્રા કાંઈ બોલી નહીં ને ધનલક્ષ્મીના રૂમમાં પ્રસાદની થાળી લઈ ચાલી ગઈ.
માનસી ડૉક્ટર હતી ને હૃદયરોગનિષ્ણાત તરીકે પ્રશંસનીય ખ્યાતિ પ્રાપ્ત કરી તો બાંદ્રાથી જુહુ અને પારલા ને નવા વિકસેલા વર્સોવા સુધીના વિશાળ ઇલાકામાં વસતા ધનાઢ્યોમાં ડૉક્ટર અને વ્યક્તિ તરીકે ખૂબ જ માનીતી હતી. એનાં નિદાન પછી બીજા કોઈ ડૉક્ટરનું મંતવ્ય લેવાની કોઈ જરૂરિયાત નહોતાં સમજતાં. આ ઇલાકામાં ફિલ્મી હસ્તીઓનો જમઘટ વધારે હતો એ સર્વે હૃદયરોગ સિવાયની બીમારીઓમાં પણ માનસી પર જ અવલંબિત રહેતાં. ગરીબ અને મધ્યમવર્ગના પેશન્ટ્સમાં તો એ ‘મસીહા’નું બિરુદ પામતી. એ લોકોની આર્થિક સ્થિતિ માનસીની ચિંતાનો વિષય હતો જે એ લોકોને નિશ્ચિતરૂપે એની પાસે આવવા પ્રેરતા. એની સહેલીઓ એને મજાકમાં કહેલી કે, ‘‘તું કોઈ મંદિરમાં જતી નથી ને જવાની જરૂર પણ શું છે? તારો કન્સ્લ્ટીંગ રૂમ જ એક મંદિર સમાન છે.’’
માનસી મકાનના સૌથી ઉપલા સાતમે માળે એના દીકરા કશ્યપની સાથે રહેતી હતી. કશ્યપ એમ.ડી.માં અભ્યાસ કરી રહ્યો હતો. એ પણ માની જેમ હૃદયરોગનો નિષ્ણાત થવા માંગતો હતો. માનસીની સાસુ ધનલક્ષ્મી છઠ્ઠે માળે રહેતી હતી. રસોડું ને નોકર-ચાકર પણ ત્યાં જ હતાં.
વહેલી સવારે મોર્નિંગ વોકમાંથી પાછાં આવી સાસુની તબિયતની પૃચ્છા કરવાનો માનસીનો રોજિંદો કાર્યક્રમ હતો. એની ઉપસ્થિતિમાં સાસુના હુંકારા દર્દ કરતાં એની હતાશાને અણગમાના પ્રતીકરૂપે વધારે હતા. સમય જતાં ‘બા કેમ લાગે છે?’ એવું પૂછવાની ઔપચારિકતા પણ માનસીએ છોડી દીધી હતી. એમની દેખરેખ માટે રોકેલી બાઈને દવા-ખોરાક વગેરેની બાબતમાં પૂછપરછ કરી જરૂરી સૂચનાઓ આપતી. ભૂતકાળમાં એણે સાસુના બીમારીના ઢોંગ ઘણા સહ્યા હતા. હવે છેલ્લા આઠ વર્ષથી પક્ષાઘાતને કારણે સાસુ પથારીવશ થયાં હતાં. અસંખ્ય સાસુઓના એમની વહુઓ પ્રત્યે પરંપરાગત અણગમાની પરવા કર્યા વગર એમની સુખ-સગવડનું એ તન્મયતાથી ધ્યાન રાખતી હતી. એંસીની નજીક પહોંચેલાં એ સાસુ હવે ઊભાં થવાનાં નહોતાં એનો અને એક ડૉક્ટર તરીકે પૂરી ખાતરી હતી. પણ એ જીવે ત્યાં લગી એમના સુખ-સગવડ સચવાઈ રહે એ પૂરતું હતું.
એકના એક દીકરાનું અકાળે મોતને આઠ વર્ષની માંદગીએ અભણ ધનલક્ષ્મીને પહેલાં કરતાં વધારે ચીડિયા સ્વભાવની કરી નાખી હતી. કેટલોક ગુસ્સો તો એને એના લાગતા વળગતાઓમાં એનું મહત્ત્વ ઘટી જવાના કારણે પોતાના પર જ આવતો હતો અને કેટલોક એની ચંચળ સહેલીઓ પર જે મિજબાની માણવા મધ-માખીઓની જેમ બણબણતી રહેતી હતી ને આજે કોઈ એની આસપાસ પણ નથી. ક્યારે ક્યારે તો એના ગુસ્સાનો ભોગ માનસી બનતી. માનસી જાણતી હતી કે સંસ્કાર અને એની સાસુનો કોઈ મેળ નહોતો એટલે આંખ આડા કાન કરી દેતી, પણ જ્યારે માનસી અસહિષ્ણુતા અનુભવતી ત્યારે અવહેલના થવાના ડરથી સાસુ નિરુત્તર થઈ જતાં.
સાસુની તબિયતની બાબતમાં બાઈની પૃચ્છા કરી માનસીએ બહાર જેવા પગ માંડ્યા કે સાસુનો ચિત્કાર કાને અથડાયો, ‘આજે મારો દીકરો હયાત હોત તો મારી આ દશા ના થઈ હોત.’ સાસુની આ ફરીયાદ નવી નહોતી, પણ આજે માનસીથી ના સહેવાયું, ‘તમારો દીકરો શું વધુ કરવાનો હતો, તમને શી વાતની ખોટ છે?’
‘ઈ દાક્તર હતો, મને ક્યારની ઊભી કરી દીધી હોત.’ ધનલક્ષ્મીએ ગુસ્સામાં કહ્યું.
‘દાકતર તો હું પણ છું ને લોકોના કહેવા પ્રમાણે તમારા દીકરા કરતાં વધુ કાબેલ અને ઈમાનદાર છું. તમે કહેતાં હો તો બીજા કોઈ ડૉક્ટરનો બંદોબસ્ત કરું જેમાં તમને ભરોસો હોય.
સાસુએ જવાબ ના આપ્યો પણ જેવો માનસીએ દરવાજાની બહાર પગ મૂક્યો કે સાસુનું યાચના કરતાં વધારે તિરસ્કારયુક્ત વેણ કાને પડ્યું, ‘હે ભગવાન! તું છૂટકારો ન આપે તો હવે કોણ આપે!’
માનસી થંભી ગઈ, જેમ છલકતો બંધ તૂટે તેમ એની ધીરજ પણ તૂટી ગઈ. હૃદયમાં બળતા અંગારા ઉપર બાઝેલી રાખ સાસુએ જાણે એક ફૂંકમાં ઉડાડી દીધી.
માનસીએ પાછી ફરીને તિરસ્કારભર્યા ચીપી ચીપીને ઉચ્ચારેલા શબ્દોમાં કહ્યું, ‘ભગવાન કરતાં તમારો દીકરો એ કામ વધુ સારી રીતે કરી શક્યો હોત.’
સાસુને કાંઈ સમજાયું નહીં પણ વહુનો મિજાજ જોઈને ચૂપ થઈ ગયાં. માનસી તિરસ્કારથી મોં ફેરવી બહાર નીકળી ગઈ.
આજે એ વિકરાળ સ્મૃતિએ એને વિહ્વળ બનાવી દીધી હતી.
ક્રમશ: – પ્રકરણ-૨