
સામાન્ય રીતે માણસ એવું ઇચ્છતો હોય, કે ત્રણ રંગના ગણવેશ પહેરતા વ્યાવસાયિકો સાથે જીવનમાં પનારો જેટલો ઓછો પડે એટલું સારું, અને ન પડે તો ઉત્તમ! એક ખાખી, બીજા કાળા, અને ત્રીજા સફેદ!
અને ડૉક્ટર એટલે સામાન્ય માણસ માટે તો એલોપથી જ! બાકી બધી પથી એટલે ઑલ્ટરનેટ મેડિસિન! એના ડૉક્ટરને સાવ અલગ દૃષ્ટિએ જ જોવામાં આવે
ઘણાં વર્ષોથી દવા પેટે હોમિયોપથી અને જીવનપદ્ધતિ પેટે નેચરોપથીની રાહ અપનાવી હોવાથી, અસામાન્ય શારીરિક તકલીફો સિવાય અમે ડૉક્ટરોથી ઘણા અળગાં જ રહ્યાં છીએ! અને એટલે જ જ્યારે એલોપથીનો કોઈ ડોક્ટર કંઈક જુદી જ વાતો કરે ત્યારે પહેલી વખત તો માન્યામાં જ ન આવે કે આ ડૉક્ટર છે! અને એમાંય પાછા આ તો કવિ! અને વળી સંગીતજ્ઞ પણ ખરા જ!
‘સાજ’ ઉપનામ સાથે કવિતા લખતા આ ડૉક્ટર શ્રી પુરુષોત્તમ મેવાડા સાથે અમારો પરિચય કદાચ ચાર-પાંચ વર્ષથી. વડોદરાની કવિસંગતની બેઠકોમાં અવારનવાર તેમની સાથે મુલાકાતો થતી રહે, જેમાં તેઓ પોતાની ખુમારી ભરી કવિતાઓ રજૂ કરે, અને એ પણ પોતાના આગવા મસ્ત અંદાજમાં! પણ એ મળવાનું સાવ ઉભડક બની રહે! કેમ છો-કેમ નહીં સિવાય ખાસ કોઈ વાત કદાચ આ ચાર-પાંચ વર્ષમાં ક્યારેય નહીં થઈ હોય!
પરંતુ અમને તેમનો ખરો પરિચય તો આ પુસ્તક પ્રકાશનાર્થે એમની સાથે સંપર્કમાં આવવાનું બન્યું ત્યારે જ થયો! કવિ હોય એ પરથી, અને ઋજુ સંવેદનોથી મઢેલી તેમની કૃતિઓ માણી હોય તેના પરથી તેમના નમ્ર સ્વભાવનો તો પરિચય હતો, પણ એમની આ નમ્રતાની પાછળ રહેલા એક વર્ષોના અનુભવી ડૉક્ટર-સર્જનનો ચહેરો પણ અમે જેમને ઓળખતા હતા એ કવિ જેટલો જ ઋજુ હશે એનો અમને કોઈ અંદાજ જ ન હતો!
એમણે વર્ણવેલા કિસ્સાઓનો સંદર્ભ અહીં ટાંકીને અમે વાચકોની ઉત્સુકતા શમાવી દેવા નથી માગતા, પણ અમારે અહીં એટલું તો નોંધવું જ પડે, કે ભલભલા ઋજુ માણસને કઠણ કાળજાના બનાવી દે એવા તબીબી વ્યવસાયના આવા અનુભવો અને પ્રસંગોમાં સામેલ થયા પછી, તેમાંથી પસાર થઈ ગયા પછી, તેમના માટે આટલા ઋજુ હૃદયના રહેવું કઈ રીતે શક્ય બન્યું હશે!?
चारागर कोई मिले पर इस अहद में जिना है,
जिस दरद ने मारा था, अब उस दरद में जिना है!
પણ અમે જેમાં દૃઢપણે માનીએ છીએ એ પ્રમાણે, શિક્ષણ કોઈને સારા કે ખરાબ બનાવી શકતું નથી. શિક્ષણ તો આપણે જેવા હોઈએ, તેને માત્ર ધાર કાઢી આપતું હોય છે. સારા માણસને શિક્ષણ વધારે સારો બનાવે જ!
મૂળે સંવેદનશીલ માણસ ડૉ, પુરુષોત્તમ મેવાડાને તેમના તબીબી વ્યવસાયના સારા-માઠા, મીઠા-કડવા અનુભવોએ વધારે સંવેદનશીલ બનાવ્યા હશે! પોતાના દર્દીઓ જે પીડા અનુભવી રહ્યા હશે એ પીડાને એમણે પણ સાંગોપાંગ અનુભવી હશે, ત્યારે જ એ કરુણા આજે એમની રચનાઓમાં નીતરતી દેખાય છે.
कोई ऐसा तबीब होता है,
जो जिगर के क़रीब होता है!
સાવ એવું પણ નથી કે આ ડૉક્ટર જીવનભર બધા જ સ્થાને સાવ નમ્ર જ રહ્યા હોય! કેટલાક લેખો પરથી આપણે એ પણ જોઈ શકીશું, કે ડૉ. પુરુષોત્તમ મેવાડા ખોટા માણસો સામે, અને સિસ્ટમ સામે પણ જરૂર પડ્યે લડી લેનારા માણસ છે.
અહીં તેમણે વર્ણવેલા કિસ્સાઓ પરથી એક વાત તો સાવ સ્પષ્ટ દેખાય છે, કે સિસ્ટમ ગમે તેટલી ભ્રષ્ટ હોય, જેણે સત્યની રાહનો ત્યાગ નથી કરવો તેને એમ કરતાં કોઈ પણ રોકી નથી શકતું. હા, સત્યની રાહ પર ચાલવું કઠિન તો હોવાનું જ!
चारागरों के हाथ लग गया है इल्म क्या!
पैसों की अपनी भूख का करते निदान है!
પણ કઠિન માર્ગ પર ચાલીને હેમખેમ, પૂર્ણ પુરુષોત્તમની માફક સાચા ધ્યેય સુધી પહોંચવાના ગેરફાયદા તો હોવાના જ! પણ ડૉ. પુરુષોત્તમ મેવાડાની આ વાતો વાંચીને આજે અમે એક ઉમદા, મુઠ્ઠી ઊંચેરા માનવીના મિત્રો હોવાનો ગર્વ લઈ શકીએ એમ છીએ.
આ કિસ્સાઓ વાંચીને વાચકો પણ ડૉ. પુરુષોત્તમ મેવાડાના જીવનથી પ્રભાવિત થાય, અને તેમને પણ આમાંથી સાચું, સારું જીવન જીવવાની પ્રેરણા મળી રહે, એ જ અભ્યર્થના સાથે…
– અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા
સાયુજ્ય પ્રકાશન
વડોદરા
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે
આભાર પુરુષોત્તમભાઈ!
આપના આ પુસ્તકનું પ્રકાશનકાર્ય કરવામાં અમને પણ કંઈક અનેરો આનંદ થયો હતો!