વાંચનમાંથી ટાંચણ : નરેન્દ્ર સાંઢ

સુરેશ જાની

નરેન્દ્ર નામથી કયો ભારતીય નાગરિક અજાણ હશે? પણ આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નથી; અને નરેન્દ્રનાથ ( વિવેકાનંદ) ની પણ નથી! એટલે જ એ વિશિષ્ઠ પ્રતિભાને યોગ્ય રીતે ગુજરાતી વાચકોને જ્ઞાત કરવા આ શિર્ષક વાપર્યું છે. હા ! સ્વ. નરેન્દ્રકુમાર શર્મા સાંઢ (Bull)  તરીકે વધારે જાણીતા હતા.

    ૨૦૨૦ ની ૩૧ ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન પામેલ એ સાંઢ  ૧૯૩૩ ની સાલની ૮ મી ડિસેમ્બરે રાવલપિંડીમાં જન્મ્યો હતો. એમની જીવન કથની માનવ શરીરમાં સાંઢની તાકાતનું આપણને નિદર્શન કરાવે છે. એમની એ જીવનશૈલીની શરૂઆત કિશોરાવસ્થાથી જ શરૂ થઈ ગઈ હતી. માત્ર તેર જ વર્ષની ઉમરે એણે  પેરીસ ખાતે યોજાયેલ વિશ્વ સ્કાઉટ જમ્બોરીમાં એ વખતના સંયુક્ત પંજાબ રાજ્યના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. જીવનભર એણે એ ખમીર જાળવી રાખ્યું હતું.  

      પેરીસથી પાછો ફર્યો ત્યારે નરેન્દ્રને સ્ટીમરમાંથી મુંબઈ ઉતારવામાં આવ્યો હતો અને એની સાથેના મુસ્લીમ કિશોરોને કરાંચીમાં. કારણ? એ વખતે અખંડ ભારત દેશ બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો. એનું કુટુંબ તો ઘણા સમય પછી શિમલામાં સ્થાયી થયું હતું. ૧૯૫૦ની સાલમાં નરેન્દ્ર ભારતીય લશ્કરમાં ભરતી થઈ ગયો. લશ્કરની બોક્સિંગની એક સ્પર્ધામાં એનું લડાયક ખમીર ઝળકી ઊઠ્યું અને ઘણા પ્રતિસ્પર્ધીઓને એણે ચીત કરી દીધા. ત્યારથી એના નામ સાથે  ‘સાંઢ’નું ઉપનામ વળગી ગયું! ત્યાર બાદ ભાગ્યે જ એ નરેન્દ્ર શર્મા તરીકે ઓળખાતો હતો!

     ૧૯૫૪માં  દહેરાદૂનની લશ્કરી સંસ્થામાંથી ઉત્તીર્ણ થઈ તે કુમાઉં રાઈફલ્સમાં ભરતી થયો હતો. ત્યારથી જ ઊંચાઈવાળા પ્રદેશોમાં જીવન પસાર કરવાની એની તવારીખ ચાલુ થઈ, જે જીવન ભેર ચાલુ રહીઅને પહાડીઓ માટેનો એનો પ્રેમ જાગી ઊઠ્યો. ૧૯૫૮માં દાર્જિલિંગમાં હિમાલયન માઉન્ટેનિયરિંગ સંસ્થામાં તાલીમ લેવા પ્રવેશ મળે તે માટે નરેન્દ્રે  પોતાની શિયાળુ વેકેશનને પણ તિલાંજલી આપી દીધી હતી. એવરેસ્ટ વિજેતા તેનસિંગ નોર્ગેનો તે માનીતો વિદ્યાર્થી હતો. જીવનભર બન્ને ખાસ મિત્રો બની રહ્યા હતા.

    આ જ લાયકાતના કારણે લશ્કરના અધિકારીઓને પર્વતખેડુ તાલીમ આપવા માટે તેની નિમણૂંક થઈ હતી.  તેનસિંગની સૂચનાથી તેની ટીમે ૨૩,૩૬૦ ફૂટ ઊંચાઈ વાળા ત્રિશૂલ શિખરને સર કરવાનું બીડું ઝડપ્યું હતું  અને બહુ ટાંચા સાધનોથી એ કામ પાર ઉતાર્યું હતું.

     તરત જ ૧૯૫૯માં એવરેસ્ટ શિખર સર કરવા માટેની પહેલી ટૂકડીનો તે નેતા બન્યો હતો પણ ૨૮,૭૦૦ ફૂટની ઊંચાઈએથી એમને પાછા વળી જવું પડ્યું હતું. પણ આટલી ઊંચાઈએ સ્વદેશી અભિયાનથી પહોંચનાર પહેલો ભારતીય નરેન્દ્ર સાંઢ હતો.

       અને આમ ને આમ જ નરેન્દ્રની પર્વત પ્રીત વધતી રહી. ૧૯૬૧માં નીલકંઠ શિખર સર કરવાના અભિયાનમાં કાતિલ ઠંડીના કારણે તેના પગની ચાર આંગળીઓ થીજીને ખરી પડી હતી. પણ એવી હરકતોથી હિમ્મત હારે તો એ સાંઢ શેનો ? નંદાદેવી શિખર સર પહેલી વાર સર કરવાના ભારતીય અભિયાનને તેણે  નેતૃત્વ આપ્યું હતું . આની ચરમસીમા રૂપે ૧૯૬૫માં તેણે એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીયને નેત્રુત્વ આપ્યું હતું.

      આવી તો અનેક સિદ્ધિઓથી આ સાંઢની આખી જીવનગાથા ભરપૂર છે. એમાં એન્ટાર્કટિકાની  યાત્રા પણ સામેલ છે! લડાખમાં સિયાચીન હીમનદી વિસ્તારની એની કામગીરીના કારણે જ  ભારતીય લશ્કર ત્યાં પોતાનો કાયદેસરનો કબજો અમલમાં મૂકી શક્યું હતું. 

      ૧૯૮૪ માં નિવૃત્ત થયો  ત્યાં સુધી આ સાંઢને સતત પહાડીઓનો સાદ પ્રેરતો જ રહ્યો છે .  Indian Army’s High Altitude Warfare School. ના કમાન્ડિન્ગ ઓફિસર તરીકે તેણે આપેલી સેવાઓ કાબિલે દાદ છે. નરેન્દ્રે સિયાચીન વિસ્તારની એકઠી કરેલી સામગ્રીના આધાર પર જ ભારત સરકાર એ વિસ્તાર પર અધિકૃત કબજો જમાવવા માટેનું ઓપરેશન મેઘદૂત શરૂ કરી શકી હતી.

  અંગત જીવનની વાત કરીએ તો ૧૯૬૬ માં નરેન્દ્રે મૃદુલા સદાશિવ સાથે પ્રભુતામાં પગલાં ભર્યાં હતાં. તેમની દીકરી શૈલજા પણ પિતાના પગલે શિયાળુ ઓલમ્પિક રમતોની ખેલાડી છે. તેમનો દીકરો અક્ષયકુમાર પણ પર્વત ખેડવાના પ્રવાસનની કમ્પની ચલાવી રહ્યો છે.

  ભારત સરકારના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ અને બીજા એવોર્ડો નરેન્દ્રને ઉચિત રીતે જ મળેલા છે. પણ સિયાચીનમાં ભારતીય લશ્કરના મુખ્ય થાણાને કુમાર બેઝ નામ આપવામાં આવ્યું છે – એ એની કામગીરીની સૌથી વધારે શાનદાર કદર છે.  

સંદર્ભ –

https://timesofindia.indiatimes.com/india/the-bull-who-secured-siachen-for-india-dead/articleshow/80061218.cms

https://en.wikipedia.org/wiki/Narendra_Kumar_(mountaineer)


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “વાંચનમાંથી ટાંચણ : નરેન્દ્ર સાંઢ

  1. આપની વૈવિધ્ય સભર “ખણ ખોદ” ક્યારેક અવનવું પેશ કરી, તમારા નિષ્ઠાવાન “*# ખોજી#*” હોવાના પ્રમાણરૂપ j ગણાય.બહુ બધા અભિનંદન “સુ.જા.મહારાજ”!
    આનંદ.

  2. આવી ને આવી ખણ. ખોદ ચાલુ રાખી નવી નવી માહિતી આપતા રહેજો. સુ.જા. દાદા

  3. બહુ રસપ્રદ વાત છે. નરેન્દ્ર સાંઢ નામ પહેલી વાર સાંભળ્યું.જાણવાનું અને માણવાનું મળ્યું. આભાર.

Leave a Reply

Your email address will not be published.