તાજેતરમાં ‘કાવ્યવિશ્વ’ નામે સુંદર નવી વેબસાઈટનું કામ કરી રહેલાં લતાબહેન હિરાણી વેબ ગુર્જરી પરિવારમાં અગાઉ આવી ચૂક્યાં છે.તેમના ૧૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે. સાહિત્ય ક્ષેત્રે તેમને વિવિધ એવોર્ડ, પુરસ્કાર અને સન્માન પણ મળ્યા છે.
આજે તેમની ત્રણ રચનાઓ વેબ ગુર્જરી. પર પ્રસિધ્ધ કરતા આનંદ અનુભવીએ છીએ.
(દેવિકા ધ્રુવ અને રક્ષાબહેન શુક્લ – સંપાદકો – પદ્ય વિભાગ, વેબ ગુર્જરી.)
લતા હિરાણી
(૧) અછાંદસ
સાવ કોરો કાગળ જોઇએ મારે
ને એમાં મારું સ્થાન
ને મારી દિશા હું જ નક્કી કરું
લીટીઓ દોરી આપે કોઇ મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
એટલું જ ઉતરવાનું કે ચડવાનું
મને મંજુર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રકટતા શબ્દો……
(૨) તડકો
કદી કોઈ વાતે અછડતો અમસ્તો
ન’તો આસપાસે ફરકતો ય તડકો
જરી ઘાવ અમથા જ ખોલે વલોવે
અને રોજ પીડા ખડકતો જ તડકો.
હતા પાસ એને ધક્કાઓ દઈને
પથાર્યો સ્વયંનો સળગતો જ તડકો
પછી છાંયડા કાજ ઘમસાણ માંડ્યું
ઠરે કેમ, બાળે એ બળતો જ તડકો.
હવેલી અજબની, શું રોનક ગજબની
અહંનો અડે જો અકડતો જ તડકો
બને શૂન્યતાનું એ ખંડેર કેવું
કે પથરાય ચોગમ ગરજતો જ તડકો.
સફરના મિજાજે, ઉંમરના પડાવે
હતો દર વળાંકે વળગતો જ તડકો
ઢળ્યો જ્યારે છાંયો, સીમાડો કળાયો
જણાયો પછી તો સરકતો જ તડકો.
(૩) શબ્દો
છાતીમાંથી સરી રહ્યા છે કાગળ વચ્ચે
શબ્દો છાંયો કરી રહ્યા છે કાગળ વચ્ચે
ખીણ થૈને ડૂબે ડુંગર એ જ સમાએ
જીવન લઇ ફરફરી રહ્યા છે કાગળ વચ્ચે.
પ્રભાતીયે શું મીઠો કલરવ રેલ્યે જાતો
ટહુકે મનને હરી રહ્યા છે કાગળ વચ્ચે.
સૂરજ મારી આંખોમાંથી સવાર લઈને
ઝળહળ ઝળહળ સરી રહ્યા છે કાગળ વચ્ચે.
આંગણ મારા ‘તમે’ નામનો છોડ ઉગે ને
‘અમે’ છાંયડો કરી રહયા છે કાગળ વચ્ચે.
અલ્લક ઝલ્લક શ્વાસ પીધાના સમ્મ દીધા તો
રુંવાડા રણઝણી રહ્યા છે કાગળ વચ્ચે.
આકળવિકળ આંગળીઓ, ઓધાન રહ્યાં ‘તા
કવિતાજી અવતરી રહ્યા છે કાગળ વચ્ચે.
સાચુકલી આ ભાત પડી શબ્દોની હૈયે
સાતે ભવ સંચરી રહ્યા છે કાગળ વચ્ચે.
લતા હિરાણી :: સંપર્કઃ (મોબા: +91 9978488855)
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
અહીં ફરી એક વાર ‘ કોરો કાગળ’ વાંચ્યો અને માણ્યો.
અહીંની કડકડતી ડિસેમ્બરી ઠંડીમાં તડકાની હૂંફ પણ માણી.
પણ …
જો કાગળ કોરો જ રહે તો શબ્દો પણ અશબ્દની પાર્શ્વભૂમાં જ સરકી કાય નહીં વારૂ?
સોરી…
જો કાગળ કોરો જ રહે તો શબ્દો પણ અશબ્દની પાર્શ્વભૂમાં જ સરકી જાય નહીં વારૂ?
“જરી ઘાવ અમથા જ ખોલે વલોવે
અને રોજ પીડા ખડકતો જ તડકો.” સરસ રચના. તડકા માટે આવી ફરિયાદ પહેલી સાંભળી. નવો પ્રકાશ.
“અલ્લક ઝલ્લક શ્વાસ પીધાના સમ્મ દીધા તો
રુંવાડા રણઝણી રહ્યા છે કાગળ વચ્ચે.” સરસ લય. ત્રણે કાવ્યો ગમ્યાં.
સરયૂ પરીખ. saryuparikh@yahoo.com
કવિયત્રી લતાજી ની કવિતા, ગઝલ ખૂબ જ સરસ છે, તડકો ગઝલ વિષેશ ગમી.
સુ શ્રી કવિયત્રી લતાજીની ત્રણે કવિતા ખૂબ ગમી,
કાગળ વચ્ચેની ગઝલ સુંદર.
પ્રતિભાવ આપનારા મિત્રોનો ખૂબ આભાર.
મારી રચનાઓને અહીં સ્થાન આપવા બદલ વેબગુર્જરી અને સંપાદકોની આભારી છું.
લતા હિરાણી