અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : એલેક્ઝાન્દ્રિયા અને કેપિટલના સ્મારકો

દર્શા કિકાણી

૨૭/૦૫/૨૦૧૭

સવારે ઊઠી ચા-નાસ્તો પતાવી અને સાથે બેગમાં દિવસ દરમ્યાન જમવાની તથા ખાવા-પીવાની વસ્તુઓ લઈ અમે નિખિલભાઈ સાથે નીકળી પડ્યાં. અમેરિકન યજમાનો મહેમાનોને થેલામાં પાણી, નાસ્તો અને છત્રી સાથે રાખવા માટે ઘણો આગ્રહ કરે છે. પહેલાં દિવસને અંતે જ અમને આ આગ્રહની આવશ્યકતા સમજાઈ ગઈ.

નિખિલભાઈના આયોજન મુજબ પહેલે જ દિવસે અમે વોટર ટેક્ષી / જહાજ કે બોટ (Boat)માં પ્રવાસ કરવાનાં હતાં. તેમને ઘેરથી કારમાં નીકળી અમે નેશનલ હાર્બર ( National Harbour) પહોંચ્યાં. આ વિસ્તાર પોટોમેક નદીને કિનારે છેલ્લાં દસ વર્ષમાં વિકસાવવામાં આવ્યો છે. કેપિટલની નજીક વિશાળ જગ્યા અને વ્યવસ્થા મળવી મુશ્કેલ અને મોંઘી  છે એટલે ખાનગી કંપનીઓને, ઉદ્યોગજગતને અને ધંધાર્થીઓને યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે આ જગ્યાનો વિકાસ થયો છે. સુંદર કન્વેન્શન સેન્ટર બનાવ્યાં છે. અમે ગેલોર્ડ રિસોર્ટ (Gaylord Resort) નામે જાણીતા મેરિએટ હોટલ્સના (Marriot Hotels)સેવન સ્ટાર કન્વેન્શન સેન્ટરની મુલાકાત લીધી. નાના અને મોટા કમારાઓ, જરૂરી ટેકનોલોજી અને મુખ પર મીઠા સ્મિત સાથેનો સભ્ય સ્ટાફ,અદ્યતન અને સુખરૂપ સગવડોવાળું આ વિશાળ સેન્ટર સુંદર તો હતું જ,પણ સાથે સાથે ત્યાં રહેવાની, ખાવાપીવાની, મોજશોખની અને શોપિંગની પણ પૂરતી વ્યવસ્થા હતી. સુંદર ઝાડપાન, નદીનું વહેતું પાણી અને ઠંડો પવન, રંગબેરંગી પુષ્પો અને તેની તાજગી સાથે સાથે મનોરમ્ય  કલાકૃતિઓ એકમેકમાં સમાઈને ભવ્ય વાતાવરણ સર્જાતાં હતાં. કુદરત અને મનુષ્યોની કારીગરી એકબીજાને અનુરૂપ થઈ ઉદ્યોગજગત માટે કેવી વ્યવસ્થા વિકસાવી શકે તેનું ઉમદા ઉદાહરણ એટલે આવું કન્વેન્શન સેન્ટર! તેના સૌંદર્યની સાથે સાથે કે કદાચ તેનાથી પણ વધુ ત્યાંની સ્વચ્છતાના વખાણ કરવા પડે. હજારો માણસો ત્યાં હાજર હતાં પણ કોઈ બૂમાબૂમ નહીં, ગમે ત્યાં ફેંકાયેલ કાગળો કે કચરો નહીં. એકદમ ચોખ્ખાં ટોઈલેટ અને વોશરૂમ જેમાં તમને મળે પાણી અને સાબુની જરૂરી વ્યવસ્થા. ક્યાંય ગંદકી નહીં. અમેરિકાનો અમારો આ પહેલો જ દિવસ હતો એટલે કદાચ આ કન્વેન્શન સેન્ટરનો વધારે પ્રભાવ પડ્યો હોય તેવું પણ બને.

પોટોમેક નદીને કિનારે આવેલ બિઝનેસ કન્વેન્શન સેન્ટરની મુલાકાતથી શરુ થયેલ સફર આગળ ચાલી. અમે નેશનલ હાર્બરથી વોટર ટેક્ષી એટલે કે એક માળના, મધ્યમ કદના  સુંદર જહાજમાં બેઠાં. આશરે સો માણસોને સમાવી શકે તેવું જહાજ હતું. અમે બહારના ખુલ્લા ભાગમાં અડ્ડો જમાવ્યો.બહાર આઠ-દસ  જણ બેસી શકે તેવી વ્યવસ્થા હતી.જહાજના  કેપ્ટન પણ હતા, જેમની સાથે હાથ મિલાવવાનો લહાવો અમે લીધો. જહાજ એવું મોટું તો ન હતું પણ સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક હતી. ડોક છોડીનેજેવું જહાજ પોટોમેક નદીમાં સોએક મીટર ચાલ્યું હશે કે નેશનલ હાર્બરનો સુંદર નજરો વધુ સુંદર દેખાવા લાગ્યો. લાગે જ ને ? સાચું જ કહ્યું છે કે ડુંગરા દૂરથી રળિયામણા! બોટ ધીમે ધીમે ચાલવા લાગી. પેન્ટાગોન અને તેની નજીકની ઇમારતો પણ સરસ દેખાતી હતી. સુંદર પક્ષીઓ અને લીલ્લીછમ હરિયાળીને લીધે પાણીની સફર અહલાદક બની રહી. આપણે માટે તો પાણીની સફર એટલે જ નવાઈ! બોટની પાછળ થતાં સફેદ મોજાંની રૂમઝૂમચાલ અલ્લડ યુવતીની ચાલ જેવી ચંચળ અને મોહક લાગે. બોટની સાથેસાથે જ હોય પણ થોડુક અંતર જરૂર રાખે! આવા તોફાની વિચારો સાથે શાળાના મિત્રો હોય એટલે ધમાલ ગીતો અને મજાક મશકરી તો હોય જ ! જોતજોતામાં અમે અડધો રસ્તો પાર કરી લીધો.

જહાજ ઊભું રહ્યું અને અમે એલેક્ઝાન્દ્રિયાના કિનારે ઊતર્યાં. વિશ્વયુદ્ધ  ૧ અને ૨ તથા સિવિલ વોરમાં ખૂબ પ્રવૃત્ત એવાં આ શહેરમાં અમે થોડો સમય ફરી પાછાં આવી સફર આગળ વધારી. રસ્તામાં પુલની નીચેથી બોટ ગઈ ત્યારે પુલ જોવાની બહુ મઝા આવી. માણસ કુદરતને નાથવા શું શું કરે છે !

નેશનલ હાર્બરથી નીકળી બે-એક કલાકમાં અમે વોશિંગટન ડી.સી. (કેપિટોલ તરીકે પણ ઓળખાય છે) પહોંચી ગયાં. બોટમાંથી ઊતર્યાં ત્યારે કેપ્ટને અમને બરાબર પાંચ વાગે પાછાં આવી જવા કહ્યું હતું. કદાચ બહુ ઓછાં લોકો બોટની સવારી પસંદ કરતાં હશે એટલે ડોક જરા દૂર હતું અને દેખાય તેવું ન હતું. રસ્તા પર આવી બે-ત્રણ નિશાનીઓ ધ્યાનમાં રાખી લીધી જેથી પાછાં વળતાં ડોક શોધતાં તકલીફ ઓછી પડે.

એકાદ કિલોમીટર ચાલ્યાં હોઈશું ત્યાં ટુરીસ્ટ ઓફિસ દેખાઈ. જાણીતી ઈમારતો (Monuments) જોવા માટે થોડી માહિતી મળી રહેશે તેમ માની ઓફિસમાં ડોકિયું કર્યું. ઓફીસના કર્મચારી બહેનને અમારી જરૂરિયાત જણાવી. સુંદર શરીર-સૌષ્ઠવ ધરાવતાં એ શ્યામસુંદર બહેન પોતાની ઓફિસ છોડી અમારી સાથે રસ્તો ઓળંગી સામી બાજુ આવ્યાં. દૂરથી આવતી બસ જોઈ તેમાં બેસી જવા કહ્યું. પણ તરત જ ના કહી અમને રોકી લીધાં કારણ કે  એ બસ ખાનગી હતી અને તેનો ચાર્જ વધુ હતો. થોડી વારમાં સરકારી બસ આવી એમાં અમને બધાંને ચઢાવી ડ્રાઈવરને અમારી ભલામણ કરી પાછાં ઓફિસમાં ગયાં. કેટલી સૌજન્યતા ! ‘પોતાના દેશમાં પરદેશથી કોઈ આવ્યું છે તો એને બને તેટલી સહાય કરવી તે મારો ધર્મ છે’ તેવી ભાવના ! આવા માણસો જ્યાં હોય તે દેશ આગળ ના વધે તો જ નવાઈ !

તેમની પ્રશંસા કરતાં કરતાં અમે જેફરસન મેમોરિઅલ અને  લિંકન મેમોરિઅલ પહોંચી ગયાં. શું ભવ્ય સ્મારક! વિશાળ ઇમારત, ભવ્ય મૂર્તિ અને અદ્ભુત વાતાવરણ! હજારોની સંખ્યામાં માણસો. હૈયેહૈયું ભીંસાય તેવી ભીડ. પણ કોઈ મારામારી કે ખરાબ બનાવ નહીં. બધાં સેલ્ફી લેવામાં મસ્ત. કહો તો તમારો ફોટો પણ ખુશ થઈ પાડી આપે. બેઠેલા લિંકનની મોટી મૂર્તિ પાછળ લખાણ હતું જે ધ્યાન ખેંચે એવું હતું …. “In this temple…..” એ જાણે લિંકનનું મંદિર હતું! પગથિયા પર પણ  મોટા સુંદર અક્ષરોમાં માર્ટીન લ્યુથર કિંગના  પ્રખ્યાત શબ્દો કોતરેલા હતા…” I have a dream”. ત્યાંથી જરાય ખસવાનું મન થાય એવું ન હતું. થોડી વાર ત્યાં બેસીને અમે આગળ ચાલ્યાં.

લિંકન મેમોરિઅલથી આગળ તેનું સુંદર પ્રતિબિંબ પડે તેવું એક નાનું તળાવ છે અને તેને બીજે છેડે આવ્યું છે વોશીન્ગ્ટન મોન્યુમેન્ટ. આ ૫૫૫ ફૂટ ઊંચી ઇમારત પોતાના જમાનાની સૌથી ઊંચી ઇમારત હતી. જો કે પાંચ વર્ષ પછી બનેલ એફિલ ટાવર તેને  આંબી ગયું હતું. પરંતુ હજી આજે પણ પથ્થરની બનેલ ઇમારતોમાં તે સૌથી ઊંચી ઇમારત છે. કોઈ પણ ઇમારત માત્ર ઈંટ કે પથ્થરથી નથી બનતી. તેની પાછળ અનેક માણસો પોતાનો કીમતી સમય ફાળવતા હોય છે. આ વાક્ય અમને ત્યાં સાવ સાચું પડતું લાગ્યું. એક ગાયક ભાઈ ત્યાં ઊભા ઊભા ઇમારતની ભવ્ય ગાથા ગાઈ રહ્યા હતા. કોઈ જુએ કે ના જુએ, કોઈ સાંભળે કે ના સાંભળે, તે ભાઈ તો પોતાનામાં મસ્ત થઈ ગીત ગાઈ રહ્યા હતા અને લોકોને ઇમારત વિષે ગીતમાં સમજાવી રહ્યા હતા. મેં તેમની પાસે જઈ ઇમારત વિષે વાત કરી અને ગીતના શબ્દો વધુ ધ્યાનથી સાંભળ્યા. તેમની સાથે ફોટો પડાવ્યો અને ભવ્ય ઇમારતના ભાગ થઈ ધન્યતા અનુભવી. બધાં થાક્યા હતાં અને ભૂખ્યા થયાં હતાં. થોડી થોડી વારે પાણી તો પી જ લેતાં હતાં પણ હવે તો ભૂખ અને થાક પણ લાગ્યાં હતાં. બહારના બગીચામાં બેસી સાથે લાવેલ નાસ્તો કર્યો. બેગમાં ઊંચકી રાખેલ માલની મહત્તા ત્યારે સમજાઈ!

ત્યાંથી બસમાં બેસીને જ બીજાં જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી… વિએટનામ મેમોરિઅલ વોલ, નેશનલ મોલ, નેશનલ મ્યુઝીયમ, ફાઈન આર્ટસ મ્યુઝીયમ, સુપ્રીમ કોર્ટ વગેરે… અસંખ્ય સ્થળો, એક જુઓ ને એક ભૂલો તેવી ભવ્યતા. મહિનો પણ ઓછો પડે આ એક જ શહેરને ન્યાય આપવામાં! હજુ પાછાં વળતાં ફરી બે દિવસ વોશિંગટન ડી.સી. માં ફરવાનું હતું એમ વિચારી મન મનાવ્યું. સવારે જ્યાંથી બસ પકડી હતી લગભગ ત્યાં  પહોંચી ગયાં. પણ, વોટર ટેક્ષીનું ડોક શોધ્યું ય મળે નહીં. થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. ચાલવાની ઝડપ સાવ ઘટી ગઈ હતી. પાંચ વાગ્યાનો સમય પણ પાળવાનો હતો. છેલ્લી ફેરી હતી! સારા પગવાળા બે જાણ આગળ દોડ્યા અને ડોક શોધી ફેરી રોકી. જો કે કેપ્ટન પણ અમારી રાહ જોતા હતા. તેમને ખાતરી હતી કે અમે વોટર ટેક્ષીમાં જ પાછાં જઈશું. લગભગ સમયસર બધાં ડોક પર ભેગાં થઈ ગયાં અને અમને લઈને ફેરી પછી નેશનલ હાર્બર જવા ઊપડી. થાક્યા હતાં, થોડો વરસાદ હતો, થોડું અંધારું થવા આવ્યું હતું. વોશિંગટન ડી.સી.થી નેશનલ હાર્બરની સફર પ્રમાણમાં શાંત રહી!

નેશનલ હાર્બર પહોંચ્યાં ત્યાં તો મોટા પડદા પર અમેરિકન ફૂટબોલ મેચનું જાહેરમાં પ્રસારણ થઈ રહ્યું હતું. માહોલ બહુ જોરમાં હતો. જનતા  ટેમ્પોમાં હતી અને ખુશખુશાલ હતી. પણ અમે થાક્યા હતાં અને ઘેર જઈને જમીને જલદી સૂઈ જવાની ઇચ્છા હતી.

ભાર્ગવી તો અમારી રાહ જોતી જોતી થાકી ગઈ હતી. આજે પણ તેણે પૂરું ભાણું બનાવ્યું હતું. અમેરિકન યજમાનો બહુ ઉત્સાહી હોય છે. દેશમાંથી મહેમાન આવે ત્યારે તો ગાંડા ઘેલા થઈ જાય! મોડામોડા ઘેર પહોંચ્યાં પછી આખા દિવસની વાતો કરતાં કરતાં જરાક વધારે જ જમ્યાં ! આગ્રહ અને પ્રેમ વળી આટલી સરસ રસોઈ ! પછી બાકી શું રહે ? સવારની તૈયારી કરી. થોડો સામાન અહીં જ રાખી આગળની સફર માટે બેગ પેક કરી અને ન્યૂ-યોર્કનાં સપનાં જોતાં જોતાં સૂઈ ગયાં.ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

15 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : એલેક્ઝાન્દ્રિયા અને કેપિટલના સ્મારકો

 1. Very nice! DC is a great tourist city and with Nikhil’s help you saw it very well and covered it well.
  Waiting for next ep.
  amrish

 2. Your trip started with the Capital of our country, USA. Washington has lots of nice monuments.
  Very happy to know that all of you had a great time. Eager to read more about your USA trip.
  Mala & Jayendra

  1. Thanks, Mala and Jaybhai! We started with DC. Now, it will be New York, your home town! All the memories are still fresh…..

 3. Yes, you guys started with bang in with visit to historic DC. Even though it was your first day, you became familiar with American tourist sites and crowd in public places.
  One need more than a week in DC to visit each monuments, museums and what not but you had a good glimpses before moving to NYC and further around the country on a hectic trip to cover about 11-12 US states in 42 days stay as planned since months, itself is beyond someones dream.
  Again, it was Bhargavi’s and my pleasure to try our best to break the glass ceiling on day one.

  1. Thanks, Nikhilbhai! Yes, we really started with a babg! Thanks to you and Bhargavi! Nice planning and execution by all the friends!

 4. Yes, it was bang in first day with flying tour of historic DC. It was good that you got familiar with tourist sites and public places and of course got idea of walking around much in city.
  Again, it was Bhargavi and my pleasure to try to break glass ceiling in your day one as you were to cover about 11-12 US states in 42 days which was beyond someone’s dream.
  જે સફરની શરુઆત આટલી સુંદર રીતે થાય તે સફરનો અંત પણ અતિ સુંદર બને તે કદાચ કોઇકે યોગ્ય લખ્યું છે

 5. ખૂબ સુંદર વર્ણન! અમે જ્યારે 2008 માં અમેરિકા ગયા હતા ત્યારે ઉપરોક્ત સ્થળોની મુલાકાત લીધી હતી. આ લેખ વાંચીને એ બધી સ્મૃતિઓ તાજી થઈ ગઈ. ખૂબ રસપ્રદ રજૂઆત! હવે આગામી લેખની રાહ જોઈશું.

  1. Thanks, Shobha! The main purpose of writing this travelogue is served! Many people refresh their golden memories!

   Keep reading! Thanks again!

 6. જે સફરની શરુઆત સારી તે યાત્રાનો અંત પણ સરસ જ રહે તેમ કોઇએ સાચું લખ્યું છે. Going to DC in speed boat on Potomac river and seeing historic DC on your first day like you explained nicely in words, you broke the glass ceiling to start with of your 42 days trip covering 11-12 US states. Trip to nicest monuments gave you good feel of US tourist sites and crowd in public places while walking on feet for long.
  Again, it was a pleasure of Bhargavi-me to start like this from the heart of the country and back to Capital at the end too.

  Wish I could incorporate here your nice picture at the temple of Lincoln memorial or first dinner picture in US with friends at my home.

 7. જે સફરની શરુઆત સારી તે યાત્રાનો અંત પણ સરસ જ રહે તેમ કોઇએ સાચું લખ્યું છે. Going to DC in speed boat on Potomac river and seeing historic DC on your first day like you explained nicely in words, you broke the glass ceiling to start with of your 42 days trip covering 11-12 US states. Trip to nicest monuments gave you good feel of US tourist sites and crowd in public places while walking on feet for long.
  Again, it was a pleasure of Bhargavi-me to start like this from the heart of the country and back to Capital at the end too.

  Wish I could incorporate here your nice picture at the temple of Lincoln memorial or first dinner picture in US with friends at my home.

 8. Very interesting travelogue. Even though, being locals, we have been to these places many times but getting your perspective is valuable. Looking forward for the next episode.

Leave a Reply

Your email address will not be published.