પુસ્તક પરિચય – ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી

વેબગુર્જરી પર નવી શ્રેણી પુસ્તક પરિચય

ઘણા સમયથી આ શ્રેણી ચાલુ કરવા અંગે વિચારણા ચાલતી હતી. આખરે તે શરૂ થઈ રહી છે એનો આનંદ. અનેક પ્રકારનાં વિવિધ પુસ્તકો હવે ઉપલબ્ધ બન્યાં છે. આ સંજોગોમાં વાચકોને પુસ્તકો થકી માહિતગાર રાખી શકાય એ મુખ્ય હેતુ આ શ્રેણીના કેન્‍દ્રમાં છે.

વાચકોનો વર્ગ અને તેમની પસંદગી બહોળાં હોય છે. આ સંજોગોમાં અહીં મુખ્ય ઉપક્રમ પુસ્તકોના પરિચયનો છે. તેમનાં અવલોકન કે સમીક્ષાનો નહીં. તેમને વાંચવા કે વસાવવા તેનો નિર્ણય વાચકોએ જાતે લેવાનો છે. અલબત્ત, પરિચયકર્તા તેનો પરિચય પોતાની દૃષ્ટિએ કરાવશે.

આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

લેખક પરિચય

પરેશ પ્રજાપતિ આ અગાઉ એકાદ બે લેખ ‘વેબગુર્જરી’ પર લખી ચૂક્યા છે, પણ શ્રેણીનું આલેખન પહેલવહેલી વાર તેઓ કરી રહ્યા છે. રાસાયણિક પ્લાન્‍ટ પર કામ કરી રહેલા પરેશ પ્રજાપતિ વાંચન, સંગીત અને પ્રવાસના શોખીન છે. હર્ષલ પુષ્કર્ણાના માસિક ‘જિપ્સી’માં તેઓ નિયમિતપણે વિવિધ સ્થળોનો પરિચય કરાવે છે. આજથી દર મહિનાના ચોથા મગળવારે તેઓ વિવિધ પુસ્તકોનો પરિચય કરાવશે. 

સંપાદક મંડળ – વેબ ગુર્જરી


પરેશ પ્રજાપતિ

ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી

પિતાપુત્ર વચ્ચેના નાજુક સંબંધનું સચોટ આલેખન

જાહેરજીવનમાં સક્રિય વ્યક્તિનું અંગત જીવન પણ જાહેર બની જતું હોય છે. હર કોઈ તેના પર પ્રશ્ન ઉઠાવવાને પોતાનો હક્ક સમજે છે. ગાંધીજી બાબતે પણ આવું જ બનતું આવ્યું છે અને હજી બની રહ્યું છે.ગાંધીજીએ હિંદુસ્તાનને આઝાદી અપાવવાનાં સ્વપ્ન સેવ્યાં અને સાથે પોતાનાં સામાજિક ઉત્‍થાન અને કેળવણીવિષયક વિચારને અમલમાં મૂકવાની પોતાના ઘરથી શરૂઆત કરી.પરિણામે તેમના પુત્ર હરિલાલ સાથે તેમને તીવ્ર વૈચારિક મતભેદો સર્જાયા. આ સંબંધોને વિવિધ મનગમતા દૃષ્ટિકોણથી આલેખવામાં આવ્યો છે. દિનકર જોશી લિખિત નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ અને તેનું નાટ્યરૂપાંતર ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ તેમજ ‘ચંદુભાઈ ભગુભાઈ દલાલ લિખિત ‘હરિલાલ ગાંધી: એક દુ:ખી આત્મા’નું ફિલ્મરૂપાંતર ‘ગાંધી, માય ફાધર’ દ્વારાપણ તેરજૂ થઈ ચૂક્યો છે. હરિલાલ ગાંધીનાં દોહિત્રી (હરિલાલનાં દીકરી રામીબહેનનાં દીકરી) નીલમબહેનને લાગ્યું કે નાના હરિલાલ અને ગાંધીજી વચ્ચેના નાજુક સંબંધ વિષે નિષ્પક્ષ અને બન્ને બાજુથી માહિતગાર કરવા જોઈએ. કેટલાંક આધારભૂત લખાણો ઉપરાંત કૌટુંબિક માહિતી તથા પત્રોનો સહારો લઈ આ તેમણે વિચાર અમલમાં મૂક્યો. આ વિચારનો ન્યાયી અમલ એટલે ‘ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી.’

હરિલાલ સ્વતંત્ર મિજાજી હોવાથી પોતાનું ધાર્યું કરવા જતા. આમ કરવામાં તે સુકાન વગરની નૈયાની જેમ ફંગોળાતા અને સંજોગોના શિકાર બનતા રહ્યા. આરંભે ‘નાના ગાંધી’ તરીકે લોકચાહના મેળવનાર હરિલાલ એક તબક્કે દારુ અને ભોગના રસ્તે ફંટાયા. તેમની અને ગાંધીજી વચ્ચે પત્રવ્યવહાર સતત ચાલતો રહેતો. આવા સંજોગોમાં પણ તે ચાલુ રહેલો. તેમાં ગાંધીજીનો પુત્રસ્નેહ સહજ રીતે ઉપસી આવે છે. તે કહેતા: ‘હરિલાલનો દોષ હું નથી જોતો, કારણ કે તે બાના પેટમાં હતો ત્યારે હું વિષય પાછળ ભાગતો હતો.’

ગાંધીજી તેમજ હરિલાલનાં પુત્ર, પતિ, પિતા, દાદા તથા સસરા જેવાં વિવિધ પાસાં આ પુસ્તકમાં ખાસા ઉજાગર કરવામાં આવ્યા છે. એક તબક્કે હરિલાલે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો ત્યારે ગાંધીજીનો પ્રતિભાવ હતો કે સમજીવિચારીને ધર્મ સ્વીકાર્યો હોય તો કોઈ વાંધો ન હોઈ શકે. કારણ અંતે તો દરેક ધર્મનું લક્ષ્ય એક જ છે ને! આજના સમયે પણ કામ લાગે તેવી ધર્મ સંબંધિત સ્પષ્ટતા તેમનાં પત્રોનો એક મહામૂલો હિસ્સો બની રહે તેમ છે.

દિકરા- વહુઓને પત્ર દ્વારા અપાતી શિખામણ અને સમજાવટની આ પુસ્તકમાં આછેરી ઝલક મળી રહે છે. કાન વીંધવા, ખોળો ભરવો તેમજ ઘરેણાં પહેરવા બાબતે ગાંધીજીની ટિપ્પણીઓ આજેય એટલી જ વિચારપ્રેરક જણાય છે.

પિતાપ્રેમનાં અનેક ઉદાહરણો ઉપરાંત હરિલાલની ટીખળવૃત્તિ, પત્નિપ્રેમ, બાળકો પ્રત્યે ભાવ અને તેમના ઉછેરમાં બા-બાપુ પ્રત્યે વિશ્વાસ પુસ્તકમાં સમાંતરેદૃષ્ટિગોચર થાય છે. બલિબહેન પરના એક અપ્રગટ પત્રમાં નોકર ઝીલુ વિષે હરિલાલે લખ્યું છે, ‘તમારી બહેનને ખાતર હું તે નોકર માંગે તે આપવા તૈયાર છું, હું તેને ચાહું છું, કારણ કે તમારી બહેનને પ્યારો હતો.’ આ દર્શાવે છે કે હરિલાલમાં પ્રેમની સમજકેટલી ઉચ્ચ કક્ષાની હતી!ફાટેલાં કપડે બાને મોસંબી આપીને માતા પ્રત્યે પ્રેમ દર્શાવનાર હરિલાલ આંખ ભીંજવી જાય છે.

આવી વ્યક્તિ સમયના ચક્રમાં ગૂંચવાઈ, સામે પક્ષે જાહેરજીવનમાં પોતાના આચરણ દ્વારા સમાજને દોરનાર ગાંધીજીના પુત્ર તરીકે આચરણ કરવાનું હરિલાલ સહિત ભાઈઓના ભાગમાં આવ્યું. પાંચેય આંગળીઓ સરખી ન હોય, એ કહેવત ગાંધીજીનાં સંતાનો બાબતે સાચી ઠરી. તેનો અર્થ એ હરગીજ નથી કે બાપ-બેટા વચ્ચે ‘બાપે માર્યા વેર’ હતાં. ગાંધીજીના કેળવણીવિષયક વિચારો, સાધનશુદ્ધિ, સત્ય અંગે પહાડ જેવી દૃઢતા વગેરે ગુણોને લઈને તેમની સરળતા સમજવામાં મોટા ભાગના લોકો થાપ ખાતા રહ્યા છે, અને ચર્ચાઓ ઉઠતી રહી છે.

ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસની જાહેરાત વખતે હરિલાલે પણ ઉપવાસ કરવાની તૈયારી બતાવી તેમાં અને ‘એક અર્થમાં તે બહાદુર છોકરો છે કે તે પોતાનાં દુર્ગુણો છુપાવતો નથી અને તેનો બળવો ખુલ્લો બળવો છે.’એમ કહેતા ગાંધીજીનાશબ્દોમાં કટાક્ષ જોવો કે પ્રેમ તે અંતે તો વ્યક્તિગત સમજ અને દૃષ્ટિ પર આધારિત છે. હરિલાલના વિરહથી ઝૂરતા ગાંધીજી તથા વારંવાર પ્રાયશ્ચિત કરતા પણ સ્વભાવવશ ફંટાઈ જતા હરિલાલ વચ્ચેના નાજુક સંબંધ વિષે લેખિકાએ પોતે કશી ટીપ્પણી કરવાને બદલે તેમના પત્રોને જ બોલવા દીધા છે. પુસ્તકને અંતે પરિશિષ્ટમાં કેટલાકઅપ્રગટ પત્રો આપ્યાં છે જે વાંચવા અને ખાસ તો સમજવા જેવા છે. તેમાં હરિલાલનાં ગુલાબબહેન(પત્નિ), બલિબહેન(સાળી) તથા મનુબહેન(દીકરી) પરનાં પત્રોની સાથે કસ્તુરબાના અને ગાંધીજીના હરિલાલ પરનાં અપ્રગટ પત્રોના સમાવેશથી પુસ્તક સમૃદ્ધ બન્યું છે.

ગાંધીજી અને હરિલાલ વચ્ચેના સંબંધોના ‘મસાલેદાર’ આલેખનને બદલે શક્ય એટલું વાસ્તવિક આલેખન હોવાને કારણે આ પુસ્તક આ સંબંધોને જોવા માટેની એક જુદી જ દૃષ્ટિ આપે છે.

*** * ***

ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી
(પૃષ્ઠ સંખ્યા:૨૪૪‌) કિંમત : એક સો રૂપિયા
બીજી આવૃત્તિ, એપ્રિલ ૨૦૧૪
પ્રકાશક: નવજીવન મુદ્રણાલય, અમદાવાદ
Website: www.navajivantrust.org


શ્રી પરેશ પ્રજાપતિનો સંપર્ક pkprajapati42@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

1 thought on “પુસ્તક પરિચય – ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ ગાંધી

  1. वेबगुर्जरीना नवा वीभागमां शरुआत नवजीवन ट्रस्टना गांधीजीनुं खोवायेलुं धन – हारीलाल गांधीथी थई छे.

    पुस्तक परीचय जाण्या पछी ए पुस्तक वांचवानी अने हजी शुं जोईए के शुं रही गयुं एनी तालावेला थाय छे.

Leave a Reply

Your email address will not be published.