બે ગીત + એક ગ઼ઝલ

લંડનમાં સ્થાયી થયેલ કવિ શ્રી પંચમ શુક્લ ત્યાંની મેટ્રોપોલીટન યુનિવર્સિટિમાં વ્યાખ્યાતા છે અને યુકે.ની સાહિત્ય એકેડેમીના મંત્રી તરીકે સ્વૈચ્છિક સેવાઓ આપી રહ્યા છે. કવિતા તેમની ગળથૂથીમાં છે. તેમની કેટલીક કવિતાઓ અત્રે પ્રસિધ્ધ કરતા પદ્ય સંપાદન સમિતિ આનંદ અને આભારની લગણી વ્યક્ત કરે છે.

 (દેવિકા ધ્રુવ અને રક્ષાબહેન શુક્લ – સંપાદકો – પદ્ય વિભાગ, વેબ ગુર્જરી.)


પંચમ શુક્લનું ગીતઃ

૧)

લૂઆની જેમ મને લાંબો કરે છે મારા ભીતરની ખેંચ અને ટૂંકો પડે છે આજ ઢોલિયો!
પહોર પછી પહોર જેમ લંબાતા જાય એમ લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…
.

સિંદૂરિયો વાર અને વહેલી સવાર વળી અન્નપૂર્ણા સંચરી છે કામ પર,
સગડી પર ઊકળતું રાખીને દૂધ અને રાખી ભરોસો પૂરો રામ પર;
ડાબે ને જમણેથી નાણે છે ગંધ જાગું-જાગું થાતો આ ઓલિયો!
લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…. ટૂંકો પડે છે આજ ઢોલિયો!

ઉર માંહે પીંજાતી ઊર્મિનાં કસ્તર સૌ હેઠે બેઠાં ને ગીત ગૂંજ્યું,
રાખોડી આભમાંથી ઝરમરતું હિમદ્વવ્ય આવી attic પર વળૂંભ્યું;
કાળી કોફીમાં દૂધ પાડું ટીપુંક ત્યાં તો દીકરો માગે છે cookie Oreo!
લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…. ટૂંકો પડે છે આજ ઢોલિયો!


આ ગીત બાબતે અગત્યના શબ્દ ‘ઢોલિયો’ની વિશદ છાયા:

ઢોલિયો: પતિ. પતિ અર્થમાં ઢોલા શબ્દ સુપ્રસિદ્ધ છે. એ ઢોલાનો મૂળ સંબંધ સંસ્કૃત ધવ સાથે છે. ધવ એટલે પતિ, ધણી. ધવ શબ્દને સ્વાર્થિક લ પ્રત્યય લાગતાં તેનું ધવલ અંગ બને છે અને એ ધવલ ઉપરથી આ ઢોલા ને ઢોલિયો શબ્દ નીપજ્યા છે. ધવની સૂવાની ખાટને ઢોલિયો કહેવામાં આવે છે.

[સૌજન્ય: ગુજરાતી લૅક્સિકોન]


(૨)

“આજનું પોઝિટિવ ગીત” (આલબેલ ને અફલાતૂન!)

હર્ડ થઈને હડસેલાતાં થઈ ગયાં ઈમ્યૂન*.
આલબેલ ને અફલાતૂન! અફલાતૂન!

નૅઈલ-કટર લઈ અહિંથી કાપ્યા તહિંથી કાપ્યા,
ધોઈ ધફોઈ લૂછ્યા પાછા તડકે નાખ્યા;
આંગળીઓથી તોય વેગળા થયા ન આ નાખૂન.
આલબેલ ને અફલાતૂન! અફલાતૂન!

ખડેપગે ખાવિન્દ મળ્યા તે કોવિદ પણ ગોવિન્દ,
રામ ભરોસે રાસન, રસના રત છે પીવા રિન્દ;
ખટરસમાં ખ્યાલોને પકવે ખુશકિસ્મત ખાતૂન.
આલબેલ ને અફલાતૂન! અફલાતૂન!

હર્ડઃ જાનવરોનું ટોળું, ધણ વિશેષ કરીને સાથે ચરતાં કે ફરતાં, સામાન્ય લોકો(નું ટોળું)

આલબેલઃ અંગ્રેજી શાસનકાળમાં સરકારી ચોકિયાતો તરફથી ‘બધું સલામત છે’ એ મતલબનો કરવામાં આવતો એવો પોકાર

અફલાતૂનઃ સૌથી સારૂં, શ્રેષ્ઠ,બડાઈખોર, શેખી કરનાર.

ધોવું ધફોવુંઃ ખૂબ ધોઈકરીને સાફ કરવું

આંગળીથી નખ વેગળાઃ “પારકાં પોતાના ન બને”

ખાવિન્દઃ પતિ, ધણી, સ્વામી

રાસનઃ સીધું સામાન (ફાળવણી પ્રમાણેનું)

રસનાઃ જીભ

રિન્દઃ શરાબી, નિશ્ચિંત, બેફિકર

ખટરસ: ખારો, ખાટો, કડવો, તીખો, તૂરો, ગળ્યો એવા છ રસ

ખાતૂનઃ મોટા ઘરની ખાનદાન સ્ત્રી


(3) ગઝલઃ

કણ થઈ મણની વાત કરું શું?
મહેરામણની વાત કરું શું?

મકર સૂર્યને ગ્રસી રહ્યો છે,
ઉત્તરાયણની વાત કરું શું?

વાત, પિત્ત ને કફના નભમાં,
વાતાવરણની વાત કરું શું?

કાર્ય અને કારણનો બંદી,
નિષ્કારણની વાત કરું શું?

ટીપે ટીપે ભરાઉં છું જ્યાં,
ઉત્સારણની વાત કરું શું?

પાંચ આંગળીઓ ને છ અક્ષર ,
હસ્તાયણની વાત કરું શું?

અંગ ચડ્યો નથી હજી અનુષ્ટુપ,
રામાયણની વાત કરું શું?

પલકારાનો પાર ન પામું,
પારાયણની વાત કરું શું?

દધીચિના હું નગરનો વાસી,
નિજ અર્પણની વાત કરું શું?

અનન્યતાનો અપૂર્વ ઉદ્ભવ,
ઉદાહરણની વાત કરું શું?


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “બે ગીત + એક ગ઼ઝલ

  1. બંને ગઝલો અને તેનું વિશ્લેષણ – આસ્વાદ બંને લાજવાબ. વાંચવાની મજા આવી. આભાર 

  2. બન્ને ગીત અને ગઝલ ખૂબ સરસ, બન્ને ગીતના શબ્દોનું સુંદર વિશ્લેષણ
    મઝા આવી. આભાર.

Leave a Reply

Your email address will not be published.