ઘાશીરામ કોટવાલ : વાત ૨૫.

દિવાન શાકેરરામ દલપતરામ

ઘા૦— (બીજું એક ચિત્ર હાથમાં લઇને બોલ્યો) આ દીપમાળ જેવું જણાય છે.

મુ૦— દીપમાળ નથી. એને “પાંપીનો સ્તંભ“ કહે છે. તે મિશ્રદેશમાં સિકંદર નામના શહેરની દક્ષિણ તરફના દરવાજાની બહાર અરધા કોશથી કાંઈક નજદીક છે. આ સ્તંભ એક આખા પથ્થરનો છે. તેની ઉપરની માંચી નવ ફુટ ઉંચી છે, અને તેની નીચેનો સ્તંભ ૯૦ ફુટ ઉંચો ને તેનો વ્યાસ નવ ફુટ છે. તે શિવાય નીચલો ભાગ ૧૫ ફુટ સમચોરસ એટલે સાઠ ફુટ પરીઘ સંગેમરમરના પથ્થરનો છે. એકંદર ઉંચાઈ ૧૧૫ ફુટ છે, એ થાંભલો ઘુંટીને સાફ લીસો બનાવેલો છે.

ઘા૦— એ સ્તંભ કોણે ને ક્યારે બાંધ્યો.

મુ૦— પાંપી નામનો મોહોટો નામાંકિત સેનાપતિ રોમના રાજ્યમાં થયો હતો. તેનો જન્મ ઈસ્વી સન પહેલાં ૧૦૬ વર્ષ ઉપર થયો હતો, ને તે ઈસ્વી સન થવા પ્હેલાં ૪૮ વર્ષ પર માર્યો ગયો. તેણે ઘણાં મોહોટાં પરાક્રમ કર્યાં છે, વાસ્તે તેનું નામ રાખવા સારુ આ સ્તંભ લોકોએ પોતાના ખરચથી તૈયાર કર્યો, એવી કલ્પના લોકો કરે છે; પણ એ સ્તંભ કોણે કોને વાસ્તે બાંધ્યેા છે, તેનો પાકો દાખલો મળ્યો નથી.

ઘા૦— એ સ્તંભ ઉપરની માંચી ઉપર કોઇ કદી ચ્હડયું હશે ?

મુ૦— સ્તંભ ઘણો લીસો હોવાથી ચ્હડાઈ શકાતું નથી; પણ થોડા વર્ષ ઉપર એટલે ઇસવી સન ૧૭૮૧ ના વર્ષમાં તે માંચી ઉપર અંગરેજ જાતના ખલાસીની એક ટોળી ચ્હડી હતી. તે ટોળિએ આ સ્તંભ પોતાના જહાજ ઉપરથી જોઇને એવી પ્રતિજ્ઞા કરી હતી કે, તે ઉપર ચ્હડીને શરાબ પીવો. બાદ તે પ્રતિજ્ઞા પ્રમાણે તે ટોળી કિનારા ઉપર ઉતરીને સ્તંભ પાસે ગઈ ને તે ઉપર ચ્હડવા અનેક ઉપાય કર્યા; પણ તે સઘળા નિષ્ફળ ગયા. આખર એક પતંગ વેચાતી લાવી સુતળી બાંધી ઉડાડ્યો; ને તેને માંચી ઉપર થઇને બીજી બાજુ પરથી ઉતારીને સુવાડી દીધો. પછી તે પતંગની સુતળીને દોરડું બાંધી તે માંચી ઉપર ખેંચી લીધું, ને તે દોરડાથી એક ખલાસી માંચી ઉપર ચ્હડી ગયો. બાદ બીજાં દોરડાં લાવી બે અથવા અઢી કલાકમાં તે દોરડાની સીડીઓ બનાવી તે ઉપર સઘળા ટોળીવાળા ચ્હડી ગયા, ને પ્રતિજ્ઞા પ્રમાણે તેઓએ તે જગે દારુ પીધો. આ તમાશો જોવા સારા આસપાસનાં હજારો લોક એકઠાં થયાં ને ખલાસીઓએ તારીફ લાયક કામ કીધું, એવું હાલ સુધી ત્યાંના લોકો કહે છે.

ઘા૦— એમાં અમને કાંઈ આશ્ચર્ય લાગતું નથી; કેમકે હાલમાં ઘોરપડે કરીને સરદાર છે; તેના વડીલો એ ધુઅડ પક્ષીની કમરે દોરડું બાંધીને તેને બદામી કિલ્લા ઉપર ચ્હડાવ્યું. તે ઉપર જઈને વળગી રહ્યું; બાદ તે દોરડે વળગીને લોકો ચ્હડી ગયા ને કિલ્લો સર કીધો. તે ઉપરથી સતારાના મહારાજે માલોજીરણસિહને ઘોરપડે અમીરુલ ઉમરાવનો ખિતાબ આપ્યેા.

મુ૦— કિલ્લાના કોટમાં ને આ સ્તંભમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે કોટના પથ્થર ખરબચડા છે; તેથી ઘુઅડને પોતાના પગના પંજાના નખો વળગાડવાનો આધાર હતો, ને બદામી કિલ્લા જેવા કિલ્લા ઉપર અંગ્રેજ લોકો સીડી મૂકીને ચ્હડી જાય છે; ને એ સ્તંભ તો કાચના જેવો લીસો છે; તેમાં તમારી ઘુઅડ બિચારીનું શું ચાલે ? વળી બદામી કિલ્લો એટલો ઉંચો પણ ક્યાં છે?

–¤¤¤¤¤¤¤¤–


ક્રમશ:


સ્રોત – ૠણ સ્વીકાર – ઘાશીરામ કોટવાલ 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.