બંદિશ એક, રૂપ અનેક (૭૪): “હરિ નો મારગ છે શૂરા નો”

નીતિન વ્યાસ

પ્રીતમદાસ  (૧૭૭૪ -૧૮૫૪)

શ્રી પ્રીતમદાસ- એ નામે અઢારમી સદીમાં થયેલ એક કવિ. 

ઓગણીસમી શતાબ્દી માં ઉચ્ચ કોટિના જે અનેક જ્ઞાનચારિત્ર્યસંપન્ન સંતમહાત્માઓ ગુર્જરભૂમિને પદરજથી પાવન કરી ગયા છે તે પૈકીના આ એક મહાત્મા પ્રીતમદાસજી છે. તેમની વાણી સારી પેઠે પ્રસરી ચૂકેલી હોઈને હજી પણ તેમની લોકપ્રિયતા જેવી ને તેવી છે. 

જેમકે, “જીભલડી રે તુંને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી રે.”, “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને” એ પંક્તિથી શરૂ થતા મહાત્મા ગાંધીજી ને પ્રિય થઈ પડેલા પદ્યના કર્તા પણ એજ પ્રીતમદાસ છે. કક્કર કર સદ્દગુણનો સંગ, એ તો અતિ પ્રસિદ્ધિ પામેલ છે. એના સોરઠ રાગના જ્ઞાનમાસ તંબૂરા સાથે ભક્તજનો મુક્તકંઠે હજુ આજે પણ ગાઈ રહ્યા છે. 

પ્રીતમદાસ ના લખેલાં  શ્રીકૃષ્ણ લીલા નાં અનેક પદ, માસ ને ગરબીઓ ગુજરાતી સ્ત્રીઓને પેઢી ઉતાર કંઠે રહેતાં આવ્યાં છે. એમનાં મંદિરો, હસ્તલિખિત પ્રતો, જૂનાં કાગળિયાં,તેમ જ ગામ સંદેસરના વૃદ્ધ પુરુષો અને મંદિર ના વહીવંચો પાસેથી આપણે જાણી શકીએ છીએ. 

તેમનો જન્મ બારોટ જ્ઞાતિમાં સંવત ૧૭૭૪ થી ૮૦ના અરસામાં થયો હતો. તેમનું દેહાવસાન સંવત ૧૮૫૪ના વૈશાખ વદિ ૧૨ ને મધ્યાહ્નકાળે થયું, એમ તેમના મુખ્ય શિષ્ય નારણદાસે પોતાને હાથે ઉતારેલી પ્રીતમદાસની ભગવદ્દગીતાની પ્રતમાં છેવટે લખેલું છે. તેમના પિતાનું નામ પ્રતાપસિંહ તથા માતાનું નામ જેકુંવરબા હતું. તેમનું જન્મસ્થાન સંદેસર નહિ પણ બાવળા ગામ હતું. 

મહંત પ્રભુદાસજી કહે છે કે, તે ગામને પાદરે રામાનંદી સાધુઓની જમાત આવેલ, ત્યારે તેઓ દસ પંદર વરસની અવસ્થામાં અંધદશામાં હતા. પૂર્વજન્મ ના કોઈ ઉચ્ચ સંસ્કારોને લીધે તેઓ શેરી માં રમતાં રમતાં પણ કેટલીક વાર ભક્તિનાં પદ જોડી કાઢતા. રામાનંદી સાધુઓની જમાતના મહંત ભાઈદાસજી પાસેથી એ બાળકે ગુરુમંત્ર લીધેલ અને પછી તેમની ગાદીના સ્થાન ચૂડા-રાણપર તે જમાત સાથે ગયેલ અને ત્યાં ઉપદેશ શ્રવણ કરેલ. આ પછી તેમણે ફરતાં ફરતાં સંવત ૧૮૧૭માં સંદેસરમાં આવીને ભજન કર્યું. અને છેવટ સુધી સંદેસરમાં જ મુકામ રાખ્યો. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લખે છે કે, ઊતરતી વયે એ ઘણું કષ્ટ પામેલ છે. 

પ્રીતમદાસ જન્મથી જ અંધ હતા. કોઈ કોઈ એમ પણ કહે છે કે, તેઓનાં ચક્ષુ બાર વરસની વયે ગયાં હતાં. એકાદશ સ્કંધમાં લહિયાઓનાં હાથથી લખાયેલા પુષ્કળ શબ્દો બહુ જ અશુદ્ધ રહેલા છે. જેમકે, `સંદેહ `ને બદલે `સંધે, “અવિનાશ `ને બદલે  “અવિન્યાસ`, `સ્પર્શ `ને બદલે `પ્રસપ્રસ `, `શૂદ્ર`ને બદલે `સૌદ્ર `, `ગાંધર્વ `ને બદલે `ગ્રાંધવ `, `અવશ્યમેવ`ને બદલે `અશ્વમેવ `, `સ્વર્ગ `ને બદલે `શ્રગ `, `અનાદિ `ને બદલે `આનહ `ઇત્યાદિ.એટલે તે ઉપરથી પણ પ્રીતમદાસ જન્મથી નહિ તો બચપણથી જ ચક્ષુરહિત બનેલા હોવાની વાતને પુષ્ટિ મળે છે. પોતાની પાસે હંમેશા તે વખતના ત્યાંના ભક્તમંડળના ચાર પાટીદાર લહિયાઓને રાખતા. 

આ લહિયાઓ પ્રીતમદાસના ઉચ્ચારને બરાબર ન સમજી શકે અને પોતાની ગામઠી રીતે જેવું આવડે તેવું લખે એ દેખીતું જ છે. આ લહિયાઓ ને પ્રીતમદાસ એકી સાથે એક એક પદ મંડાવતા અને દરેકને વારાફરતી તેના પદની અકેક લીટી આપતા જતા. એ રીતે તેઓ ચારે ય પદ એક સાથે પૂરાં કરાવતા. એક રાગનાં ચાર પદોને ચોહર અથવા ચોસર કહે છે. લહિયાઓએ પોત પોતાની આવડત પ્રમાણે લખેલી ભાષાને પ્રીતમદાસ અંધ હોવાથી સુધારી શકેલા નહિ, તેથી જ પ્રાસ કે છંદ પણ કોઈ કોઈ સ્થળે તેમાં અધૂરા રહ્યા છે. પ્રીતમદાસના મરણ બાદ કૃષ્ણલીલાનાં પદોના સંગ્રહ સિવાય ની લગભગ તેની બધી કવિતાઓની નકલ એક જ પ્રતમાં તેમના શિષ્ય નારણદાસે સ્વહસ્તે કરેલી છે. આમાં કેટલીક કવિતાની ભાષા શુદ્ધ છે ને કેટલીક અશુદ્ધ છે. તે ઉપરથી પણ સમજાય છે કે, તેમની કવિતાઓ જુદે જુદે હાથે લખાયેલી હોવી જોઈએ. પ્રીતમદાસને ૩૪ શિષ્યો હતા. તેમના શિષ્ય નારણદાસને ૫૪ શિષ્યો હતા, તે સર્વ ત્યાગી હતા. પ્રીતમદાસની પાછળ સંવત ૧૮૫૫માં ભંડારો થયો હતો. નારણદાસના સમયમાં પ્રીતમદાસના નામનાં બાવન મંદિર હતાં. આ મંદિરોમાં ત્યાગી સાધુઓ જ રહી શકતા. ઘરબારીઓને મંદિરમાં મહંત અથવા સાધુ તરીકે રહેવાની બંધી હતી. ઉપલાં બાવન પૈકી પંદર વીસેક મંદિરો હવે ચાલુ હોઈ બાકીનાં બંધ પડેલાં છે. પ્રીતમદાસજીનાં મંદિરોમાંના ઠાકોરજીની મૂર્તી કુંજવિહારીલાલ કહેતા અને પછી પ્રીતમદાસના વખતમાં એક બીજા ઠાકોરજી પધરાવવામાં આવેલા, તેમને `જાનરાય `કહેતા. આજે પણ ` શ્રી જાનરાય ` ના જ નામનું ખાતું ચાલે છે. આજે પણ પ્રીતમદાસ ` પ્રીતમસાંમી`. તરીકે જ ઓળખાય છે. 

એમની ગુરુપરંપરા નીચે પ્રમાણે છે: રામાનંદ સ્વામી સંવત ૧૩૫૬માં થઈ ગયા. તેમની પેઢીએ કુબાજી સ્વામી ઉર્ફે કેવળદાસ સંવત ૧૬૧૧માં જીટડાની ગાદી ઉપર આવ્યા. તેમની શિષ્યપરંપરામાંના કરસનદાસ નામે એક સાધુ ચૂડા-રાણપુર જઈ મંદિર બાંધીને રહ્યા. આ કરસનદાસના શિષ્ય આત્મારામ અને આત્મારામના શિષ્ય ભાઈદાસજી થયા. આ ભાઈદાસજીને ચાર શિષ્ય હતા, તેમાં મોટા બાપુજી અને બીજા પ્રીતમદાસ હતા. તે સંદેસરમાં જઈ રહ્યા. કહેવાય છે કે, પ્રીતમદાસ સંદેસરમાં એક પટારો ભરીને પુસ્તકો મૂકી ગયા હતા. પાછળથી એમાંના ઘણાંખરાં પુસ્તકો મંદિર સાથે સંબંધ ધરાવતો એક બ્રાહ્મણ પોતાને ઘેર લઈ ગયો હતો. પરંતુ તેનું ઘર બળવાથી તે નાશ પામ્યાં હતા. કહેવાય છે કે,બીજાં કેટલાંક પુસ્તકો સાધુઓ લઈ ગયા હતા. અત્યાર સુધીમાં તેમનાં મળી આવેલાં જે કાવ્યોમાંથી તેના રચાયાની સાલ મળી આવે છે તેની વિગત નીચે પ્રમાણે છે: ૧. સરસગીતા ( સં. ૧૮૩૧ ); ૨. જ્ઞાનકક્કો ( સં. ૧૮૩૨ ); ૩. સોરઠ રાગના મહિના ( સં. ૧૮૩૮ ); ૪. જ્ઞાનગીતા ( સં. ૧૮૪૧ ); ૫. ધરમગીતા ( સં. ૧૮૪૧ ) ૬. સાખીગ્રંથ (સં. ૧૮૪૫ ); ૭. એકાદશ સ્કંધ ( સં. ૧૮૪૫ ); ૮. જ્ઞાનપ્રકાશ ( સં. ૧૮૪૬ ); ૯. બ્રહ્મલીલા ( સં. ૧૮૪૭ ); ૧૦. પ્રેમપ્રકાશ ( સં. ૧૮૪૭ ); ૧૧. વિનયદીનતા ( સં. ૧૮૪૮ ) ૧૨. ભગવદ્ગીતા ( સં. ૧૮૫૨ ).

સ્વામીનારાયણી સાધુ, શોભે પ્રીતમદાસ આ, ત્યાગ વૈરાગ્ય મંદિરે, પમરાવેલ પવિત્રતા.

– શ્રી દેશળજી પરમાર (ભગવદ્દગોમંડળ માંથી સાભાર) 

આજની કવિતા અને તેનો રસાસ્વાદ:

હરિનો મારગ છે શૂરાનો , નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવુનામ જોને.

સુત, વિત, દારા, શીશ સમરપે, તે પામે ૨સ પીવા જોને;
સિ ‘ધુ મથે મોતી લેવા, માંહી પડવી મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ
તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમ પંથ  પાવકની વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડી મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને,

માથા સાટે મેંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો  મેલ જોને.

રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે  છે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દંન  નીરખે જોને.

પ્રીતમ

(કવિ શ્રી પ્રીતમદાસ ની આ રચના ઉપર પ્રમાણે પદ-૫૮ માં આ ૧૨ કડીઓ નાં અનુસંધાન ઉપરાંત પદ-૫૯ અને ૬૦ માં બીજી ૨૦ કડીઓ છે. “નાદબ્રહ્મ” – ૧૯૫૮ ની સાલ માં ભક્ત સમાજ, શ્રી રામકબીર મંદિર, સૂરત દ્વારા પ્રકશિત પુસ્તક આ માહિતી મળે છે.)


પ્રીતમ મધ્યયુગના છાતીકઢો  ને ઉન્નતશીષ ભક્તકવિ છે. તેની ભક્તિ વેવલી નથી. ભક્તિની માત્ર મોટી  મોટી વાતો કરનારાને તે ચેતવણી આપે છે.

ભક્તિ બીકણ, ભયભીત, બાયલા, લાચાર, હારેલા, દીન, દુબળા માટે નથી. ભક્તિ તો શૂરવીરતામાંથી પ્રગટે છે. તે શૂરવીરતામાંથી પ્રગટે છે એટલે તો શોભે છે. ભક્તિના માગે જવાવાળાએ પોતાની જાતને પ્રથમ ન્યોછાવર કરવી પડશે, પછી જ ભક્તિનું નામ લઈ શકાશે..


પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને


મસ્તક મૂકનારને જ ભક્તિનું નામ લેવાનો અધિકાર છે. મસ્તક એટલે શું ? કવિ શુ’ આ સ્થૂળ શરીર ઉપર રહેલા દૈહિક મસ્તકની વાત કરે છે ? આવી ભ્રાન્ત સમજણ થી કેટલાંયે ભગવાનની મૂર્તિ સમક્ષ પારકાં ને પોતાનાં માથાં વધેર્યા છે. પરંતુ અહીં કવિ જુદું કહેવા માગે છે. “મસ્તક” શબ્દ કવિએ અહંકારના પ્રતીક તરીકે પ્રયોજ્યો છે.
ભગવાનને રીઝવવા શું ધરશો  ? ભગવાન પાસે શું નથી ? બધું છે. માત્ર તેને આપણા અહંકારની ભૂખ છે. તારા નાનકડા હૃદય સિંહાસન ઉપર બે નહિ બેસી શકે. કાં અહંકાર બેસી શકશે કે પ્રભુ બેસી શકશે. જો પ્રભુ ને હૃદય માં પ્રતિષ્ઠિત કરવા હશે તો અહંકાર ગયે જ છૂટકો. એ અહંકાર સાથે કોણ કોણ જોડાયેલા છે ? સુત, વિત, દારા ને શીશ એ અહંકાર ને પોષવવાળાં તત્ત્વ છે.


સુત, વિત, દારા, શીશ સમર પે તે પામે રસ પીવા જોને”


પુત્રૈષણા, વિજોષણા ને કામવાસનાને છોડયા વગર હરિરસનો અમૃતાનુભવ નહી’ લઈ શકાય. અહી’ શીશ એ મન અને બુદ્ધિનું પ્રતીક છે.

ગીતા માં ભગવાને માગણી મૂકી છે :


मध्येव मन आध्स्तवे मयि बुद्धि निवेशय I (12-8)

મન એટલે વિકાર
મન એટલે વાસના
મન એટલે લાગણી
મન એટલે શ્રદ્ધા
મન એટલે પ્રેમ.

વિકાર, વાસના, લાગણી, શ્રદ્ધા ને પ્રેમ બધુ જ ભગવાન ને સમર્પિત કરી દેવાનું છે. એ જ રીતે-

બુદ્ધિ એટલે વિચાર
બુદ્ધિ એટલે વિવેક
બુદ્ધિ એટલે ચિંતન
બુદ્ધિ એટલે તર્ક
બુદ્ધિ એટલે નિશ્ચય.

વિચાર, વિવેક, ચિંતન, તર્ક અને નિશ્ચય પણ પ્રભુચરણે અર્પણ કરવાનાં છે. આનો અર્થ જ શીશનું સમર્પણ.
ભક્તિ એ તો સાચું મોતી છે. ફટકિયું મોતી હોય તો વાટે ને ઘાટે મળે. આ સાચું મોતી સ્વપુરુષાર્થથી જ મેળવી શકાય. મરજીવા બનીને નેહસિંધુનાં અતલ ઊ’ડાણ માં ડૂબકી મારવાની ત્રેવડ હશે તેને સાચાં મોતી મળશે. મોતી કાંઈ રસ્તામાં નથી પડયાં ! આ તો સ્નેહસમુદ્રનાં મોતી છે. આ મોતી મેળવવા માટે તો મૃત્યુની પણ પેલે પાર જવું પડશે.


મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને”

મૃત્યુને અતિક્રમી શકશે તે જ મોતીની મૂઠી ભરી શકશે. દિલની તમામ એષણાઓને વામી દેવાની, હોમી દેવાની તૈયારી હોય તે જ ભક્તિના સાગર માં ડૂબકી લગાવશે. પણ –

તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને 


તીરે ઊભા રહી પાંડિત્ય ની ભાષા માં સાગરનું વર્ણન કરનારા એક ફૂટી કોડી પણ પામશે નહીં’. તમાસો જોવાવાળા જ ઘણા  હોય છે, તે માત્ર તાળીઓ જ પાડે છે, ભક્તિની મોટી વાતો કરનારા પોથી પંડિતો ઉપરનો  આ જબરો કટાક્ષ કરી પ્રીતમ આગળ કહે છે:

પ્રેમ પથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને” 


પ્રેમને પંથ તો આગથી છવાયેલા છે. પ્રેમભક્તિ તરફ જવું એટલે આગમાં કૂદી પડવું. પણ આગની અગન-જ્વાળા જોઈને માણસ પાછો  ભાગે છે. કોણ હિંમત કરે આગમાં કૂદવાની ? કોઈ વીરલા જ એ પ્રેમળ, પાવક,જવાળામાં કૂદી પડે, અને આગની જવાળામાં જતાં જ–

માંહી પડથા તે મહાસુખ પામે, દેખણુહારા દાઝે જોને” 

એ અમૂલ્ય અનુભવ થાય છે. “ મહાસુખ’ પામે છે. ‘સુખ’ નહીં’, મહાસુખ. સુખ જુદું, મહાસુખ જુદું. સુખ
એટલે દુઃખનો અભાવ, દુઃખ એટલે સુખનો અભાવ. પણ મહાસુખ’ દુઃખ ને સુખ બનેથી પર. સુખ-દુઃખ તડકી-છાંયડી જેવા, આવે ને જાય, મહાસુખ મળ્યું એટલે મળ્યું. કોઈ દિવસ જવાનું નહીં’. તેનું નામ જ આનંદ. ભક્તિ ની આગમાં પડેલા તેવું મહાસુખ માણે છે અને દેખણહારા દાઝે છે—ઇર્ષાના, અદેખાઈના અગ્નિમાં. ભક્તિ તો અમૂલ્ય છે. રેઢી નથી પડી. માળાના મણકા ગણવાથી કે ભભૂતિ લગાડવાથી ભક્તિ નહીં* મળી જાય. ભક્તિ એ તો સમગ્ર અહંકાર નું રૂપાંતર કરવાની સાધના. છે. માથું બદલવાનું છે.

માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીસહેલ જોને”


માથામાં ભરેલાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને ઈશ્વરને ચરણે ધર્યા વગર ભક્તિનો રસ કેવી રીતે મેળવી શકાય? પણ ભક્તિરૂપી અમૂલ્ય મોતી મળી ગયું તો?


મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનને મેલ જોને”


મનનો મેલ એટલે અભિમાન. આટલી તીવ્ર-દીર્ઘ  સાધના કર્યા પછી પણ જેને અભિમાનને સ્પર્શ નથી થયો તે મહાપદ પામે છે. મહાપદની ઉપર બીજુ કઈ પદ નથી. તે અંતિમ  પદ છે, પરમ પદ છે. આવું મહાપદ પામ્યા પછી પણ તે અભિમાનથી ફુલાતો નથી. તે નમ્રતાની મૂર્તિ છે ને તેજનો ભંડાર છે. એવા પદને પામ્યા પછી ભક્તનું જીવન કેવું હોય છે ?


રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને?”


એકવાર ચડયા પછી કોઈ દિવસ ન ઊતરે તે ભક્તિને અમલ તેને ચડયો હોય છે. તે હંમેશા મસ્ત રહે છે.
નિત્ય આનંદમાં રહે છે. કોઈ નિરાશા તેને સ્પર્શતી નથી. જેને પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થયો છે, જે અંતરબાહ્ય નખશિખ પૂરેપૂરા પ્રેમી થઈ ગયા છે તેને વળી દુઃખ કેવું ? નિરાશા કેવી ? તેઓ તો સદાય તાજા ને માજા–રાતા ને માતા. આ બ્રહ્માન્ડના અસીમ ફલક ઉપર નિત્ય ચાલતી સર્જનહારની લીલા નીરખવામાં તેઓ મસ્ત હોય છે.


પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દંન નીરખે જોને”

                                                                                                                                               રાત ને દિવસ, નિદ્રા અને જાગૃતિમાં તેઓ પ્રભુની નિરંતર ચાલતી લીલા જોવામાં મુગ્ધ હોય છે. ખરા ભક્ત માટે સંસાર વજર્ય, તિરસ્કૃત નથી. આ સૃષ્ટિ અને આ સંસાર બંને તેમને સુંદર લાગે છે. કારણ કે આ પોતાના ખુદ પ્રાણપ્યારા સ્વામિની જ લીલા છે. તેઓ આ દર્શનથી રાત ને દિવસ આનંદમાં રહે છે. તેઓ સાચા છે, પ્રભુની લીલાના દ્રષ્ટા. આવી ભક્તિ એ કાંઈ કાયરોના ખેલ નથી, એ તે શૂરાનો સંગ્રામ છે. 


કવિ પ્રીતમે અત્યંત મનોરમ, પ્રવાહી ને ભાવવાહી શૈલીમાં પૂરી લાઘવતા સાથે ભક્તિના પંથને મારગ બતાવી દીધા છે. ભક્તિની સાધનાનો પૂરો નકશો  રજૂ કરી દીધો છે. છેલ્લે છેલ્લે પ્રીતમે પોતાના નામ ઉપર જ શ્લેષ કરી દીધા છે. ‘ પ્રીતમના સ્વામી” ખરો પ્રીતમ બની શકયો તે જ સ્વામીના સ્નેહ મેળવી શકયો. પ્રીતમ ખરા અર્થમાં પ્રીતમ છે.


– “હરિ નો મારગ” લેખક શ્રી સુરેશભાઈ ભટ્ટ, સાવર કુંડલા 

શ્રી સુરેશભાઈ બાબત  “હરિ નો મારગ” ની પ્રસ્તાવના માં સાક્ષર શ્રી મનુભાઈ પંચોળી: 

સુરેશભાઈ ભટ્ટ જન્મે બ્રાહ્મણ અને કર્મે  પણ શુદ્ધ બ્રાહ્મણ થવા મથનારા. વર્ષોથી જાણું છું કે એમનું રટણ વિદ્યા-અવિદ્યાનો ભેદ જાણવાનું. આ ક્યાં મળે ત્યાં વસવું, લૂખું-સૂકું અરધુ-પરધું ખાવાનો વાંધો નહીં, પણ વાસ તો વિદ્યાનો  ભેદ બતાવે તેની પાસે. બેસણું ત્યાં.

પાંડુરંગજી શાસ્ત્રી આવું એક બેસણું. શાસ્ત્રવેત્તા, પણ શાસ્ત્રની દીવાલમાં પુરાયેલા નહીં. યુગધર્મ અને સનાતનધર્મને મેળ પાડવા મથનારા. સુરેશભાઈ એ છાયામાં બેઠા અને વિકસ્યા. સનાતનધર્મ તો છે જ, ધર્મ જો સનાતન ન હોય પછી બીજું સનાતન કોણ  હોય ? પણ કાળે કાળે આ સનાતને સનાતન-પણું ખોયા  વિના જામા બદલવા પડે છે. ગીતાએ જ તેનો માર્ગ બતાવી દીધો  છે. યજ્ઞ શબ્દ નો અર્થ મૂળે વાળા પ્રગટાવી ઈષ્ટ વસ્તુનો  હોમ કરવો તે. ગીતાએ તો તેના કેટલાય અર્થ કરી બતાવ્યા. સ્વાધ્યાય-તપ-યજ્ઞસ્ય અને ગાંધી તે અર્થે કાંતણ-સફાઈયજ્ઞ સુધી લઈ ગયા.

પણ શબ્દોની આવી કલમ કરવાનો અધિકાર જોઈએ. જેની વાસના શુદ્ધ થઈ છે, અને જેની કરુણાના સીમાડા વિસ્તરતા રહે છે તે જ સનાતનધર્મનું યુગધર્મમાં અવતરણ કરી શકે. સુરેશભાઈ શાસ્ત્રીજી પાસે રહી ગીતા, ભાગવત, કેટલાંક ઉપનિષદો   સમજ્યા, અને વિદ્યાવિસ્તરણના કામમાં ખોવાઈ ગયા. અકિચન-ભાવે સાધારણ લોકો  સમજે તેવી પારાયણો  કરી. ભક્તિને અને જ્ઞાનને કાંઈ વેચવાનું હેાય ? તેતો  વહેચાય. જૂનાં ભજનોને આ વાતિકરૂપે લખાયેલ સંગ્રહ એવી વહેચણી છે.

મનુભાઈ પંચોળી : દર્શક 

તારીખ: ૧૫-૭-૮૧  

ભક્તકવિ શ્રી પ્રીતમદાસ ની રચના “હરિ નો મારગ” સાંભળીયે જુદા જુદા રાગ માં પ્રતિષ્ઠિત ગાયકોનાં સ્વરમાં:

શ્રી હેમંત ચૌહાણ: સાથે પ્રીતમ ધામ, સંદેસર. રાગ ખમાજ

પાશ્વ ગાયક, કવિ, લેખક અને ઉદ્યોગપતિ શ્રી સંજય ઓઝા ના સ્વર માં, સંગીત રચના શ્રી ગૌરાંગ વ્યાસ, રાગ ઝીંઝોટી

પ્રસ્તુત રેકોર્ડિંગ અમેરિકા નાં ગામ હંબલ, ટેક્સાસ મુકામે થયું છે. આ સમૂહ ગાન માં ભાગ લેનાર શ્રી રામકબીર મંડળના સભ્યો છે. રાગ – પાલવડો

એક સરસ પ્રસ્તુતિ રાગ ભૂપાલી માં. સ્વ. શ્રી અતુલભાઈ દેસાઈ નાં સ્વરમાં, તેઓ પંડિત ૐકારનાથજી નાં શિષ્ય હતા. તેમનાં પત્ની શ્રીમતી સંધ્યાબેન એક પ્રસિદ્ધ કથ્થક નૃત્યાંગનાં :

મુંબઈ નિવાસી કીર્તનકાર શ્રી જયદિપ સ્વાદિયા, રાગ માંડ

દીવીજ નાઈક – અલખ , રાગ ગોરખ કલ્યાણ

શ્રી અશ્વિની મહારાજ ચુડા

ભક્ત કવિ પ્રીતમ નાં ગામ સંદેસર માં આવેલા પ્રીતમધામ નું રેકોર્ડિંગ

શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ ના પરમ પૂજ્ય શ્રી બાપુજી – શ્રી લડકચંદ માણેકચંદ વોરા: સાથે બીજા ભક્તો રટણ

શ્રી પ્રીતમદાસ ના વતન સંદેસર ગામે આ ભક્ત ના નામે સરસ મંદિર છે. ત્યાં ધાર્મિક ઉસ્તવવો ઉજવાય છે. એ પાવન જગા વિષે માહિતી આપતો આ વિડિઓ:

છ વર્ષ થી દર મહિને નિયમિત વેબગુર્જરી આવતી આ શૃંખલા બાબત આપ સર્વે વાચકોના માર્ગદર્શન, સૂચન, પ્રતિભાવ જાણવા માટે હંમેશા આતુરતા રહે છે. આપના તરફથી મળતા પ્રેમ નો હું આદર કરું છું. “હરિ નો મારગ” નાં સૂચન માટે નાસા (NASA, HOUSTON, TEXAS) માં કાર્યરત વૈજ્ઞાનિક ડો.કમલેશભાઈ લુલ્લાનો ખરા દિલ થી આભાર.

રાગની ઓળખ માટે જાણીતા સુગમ સંગીત કલાકાર શ્રીમતિ ભાવનાબેન દેસાઈ, (સુગર લેન્ડ, ટેક્ષાસ) નો હંમેશા સહકાર રહ્યો છે, આ વખતે પણ તેમની સમયસર મદદ બદલ આભાર.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

9 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૭૪): “હરિ નો મારગ છે શૂરા નો”

 1. વાહ, મહાત્મા અને કવિ પ્રીતમદાસજી વિશેની માહિતી અને તેમનાં ભજનો નો ખજાનો…સુંદર અને માનનીય લેખ.

 2. ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને પ્રીતમદાસ ના જીવનનું સરસ સંકલન . “હરિનો મારગ” ભજનનું વિસ્તૃત વર્ણન . આ લેખ એ સંપૂર્ણ રિસર્ચ પેપર છે. નીતિનભાઈ અભિનંદન .

 3. વાહ, નીતિન ભાઇ!
  ફરીથી એક્વાર ધન્ય છે આપને અને આપણની કળા ને !
  વાંચવાની અને ગીતો સાંભળવાની ખૂબ મઝા આવી.
  બસ, આ જ રીતે લખતા રહેજો અને આપની કલાશક્તિ નો લાભ આપતાં રહેજો.
  – પ્રકાશ મજમુદાર –

 4. ………………

  नीतीनभाई व्यासे हरीनो मारग, प्रीतमदास, पटाराना पुस्तको, भगवद्दगोमंडळ, जविता – रसास्वाद, भकत समाज, भक्ती, राम अमलमां राता माता, चड्या पछी न उतरे ए भक्ती, – सुरेशभाई भट्ट
  अने
  मनुभाई पंचोळीनी प्रस्तावना पछी जुदा जुदा राग अने ओळख……

  वाह नीतीनभाई व्यास वाह !!!!!!

  ………………

 5. Enjoyed the meaning of Bhajan, by Shri સુરેશભાઈ ભટ્ટ. You deserve a Ph.D. in Gujarati.

 6. Om Shanti Nitinbhai & Charubhen
  Sadar pranam I love to talk to you, if it’s OK with you please call me at 281-919-5489 thanks.
  hasmukhrai R Patel

Leave a Reply

Your email address will not be published.