અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમદાવાદથી વોશિંગટન ડી.સી. સુધી

દર્શા કિકાણી

૨૫ મે, ૨૦૧૭ ની સાંજે અમે હવાઈ માર્ગે અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યાં. ઘરેથી ઉબર ટેક્ષીમાં બેસી સમયસર દેશી હવાઈ મથક પર પહોંચી ગયાં. દિલીપભાઈ અને રીટા પણ આવી ગયાં હતાં. અમારી પાસે  સામાન બહુ જ માર્યાદિત હતો. દરેક પાસે એક નાની બેગ (કેબીન લગેજ તરીકે પણ ચાલી શકે તેવી) અને એક થેલો કે બેગ-પેક. ૪૨ દિવસના લાંબા પ્રવાસ માટે આટલો સામાન ઘણો ઓછો કહેવાય પણ અમેરિકામાં સામાન ઊંચકી ફરવાનું ઘણું હતું અને હવાઈ સફરો પણ ઘણી હતી એટલે આટલા જ સામાનમાં મન મનાવવાનું હતું!

અમદાવાદથી મુંબઈની દેશી હવાઈ સફર (Domestic flight) સામાન્ય સફર જેવી જ રહી. મેં રિલાયન્સ ગ્રુપની નોકરીને કારણે દર અઠવાડીએ અમદાવાદથી મુંબઈની દેશી હવાઈ સફર બે વર્ષ સુધી અવિરત કરી છે ( ૧૦૨ અઠવાડિયા) એટલે મારા માટે તેમાં કોઈ નવીનતા નથી રહી. અમે ચારેય ઘણાં આનંદમાં હતાં અને ભાતભાતનાં રંગીન સપનાંઓમાં ખોવાયેલાં હતાં પણ આ નાની હવાઈ સફરમાં કંઈ પણ નવીન ન બન્યું! મુંબઈ ઊતરી સામાન સહેલાઈથી મળી ગયો. અમે ખુશ થતાં થતાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક જવા ઉતાવળાં થવા લાગ્યાં.

અમને સૌને એવો જ ખ્યાલ હતો કે દેશી હવાઈમથક પરથી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જવા બસ સેવાઓ મળે છે. પરંતુ, અમારે  સૌએ આઘાત સાથે સ્વીકારવું પડયું કે એવી કોઈ બસ સેવા છેલ્લાં બે વર્ષથી તો ચાલતી ન હતી. દેશી હવાઈમથકની અંદરથી ખાનગી ટેક્ષી તો મળતી હતી પણ ૫-૭ કી.મિ.ના અંતર માટે રૂ. ૧૫૦૦/- માંગે! આપણને અમદાવાદીઓને જરા ભારે લાગે! છેવટે રાજેશે કોઈની સાથે ભાવ ઠેરવી રૂ.૮૦૦/-માં કામ પતાવ્યું. જો કે બહારથી ટેક્ષી કરી હોત તો ઘણાં ઓછામાં પતી જાત એવો રંજ રહી ગયો! ઓછો સામાન અહીંથી જ સારો લાગ્યો! ચાર જણનો સામાન એકદમ સહેલાઈથી નાની ટેક્ષીમાં આવી ગયો. ટેક્ષી ડ્રાઇવર  ઘણા જ કુશળ હતા. મુંબઈનો સાંજનો ટ્રાફિક ભલભલાને તોબા પોકારાવી દે. પણ તેમણે અમને સરસ રીતે યોગ્ય ગેટ પર પહોંચાડ્યાં.

અમારી મુંબઈથી વોશિંગટનની સફર બે ભાગમાં હતી : મુંબઈથી લંડન અને લંડનથી વોશિંગટન. અમારી ટિકિટ વર્જિન એરલાઇન્સની હતી, પણ પહેલો ભાગ – એટલે કે મુંબઈથી લંડન – જેટ એરલાઇન્સમાં જવાનું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે કંપનીઓના જોડાણ અને વિલીનીકરણના (Merger & Amalgamation) સમયમાં આવા વ્યાપારી સમીકરણો સામાન્ય થઈ ગયાં છે.

અમને મુંબઈથી જ છેક વોશિંગટન સુધીના બોર્ડીંગ પાસ આપી દીધા અને અમારો સામાન પણ છેક વોશિંગટન માટે લઈ લીધો. અમે હવે સાવ હળવા થઈ ગયાં ! ભૂખ પણ લાગી હતી. સાથે થેપલાં તો હતાં જ! ગુજરાતીઓના થેપલાં કેટલાં કામનાં છે તે અમને અહીંથી જ સમજાવા લાગ્યું હતું. ગરમાગરમ ચા-કૉફી લઈ જમવાનો પ્રોગ્રામ પતાવ્યો. ચા-કોફીના ભાવ પણ જાણે  ડોલરમાં હોય તેટલા ઊંચા હતા. જાણે તેમને ખબર પડી ગઈ હોય કે અમે અમેરિકા જઈ રહ્યાં છીએ! 

પેટ પૂજા કરી અમે ચેક-ઈનનો કાર્યક્રમ પતાવી લીધો. થોડો સમય લાગ્યો પણ બધી વિધિ સરળતાથી પતી ગઈ. જો પાસપોર્ટ અને વિઝા બરાબર હોય અને કોઈ પ્રવાહી કે અણીદાર વસ્તુઓ હાથમાં ના હોય તો ચેક-ઈનમાં કોઈ વાંધો આવતો નથી. અમારે ગેટ નં. ૭૫ પરથી વિમાનમાં જવાનું હતું. હવાઈમથકના એક ભાગ પરથી જ નાની એવી ટ્રેનમાં બેસી અમે હવાઈમથકના બીજા ભાગ પર આવ્યાં. ગેટ નં. ૭૫ શોધી અમે આરામથી બેઠાં.અમારી પાસે સમય ઘણો હતો. રાતના ૧.૪૫ વાગ્યાની ફ્લાઈટ હતી. હવે જરા શાંતિથી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ધ્યાન ગયું. મુંબઈનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક બીજા કોઈ પણ આંતરરાષ્ટ્રીય હવાઈમથક જેવું મોટું અને વ્યવસ્થિત છે. વિશાળ જગ્યા, મોટો ડ્યુટી-ફ્રી શોપિંગ એરિયા, ભારતીય કલાકારીગરીની સુંદર સજાવટ, ઊડીને આંખે વળગે તેવી સ્વચ્છતા અને ઉચ્ચ સ્તરની વ્યવસ્થા. ઘણી વાર પરદેશથી પાછાં આવીએ ત્યારે આપણી  સ્વચ્છતા અને વ્યવસ્થા માટે દેશના હવાઈમથક પર ઊતરતાં જ શરમ થાય, પણ આ વખતે મુંબઈનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક બીજા પરદેશના આંતરરાષ્ટ્રીય હવાઈમથક જેવું જ સારું લાગ્યું. અને આનંદ તથા ગૌરવની લાગણી થઈ.

એરપોર્ટ પર ખાવા-પીવાની ભરપૂર વ્યવસ્થા હતી, બેસવા અને સૂવાની પણ સારી એવી વ્યવસ્થા હતી. મોબાઈલ તથા લેપટોપ ચાર્જ કરવાની પણ ઠેરઠેર  વ્યવસ્થા હતી. ટોઈલેટ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હતી. ટૂંકમાં ભારત વિશ્વસ્તરની સગવડો આપવામાં કામયાબ હતું. જો કે એ સગવડો આપણે કેવી અને કેટલી જાળવીએ છીએ તે આપણા પર આધાર રાખે છે.

જેટ એરલાઇન્સનું વિમાન સમયસર આવી ગયું અને અમે ચારેય તેમાં સરખી રીતે ગોઠવાઈ ગયાં. રાતના (કે વહેલી સવારના?) પોણા બે થયા હતા પણ વિમાનમાં ચહલપહલ ખાસ્સી હતી. આમ પણ જેટ એરલાઇન્સ તેની સરભરા માટે વખણાય છે. અડધી રાત્રે પણ સરસ મઝાનું જમવાનું આપ્યું. મને જમવા કરતાં સૂવામાં રસ વધુ હતો. વળી સરસ ધાબળો અને ઓશીકું તથા ગમે તેવું તાપમાન હતું એટલે મેં તો લાંબી ઊંઘ ખેંચી લીધી. રાજેશે થોડા સમય સુધી વીડિયો જોઈ અને પછી થોડી ઊંઘ ખેંચી.

વહેલી સવારમાં પાછી ચહલપહલ શરૂ…… સવારના નાસ્તાનો સમય. આગળથી જણાવેલ એટલે ગરમાગરમ કૉફી સાથે શાકાહારી નાસ્તો હાજર! બ્રશ કરી, મોં ધોઈ નાસ્તાને ન્યાય આપ્યો ત્યાં તો લંડન આવી લાગ્યું.

સવારે સ્થાનિક સમય (Local time) સાડા સાત વાગ્યે અમે લંડનના હીથ્રો  હવાઈમથકે ઊતર્યાં. લંડનનું હીથ્રો  હવાઈમથક દુનિયાનાં સૌથી વધુ પ્રવૃત્ત હવાઈમથકોમાંનું એક છે. બહુ મોટું અને ઘણી ભીડ…. ખોવાઈ જવાય તેવું. પણ વ્યવસ્થા એટલી જ સારી. અમારે પ્લેટફોર્મ-૩ ઉપરથી અમારી આગળની હવાઈ સફર કરવાની હતી. વિમાનમાંથી એરોબ્રિજ પર ડગલું માંડયું ત્યારથી અમને પર્પલ લાઈનમાં જવાનો સંદેશ મળી ગયો. દરેક વળાંક પર પર્પલ લાઈન માટે દિશાસૂચન આવી જ જાય. લગભગ એક કી.મિ. ચાલ્યાં હોઈશું. એક દરવાજા પાસે નાની લાઈન હતી જ્યાંથી અમારે બસ પકડવાની હતી. પાંચ-સાત મિનિટમાં બસ આવી. બસમાં પણ સતત માહિતી અપાતી રહેતી હતી. દસ મિનિટમાં પ્લેટફોર્મ-૨ આવશે અને વીસ મિનિટમાં પ્લેટફોર્મ-૩ આવશે. જેવું પ્લેટફોર્મ-૨ નજીક આવ્યું કે મુસાફરોને ઊતરવું હોય તો તૈયાર થવાની સૂચના અને બસ ઊભી રહે એટલે ઊતારવાની સૂચના. તમે ભૂલથી બસમાં બેસી તો નથી રહ્યાંને ? એવું પણ પૂછી લે ! પ્લેટફોર્મ-૩ આવ્યું એટલે અમે બસમાંથી ઊતર્યાં. અમારે ગેટ-૨૧ પરથી વિમાન પકડવાનું હતું.

અમારી પાસે ખાસ્સો સમય હતો. હીથ્રો  હવાઈમથક ફરી ફરીને જોયું. પછી વળી પાછો ચા-કૉફી સાથે થેપલાંનો નાસ્તો (કે જમવાનું?) કર્યો. થોડી વાર રહીને ઓરેન્જ જ્યુસ પણ પીધો. રાજેશે થોડા પાઉન્ડ જોડે રાખ્યા હતા એટલે લેવડ-દેવડમાં સગવડ રહી. અમે ગેટ-૨૧ પર પહોંચી ગયાં પણ વિમાન ૪૫ મિનિટ મોડું હતું.

સૂચના મળતાં અમે વિમાનમાં બેઠાં. વર્જિન એરલાઇન્સની ફ્લાઈટ પણ ઘણી આરામદાયક રહી. સીટ કમ્ફર્ટેબલ હતી. વીડિયો / ફિલ્મ સરસ હતાં. ખાવા-પીવાનું પણ સરસ હતું. શાકાહારી ભોજન ઘણું જ સ્વાદિષ્ટ હતું. સાથે સલાડ, ફળો અને મીઠાઈ બહુ આકર્ષક રીતે પેશ કર્યાં હતાં. દિવસનો સમય હોવાથી વિમાની સફરનો પૂરેપૂરો આનંદ માણ્યો.

બપોરે ચારેક વાગે અમે વોશિંગટન પહોંચ્યાં. મેં મેટ્રિક્ષનું ફોનનું કાર્ડ મારા મોબાઈલમાં નંખાવેલું એટલે વિમાનમાંથી જ રાજેશના મિત્ર નિખિલભાઈ  સાથે વાત થઈ ગઈ. નિખિલભાઈ અને ભાર્ગવી બંને મોટી ગાડી લઈને અમને લેવાં આવ્યાં હતાં. મિત્રોનો કેવો પ્રેમ ! કેવી જાહોજલાલી ! કેવો ઠાઠમાઠ ! અહીંની જેમ જ ત્યાં પણ એરપોર્ટ પર પાર્કિંગની તકલીફ હોય છે. ઈમિગ્રેશન ચેક કરાવી બહાર આવતાં પોણો કલાક થયો હશે. બહાર નીકળી તેમને મળીને અને ભેટીને જે આનંદ થયો તે અવર્ણનીય છે. લાંબા સમયથી નિખિલભાઈ અને રાજેશ તથા બીજા મિત્રો જે આ અમારી અમેરિકાની સફરના પ્રોજેક્ટ પર કામ કરતા હતા તે આખરે  ફળીભૂત થઈ રહ્યો હતો ! તેમના મિત્ર ભદ્રેશ મહેતા પણ અમને મળવા એરપોર્ટ આવવા દોઢ બે કલાક પહેલાં ઘેરથી નીકળ્યા હતા પણ હજી સુધી એરપોર્ટ પહોંચી શક્યા ન હતા. તેમની થોડી રાહ જોઈ પણ તેમના તરફથી મેસેજ મળ્યો કે લાંબા વિકએન્ડને લીધે રસ્તા પર ટ્રાફિક ઘણો હતો અને તેઓ એરપોર્ટ કલાક સુધી પણ પહોંચે તેવી શક્યતા ઓછી હતી. તેમને મળ્યા વગર જ અમે નિખિલભાઈ અને ભાર્ગવીને ઘેર પહોંચ્યાં.

નિખિલભાઈ અને ભાર્ગવીએ  આ ઘર લેતાં પહેલાં પણ અમને ઘણા ફોટા મોકલ્યા હતા, પણ એ ઘરને નજર સામે જોતાં અમે અવાચક થઈ ગયાં. ઘર નહીં પણ મહેલ છે! સુંદર ગેટેડ (દરવાજાવાળી- સુરક્ષિત) સોસાયટીમાં અતિસુંદર ઘર. પોટોમેક નદીના નામ પરથી સોસાયટીનું નામ પાડયું છે.સુંદર ગાર્ડન, રંગ-રંગનાં ફૂલો, નાનો નાજુક હીંચકો (ગુજરાતીનું ઘર હોય અને હીંચકો ના હોય તેવું બને ખરું?)  ફટાફટ બહુ બધાં ફોટા પાડી અમે ઘરમાં ગયાં. વળી બીજું મિત્ર-યુગલ નાનક અને નયના પણ અમને મળવા દોઢ કલાકની મુસાફરી કરી આવી પહોંચ્યું. નાનકભાઈ નાસામાં વર્ષોથી વિજ્ઞાની તરીકે જવાબદારીભરેલ કામગીરી કરે છે અને નયના બહુ રચનાત્મક કામ કરે છે. એમની સાથે સફરના અંત ભાગમાં રહેવાનું છે એટલે અત્યારે આટલો જ પરિચય આપું છું.

 ભાર્ગવીએ નાસ્તાપાણીની પૂરી વ્યવસ્થા કરી રાખી હતી. અહીંની બહેનો કે સ્ત્રીઓ ઘણું કામ કરે છે. સારી જીવનશૈલી નિભાવવા માટે તેમણે ઓફિસમાં કામ કરવું પડે છે અને આપણા ભારતીય સંસ્કારો પ્રમાણે ઘરનું કામ કરવું પડે છે. આપણી જેમ મહારાજ, કામવાળા, માળી, ડ્રાઇવર વગેરે તો કોઈ મળે નહીં એટલે બધું જાતે કરવાની તૈયારી રાખવી પડે. હા, પતિદેવ, બાળકો અને મશીનો મદદરૂપ થાય ખરા !

નાસ્તો કરી અમે ઘરની ટુર લીધી. મોટે ભાગે આ વિસ્તારના દરેક ઘરમાં જમીન લેવેલે (Ground floor)  બે દિવાન ખંડ હોય, બે ડાઈનીંગ રૂમ હોય અને ખુલ્લું રસોડું હોય અને એક નાનો બાથરૂમ હોય. ઓફીસના કે ફોર્મલ મહેમાનો હોય તો મોટો દિવાન ખંડ કે મોટો ડાઈનીંગ રૂમ વપરાય. બાકી નજીકનાં મિત્રો કે મહેમાનો હોય તો રસોઈ થતી જાય અને વાતો પણ થતી જાય એટલે નાનો ડાઈનીંગ રૂમ અથવા નાનો દિવાન ખંડ વપરાય. ગૃહિણીએ રસોડામાં ભરાઈ રહેવાની જરૂર નહીં. વળી પુરુષો અને બાળકો પણ રસોઈ અને અન્ય કામોમાં મદદ કરે. સામાન્ય રીતે ચા-કૉફી તો પુરુષો જ બનાવે. કદાચ ઓફિસમાં ચા-કૉફી જાતે બનાવી લેવી પડતી હશે એટલે અનુભવ પણ હોય! દરેક ઘરમાં મોટું ગેરેજ હોય જેમાં ગાડીઓની સાથે સાથે ઘરની વધારાની વસ્તુઓ રાખવાની વ્યવસ્થા હોય. ઘરનાં માણસો તો ગાડી ગેરેજમાં મૂકી રસોડામાંથી જ ઘરમાં આવે. ખરીદી કરી હોય તે વસ્તુઓ પણ યોગ્ય જગ્યાએ રાખતા જ આવે. ટિફિન અને પાણીની બોટલ વગેરે પણ બીજા દિવસની તૈયારી રૂપે રસોડામાં જ મૂકતાં આવે. ગેરેજ, રસોડું અને સાથેના નાના ડાઈનીંગ રૂમનો ઘરમાં સૌથી વધુ વપરાશ થાય.

મોટે ભાગે ઘરમાં ભોંયતળિયા જેટલું મોટું ભોંયરું પણ હોય. ક્યારેક એકાદ બેડ રૂમ છૂટ્ટો પાડ્યો હોય કે જીમ બન્વ્યું હોય, પણ મોટા હોલ સાથે કામચલાઉ રસોડું અને એક બાથરૂમ તો ચોક્કસ હોય. પાર્ટીઓ કે વધુ મહેમાનો હોય તો ભોંયરામાં બધી વ્યવસ્થા થઈ જાય. વરસાદ કે ઠંડીના સમયે પણ હળવા મળવાના કાર્યક્રમો ચાલુ રાખી શકાય. ભાર્ગવીના ઘરમાં પણ મોટુંમસ ભોંયરું હતું.

અમે તો આટલું જોતાં જ થાકી ગયાં. છેલ્લે ગયાં પહેલા માળે. ત્યાં ચાર બેડરૂમ હતા, બે બેડરૂમમાં અંદર જ બાથરૂમ અને બાકીના બે બેડરૂમ વચ્ચે એક બાથરૂમ. માસ્ટર બેડરૂમ ઘણો જ મોટો અને બાથરૂમ પણ ભવ્ય. કબાટને બદલે કપડાં રાખવાના નાના નાના રૂમ અને તે પણ બંને જણ માટે અલગ અલગ ! બાથટબ, શાવર, ડ્રેસીંગ વગેરેની સુંદર વ્યવસ્થા. મોટા બેડરૂમમાં સરસ નાનું મંદિર હતું. સવારે ઊઠતાં જ પ્રભુના દર્શન થાય!

આટલું ફરતાં અમે તો થાકી ગયાં અને પાછાં ભૂખ્યાં પણ થઈ ગયાં. ભાર્ગવીએ સરસ પૂર્વતૈયારી કરી જ રાખી હતી.વાતો કરતાં કરતાં દોઢ કલાક સુધી જમ્યાં, ફળો ખાધાં અને આઈસક્રીમ પણ ખાધો! નયના કેક લાવી હતી તેને પણ ન્યાય આપ્યો. જમીને તરત વાસણો પાણીથી ધોઈ મશીનમાં મુકવા પડે ત્યારે આપણા કામવાળા યાદ આવે !

મોડે સુધી વાતો કરતાં કરતાં દોઢ-બે વાગે સૂઈ ગયાં કારણ કે સવારે વહેલા ઊઠી કેપિટોલની (Washington D.C.) ભવ્ય ઈમારતો જોવા જવાનું હતું. મીઠાં મીઠાં સપનાં જોતાં જોતાં સવાર ક્યાં પડી ગઈ તે ખ્યાલ જ ના આવ્યો!


ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

32 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમદાવાદથી વોશિંગટન ડી.સી. સુધી

  1. હરો ફરો અને જુઓ જાણો. દુનિયા ક્યાંથી કયા પહોંચી છે તે જુઓ.

   1. Thanks, Umakantbhai! 👍
    એકદમ સાચી વાત છે, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે!
    Please join us every Friday for this travelogue!

 1. અમારી આ સર્વપ્રથમ અમેરિકા ની યાત્રા હતી. મિત્રો ને તેમના ઘરે મળવા નો ઉમંગ અનેરો હતો. સાચે જ વોશિંગ્ટન ડીસી ઉતરતા જ 32 કલાક ની મુસાફરી નો થાક અનંત માં ઓગળી ગયો હતો. Lovely memories!

   1. આપે તો ” આવો મારી સાથે… અમેરિકા”… રમાડી દીધું..
    એવું લાગે છે કે તમારી આંગળી પકડી ને અમેરિકા ની સફરે નીકળ્યા છીએ..
    ખૂબ ખૂબ અભિનંદન..
    દીનેશ વકીલ અમદાવાદ

 2. We have visited USA seven times, of course with a different purpose. Now, looking forward to revisiting USA, virtually, with your description… indeed.

  1. Thanks, Bharatbhai! Your extended family is at US, so for you, US visit is routine. For us, it was the first visit and it turned out to be dream tour!

 3. Nice beginning of your trip, great hospitality by Mashruwala family and end to long travel from Abad to DC! Looking forward to આવતો અંક !
  અમરીશ

 4. Enjoying the details of your USA tour, 2nd episode. Very nicely written. Eager to read more. Great memories.

 5. Style of discription & minute observations makes the trip very interesting.
  તેમાં પણ “ગુજરાતીનું ઘર હોય અને હિંચકો ન હોય તેવું બને ખરું ?” જેવી ટીપ્પણી રંગ લાવી દે છે !
  Nice beginning…..

 6. વાહ દર્શાબેન
  સહપ્રવાસી તરીકે માણેલી સ્વપ્નીલ અને સોનેરી સફર ની માણેલી પળપળ ને શબ્દ દેહે પુન: જીવાત કરી દીધી. રોજે રોજ ની દિનચર્યા ની ઝીણવટભરી રસપ્રદ માહિતી કાગળ પર ઉતારવા ની આપની ધગશ અને લેખનકલા માટે મારા હાર્દિક અભિનંદન 🌷

 7. We are reliving the experience through your meticulous narrative and are cherishing the memories. Looking forward to future releases.

 8. It was Bhargavi and my privilege to become યજમાન for R2D2 (nicknamed for four of you) and to get involved from its conceptual stage till your સ્વપ્નિલ સફર ended. Good that you all liked and enjoyed US.

  Darsha, you did a nice job by writing your experience in in words of your અમેરિકન ડ્રીમ fulfilled. With that my wish also became a reality when you guys landed at Dulles airport for us to receive and take you to our awaiting home to start your dream journey in the land of Lincoln.

  આમ થવામાં કદાચ કુદરતની પણ સંમતિ શરૂઆતથી જ હશે as the rest is a memorable history.
  Such does not happen to everybody but it does happen to someone special.

  1. Thank you very much, Nikhilbhai and Bhargavi! Specially, You two, and all other US friends took lot of care…. The travelogue took little longer, but the dreams are as colourful as ever! Thanks again! 👍👍

   Please join us for the travelogue every Friday as you two are all over the write up! Your presence is felt all over!!

 9. रातना साडा बार थवा आव्या छे. अमेरीकन ड्रीम सफर ……: अमदावाद थी वोशींगटन डीसी …..क्रमशः सुधी पुरी सफर वांची कोमेन्ट लखेल छे.

 10. Thank you Darsha for writing your experience about “Dream US Trip”, starting from our home. Enjoyed reading it. It was our pleasure to become host for all four of you.
  Nikhil and me were able to do whatever we can so that your US trip became successful. It is good that all worked out nicely and you all enjoyed too.
  It was a very happy moment to receive you all at the Dulles Airport here.

  Waiting for your next episode

 11. really it is a great memory with series of events rather happening .what i like most that you have narrated very beautifully something
  it was very touchy I enjoyed

Leave a Reply

Your email address will not be published.