જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.
પીયૂષ મ. પંડ્યા
—————*—————-*——————-*——————-*——————
અમારે પાંચમા ધોરણ સુધી કોઈ પણ એક જ શિક્ષક બધા જ વિષયો ભણવતા હોય એવી વ્યવસ્થા હતી. આગળનાં વર્ષોમાં અલગઅલગ વિષય અલગઅલગ સાહેબ ભણાવે એ પ્રણાલી આવી. આમ થતાં દરેક પીરિયડમાં સાહેબ બદલાતા રહેતા. જો કે દરેક ધોરણના દરેક વર્ગને પોતપોતાના વર્ગશિક્ષક હોતા. વર્ગનું સમયપત્રક એ રીતે ગોઠવાય કે જેથી દિવસના સૌથી પહેલા અને છેલ્લા પીરિયડમાં જે તે વર્ગમાં એના વર્ગશિક્ષક જ ભણાવવા આવે. આમ થતાં એ વર્ગની હાજરીની નોંધ, ફી માટે તાકિદ કરવી વગેરે બાબતો ઉપર નજર રાખી શકાય. એક જ પરિસર ઉપર આવેલી બે શાળાઓમાં હું કુલ મળીને છ વર્ષ ભણ્યો, એમાં એક વરસ માટે અમારા વર્ગશિક્ષક તરીકે દિનુભાઈ નામના સાહેબ મૂકાયા હતા. એ વરસમાં તો એમણે અમારી ઉપર ઘણી યાદો છોડી જ, તે ઉપરાંત અનુગામી ધોરણોમાં પણ એ એક તાસ માટે આવે, એ દરમિયાન અમને મનોરંજન જ મનોરંજન મળી રહેતું. એમની કેટલીક યાદો અહીં વહેંચું છું.
એ અમારા વર્ગશિક્ષક નિમાયા ત્યાં સુધી એમને અમારા કોઈનો ઝાઝો પરિચય ન્હોતો. પણ સાહેબે એમના લાંબા અનુભવથી પૂર્વધારણા બાંધી લીધી હતી કે મોટા ભાગના અમે વાંદરાને સારા કહેવરાવે એવા જ હશું. આથી પહેલે જ દિવસે વર્ગમાં એકદમ કડક મુખમુદ્રા સહિત પ્રવેશતાંની સાથે જ એમણે લગભગ રણઘોષ જેવા સ્વરમાં કહ્યું કે મૂળે તો પોતે ફુલથી યે કોમળ હતા પણ જરૂર પડ્યે એમને ખડક કરતાં પણ કઠણ થઈ જતાં વાર ન્હોતી લાગતી. એ વિજ્ઞાન તો ન્હોતા ભણાવવાના, પણ એટલું તો ચોક્કસ જાણતા હોવા જોઈએ કે કોઈ પણ બાબતની સૈધ્ધાંતિક સમજૂતી માટે પ્રાયોગિક નિદર્શન આપવાથી વિદ્યાર્થીઓને એ સુપેરે સમજાઈ જાય છે. આથી એમણે પોતાના વિધાન પછી વર્ગમાં નજર ફેરવી. આગળની જ હરોળમાં બેઠેલો સૈફુદ્દીન એમ જ એમની ઝપટમાં ચડી ગયો. “ કેમ, કેમ, કેમ દાંત કાઢ શ? આંઈ તમાશો જોવા આવ્યો શ?” કહેતા સાહેબ એની તરફ ધસી ગયા. એ કાંઈ સમજે એ પહેલાં તો સાહેબે એને એક લાફો અડાડી દીધો!
હકિકતે સૈફુદ્દીન અમારા વર્ગનો સૌથી શાંત અને ગભરુ છોકરો હતો. પણ એની મુખમુદ્રા જ એ હસતો હોય એવી હતી. સાહેબને લાગ્યું હશે કે એમની આ ચેષ્ટાથી પ્રભાવિત થઈને બાકીના બધા છોકરાઓ હવે એમનાથી ઉભું વરસ ડરતા રહેશે. પણ એ માટે એમણે કોઈ ભરાડી છોકરાને ઝડપ્યો હોત તો જૂદી વાત હતી. સૈફુદ્દીન માટે અમને સૌને લાગણી તો હતી જ, આ બનાવ પછી તાત્કાલિક ધોરણે સહાનુભૂતિ પણ કેળવાઈ. એ દિવસે રીસેસમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે આ સાહેબના વર્ગમાં બહુ સીધા તો ન જ રહેવાય (જો કે એને માટે કોઈએ બહુ પ્રયત્ન કરવો પડે એમ નહોતું). આ બાબતે સૌથી સ્પષ્ટ સૈફુદ્દીન હતો. “હવે ઈ ભામટો જોઈ લે, આ ભાઈડાના ભડાકા!” એવા ઉચ્ચાર સહિત એણે તક મળ્યે બદલો વાળવાનો નિર્ધાર જાહેર કર્યો. અમે બધાએ “બરાબર છે, વોરા! તને શુંકામ માર્યો? આ બાદર કે ગલબા કે પછી જીતુભા જેવાને માર્યા હોત તો એને ખબર પડત!” જેવા શબ્દો સાથે અનુમોદન આપ્યું. હવે પ્રશ્ન એ હતો કે શું કરી શકાય! સૈફુદ્દીન કોઈ પણ રીતે પરંપરાગત તોફાનો કરવા સક્ષમ નહોતો. એ શું કરીને સાહેબને પજવી શકે એનો વિચાર કરવા ઉચ્ચ કક્ષાની સમીતિ રચાય એ પહેલાં જ એક જબરદસ્ત તક એની સામે આવીને ઉભી.
ઉક્ત ઘટનાને બે-ત્રણ દિવસ જ વિત્યા હશે અને સાહેબે વર્ગમાં દાખલ થતાં જ કહ્યું કે એમને ઠીક નહોતું લાગતું એટલે એ થોડી વાર ખુરશીમાં બેઠેબેઠે ઊંઘી જવા ઈચ્છતા હતા. પણ એમાં મોટું વિઘ્ન આવી પડવાની ભીતિ હતી. વાત એમ હતી કે અમારા હેડમાસ્તર સાહેબમાં માનવીયતાનો છાંટો ય ન હોવાને લીધે એ દિવસમાં બે-ચાર વાર વર્ગો ચાલુ હોય એ દરમિયાન લોબીમાં આંટા મારતા. એ રીતે એમને વર્ગમાં બધું બરાબર ચાલી રહ્યું છે કે કેમ એનો ખ્યાલ રહેતો. એમની આ કુટેવની ખબર હોવાથી મોટા ભાગના ભરાડી છોકરાઓ પણ વર્ગમાં જ રહેતા અને વર્ગમાં કોઈ પણ સાહેબ હોય, હદથી વધારે તોફાન ન કરતા. જો કે તે દિવસે અમને સાહેબે જણાવ્યું કે હેડમાસ્તર તો સાહેબોની ય આમન્યા નહોતા રાખતા. એમણે અગાઉ એક કરતાં વધારે વાર અમારા સાહેબને વર્ગખંડમાં ઊંઘતા ઝડપી લીધા હતા અને છેલ્લે તો ફરી વાર પકડાય તો આકરાં પગલાં લેવાની ધમકી આપી હતી. “હવે કોક દિ’ થાક્યો પાક્યો માણસ બે ઝોકાં ખાઈ લે તો એમાં તે એના દાદાનું શું લૂંટાઈ જાય? મારી તો વાંહે જ પડી ગ્યો શ. તો હું શું કઉં શ, આજથી માંડીને કોક કોક વાર હું બે ઘડી આરામ કરું ઈ વખતે દર વખતે તમારામાંથી એક જણાએ બારણા પાંહે ઉભું રે’વાનું. ઈવડો ઈ આઘ્ઘેથી દેખાય ને, ઈ ભેગો મને જગાડી દેવાનો. એવું કરશો, ને?” વર્ગમાંથી ‘હા જી, સાહેબ’નો સમુહસ્વર ઉઠ્યો.
એ દિવસ પછી તો દિનુભાઈ સાહેબ નિયમિત ધોરણે ચાલુ વર્ગે ‘બે ઘડી’ ઝોકાં ખાઈ લેવા લાગ્યા. એ ખુરશીમાં બેસી, એને આગળના પાયાથી ઊંચી કરી, પાછળના બે પાયાના આધારે દિવાલને ટેકવી દેતા. પછી બેય પગ આગળ ગોઠવેલા મેજ ઉપર રાખી, આરામથી નસકોરાં બોલાવવા લાગતા. એ દરમિયાન અમે લોકો અમારી મહત્તમ ક્ષમતા કરતાં પણ ડાહ્યા અને શાંત રહેતા કે જેથી સાહેબને ખલેલ ન પહોંચે. એ ભણાવતા હોય એના કરતાં ઊંઘતા હોય એ પરિસ્થિતિ અમને ખાસ્સી અનુકૂળ આવતી. વળી ચોકીદારો એમની ફરજ વફાદારીપૂર્વક બજાવતા હોવાથી સાહેબ દરોડો પડવા બાબતે નચિંત રહેતા હતા. વારાફરતી મજિદીયો, બાદરીયો, ગલબો, અનિલીયો, મુરલીધર વગેરે ચોકીદાર બની ચૂક્યા.
યોગાનુયોગે એક્કેય વાર યોગ્ય સમયે હેડમાસ્તર સાહેબ ફરક્યા નહીં. એ ઊંઘતા હોય એવે સમયે અમારા મનમાં એક ઉચ્ચ કક્ષાના મનોરંજન કાર્યક્રમની અપેક્ષા રહેતી, જ્યાં ખુરશી લસરી જઈને પડે અને ભેગાભેગ સાહેબ ભૂમિશયન કરતા થઈ જાય. સમય જતાં એક દિવસ ચોકીદારીના પૂણ્યકાર્ય માટે સૈફુદ્દીન પસંદ થયો. એ વર્ગની બહાર જઈ ઉભો અને સાહેબે સુખનિંદ્રા માણવાની શરૂ કરી. એ બિચારા માંડ દસેક મિનિટ ઊંઘ્યા હશે એવામાં હેડમાસ્તર સાહેબ બિલ્લીપગે વર્ગમાં પ્રવેશ્યા. એ સાથે જ અમારા બધામાં હર્ષાવેશનું મોજું ફરી વળ્યું. એ ઠેઠ દિનુભાઈ સાહેબની નજીક જઈ ઉભા અને આસ્તેકથી એમને ખભે હાથ મૂક્યો. “ હેય્ય! હેય્ય! કોણ ઈ માર ખાવાનો થ્યો શ?” જેવા ઉદગાર સહ દિનુભાઈ થોડા જાગ્રત થયા, ત્યાં સામે હેડમાસ્તર સાહેબને જોતાં જ સફાળા ઉભા થવા ગયા. એ સાથે જ અમારું સપનું પૂરું થતું હોય એમ ખુરશી લસરી અને સાહેબે ભૂમિશયન કર્યું. અમને તો બેવડી મજા પડી ગઈ. દિનુભાઈ પકડાઈ પણ ગયા અને પડી પણ ગયા. જો કે એ તરત જ ઉભા થઈ ગયા એટલે લાગ્યું કે એમને બહુ વાગ્યું નહીં હોય.
અમને તો હતું કે હેડમાસ્તર સાહેબ ઉભાઉભા જ એમની ધૂળ કાઢી નાખશે. પણ એવું તો ન બન્યું. એ દિનુભાઈને પોતાની ચેમ્બરમાં આવવાનું કહી, એ વર્ગમાંથી નીકળી ગયા. એમની પાછળ જતાં પહેલાં દિનુભાઈએ સૈફુદ્દીનને ઝાલ્યો. “કેમ, વોરીના! ક્યાં મરી ગ્યો ‘તો, તારો દાદો આવ્યો ત્યારે?” સૈફુદ્દીન કશુંય બોલ્યા વગર નીચું ઘાલીને ઉભો જ રહ્યો. જો કે એમને હેડમાસ્તર સાહેબને મળવા જવાનું હોવાથી એમણે પ્રયાણ કર્યું. એમને ગયે થોડી વાર થઈ અને અમે અમારી ખુશાલીને ભારે આવેગ તેમ જ આવેશથી અભિવ્યક્ત કરવાનું ચાલુ કર્યું. એ ઉજવણી દરમિયાન સૈફુદ્દીનના ચહેરા ઉપર સતત દેખાતા સ્મિતમાં થોડી થોડી કુટિલતાના ઝબકારા દેખાતા હતા. થોડી વાર પછી એ બોલ્યો, “હું જ જઈને હેડમાસ્તર સાહેબને કહી આવ્યો તો. તે દિ’ ભામટીનાએ મને લાફો માર્યો ‘તો, તે દિ’નો હું આવો લાગ ગોતતો ‘તો. તે આજે લાગમાં આવ્યો!” અમે બધા તો આ ગભરુ, શાંત અને નિર્દોષ દેખાતા સૈફુ ઉપર ખુશ ખુશ થઈ ગયા.
—————*—————-*——————-*——————-*——————
આ સાહેબ વર્ગમાં જાગતા હોય ત્યારે પણ હાજરી પૂરવામાં, ઘરકામ તપાસવામાં અને ફી ભરવાની તાકિદ કરવામાં સારો એવો સમય વિતાવી દેતા. વળી એ સમયસમયે પોતાનાં કુટુંબીઓ અને સગાંઓ બાબતે અમારું જ્ઞાન વધારતા રહેતા. કોઈ કોઈ વાર એ પોતાના બાળપણમાં વેઠેલાં પારાવાર દુ:ખોનું હ્રદયવિદારક વર્ણન કરવા લાગતા. અમારા વર્ગમાંના લાગણીપ્રધાન છોકરાઓ તો એમના બાપા એમને અને એમની બાને કેવી ક્રૂરતાથી મારતા એ સાંભળીને હિબકે ચડી ગયા હોવાનું યાદ છે. ક્યારેક બીજું કાંઈ ન સૂઝે તો અમને એકાદ પાઠ્યપુસ્તકનો પાઠ લખવા આપી દેતા. અમને લોકોને અવધાનનો અભ્યાસ ન હોવાથી લખતા હોઈએ એ દરમિયાન વર્ગમાં સારી એવી શાંતિ પ્રવર્તતી રહેતી. દિનુભાઈ કયો વિષય ભણાવતા એ બાબતે અમારામાંના મોટા ભાગના તો અજાણ હતા જ, ક્યારેક તો એવું લાગતું કે સાહેબ પોતે પણ એ બાબતે ચોક્કસ નહીં હોય!
એમના બે દીકરાઓ અમારી નીશાળમાં ભણતા હતા. મોટો નામે મુકેશ અને નાનો ભૂપેશ પણ અમારે માટે તો એ મુકલો અને ભોપો જ હતા. એક દિવસ મુકલો ચાલુ ક્લાસે અંદર આવી ગયો અને એ મોટેથી ગાંગર્યો, “બાપા! મારી બા પૂછવે સ કે રીંગણાં આખ્ખાં બનાવે કે કાપીને?” હું પાછલી હરોળમાં બેઠો હતો અને મારી બાજુમાં જગજીવન બેઠો હતો. સાવ નિર્માલ્ય અને મૂંજી દેખાતો એ જગો ભારે ઝીણખદો હતો. એ ધીમે અવાજે કશુક બોલે અને પછી સાવ નિર્લેપભાવે બેસી રહે, જાણે એને કાંઈ ખબર જ ન હોય. એ એની લાક્ષણિક શૈલીમાં બોલ્યો, “આખ્ખાં બનાવે તો ટેસ્ડો આવી જાય.” જો કે સાહેબે તો કાપીને બનાવવાનું કીધું. સાતેક મિનિટમાં મુકલો પાછો ધસી આવ્યો અને ફરીથી બરાડ્યો, “બાપા! મારી બા પૂછવે સ કે બટકાં કરે કે ચીરી કરે?” સાહેબે ચીરી બનાવવાનું કીધું એવામાં જગાનો મર્મર ધ્વની મારા કાને પડ્યો, “ એને કે’જે કે લહણનો વઘાર કરે અને ધાણાજીરું વધારે નાખે.” અને મારીથી હસવું ન રોકાયું. નસીબજોગે સાહેબનું ધ્યાન ન ખેંચાયું. બે ત્રણ દિવસ પછી મુકેશ ફરીથી એ જ રીતે ધસી આવ્યો. મારી બાજુમાં બેઠેલો જગો ગણગણ્યો, ‘ દાળ કે કઢીનું પૂછવા આવ્યો સ, જોજે.” પણ ત્યાં તો મુકલાએ યાદ કરાવ્યું કે સાહેબે એ દિવસે એને અને ભોપાને ગરીયા (ભમરડા) લાવી દેવાનું વચન આપ્યું હતું. સાહેબે એમ જ થશે એવી બાંહેધરી આપી અને એને વર્ગમાંથી રવાના કર્યો. જગાએ મારા કાનમાં ફૂંક મારી, “આજે જો દખ્તરમાં ગરીયો લાવ્યો હો, તો રીસેસમાં ઈ બહાર નો કાઢીશ. નકર આવડો આ ઠાંગી લેશે!”
અમે સમયસમયે ગરીયા, મોઈ ડાંડીયા, લગ્ગા વગેરે રમવા માટેની સામગ્રી દફતરમાં સાથે લઈ જતા અને રીસેસ દરમિયાન સ્કૂલના વિશાળ મેદાનમાં રમતા. એ દિવસે છોકરાઓ રીસેસના સમયમાં મેદાનમાં રમી રહ્યા હતા એવામાં દિનુભાઈએ છાપો માર્યો અને હાથમાં આવ્યા એટલા ગરીયા ઉપાડી લીધા. એકાદબે છોકરાઓને મારી પણ લીધા, જેથી બાકીનાઓ ડઘાઈ જાય. જગાની વેળાસરની ચેતવણી વડે મારો ગરીયો બચી ગયો. પછીથી મેં જગાને પૂછ્યું કે એને શી રીતે ખ્યાલ આવી ગયેલો! એનો તર્ક બહુ સાદો હતો. “આ મફતલાલ ભામણ તે કાંઈ પૈશા દઈને ગરીયા અપાવતો હશે! ગયે વરહ આમ જ અમારા લગ્ગા બઠાવી ગ્યેલો.”
પણ, દર વખતે તો મને બચાવવા જગો ન હોય ને? બન્યું એવું કે મેટ્રીકની પરીક્ષા આપ્યા પછી એકવાર હું એકલો ફિલ્મ જોવા ગયો. ટીકિટ લઈને આગળ વધું એ પહેલાં દિનુભાઈ મને જોઈને એકદમ પ્રેમથી સામા આવ્યા. એ સહકુટુંબ ફિલ્મ જોવા આવ્યા હતા. એમનો ભોપો ટીકિટ લેવા લાઈનમાં ઉભો હતો. મને એમણે પૂછ્યું કે મેં કયા ક્લાસની ટીકિટ લીધી હતી. મારા ભોગ લાગ્યા તે મેં એમને “ફર્સ્ટ ક્લાસ” કહેતાં ટીકિટ બતાવી. એમણે મારા હાથમાંથી એ ટીકિટ લઈ લીધી અને ભોપાને ઉદ્દેશીને બોલ્યા, “ હવે એક ઓછી લેજે, એકનો તો મેળ પડી ગ્યો શ.” મને કહે, “બહુ હારું લાગ્યું હો! આ ગુરુદક્ષિણા ગણજે. તું તો હમણાં નવરો જ છો ને? કાલ પમદિ’માં આવીને જોઈ જજે. હાલ લે, ત્યારે. મળતો રે’જે.” એમણે પ્રેમથી માંગી હોત તો કદાચેય મેં ટીકિટ આપી દીધી હોત પણ આ તો એક જાતની જબરાઈ હતી. બીજી વાર ટીકિટ લેવા માટેનો વ્હેંત ન હોવાથી હું ખાસ્સો ધૂંધવાયેલી માનસિકતા સાથે ઘેર પાછો ગયો.
પણ દોઢેક વરસ પછી એક એવી ઘટના બની કે કર્મના સિદ્ધાંતમાં મને દ્રઢ વિશ્વાસ બેસી ગયો. હું ભાવનગરના બસસ્ટેન્ડની સામેની એક દુકાને ખરીદી કરવા ઉભો હતો એવામાં મેં દિનુભાઈને ઘોડાગાડીમાંથી સહકુટુંબ ઉતરીને બેગ-બીસ્ત્રા સાથે બસસ્ટેન્ડમાં જતા જોયા. હું અંદર જઈને ઉત્સાહભેર એમને મળ્યો. એમણે પણ મને જોઈને બહુ જ રાજી થયા હોવાનો દેખાવ કર્યો. હવે તો હું કૉલેજમાં ભણતો હતો એનો એમણે ખુબ હરખ વ્યક્ત કર્યો. આમ પરસ્પર ઔપચારિકતા ચાલતી હતી પણ હું કોઈ પેંતરો વિચારી રહ્યો હતો. એવામાં મારી નજર બાજુમાં જ આવેલા પાનના ગલ્લા ઉપર પડી. અને મને વેરનાં વળામણાં માટે કીમિયો સૂઝી ગયો.
દિનુભાઈ પાનના વ્યસની હતા એટલે એ વહેલા મોડા એ ગલ્લે જશે એમ ધારી લઈને હું એમનાથી છૂટો પડ્યો. તરત જ એ પાનને ગલ્લે જઈ, મેં એક કોકા કોલા પીધી. પછી અગરબત્તીનુ એક પેકેટ લીધું. પછી દિનુભાઈ સાહેબ તરફ આંગળી ચીંધી, મેં દુકાનદારને કહ્યું કે એ મારા કાકા છે. એ મારા પૈસા ચૂકવી દેશે. એને આવું કહેતાં મેં સાહેબ સામે હાથ હલાવ્યો. એમણે પણ સામો ઉષ્માભર્યો પ્રતિઘોષ પાઠવ્યો. આમ થતાં એ દુકાનવાળાએ ‘ભલે’ કહીને મને જવા દીધો. થોડે દૂર ઉભા રહીને મેં જોયું કે સાહેબ પાનના ગલ્લા ભણી ગયા. આ જોઈને મેં પછી શું થયું એનું કુતુહલ રાખ્યા વગર ઘર ભણી પ્રયાણ કર્યું. એ દિવસે મને એ કોકા કોલાનો જે સ્વાદ આવ્યો છે, એવો ફરી ક્યારેય નથી આવ્યો. હા, થોડા દિવસ પછી ફરીથી બસસ્ટેન્ડ બાજુ જવાનું થયું ત્યારે એ ગલ્લાવાળા પાસે ખાતરી કરી લીધી હતી કે તે દિવસે સાહેબે મનેકમને મારા પૈસા ચૂકવી દીધા હતા.
બસ, તે દિવસ પછી ક્યારેય દિનુભાઈ સાહેબની નજરે ન ચડી જવાય એની કાળજી લીધી છે.
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
બહુ રસિક વાત અને રસપ્રદ વર્ણન.
અભિનન્દન.
મારે પણ આવું જ બનેલું.
હું ‘રજનો’ ,માસ્તર શાંતિલાલ,હેડમાસ્તર મોહનલાલ,ધોરણ 4,તાલુકા શાળા, જેતપુર.સાલ 1948
આ બધું યાદ કરાવવા બદલ આભાર