કાચની કીકીમાંથી :: લદાખ: લીલોતરી વિનાનું સૌંદર્ય

વેબ ગુર્જરી પર ‘કાચની કીકીમાંથી’નું પુનરાગમન

શ્રી ઈશાન કોઠારીની તસવીરકથાઓની શ્રેણીનું વેબ ગુર્જરી પર પુનરાગમન થઈ રહ્યું છે. પત્રકારત્વના સ્નાતક કક્ષાના અભ્યાસની વ્યસ્તતાને કારણે, ફોટોગ્રાફીના શોખને ખુબ જ ગંભીરતાથી વિકસાવી રહેલા ભાઈશ્રી ઈશાન કોઠારીએ બહુ જ કચવાતા મને આ શ્રેણીને વિરામ આપવો પડ્યો હતો.

હવે તસવીરકથાની તેમની શ્રેણી ‘કાચ કીકીમાંથી’ નિયમિતપણે દર મહિને, ત્રીજા મંગળવારે, આપણે પણ ઈશાન કોઠારીની તસવીરકારની નજરે આપણી આસપાસની દુનિયાને જોઈશું.

વેબ ગુર્જરી પર શ્રી ઈશાન કોઠારીનું પુનઃસ્વાગત છે.

-સંપાદક મંડળ, વેબ ગુર્જરી


ઈશાન કોઠારી

અમે ચાર મિત્રો 2019ના જૂનમાં લદાખના પ્રવાસે નીકળ્યા હતા. યૂથ હોસ્ટેલ કેમ્પ સાઈટ દ્વારા લદાખની ટૂર ગોઠવવામાં આવી હતી. જો કે, લદાખ સુધી અમારે જાતે પહોંચવાનું હતું. અમે જમ્મુ સુધી ટ્રેન અને પછી બસમાં એમ કુલ ચાર દિવસની સફર કરીને લદાખ પહોંચ્યા. 6 દિવસ અમે લદાખની આસપાસ ફર્યા. એ દરમિયાન લીધેલી કેટલીક તસ્વીરો અહીં મૂકી છે.

લદાખની આસપાસ ઘણા બૌદ્ધ મઠ/Monastery  આવેલા છે. એમાંથી અમે એક મઠમાં ગયા હતા. તેની આગળપાછળ આખી પર્વતમાળા દેખાતી હતી અને વચ્ચે એક વિમાન ઉતરાણ કરી રહ્યું હતું. થોડેક જ આગળ લદાખનું વિમાનમથક છે. એ મઠમાંથી લીધેલી આ તસવીર છે.

આ દૃશ્ય જોઈને મને ખ્યાલ આવ્યો કે કેમ્પમાં અમારા સિવાય બધા વિમાનમાં આવ્યા હતા. જેટલો ખર્ચ અમારે આખું લદાખ ફરવાનો થયો, એટલો ખર્ચ આ લોકોને ફક્ત વિમાનભાડાનો જ થયેલો એમ જાણવા મળ્યું. 

અમે 4 દિવસમાં ચારથી પાંચ મઠ ફર્યા હોઈશું. એક મઠમાં સરસ બારી હતી. જેની બહાર ખૂબ સુંદર દૃશ્ય દેખાતું હતું. સ્વર્ગ તો જોયું નથી, પણ એમ લાગે કે સ્વર્ગ હોય તો આવું જ હોય. બારી એક કુદરતી ગ્રીડ/ જાળીદાર રચના બની ગઈ હતી. એ ગ્રીડ તસવીરના સંયોજન/Composition માટે એક સંદર્ભ/Reference પૂરો પાડતી હતી. તેનો ઉપયોગ કરીને મેં ફોટોગ્રાફીના અતિ જાણીતા એવા રુલ ઓફ થર્ડ પ્રમાણે ફોટાને કમ્પોઝ કર્યો.

ચારમાંથી એક મઠનું નામ થીકસે હતું. એક હદ પછી બધા મઠ એકસરખા લાગવા લાગ્યા. ફરવાની મજા આવે પણ ફોટા પાડવાની ઇચ્છા ન થાય. અમે આ મઠથી પાછા ફરતા હતા. એ વખતે મેં પાછળ ફરીને જોયું તો મને એક સરસ ફ્રેમ બનતી હોય એમ લાગ્યું. બાળકની ઉંમરનો એક બૌદ્ધ સાધુ ખુરશીમાં બેઠો હતો. મને તેની ઉંમર જોઈને કુતૂહલ થયું. તેની પાછળ સરસ ડીઝાઈન કરેલી દિવાલ અને દિવાલની બાજુમાં બારી હતી. બારીમાં જાળી અને આકાશનું પ્રતિબિંબ દેખાતું હતું. આગળ ડાબે એક છોડ હતો જે ફ્રેમમાં સરસ ગોઠવાતો હતો.

આનો ફોટો પાડીને હું તેની સાથે વાતચીત કરવા ગયો. મેં તેને અહીં આવવાનું કારણ પૂછ્યું. જવાબમાં તેણે કહ્યું, ‘મારા મા-બાપે કહ્યું એટલે આવી ગયો. પણ મજા આવે છે અહીંયા.’

અમે મઠમાંથી પાછા વળી રહ્યા હતા. મને થયું કે કશું જોવાનું રહી તો નથી ગયું ને. એટલે હું ફરી પાછો ફટાફટ મઠનું ચક્કર લગાવવા ગયો. મઠની પાછળના ભાગમાં એક જગ્યાએ હું પહોંચ્યો. એક રૂમ હતો. અમારા જોવામાં તે નહોતો આવ્યો. આખો રૂમ અંધારીયો હતો. તેમાં અનેક દીવીઓ ગોઠવાયેલી હતી. સીલીંગ પર કાળા ધબ્બા થઈ ગયા હતા. બારીની ઉપરના જાળિયાના કાચનો રંગ હતો. છત પરનું અંધારું અને બારીમાંથી આવતા પ્રકાશને લીધે આ આખું કલર કોમ્બિનેશન અને દીવીઓની ગોઠવણ મને ખૂબ ગમી. પહેલી જ દૃષ્ટિએ ગમી જાય એવી ફ્રેમ.

લદાખમાં દિવસના સમયે ફોટા પાડવાની ખૂબ મજા પડતી. આકાશ એકદમ ચોખ્ખું, એટલે ફોટાને લોઅર એંગલથી લઈએ તો આકાશનો ભાગ પણ ફ્રેમમાં ખૂબ સરસ રીતે આવે. આ ફોટામાં શેય પેલેસનો એક ભાગ દેખાય છે. તેના ઉપરના ભાગે એક વ્યક્તિ દેખાય છે. ધાર્યું હોત તો એ વ્યક્તિ ન દેખાય એવો ફોટો પણ લઈ શક્યો હોત, પણ મેં એવું ન કર્યું. કેમ કે, એ માનવ આકૃતિ મોનોટોની/એકવિધતાનો ભંગ કરે છે.

નીચેના ફોટામાં પણ આકાશનો ઉપયોગ એવી રીતે જ કર્યો છે. કિલ્લા જેવું કશુંક માળખું છે, જે ચઢવામાં સરળ લાગે, પણ હંફાવી દેનાર અને થકવી નાખનારું હતું.

લદાખની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં વનસ્પતિનું પ્રમાણ સાવ પાંખું છે. આપણી સામાન્ય વ્યાખ્યામાં લીલોતરીને જ સૌંદર્યનો મુખ્ય હિસ્સો ગણવામાં આવે છે. પણ લદાખની મુલાકાત લેતાં સમજાય કે દરેક રંગનું આગવું સૌંદર્ય હોય છે. કોઈ એક બે રંગમાં સૌંદર્યની વ્યાખ્યાને બાંધવા જેવી નથી.

એક વખત અમે પેંગોંગ ત્સો લેક જઈ રહ્યા હતા. રસ્તામાં એકાએક વાતાવરણ બદલાવા લાગ્યું. વાદળીયું અને ધુમ્મસીયું વાતાવરણ થવા લાગ્યું. જોતજોતામાં વિઝીબીલીટી સાવ જતી રહી. આગળનો રસ્તો દેખાય જ નહી. થોડી વારમાં બરફવર્ષા શરુ થઈ. ટ્રાફીક જામ પણ સર્જાયો. બહાર ઉતરીને મેં એવા વાતાવરણનો ફોટો પાડ્યો. લદાખમાં ઠેર-ઠેર આવાં તોરણો લગાડેલા જોવા મળે છે. મને તે આકર્ષક લાગ્યા. અમે ઉભા હતા ત્યાં પણ આવું તોરણ બાંધેલું હતું. બરફની સફેદીમાં તેનો રંગ વધારે ઉપસી આવતો હતો.

2-3 ત્રણ કલાકને બદલે અમે 6-7 કલાકે પેંગોંગ લેક પહોંચ્યા. સાંજ પડી ગઈ હતી. ઘણો થાક લાગ્યો હતો. સમય ઓછો હોવાથી પેંગોંગ લેક જોવામાં થોડી ઉતાવળ કરવી પડી. જેટલો પણ સમય મળ્યો તેને માણવાની ખૂબ મજા પડી. ત્યાં એક ખાબોચીયું ભરાયું હતું. તેની ફરતે કુદરતી પાળી રચાયેલી હતી. એ ખાબોચીયાનો રંગ લીલાશ પડતો દેખાતો હતો, જ્યારે આખું તળાવ ભૂરા રંગનું દેખાતું હતું.


શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

8 thoughts on “કાચની કીકીમાંથી :: લદાખ: લીલોતરી વિનાનું સૌંદર્ય

  1. વીશેક વરસનો યુવાન કેમેરાના ઉપયોગ અને લખાણ થકી ખાસ્સો પુખ્ત જણાય છે. ફરી એકવાર સ્વાગત છે, ‘શ્રી’ ઈશાન કોઠારી નું!

  2. Wonderfull Photography. May be shoot during “golden hours”. So light effect came appropriate in landscape.
    Thanks Ishan for sharing Nature of Laddakh.

Leave a Reply

Your email address will not be published.