મોજ કર મનવા : ધાર્મિક લાગણી: આળી કે અળવીતરી?

કિશોરચંદ્ર ઠાકર

દુનિયામાં બેરોજગારી, ગરીબી, ભૂખમરો, પ્રદુષણ વગેરે અનેક સમસ્યાઓની ચર્ચાઓ સતત થતી રહે છે. પરંતુ સમસ્ત  વિશ્વનો પ્રાણપ્રશ્ન તો મને જુદા જુદા સંપ્રદાયોના અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવાનો હોય એમ લાગે છે. આ જ કારણસર એકાદ વર્ષ પહેલા આ ગંભીર સમસ્યા બાબતે પ્રવૃત થઈને સરકારે એક સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાતી અટકાવીને  એક મોટો અનર્થ થતો ટાળી દીધો.

        વિગત એવી છે કે ગુજરાતમાં દર વર્ષે ગિરનાર આરોહણની સ્પર્ધા યોજાય છે. એ વર્ષે સરકારને આ સ્પર્ધાનો વિસ્તાર કરવાનો વિચાર આવ્યો. આથી ગિરનાર ઉપરાંત પાવાગઢ, ઇડર, શેત્રુંજય અને ચોટીલા એમ બીજા ચાર પર્વતો પર પણ આ હરીફાઈ યોજવાનું નક્કી કર્યું. પરંતુ તેમાનાં એક પર્વત પર એક સંપ્રદાયના તીર્થધામો આવેલા હોવાથી તેનાં પગથિયાંઓ સહિત પવિત્ર તીર્થધામ મિથ્યાદૃષ્ટિ એવા રમતવીરોના પાદસ્પર્શથી અપવિત્ર થવાની શક્યતાને કારણે જે તે સંપ્રદાયના અનુયાયીઓએ પોતાની લાગણી દુભાશે એવી સરકારશ્રીને રજૂઆત કરી. કામ કરતી સરકારે ત્વરિત પગલાં ભરીને જે તે પર્વત પરની  સ્પર્ધા  બંધ રાખી દીધી અને  સ્પર્ધકોને બીજા પર્વત પર મોકલી આપ્યા. આ અન્યત્ર ખસેડાયેલા રમતવીરોની લાગણી અંગે કોઈ સમાચાર મળ્યા નથી. 

         ઉપરોક્ત ઘટના જાણ્યાં પછી મને એક જિજ્ઞાસુ તરીકે આ ધાર્મિક લાગણી શું છે, કેવી હશે, ક્યાંથી આવતી હશે ને ક્યાં રહેતી હશે? એ જાણવાની તીવ્ર ઈચ્છા થઈ. આથી મેં તેનાં વિશે ગહન અભ્યાસ કર્યો, જેના  પરિપાક રૂપે જે કાંઈ જ્ઞાન લાધ્યું તેનો લાભ વાચકોને આપવા પ્રયાસ કરું છું.

        વાનરમાંથી બનેલો માનવ અનેક શોધો કરીને આજની સ્થિતિએ પહોંચ્યો છે. આમાંની મોટાભાગની  શોધોને  વિજ્ઞાનનાં ખાતામાં જમા કરવામાં આવી છે. પરંતુ મનુષ્યે ધર્મ નામની એક અદ્ભૂત શોધ કરી છે.  ધર્મને પોતાને તો વિજ્ઞાનનાં ખાતામાં રહેવું ગોઠતું નથી, ઉપરાંત માનવી પણ પોતાની આ ધર્મની શોધને મૌલિક નહિ ગણતાં તેનું શ્રેય અદૃશ્ય એવા ઈશ્વરને આપે છે!

        માણસને, ક્રોધ, હર્ષ, દ્વેષ, પ્રેમ, ઈર્ષ્યા, શોક વગેરે લાગણીઓ કુદરતે આપેલી છે. અનુકૂળ સંજોગો ઊભા થતાં આ લાગણીઓનું પ્રાગટ્ય થતું રહે છે. પરંતુ પ્રચલિત ધર્મોના ઇજારાદારોએ ધાર્મિક લાગણી નામની એક વધારાની લાગણીને જન્મ આપ્યો છે. એનું પ્રાગટ્ય પણ અવનવી રીતે થતું હોય છે. પથ્થરની મૂર્તિમાં મંત્રોચ્ચારો કરીને ઈશ્વરને હાજર કરી દેવાય છે, તેવી જ વાત ધાર્મિક લાગણીનાં પ્રાગટ્યની છે. જે તે ધર્મના અનુયાયીઓમાં રાજકારણીઓ, ધર્મના બની બેઠેલા પ્રહરીઓ કે બીજા હિત ધરાવતાં તત્વો દ્વારા ધાર્મિક લાગણીનું -વાયા ધર્મગુરુઓ- આહ્વાન કરવામાં આવતું હોય છે. બીજી રીતે કહીએ તો આ રીતે ધાર્મિક લાગણીનો જન્મ આપવામાં આવતો હોય છે.

        જેમ જન્મ લીધાં પછી બાળકનું કામ રડવાનું હોય છે અને રડે નહિ તો બાળકમાં કશીક ખામી ગણાય, તેમ ધાર્મિક લાગણીનું કામ દુભાવાનું હોય છે. આથી જ જન્મતાની સાથે જ તે દુભાય નહિ તો તેનો અવતાર એળે ગયો કહેવાય. આથી પૃથ્વી ઉપર અવતરતાની સાથે  બાળકને જરૂર પડ્યે વિશેષ પ્રયત્નો કરીને રડાવવામાં આવે છે, તેમ ધાર્મિક લાગણી પૂરતી દુભાઈ ન હોય તો તેને વિશેષ ઉપાયો દ્વારા જરૂરિયાતના પ્રમાણમાં દુભાવાને સક્ષમ બનાવવામાં આવે છે.

        વિજ્ઞાનમાં આપણે ભણી ગયાં છીએ એ મુજબ દરેક પદાર્થની દહનશીલતા અલગ અલગ માત્રામાં હોય છે. કેટલાક પદાર્થો  સળગાવવા માટે ખૂબ પ્રયત્નો કરવા પડે છે. એ રીતે કેટલાક સંપ્રદાયોના અનુયાયીઓની લાગણી દુભવવા માટે વધારે અથવા તો ખાસ પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. જો કે આધુનિક યુગમાં સોશિઅલ મિડિયાએ આ કાર્ય ઘણું જ સરળ કરી આપ્યું છે. માત્ર એક મેસેજ કે ટ્વિટ રૂપી મિસાઈલ છોડવાથી લક્ષ્ય સાધી શકાય છે.  

    ક્યારેક એક સંપ્રદાયના અનુયાયીઓ દ્વરા કોઇ પદાર્થ ખાવાથી અન્ય સંપ્રદાયના અનુયાયીઓની લાગણી દુભાઈ જતી હોય છે. પરિણામે લાગણીદુભિત ધર્મરક્ષકો ટોળું જમાવીને ગુનેગારને ‘સજાયે મોત’ ફરમાવવાનો અધિકાર પણ મેળવી લેતા હોય છે.   

           પેટ્રોલ જેવા કેટલાક પદાર્થો નાનકડી એવી ચિનગારીથી પણ સળગી ઊઠે છે અને ક્યારેક વિસ્ફોટક બનીને આજુબાજુના પદાર્થોને પણ સળગાવી મૂકે છે. કેટલીક ધાર્મિક લાગણીઓ પણ આ રીતે તીવ્ર જ્વલનશીલ હોય છે. આ લાગણીઓ માત્ર ચોક્કસ પ્રકારનું એકાદ ચિત્ર દોરવાથી કે ખૂબ જ ઓછા પ્રયત્નોથી દુભાઈને સ્ફોટક બનીને કોમી તોફાનોમાં ફેરવાઈ જતી હોય છે. વળી કેટલાક પદાર્થો તો બિલકુલ દહનશીલ હોતા નથી. પારસી જેવી એવી કોમ પણ વસે છે કે જેમને પોતના ધર્મનાં પાલન માટે વતન છોડવું પડ્યું છતાં તેમની લાગણી દુભાયાનું તો જાણ્યું નથી ઉપરાંત આક્રમકો પ્રત્યે દ્વેષભાવ પણ તેમનામાં જોવા મળ્યો નથી.

         ધાર્મિક લાગણીઓ સંકુચિત એવા રાષ્ટ્રવાદમાં માનતી નથી હોતી. તેથી જ તેમને દેશપરદેશના સીમાડા કદી નડતા નથી. દુનિયાના કોઈ એક દેશમાં બનાવ બને તો બીજા દેશના લોકોની લાગણી રિમોટ કંટ્રોલથી દુભવી શકાય  છે.

        જગતના લગભગ બધા જ ધર્મના લોકો માને છે કે પાપપુણ્યનો ન્યાય તોળીને પાપીને સજા આપવાનું કામ ઈશ્વર કરે છે, અને તે પણ પાપીના મૃત્યુ પછી. પરંતુ ધાર્મિક લાગણી દુભાવા અંગેનું ખાતું ધર્મોના  કટ્ટર અનુયાયીઓએ પોતાને હસ્તક જ રાખીને ઈશ્વરની સત્તા આંચકી લીધી હોય એમ લાગે છે. આથી કોઈ ધર્મ કે સંપ્રદાયના કટ્ટર અનુયાયીઓને જાણ થાય કે પોતાની લાગણી દુભાઈ છે ત્યારે  ગુનેગાર(પાપી)ને ત્વરિત દંડ આપી દેતા હોય છે. 

        ધાર્મિક લાગણીઓ ચોક્કસ કયા કારણથી દુભાશે એ અંગે કોઈ સંશોધન હજુ સુધી થયું નથી. સમયે સમયે નવા નવા કારણો ઊભા થતાં -કરાતા-જોવા મળ્યાં છે. કોઇ નિર્દોષ પ્રસંગ, વિધાન, ફિલ્મ  વગેરેને નિષ્ણાતો પોતાનું કૌશલ્ય દાખવીને ધાર્મિક લાગણી દુભવવામાં તબદીલ કરી શકે છે.                

આટલી વિશદ ચર્ચાને અંતે સુજ્ઞ વાચકો સમજી ગયા હશે કે સહજમાત્રમાં અને  ડગલે અને પગલે દુભાઈ જતી હોવાને લીધે આ  ધાર્મિક લાગણી ભલે આપણને આળી(સંવેદનશીલ) લાગતી હોય પરંતુ ખરેખર તો તે અળવીતરી છે. તેનું કાર્ય પણ અળવીતરી વ્યક્તિની જેમ શાંતિનો ભંગ કરવાનું હોય છે. પરંતુ આ લાગણીની કર્મભૂમિ તો સ્થાપિત ધર્મોના અનુયાયીઓની કટ્ટરતા, બુદ્ધિ કે તર્કની શુન્યતા, અને તેમના પોતાના ધર્મ કે સંપ્રદાય બાબતે ઘોર અજ્ઞાન વગેરે છે. ધાર્મિક  કટ્ટર  લોકોની  અસહિષ્ણુતા ઉપર તેને અતૂટ વિશ્વાસ હોય છે. આપણી ધાર્મિક માન્યતા કે આસ્થા પરનો કોઈનો ઇરાદાપૂર્વકનો પ્રહાર થતા તેનાથી વિચલિત થઈને પ્રતિક્રિયા આપવી  એ પ્રહાર કરનારની જાળમાં સપડાવા જેવું છે.

ધાર્મિક  કટ્ટરતા એ માત્ર વૈચારિક જડતા જ નથી પરંતુ પોતાના ધર્મ કે ઇશ્વર પરની અશ્રદ્ધા નું પ્રતિક પણ છે. નાગરિકો દ્વારા કાયદો હાથમાં લેવાને રાજ્યનો કે કાયદાનો ઇ‌ન્કાર કહેવાય છે તેમ ધાર્મિક લાગણીના  દુભાયાની જાણ થયેથી હિંસક પ્રતિક્રિયા આપવી એ જે ઈશ્વરને આપણે રાતદિવસ ભજીએ છીએ, જેના ગુણગાન ગાઈએ છીએ, જેના નામે  રચાયેલા શાસ્ત્રોના ઉપદેશ સાંભળતા હોઈએ છીએ અને જેના નામે ધર્મો સ્થાપીએ છીએ તે ઈશ્વરનો અને તેનાં શાસનનો જ ઈ‌ન્કાર કહેવામાં અતિશયોક્તિ નથી જ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.