રજનીકુમાર પંડ્યા
‘જો, આ તારા બાપની ટપાલ જો ! જો, મને એટલી જ વેલ્યુ છે, જો !’
ખરેખર મમ્મી બોલતી હતી અને કરી બતાવતી જતી હતી. ટપાલ એટલે? એ કાંઈ પ્રેમપત્ર થોડો હતો? એમાં તો લખ્યું હતું : ‘હવે જો તમે વાજબી સમયમાં બ્લોક ખાલી નહીં કરો તો પછી અમારે ના છૂટકે ત્યાં રહેવા આવી જવું પડશે ને એ તો તમે નથી જ ઈચ્છતા. માટે મહેરબાની કરીને…..’
‘લે.’ કાગળને ગૌરીએ ઉભો ચીર્યો. પછી બે ચિરીયાંના પણ બે આડા પીસ કર્યા. પછી ડૂચો વાળ્યો. બંસરીએ એ વખતે જોયું તો મમ્મીના હાથ બરાબર મારા જેવા જ હતા. ગોરા, કોમળ, અને એટલા નાના કે કોઈ એમ ના કહી શકે કે આ પીસ્તાલીસ વર્ષના હાથ છે. બહુ ગમતા. નહીં, નહીં, હજુય ગમે છે. પણ આજે પપ્પાના કાગળના લીરીયા કરે છે એ ઘડીએ એ ગમે છે એવું યાદ નથી આવતું. આવું બધું મમ્મીએ શું કામ કરવું જોઈએ? આમ ફાડી નાખવાની કંઈ જરુર?
ત્યાં તો ગૌરીએ સાવ ડૂચો વાળીને એને કચરાની ડોલમાં નાખી દીધો. બંસરીને પૂછ્યું: ‘તને ના ગમ્યું?’ ને પછી નારાજગીભરી નવાઈ હોઠ મચકોડીને જતાવીઃ ‘તને તો ખાસ ગમવું જોઈએ. તનેય ક્યાં એ માણસ ગમે છે?હેં? ગમે છે ?’
બંસરીએ ના પાડી. ભલે ને જીભે કરીને નહીં, પણ રીતસર માથું ડાબી જમણી તરફ ધુણાવ્યું. મતલબ કે મમ્મી, તારી વાત સો ટકા સાચી છે. તું ભલે એમને એ માણસ તરીકે ઓળખાવે છે.પણ એ મારા પપ્પા છે. જો કે, મને નથી ગમતા એ વાત પણ સાચી.
એકાએક ગૌરી બે ડગલાં આગળ આવીને દીકરીને જોરથી ભેટી પડી. બિચારી હજી તો સ્કુલના યુનિફોર્મમાં હતી. પણ સાવ નાની કીકલી નહોતી. ચૌદ-પંદર વર્ષની તો પાક્કી. એને પણ મમ્મી શરીર સાથે ચંપાય એટલે ન સમજાય એવી ફીલ થતી હતી. આમેય મમ્મીને મનગમતું કંઇક કરું છું ત્યારે આમ એકાએક બાથમાં લેવાની એને ટેવ છે.
મમ્મીએ તો બાથ ન છોડી. ભેટેલી તે ભેટેલી જ રહી. ક્યાંય સુધી. એ ભોંય પર બેસી ગયેલી અને પછી ભેટેલી એટલે કમરથી ઉપર એના શ્વાસ ડ્રેસની ઉપરથી પણ અનુભવાયા. પોપચાં ચાંપી દીધાં હશે. થોડું રડી પણ હશે.
મમ્મીએ બાથ છોડી એટલે સ્કુલબેગ ફંગોળીને પછી બંસરી સોફા પર બેઠી. મમ્મી શું કરતી હશે તે જોવા માંડી. બંસરીની સ્કુલબેગ ઉંચકીને ટેબલ પર મુકી. ઊઠબેસમાં સાડી અસ્તવ્યસ્ત થઈ હશે તે ઠીક કરી.બે હથેળી મોં પર ફેરવી, ફ્રેશ થઈ. દુરના અડધા આયનામાં મોં જોયું. એક નજર કચરાની ડોલ પર પણ ફેંકી અને ગંદી થઈ ગઈ હોય તેમ પાછી ખેંચી લીધી.
બંસરી બોલી : ‘મોમ, ભૂખ લાગી છે.’
સારું થયું કે કામ ચીંધ્યુ. નહીં તો ક્રોધની ગરમી અંદર ને અંદર ઘૂમરાયા કરત. સાલ્લો, નાપાક…
કોઈ વાતે કમી ન હતી એ તો જાણે સાવ નક્કી. પુરુષની છત્રછાયા? એ વળી શું? છત્ર શું અને છાયા શું?સેક્સ? અરે, એવા જ એક આવેગમાં સાલી જિંદગી રોળાઈ ગઈ. લો, એમાંથી જ જન્મ્યું આ એક એટેચમેન્ટ ! થોડાક જુનવાણી સંસ્કાર હતા કે સંતોષનો સોર્સ એક જ હોવો જોઈએ. કોણે કહ્યું? કહ્યું કોણે? કે એવું હોવું જરૂરી !પણ બાવીસ પચ્ચીસની કાચી ઉંમરમાં ઓરીજીનલ થિન્કીંગ ખીલ્યું જ ન હોય, એટલે આપણને એમ કે સેક્સ, પ્રેમ, સેફ્ટી, છાપરું, સહવાસ, સોબત, સંગત- એ બધું જ એક યુનિટમાંથી મળે. એ ઉમરે વિકલ્પોનો વિચાર જ નહોતો આવ્યો. અરે, એટલો વિચાર પણ ન આવ્યો કે નથી મળવાનું. આમાંથી મોટા ભાગનું આપણને નથી મળવાનું. એ તો ક્યાંક ગોઠવાઈને કોઈના ઘરનો એક ભાગ બની ચૂકેલો છે. અફ કોર્સ, એણે કહ્યું હતું એની ના નથી, પણ રાસ્કલે તો એમ પણ કહ્યું હતું કે પોતાનું જૂનું હવે લાંબુ ચાલવાનું નથી. ઈન ફેકટ,આપણે નવું ઘર સ્ટાર્ટ કરીશું તો તરત જ એ જૂનું ઘર આપોઆપ ભાંગી જશે. સામેથી જ ડિવોર્સની માગણી થશે ને એ તો હું તરત જ આપી દેવાનો છું. ત્યાં ક્યાં મારે કોઈ કચ્ચાંબચ્ચાં છે? ને સાચું કહું એ તો તું જ આપી શકે તેમ છો ને?પછી?
આપી દીધા. જોતજોતામાં બે ! એક મેલ ચાઈલ્ડ અને એક ફિમેલ ને પછી પરિણામ જોયું? છોકરી રહી ગઈ. છોકરા અંજનને લઈને એ ચાલ્યો ગયો પોતાના જૂના માળામાં. બસ, ત્યાં આ એક જ જણસ ખૂટતી હતી. તૈયાર તેર વર્ષનો છોકરો ! કોણ જાણે કઈ રીતે એ પેલી ગંધારી સાઉથ ઈન્ડીયનની ગોદમાં સમાઈ ગયો !
કારણ ન સમજે એવી સ્ટુપીડ નથી ગૌરી. જુઓ, નાનપણથી આ છોકરાને ડ્રોઈંગ શીખવવાને બહાને એ બહાર લઈ જતો ત્યાં. પછી શું ? એક વાર બાળક હેબીચ્યુએટેડ થઈ જાય પછી સ્પીડ તો એ જાતે જ પકડી લે. બાકી તો શું હોય? ટીલાંટપકાંવાળી અને કર્મકાંડવાળી ખાલી ગોદ. બાઈ પછી તો મેલી વિદ્યાથી વશીકરણ કરી શકે.
બસ, એક દિવસ અંજન સ્કુલેથી સીધો ત્યાં ગયો એ ગયો જ. પાછળથી એના કપાળનો ચાંદલો આવીને બોલ્યો: ‘અંજ્યા ને એની મમ્મી……’
‘એની મમ્મી !’ આશ્ચર્યથી એનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું :‘કોણ એની મમ્મી?’
‘ભઈ, જો શાંતિ રાખ. મારી વાતને દિમાગમાં ઉતાર. સન તારો એ તારો જ, પણ ચૌદનો થયો, અને એને મમ્મી તો કહેવા માંડે તો વ્હોટ કેન આઈ ડુ?’
‘એમ એમ?’ગૌરીનો અવાજ તરડાઈ ગયો. ‘મને કોઈ ડાર્લીંગ કહે તો તને એ ગમશે?’
‘શી ખબર? કોઈ કહેતું પણ હોય.’ પછી જરા અટકીને બોલ્યો. ‘અરે આ બંસરી જ તને એક લાખ વાર ‘માય ડાર્લીંગ મોમ’ નથી કહેતી?’
બંસરી સાંભળતી હતી. જરૂર એણે ‘ડાર્લીંગ મોમ’ અનેક વાર કહ્યું હતું. પણ ‘ડાર્લીંગ’ શબ્દ એણે પપ્પાની મમ્મી સાથેની વાતચીતમાંથી ચોર્યો હતો. એમાં શું છે પણ આટલુ બધું કે બંને જણ આટલું બધું ક્વોરલ કરે? ડાર્લીંગ એટલે વ્હાલું. બસ.
પણ મમ્મી એટલે? બીજી કોઈ લેડીને મમ્મી કહેવાય? અને પપ્પા કોને કહેવાય? ને ભાઈ?
ઝઘડો સમજાતો હતો, પણ સમજવો અઘરો પડતો હતો. છેવટે પપ્પાએ તાડુકીને કહ્યું હતું. ‘અંજ્યાને એના મમ્મી હવે ત્યાં રાખીને સ્ટડી કરાવવા માંગે છે. ત્યાંથી સેન્ટ ઝેવિયર્સ સ્ટોન બાય થ્રો છે. અત્યારે એનુ જે કંઈ મટીરીયલ હોય એ આપ. કાલથી જ ત્યાં જવાનું છેએને. કપડાં તો ત્યાં લોટ ઓફ છે.’
‘વાહ!’
‘એમાં વાહ શું? તને એટલી અક્કલ નથી કે મોટે ભાગે એ ત્યાં હોય છે એટલે એની મમ્મીએ એને કપડાં તો લઈ જ આપ્યાં હોય ને !’
‘તો એની મમ્મીને કહેજો કે મટીરિયલ પણ લઈ આપે.’
‘યુ બીચ !’
આ બધા ધમપછાડા છતાં અંજન ત્યાં ગોઠવાઈ ગયો. ગૌરીને વિચારવું ગમતું ન હતું. પણ જાણે કે પરલોકમાં જતો રહ્યો હતો. છ-આઠ મહીને એકાદ વાર જોવા મળતો હતો. મોટે ભાગે તો કોર્ટમાં જ. વધુ આઘાત તો ત્યારે લાગતો કે દરેક વખતે એનો ચહેરો બદલાઈ જતો હતો. જાણે છુપી રીતે મોટો થતો જતો હતો. બાળકમાંથી કિશોર અને કિશોરમાંથી જુવાન અને હવે પૂરેપૂરો પુરુષ બનવાની ટ્રેક પર હતો. એના દરેક જમ્પ પછીની જાણે કે એની એકેએક તસવીર ગૌરીને બતાવવામાં આવતી હતી ત્યારે એ બે જીવતી તસવીરો વચ્ચેનો વર્ષ-દોઢ વર્ષ-બે વર્ષના લુપ્ત થઈ ગયેલા સમયનો ટુકડો પથ્થર બનીને લમણામાં વાગતો હતો.
‘મમ્મી !’ એક વાર બંસરીએ ભોળે ભાવે પૂછ્યું, ’હું કોર્ટમાં આવું?’
‘કેમ?’
‘મારે ભાઈ સાથે વાત કરવી છે.એક વારરાખડી બી બાંધવી છે. મારી બધી ફ્રેન્ડસ પોતપોતાના ભાઈને બાંધે છે.’
ગૌરી અંદરથી ખળભળી ગઈ.બંસરીને જરુર લઈ જવી જોઈએ. પણ આ વિચાર એક નિમિષ માત્ર માટે આવ્યો પછી એક ભયાનક જબરદસ્ત ચંદ્રગ્રહણની કલ્પના આવી ગઈ. સૂર્યગ્રહણ થઈ ચૂક્યું અને હવે માત્ર એક મેલી નજર બંસરી પર પણ પડે તો?
‘ના, ના, નથી આવવાનું તારે,ખબરદાર !’
વર્ષો વિત્યાં. પછી બંસરી કંઈ નાની રહી હતી? સત્તરની થઈ. પણ તેવડ છે કે ગૌરી સામે હરફ કાઢે? અંદરથી લેવાઈ ગઈ.ચહેરો શ્યામ પડી ગયો. ભાઈ તો મમ્મીનો જ જણેલો છે ને તોય…તોય દુશ્મન થઈ ગયો?
ગૌરીના એક સાથે અનેક દલીલ, સમજાવટ, દૃષ્ટાંતો… પણ બધાં જ કાનબહાર રહ્યાં.
‘ભાઇ ભાઈ શું કરે છે? હવે એ તારો સગ્ગો ભાઈ નથી રહ્યો. સ્ટેપબ્રધર થઈ ગયો છે ને સ્ટેપબ્રધર ક્યારેય બ્રધર થતા નથી. વચ્ચે એક સ્ટેપ રહે જ છે. મારે ખબર છે તને? એક સ્ટેપબ્રધર હતો. રિયલ સ્ટેપબ્રધર, જેને તું ભગુમામા કહેતી હતી. શું કર્યું એણે? બોલ શું કર્યું? આપી મારા ફાધરની પ્રોપર્ટીમાંથી મને સિંગલ પેની? ઠીક, બીજી બધી વાત જવા દે ! તું એટલું બોલ, તને અંજ્યાએ કદી બોલાવી? કદી ફોન બી કર્યો? બર્થડે વખતે વિશ બી કરી? હવે એ મદ્રાસી થઈ ગયો છે મદ્રાસી ! મદ્રાસી કાળોભઠ્ઠ ! પેલી એને ગળામાં માદળિયાં પહેરાવે છે. તું શું એને રાખડી બાંધવાની? તેં નથી જોયો. પણ હું તો જોઉં છું ને કોર્ટમાં! બન્ને કાંડે લાલલીલા દોરા વીંટા ! તું જો તો મેડ જ થઈ જા.’
આટલું બોલીને ગૌરી ધૂણ ચડી હોય તેમ હાંફી રહી. પછી વળીને બાવડું પકડીને બંસરીને એવી તો બાથમાં ભીંસી કે જાણે પાછી પોતાના શરીરમાં સમાવી લેવાની હોય ! જોબમાં સારામાં સારું કમાતી મમ્મી અતિશય વહાલ કરતી હતી. બંસરી સમજી શકતી હતી. માત્ર વહાલ જ નહતી કરતી, વરસતી પણ હતી. એક એક ચીજ હાજર કરી દેતી હતી. ડ્રેસીસ,મેકઅપનો મોંઘામાં મોઘો સામાન, મ્યુઝીક સિસ્ટમ, ઢગલો મ્યુઝિક ગેજેટ્સ, અલ્ટ્રા મોડર્ન મોબાઈલ અને રાત્રે ખૂબ વહાલથી બથ ભરીને જ સુવાનું. સુઈ જાય એટલે હળવેકથી ઓઢાડવાનું. બોડીના ડેવલપમેન્ટનું ધ્યાન બંસરી પોતે શું રાખતી હતી ! જાણે કે મમ્મીનું પોતાનું જ બીજું શરીર હોય એટલી બધી હદે. પણ…પણ….
એક રાતે મધરાતે બંસરીની ઊંઘ ઉડી ગઈ.એ બેડમાં બેઠી થઈ ગઈ. નહોતું મૂકવું તોય જોસથી એક ધ્રુસ્કું મુકાઈ ગયું. એકદમ મમ્મી સફાળી બેઠી થઈ ગઈ. શું થયું? શું થયું મારા દિકરાને? કેમ બેઠી થઇ ગઈ?ખરાબ સપનું આવ્યું?
નાનું છોકરું એક જ વાર ડોકી ઉપર નીચે કરે તેમ બંસરીએ કર્યું.
‘બોલી જા, બોલી જા,બોલવાથી શું થાય ખબર છે?
નાનું છોકરું એક જ વાર ડોકી ધુણાવીને ના કહે તેમ બંસરીએ કર્યું.
‘બેટા, બોલી જવાથી સપનું ખરાબ હોય તો ખોટું પડે અને સારું હોય તો સાચું પડે ને ન બોલીએ તો પેટમાં દુખે.’
મમ્મીએ માથે હાથ ફેરવીને પૂછ્યું એટલે જ બંસરી બોલી.
‘એવું જોયું કે જાણે હું ખાડામાં લપસી પડી ને…’
‘ને?’
‘ને ભાઈ દોડી આવ્યો, મને બાવડું પકડીને બહાર કાઢી.પૂછ્યું કે કેમ ક્યારેય મમ્મીને મળવા આવતી નથી?’
તમ્મર ચડી ગઈ સાંભળીને. ગરમ ગરમ તવા પર હાથ મૂકાઈ ગયો હોય એમ ગૌરીએ ઝટકોરીને હાથ હટાવી લીધો.ચહેરો એટલી બધી હદે કરચલીથી છવાઈ ગયો કે બંસરીને લાગ્યું કે આ મમ્મી જ નહીં.
‘સોરી!’ બંસરીએ દિલગીરીભર્યા સ્વરે કહ્યું.
‘ઊંહ, મમ્મી !’ ગૌરી શરદીવાળા ખોખરા અવાજે બોલી :‘તને એણે મમ્મીને મળવાનું કહ્યું?તો હું કોણ છું? માસી?’
‘હું ક્યાં બોલી છું?’ ઢીલા અવાજે બંસરીએ કહ્યું. ‘આ તો તેં સપનું બોલી જવાનું કહ્યું એટલે બોલી, સોરી!’
રુદન જેવા કંપતા સ્વરે ગૌરી બોલી : ‘લાગે છે કે દુનિયામાં મારું કોઈને કામ જ નથી. હું મરી જાઉં તો સૌને નિરાંત થાય.’ પછી બંસરીની હડપચી હથેળીમાં લઈને કહ્યુ: ‘તનેય!‘
ન બોલી બંસરી. અપેક્ષા હતી કે એ બોલશે કે ‘ના, ના, મોમ, એવું બોલીશ નહિં. મારા સમ.’ કુણા કુણા હાથ ગાલ પર ફેરવીને મમ્મીના આંસુ રુમાલ વગર લૂછશે. પડખું ફરીને મમ્મી સૂઈ જશે પછી બંસરી મમ્મીના ખભા પકડીને આ તરફ ફેરવશે.
પણ દુભાઇને પડખું ફરી ગયેલી ગૌરીના ખભા પર બળતરા થતી રહી. સ્પર્શ ન થવાની બળતરા.
એવું બને…ગૌરીને વિચાર આવ્યો.આ મકાનમાં રહેવા આવવાની નોટિસ પેલાએ કેટલાય વખતથી આપી રાખી છે એટલે ભવિષ્યમાં બંસરી આ જ બેડ પર પેલી મદ્રાસણ સાથે સૂતી હોય. એના ખભા પકડીને પોતાના તરફ ફેરવતી હોય, કહેતી હોય : મમ્મી આ તરફ ફરને !’
**** **** ****
બારણા પછવાડે કોણ ઉભું છે?
બંસરી મરક મરક થતી હતી એટલે લાગ્યું કોઈક વાત છે નક્કી. હવે ખાસ્સી અઢારની થઈ. હસે છે ત્યારે તો મારી જેમ ગાલમાં ખંજન પડે છે. પણ જ્યારે મરકે છે ત્યારે પણ….નવું નથી, પણ આજે કંઈ ખાસમખાસ છે, અરે મારી મીઠડી…..
જે હોય તેને બોલાવને અંદર. ઝીણી આંખે ગૌરીએ બહાર નજર કરી. પણ કોઈ દેખાયું નહીં.
પૂછ્યુ :’કોઈ તારી ફ્રેન્ડ છે?’
‘ના.’ બંસરી બોલીઃ ‘ના, ફ્રેન્ડ નથી.ભાઈ છે. બોલાવું અંદર? “
‘ભાઈ !”
ગૌરીના દિમાગમાં વિજળી દોડી ગઈ. કોર્ટમાં મળે છે ત્યારે સામે નજર સરખી કરતો નથી ને અહીં ઘર સુધી આવ્યો?અંજ્યો?
ન સમજાય તેવી ઉથલપાથલ છાતીમાં થઈ. થોડું વહાલ અને ઝાઝી નફરત. સિકલ જરા તંગ થઈ ગઈ. છતાં પોતે જઈને સોફામાં પડતું મૂક્યું. આફ્ટરઓલ, આ થથરતી જાંગે જણ્યો છે ! દીકરો છે. સારું થયું, આવ્યો છે. હવે એનો જવાબ લઈશ, જવાબ. અને પછી જતો-આવતો કરી દઈશ ને પછી…
પણ ગૌરી જોઈને સડક થઈ ગઈ. જે જુવાન અંદર આવ્યો એ અંજન ન હતો.બીજો જ કોઈ ઝીણી ઝીણી મૂછો ઉગાડેલો હતો. કોમળ ચહેરો અને ગુંચળાંવાળાં વાળવાળો છોકરો હતો.
‘ભાઈ છે.’ બંસરી બોલી; ‘ચાવડા સહજકુમાર. મેં એને ભાઈ બનાવ્યો છે. જો, જો, એના હાથે મેં રાખડી બાંધી છે.’
તાકી તાકીને ગૌરી એની સામે જોઈ રહી. વિચાર આવી ગયો કે એને સગ્ગો ભાઇ અંજ્યો ન મળ્યો એટલે ખાલી જગ્યા એનાથી પૂરી. ખૂબ ખૂબ વિચારકુવિચારોનાં પૂર ઉછળ્યાં. યાદ આવ્યું કે ખુદ સગા ભાઈ માટે જીવનભર વલખી. જે કદી હતો જ નહી. સ્ટેપબ્રધર? એક હતો, પણ એણે તો… છટ… એણે તો માતાની શોક્યની હું પુત્રી છું એમ કહીને વેર લીધું. જ્યારે બંસરી તો એકલી બાવળિયાની જેમ ફરતી હતી. એ બિચારી ક્યાં કોઈ આડાઅવળા રસ્તે છે?એની સૌ સખીઓ જ્યારે પોતપોતાના ભાઈઓને વાતવાતમાં ક્વૉટ કરતી હોય ત્યારે આ શું કરે? સરોવર નહીં તો ચાંગળું.
‘બેસ ને, બેટા. ’
સહજ સંકોચાઈને સામેની પ્લાસ્ટીકની સફેદ ખુરશીમાં બેઠો.
બંસરી બોલી :‘મારી જેમ જ છે. એને બહેન નથી.’
‘ક્યાં રહો છો? શું કરે છે મમ્મી પપ્પા?’
‘નવીનપરામાં. મમ્મી નથી, પપ્પા છે. સીએસ હોસ્પીટલમાં સ્ટોરકીપર છે.’
‘મારા જ ક્લાસમાં છે.’
ક્યાં? કોઈના જણ્યા, કોને ઘેર, કેવી રીતે ગોઠવાઈ જાય છે? ગૌરીના મનમાં એક જુદો જ વિચાર ધસી આવ્યો. મદ્રાસણના ઘરમાં જોને મારો અંજ્યો…
“તેં ભાઈ બનાવ્યો છે તે…’
મમ્મી વાક્ય પૂરું ના બોલી એટલે બંસરીએ જ પૂછી લીધું: ‘શું?’
‘મને મમ્મી કહીને બોલાવશે ને?’
છોકરો ઉભો થઈને પગે લાગ્યો. જવાબ મળી ગયો. ગૌરી બોલી. ‘ભાઈ બન્યો છે ને, બેટા. તો ભાઈપણું નીભાવજે.’
**** **** ****
કોર્ટ કોર્ટને ઠેકાણે હતી. જોબ જોબને ઠેકાણે હતી. વેદનાઓ વેદનાઓને ઠેકાણે હતી. પણ જરા રાહત લાગતી હતી. હવે દિવસો એટલા ભારે ભારે પસાર થતા ન હતા કે જેટલા અગાઉ પસાર થતા હતા. કારણમાં એ પણ હોય કે છીનવાઈ ગયેલો અંજન બહુ નજરે ચડતો ન હતો. ને છોકરો સહજ કે જે સહજપ્રાપ્ત હતો એ હળીમળી ગયો હતો. એ જતો આવતો હતો. છોકરી બિચારી એકલી ક્યાં બહાર જવાની હતી? ભાઈ જેવો ભાઈ હોય તો બેધડક નોરતાં, દિવાળી, ઉત્તરાયણ, હોળી, જન્માષ્ટમીમાં સાથે ફરી શકે. બહુ મોટો એવો ઈમોશનલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો. એનો બાપ તો પુત્રલોભી હતો તે ભોળવીને લઈ ગયો. તો ભગવાને બીજો આપ્યો.અંજ્યા જેવડો જ,અઢાર ઉપરનો.
એક દિવસ સહજે કહ્યું: ’મમ્મી. તમે પરમિશન આપો તો…’
‘જો ફરી? તમે નહીં કહેવાનું. તું કહેવાનુ. તારી મમ્મી જીવતી હતી ત્યારે તું એમને ‘તમે’ કહેતો હતો? તને કેટલી વાર કહ્યું?’
સહજે કાનની બુટ પકડી : ‘ઓ.કે. મમ્મી, તું રજા આપે તો કોલેજની ટ્રીપમાં અમે જેસલમેર જઈએ. મારા પપ્પાએ તો હા પાડી છે, બંસરી માટે તું હા પાડ.’
‘છોકરીની વાત અલગ છે.’
‘પણ હું ભાઈ જેવો ભાઈ સાથે છું ને !’
વાત ખરી. અંજનની જોડે પ્રવાસમાં ગઈ હોત તો ના પાડત?
‘સારું પણ એક શરત.’
‘શું?”
‘તારા પપ્પા પાસેથી તું એક પણ પૈસા ના માગતો. હું મોટી જોબ કરું છું, કમાઉ છું. બધો એક્સપેન્સ, શોપિંગ જે હોય એ મારી પાસેથી લઈ જજે.’
‘ગ્રેટ, પપ્પા રીટાયર્ડ થઈ ગયા છે અને થોડા સીક પણ રહે છે. અમસ્તુંય એમની પાસે હું માગત પણ નહીં.’
‘મેં તો એમને જોયા જ નથી. સારું. પણ તમે લોકો ટુરમાં જઈ આવો. પછી એક વાર આવીશ.’
**** **** ****
પણ બીજે જ દિવસે સહજ એકલો કાં પાછો આવ્યો? અને એ પણ આ સંધ્યાટાણે?
ગૌરીએ બારણું ખોલ્યું. એ ડાઈનીંગ ટેબલની ચેર પર ધબ્બ દઈને બેસી ગયો. જરા જરા હાંફતો હતો.
‘મમ્મી.’…
‘કેમ, કેમ, કેમ ?’ગૌરીને ફાળ પડી. એણે એકી શ્વાસે પૂછી નાંખ્યું. શું થયુ? ને બંસરી ક્યાં?’
‘કહું છું. જરા શ્વાસ ખાવા દે.’
‘કોઈ એક્સીડન્ટ બેક્સીડન્ટ?’ એ અધીર થઇ ગઇ . ‘પણ શું થયું? બોલ તો ખરો!’
‘કંઈ થયું નથી, મમ્મી, પણ સાંભળ.’
સહજ આડી હથેળીથી હોઠ લૂછીને બોલ્યોઃ ‘ત્યાં અહીંથી દૂર નિરંજન લેન છઠ્ઠા નંબરની સ્ટ્રીટમાં તમારું કોઈ રહે છે?’
ગૌરીના મોં પર કોઇએ જાણે કે ઉપાડીને એક તમાચો ઝીંકી દીધો.
‘હા, હા, છે છે..પણ..પણ શું છે એનું ?’ ડાઇનીંગ ટેબલની સપાટી પર બેય હાથની હથેળી ચાંપીને એકદમ ઝૂકીને એણે પૂછ્યું.
‘આખો દિવસ અમે શહેરમાં જ હતા. શોપીંગ કર્યુ ને મમ્મી, હું ના પાડતો હતો તોય મારા માટે શોપિંગ કર્યુ. જીન્સ, ટીશર્ટ, શર્ટપીસ, ત્રણ ચાર પેન્ટ પીસ,અરે એક નવો મોબાઈલ. પછી…’
‘પછી? ગૌરી પોતે સહન ન કરી શકે એટલી હદે અધીર થઇ ગઇ.
‘પછી અમે એક હોટલમાં ડીનર લીધું. અમારી ટ્રીપ તો રાત્રે નવ વાગ્યે ઉપડવાની હતી. એટલે હતીય નિરાંત.પણ ડીનર લીધા પછી કહે કે સહજ, તું મારો ભાઈ નહીં? તું મને હું કહું ત્યાં મૂકી જાને ભઇલા !’
‘એટલે?’
‘મૂકી જા એટલે મૂકીજા’ આમ એકદમ પાક્કું ડિસિસન હોય તેમ જ કહ્યું. ને મમ્મી, મને શી ખબર કે શું કરવા? બાય ગોડ, ભાઈબહેનના રિશ્તામાં સોગંદ આપ્યા પછી મારાથી ના પડાય? એટલે અમે એડ્રેસ પર રિક્ષા લઈને ગયા. મને એમ કે ત્યાં કોઇને મળીને ચાપાણી પીને પાછા આવતા રહેવાનું હશે. જ્યારે આ તો…’
પછી સહજ શું બોલ્યો? શબ્દ શબ્દ જાણે એક ત્રીકોણીયા ધાર હતી કરવતની.
‘અમે પોર્ચમાં ગયાં, બેલ મારી, કોઈ સાઉથ-ઈન્ડીયન જેવી લાગતી એક લેડીએ દરવાજો ખોલ્યો અને મમ્મી, જતાંવેત જ બંસરી એને સાવ ઝૂકીને પગે લાગી. પછી બધો સામાન અંદર ટેબલ પર મૂક્યો અને પૂછ્યું: ‘ભાઈ, ક્યાં? ભાઈ ક્યાં?ઘણું બધું એના માટે લાવી છું. જીન્સ, ટીશર્ટ, પેન્ટ શર્ટના પીસ. ઓહ મમ્મી…’ બોલતાં બોલતાં સહજને કપાળે પરસેવો વળી ગયો. ‘મને શી ખબર કે આ બધું કોઈ બીજા ભાઈ માટે લેવાતું હશે?’
ગૌરીએ મોટો નિઃશ્વાસ નાંખ્યો. મહીં પ્રાણનો એક અંશ સમાયેલો હોય તેવો.
‘પછી મને કહે કે સહજભાઈ, તમે જાઓ, ટ્રિપમાં હું નથી આવતી. પેલે ઘેર જઇને ત્યાં જરી કહી દેજો કે…..’
ગૌરીથી મોટી પોક મૂકાઈ ગઈ.
સહજ અંદર ગયો, ફ્રીજ ખોલ્યું. બોટલ કાઢીને પાણીનો ગ્લાસ ભર્યો. ગૌરી હીબકે ચડી હતી. એની હડપચી એણે મહાપરાણે ઉંચી કરી. કહ્યું: ‘મમ્મી, મમ્મી. એમ રડીશ નહીં. છાની રહે. બંસરી અઢાર વર્ષની થઈ ગઈ તું શું કરી શકવાની હવે? ભલે ને…’
પછી થોડી વારે બોલ્યોઃ ‘મમ્મી, તું કહીશ તો હું અહીં રહીશ. તું કહીશ તો મારા પપ્પાને પણ બોલાવી લઈશ. ખાલી ઘર ખાવા ન ધાય ને, એટલે.’
ડોક ઉંચી કરીને તીખી તીર નજરથી ગૌરીએ એની સામે જોયું. પછી અંદર પોતે અને બંસરી સૂતાં હતાં એ ખાલી બેડરુમ ભણી જીવતી સળગતી નજર ફેંકી.
બસ, અઢાર વર્ષ સુધી જ, બસ, બસ? અઢાર વર્ષ સુધી જ…?
ને પછી ત્રાડ જેવા પણ ભીના અવાજે કહ્યું: ‘ના….આ…આ…આ..!’
આ વાર્તાની સર્જનપ્રક્રિયા
આકાશ તરફ ખૂલતી બારીમાંથી ક્યારેક એક શુભ્ર, અનેક તાંતણાવાળું અને ચપટીમાં લઇએ તો પણ ચોળાઇ જાય તેવું, હવાથી પણ હલકું એવું કંઇક ઉડતું ઉડતું આવીને આપણી આજુબાજુની હવામાંથી ઉતરાણ કરીને હાથના કાંડે બેસી જતું હોય છે. નાનપણમાં આવા અનુભવો મને બહુ થતા. ઘણાને થતા હશે. એ ઘટના કોઇ સારો બનાવ બનવાનો સંકેત ગણાતી અને એટલે એના માટે ‘વધાવો’ શબ્દ પ્રચલિત હતો. હકિકતે એ કોઇ પક્ષીના પીછાંનો જ છૂટો પડી ગયેલો બારીક અંશ હશે, પણ અમને બાળકોને એ ‘વધાવા’ તરીકે બહુ રોમાંચિત કરતો. અમે એને ઝાલી લેવાનો જરાય પ્રયત્ન ન કરતા કારણ કે એમ કરવા જતાં એ ચોળાઇ જવાનો અને એનું સૌદર્ય નષ્ટ થઇ જવાનો ભય રહેતો.
એમ આ વાર્તાના સર્જનની પછવાડે રહેલા કોઇ ચોક્કસ ઘટનાના ‘વધાવા’ને ઝડપીને એનો તાર તાર ચોળી નાખવો ગનીમત નથી. વાર્તામાં તો કોઇક સ્ત્રીએ અનુભવેલા કારમા પછડાટની આ વાર્તા છે. પણ વાસ્તવમાં એ કોઇ એક અખંડ સ્ત્રીની પણ હોઇ શકે અને અનેક સ્ત્રીઓના સંમિશ્રણની પણ હોઇ શકે. અરે, એવી કોઇ સ્ત્રીને મેં જોઇ જ ન હોય એવું પણ બને. મને ખરેખર યાદ નથી કે એવી કોઇ સ્ત્રી હતી કે નહિં? ક્યાંક હોય તો પણ એને શોધીને એને Identified કરવાની જરૂર હું જોતો નથી. આ વાર્તાનો સંબંધ કોઇ વાસ્તવિક જગતની સ્ત્રી સાથે સાથે હોવો જરુરી નથી.
વાર્તાને એક વાર્તા તરીકે આપણે માણીએ એ જ બહુ થયું. દૂર દૂર ક્યાંક પંખી હશે અને ક્યાંક એના મુલાયમ પીછામાંથી કોઇ વધાવો છૂટો પડીને મારા કાંડા પર બેસી ગયો હશે અને ને મને એક હળવી અનુભૂતિ આપીને ઉડી ગયો હશે. એ જ મારી કેફિયત !
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
One more masterpiece! You are wonderful writer Rajanikumar sir! Awaiting for other creations.
ખૂબ સુંદર વાર્તા
અસાધારણ કથાનક!
વાહ, બહુ સરસ વર્ણન અને સચોટ અંત