લુત્ફ-એ-શેર : મણકો # ૩૪

ભગવાન થાવરાણી

ક્યારેક એવું લાગે કે આપણે જે શાયરો અને શેરોની વાતો કરી રહ્યા છીએ એમને ભારતીય અને પાકિસ્તાની વાડાઓમાં વિભાજીત કરવા બિલકુલ અર્થહીન છે. બધાની ઉત્પત્તિ ત્યાં જ તો થઈ જે હિંદુસ્તાન હતું. બન્ને દેશોના નામનું લેબલ તો ૧૯૪૭ પછી લાગ્યું !

સલીમ કૌસરની જ વાત કરીએ. કહેવાય પાકિસ્તાની શાયર પણ જન્મ પાણીપતમાં. એમનો એક શેર માત્ર વાંચી લો. અર્થઘટન કરીશું તો ન્યાયનું અપમાન થશે !

તુમને સચ બોલને કી જુર્રત કી
યે ભી તૌહીન હૈ અદાલત કી ..

સલીમ કૌસર વિખ્યાત છે એમની આ લાંબી બહરની ગઝલથી, જોકે એમણે એ સિવાય પણ ઘણું બધું ધ્યાનાકર્ષક લખ્યું છે. એ કમાલની ગઝલનો મત્લો :

મૈં ખયાલ હું કિસી ઔર કા મુઝે સોચતા કોઈ ઔર હૈ
સર-એ-આઈના મિરા અક્સ હૈ પસ-એ-આઈના કોઈ હૈ

(સર-એ-આઈના = અરીસામાં
પસ-એ-આઈના = અરીસા પાછળ)

પરંતુ આ જ ગઝલનો આ સરળ લાગતો શેર જુઓ :

કભી લૌટ આએં તો પૂછના નહીં દેખના ઉન્હેં ગૌર સે
જિન્હેં રાસ્તે મેં ખબર હુઈ કિ યે રાસ્તા કોઈ ઔર હૈ ..

કેટલાય બિચારાઓને ઘણો બધો રસ્તો કાપ્યા બાદ અધવચ્ચે ખબર પડે છે કે જેને કાપવામાં આટલી બધી મુશ્કેલીઓ વેઠી નાંખી એ રસ્તો તો કોઈ બીજા ઠેકાણે જાય છે ! શાયર કહે છે કે આવા લોકો પાછા ફરે ત્યારે એમને સવાલો પૂછીને શરમિંદા ન કરતા. બસ જોઈને નજરોથી જ હમદર્દી જતાવજો.

કૈસે રસ્તોં સે ચલે ઔર કિસ જગહ પહુંચે ‘ફરાઝ’
યા હુઝૂમ-એ-દોસ્તાં થા સાથ યા કોઈ નહીં ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.