વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: ગુજરાત રાજયના કારખાનાઓમાં સલામતી અને આરોગ્ય : ૨૦૧૮ અને ૨૦૧૯ના અહેવાલો – ભાગ ૨ : અકસ્માતો

જગદીશ પટેલ

ગુજરાત રાજયના મજૂર મંત્રાલય હેઠળના ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ડીશ) વિભાગ દ્વારા કેન્દ્રીય મજૂર મંત્રાલય હેઠળના ડાયેરેકટર જનરલ, ફેકટરી એડવાઇસ એન્ડ લેબર ઇન્સ્ટીટયુટસ (ડીજીફાસલી)ને દર વર્ષે કેલેન્ડર વર્ષ પુરું થયા બાદ ૩૧ જાન્યુઆરી સુધીમાં જે તે વર્ષની આંકડાકીય માહિતી દર્શાવતું વાર્ષિક પત્રક (રિટર્ન) ભરીને મોકલવાનું હોય છે. તે મુજબ (ડીશ) દ્બારા ૨૦૧૮ અને ૨૦૧૯માં જે પત્રક મોકલવામાં આવ્યા તેને આધારે આ વિશ્લેષણ તૈયાર કરવામાં આવ્યું છે.
અકસ્માતો કયા ઉદ્યોગમાં થાય છે?

આ આંકડા જોતાં એ સ્પષ્ટ સમજાય છે કે ત્રણે બાબતોમાં ૨૦૧૮ને મુકાબલે ૨૦૧૯માં સુધારો જોવા મળે છે. જોખમી બનાવોમાં ૪૧.૧૯%, જીવલેણ અકસ્માતોમાં ૧૭.૮૭% અને બીનજીવલેણ અકસ્માતોમાં ૩૦.૬૯%નો ઘટાડો જોવા મળે છે. આ મહત્ત્વની સિદ્ધિ ગણાય અને તેમાં ઉદ્યોગો, કામદારો અને સરકારી તંત્ર  ત્રણેને અભિનંદન આપવા પડે. આ સિદ્ધિ પ્રાપ્ત શી રીતે થઇ તે રહસ્ય છે. શું આંકડાની અફરાતફરી કરીને આ સિદ્ધિ મેળવી છે? કે બીજી કોઇ આંકડાકીય કરામત કરવામાં આવી છે? ઉપરની વિગતો જોતાં અન્ય અંગત સેવા પ્રવૃત્તિઓમાં ૨૦૧૮માં ૫૫૧ જોખમી બનાવો, ૨૮ જીવલેણ અકસ્માતો અને ૫૪ બીનજીવલેણ અકસ્માતો નોંધાયા છે. તેની સામે ૨૦૧૯માં આ કેટેગરીમાં ત્રણેમાં “૦” છે. જે ઉદ્યોગમાં વર્ષભરમાં ૨૮ મોત થયા હોય અને ૫૪ને ઇજા થઇ હોય તે ઉદ્યોગમાં બીજા જ વર્ષે આટલો મોટો સુધારો શી રીતે થાય? શું આ એકમો સાવ બંધ થઇ ગયા તે કારણે આ શુન્ય છે? જો કોઇ તરકીબથી આ એક ઉદ્યોગમાં શકય બન્યું હોય તો બીજા ઉદ્યોગોમાં એ તરકીબ કેમ કામ લાગી નથી? કે આ કેટેગરીના આંકડા લખવાનું જ વીસરાઇ ગયું?

કાપડ ઉદ્યોગમાં જોખમી બનાવોમાં ધરખમ ઘટાડો જોવા મળે છે. ૨૦૧૮માં ૨૦૩ની સામે ૨૦૧૯માં માત્ર ૮૩ બનાવો છે. પણ જીવલેણ અકસ્માતોમાં વધારો જોવા મળે છે  ૩૧ની સામે ૩૪ કામદારોના મરણ થયા છે. છતાં બીનજીવલેણમાં ધરખમ ઘટાડો જોવા મળે છે. ૨૦૧૮માં બનેલા ૨૩૫ બનાવો સામે ૨૦૧૯માં માત્ર ૧૪૩ નોંધાયા છે. આ આંકડામાં કોઇ સુસંગતતા દેખાતી નથી. જીવલેણ અકસ્માતો જો વધ્યા હોય તો તે દશાર્વૅ છે કે ઉદ્યોગ સલામતપણે કામ કરવાનું શીખ્યો નથી. જો જીવલેણ ઓછા થતા ન હોય તો બીનજીવલેણ શી રીતે ઓછા થયા? આંકડા છુપાવીને? જો જીવલેણ ઓછા થતા ન હોય તો જોખમી બનાવ શી રીતે ઓછા થયા? આવા બધા સવાલોના જવાબ મેળવવા તલસ્પર્શી તપાસ જરૂરી છે. તંત્રએ ખુલ્લા દિલે માહિતી આપવી જોઇએ. વિકસીત દેશોમાં આની ઉંડી માહિતી પ્રજાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંશોધકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, નિષ્ણાતો વગેરેને આ માહિતીથી તેમના કામમાં ઉત્કૃષ્ટતા મેળવવામાં અને સમાજને પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરવામાં ઘણી મદદ મળે છે. જો કામને સ્થળે જોખમી બનાવો, બીનજીવલેણ અને જીવલેણ અકસ્માતો ઘટે તો દેશ પર આર્થિક બોજ હળવો થાય. સરવાળે દેશ મજબૂત થાય.

રસાયણ ઉદ્યોગમાં ૨૦૧૮માં ૧૧૨ જોખમી બનાવો અને ૨૦૧૯માં ૯૧ જોખમી બનાવો નોંધાયા(૧૮.૭૫% ઘટાડો), જીવલેણ અકસ્માત ૫૮ની સામે ૪૫ (૨૨% ઘટાડો) થયા અને બીનજીવલેણ ૨૨૩ની સામે ૮૮ થયા જે ૬૦%નો ઘટાડો સુચવે છે. અન્ય બીનધાતુકીય ખનીજમાં આ ઘટનાઓ અનુક્રમે ૦૩ અને ૦૧, ૩૪ અને ૨૧ (૧૩ મૃત્યુ ઘટયા) અને ૯૬ અને ૧૮ (૭૮નો ઘટાડો) છે. મૂળભુત ધાતુ ઉદ્યોગમાં આ આંકડા અનુક્રમે ૨૫ અને ૦૯, ૨૧ અને ૧૮ અને ૭૩ અને ૪૪ છે.

“લાકડું, ફર્નિચર સિવાય લાકડાની અને કોર્કની ચીજોનું ઉત્પાદનમાં ત્રણે બાબતોમાં ઉંધું થયું છે. જોખમી બનાવો ૨૦૧૮માં ૧ હતા તે વધીને ૨૦૧૯માં ૪ થયા, જીવલેણ અકસ્માતોમાં ૨૦૧૮માં ૨ કામદાર માર્યા ગયા હતા તે વધીને ૨૦૧૯માં ૧૦ થઇ ગયા જે પાંચ ગણો વધારો છે અને બીનજીવલેણ અકસ્માતો ૩ હતા તે વધીને ૯ થયા.
ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, કાપડ ઉદ્યોગ, કાગળનું ઉત્પાદન, રસાયણોનું ઉત્પાદન, અન્ય ધાતુકીય ખનીજ ચીજોનું ઉત્પાદન, મૂળભુત ધાતુઓનું ઉત્પાદન, ફેબ્રીકેશન (મશીન કે ઇકવીપમેન્ટ સિવાય) અને અન્ય અંગત સેવાકીય પ્રવૃત્તીમાં ૨૦૧૮ કે ૨૦૧૯માં ૧૦ કે તેથી વધુ કામદારોના મોત થયા છે. આ તમામમાં ૨૦૧૮માં ૨૦૭ મોત અને ૨૦૧૯માં ૧૬૨ મોત નોંધાયા છે. બંને વર્ષમાં સૌથી વધુ મોત રસાયણ એકમોમાં થયા છે જે અનુક્રમે ૫૮ અને ૪૫ છે. તે પછીના ક્રમે કાપડ ઉદ્યોગ (૩૧ અને ૩૪) અને તે પછી અન્ય બીનધાતુકીય ખનીજ ઉત્પાદન (૩૪ અને ૨૧) આવે છે. એક જમાનામાં કાપડ ઉદ્યોગમાં સૌથી વધુ મોત નોંધાતા હતા જેનું સ્થાન હવે રસાયણ એકમોએ લીધું છે અને રાજયમાં કેમીકલ ઇન્સપેકટરની જગ્યા ઘણા વર્ષથી ભરવામાં આવતી નથી.

અકસ્માતના દરઃ

૨૦૧૮માં ૩૨,૧૯૨ નોંધાયેલા કારખાનાઓમાં અંદાજે ૧૭,૨૫,૯૧૧ કામદારો કામ કરતા હતા. વર્ષ દરમિયાન ૨૬૩ કામદારો માર્યા ગયા. આ દર લાખ કામદારે ૧૫.૨૩ જીવલેણ મૃત્યુનો દર થયો. ૨૦૧૯માં ૩૫,૩૩૮ નોંધાયેલા કારખાનાઓમાં અંદાજે ૧૮,૩૪,૭૯૨ કામદારો કામ કરતા હતા. વર્ષ દરમીયાન ૨૧૬ કામદારો માર્યા ગયા. આ દર લાખ કામદારે ૧૧.૭૭ જીવલેણ મૃત્યુનો દર થયો.

યુરોપ અને અન્ય વિકસીત દેશો કરતાં આ દર ઘણો વધુ કહેવાય.

અકસ્માતો કયા કારણે થાય છે?

આ હતું ફોર્મ ૩એ. હવે જોઇએ ફોર્મ ૩બીની વિગતો. આ ફોર્મમાં બનાવ કે ઇજાના કારણો દર્શાવવામાં આવ્યા છે.
કોઠો ૨

૨૦૧૮માં “અન્ય કારણોસર થયેલા મોત  ૬૫ – સૌથી વધુ છે. તે પછીના ક્રમે પડી જવાને કારણે ૪૦ મોત થયા છે. ૨૭ મોત વીજળીને કારણે થયા છે. આગ, ધડાકામાં ૨૪ના મોત થયા છે અને ગેસીંગને કારણે ૧૦ કામદારોના મોત થયા છે.

૨૦૧૯માં ચિત્ર બદલાય છે. અન્ય કારણોસર થયેલા મોત ૬૫થી ઘટીને માત્ર ૧૯ થાય છે. પડી જવાને કારણે ૨૦૧૮માં ૪૦ કામદારો મોતને ભેટેલા તેની સંખ્યા ૨૦૧૯માં પણ ખાસ ઘટતી નથી  ૩૮ મૃત્યુ આ કારણે થયા છે. વસ્તુ સાથે અથડાવાને કારણે ૨૦૧૮માં માત્ર ૯ મોત છે જે વધીને ૨૦૧૯માં ૧૬ થાય છે. ઉપરથી પડતી વસ્તુઓને કારણે ૨૦૧૮માં ૧૦ મોત છે જે ૨૦૧૯માં બમણાથી પણ વધી ૨૧ થાય છે. આગ, ધડાકામાં ૨૪થી વધી ૨૮ મોત થાય છે. પણ વીજળીને કારણે થતા મોતમાં થોડો ઘટાડો દેખાય છે.

આ પરથી આપણે બોધપાઠ શું લેવાનો છે? એ જ કે આ બધા કારણો અગત્યના છે અને આ બધા કારણે થતા અકસ્માતો અટકાવવા પર પૂરતું અને સરખું ધ્યાન આપવાની જરૂર છે. ઉપરથી માણસ પણ પડે અને વસ્તુ પણ પડે અને બંનેને પડતા અટકાવવાનું એટલું અઘરું તો નથી જ. ઉંચાઇ પરથી પડવાને કારણે જીવલેણ અકસ્માતો તો થયા જ છે પણ બીનજીવલેણ અકસ્માતોમાં પણ આ કારણે ઘણા અકસ્માતો આ આંકડામાં જોવા મળે છે.

ઉંચાઇ પર કામ કરતા માણસોને સેફટી બેલ્ટ ફરજીયાત પહેરાવવાનો હોય છે. સીમેન્ટ જેવા બરડ પતરાં પર કામ કરતી વખતે શરીરનું બધું વજન એક જ સ્થળે કેન્દ્રિત થવાને કારણે બરડ હોવાને કારણે સીમેન્ટનું પતરું ઝડપથી તુટે છે અને તેની ઉપર કામ કરતો કામદાર નીચે પટકાય છે. એસ્બેસ્ટોસ સીમેન્ટના પતરા પર કામ કરતી વખતે આમ ન થાય તે માટે ક્રાઉલીંગ બોર્ડ વાપરવા જોઇએ અને તે વસાવવા જોઇએ અને તેના પર કામ કરવાની તાલીમ આપવી જોઇએ. એ માટે ત્યાં ચેતવણીના બોર્ડ મુકવા જોઇએ. પતરાં પર કામ કરવાનું ન હોય ત્યાં સેફટી બેલ્ટના ઉપયોગ માટે કામદારોને તૈયાર કરવા પડે અને બેલ્ટ વસાવવા જોઇએ. બેલ્ટ સારી ગુણવત્તાના હોય  બીઆઇએસ માર્કાના હોય અને તેની સારી સાચવણી હોય તે પણ જરૂરી છે. આ બધું કરવા માટે પૂરતું રોકાણ કરવું પડે.

જોખમી બનાવોઃ

૨૦૧૮માં અમદાવાદના વટવામાં બોદાલ કેમીકલમાંથી અમોનિઆ ગેસ લિક થયો. અમોનિઆ એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં લઇ જવાતો હતો તે સમયે ઉંચા દબાણને કારણે ટાંકીનો વેલ્ડિંગ જોઇન્ટ તૂટી ગયો અને ગેસ લિક થયો. આ વેલ્ડિંગ જોઇન્ટ નબળો હશે? ટાંકીની તપાસ છેલ્લે કયારે થઇ હશે? એવી તપાસમાં આ નબળો વેલ્ડિંગ જોઇન્ટ નજરે ચડયો નહી હોય? ૪ વ્યક્તિઓને એ કારણે અસર પહોંચી. ચાંગોદરમાં ફલો ઇન્ક એન્ડ કોટીંગ પ્રા.લી.માં આગ લાગી પણ કોઇને ઇજા ન થઇ. આખી ફેકટરી નાશ પામી. નામ પરથી જણાય છે કે અહીં જવલનશીલ દ્રાવકોનો ઉપયોગ થતો હશે. જવલનશીલ રસાયણોના ઉપયોગમાં લેવી જોઇતી કાળજી લેવાઇ નહી હોય.એ જ રીતે મેકીન્સ ઇન્ડ., સાણંદમાં પણ આગ લાગી અને એના એક શેડમાં નુકસાન થયું. હર્ષ એન્જી., સાણંદ અને ફેરડીલ ઓવરસીઝ, સાણંદમાં પણ આગ લાગી અને નુકસાન થયું. સાણંદની જ ટેવા ફાર્મામાં આગ લાગી. વેરાવળની જગદીશ મરીન એકસપોર્ટમાં ૨૫ ફુટની ઉંચાઇથી એક પથ્થર અમોનિઆની ટાંકીના વાલ્વ પર પડતાં વાલ્વ તૂટી ગયો અને અમોનિઆ લિક થયો. ચાર વ્યક્તિઓને અસર થઇ. અહી એમ દેખાય છે કે મોટાભાગના આવા બનાવ સાણંદમાં જ બન્યા છે. એવું કેમ? વેરાવળના બનાવમાં એવો કેવો પથ્થર કયાંથી આવીને પડયો તેની તપાસ થઇ હશે? પોલીસે તપાસ કરી હશે? કોઇ સામે ફરિયાદ થઇ હશે? સારું છે કે અમોનિઆ લિકના બે બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

૨૦૧૯ના રિટર્નમાં આવા કોઇ બનાવની વિગત અપાઇ નથી. વર્ષમાં આવા ૩૨૪ બનાવ બન્યા છે તે પૈકી એક પણ બનાવની વિગત કેમ સામેલ નહી હોય? III – D નામનું આ ફોર્મ ભરવાના માપદંડ શા હશે? ૨૦૧૮માં આવા ૫૫૧ બનાવ નોંધાયા હતા તે પૈકી ૭ બનાવોની વિગતો ફોર્મ III – D ભરવામાં આવી છે. તો ૨૦૧૯ના ૩૨૪ બનાવોમાંથી કેમ એક પણ બનાવ આ ફોર્મમાં નોંધાયો નહી હોય?

વ્યાવસાયિક રોગોઃ

૨૦૧૮માં વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામમાં આવેલી  લક્ષ્મી ઇન્ડ. લિ.માં ૩ કામદારો અવાજને કારણે આવેલી બહેરાશનો ભોગ બન્યા હોવાની માહિતી આ રિટર્નમાં આપવામાં આવી છે. આખા ગુજરાતમાં માત્ર એક જ કારખાનામાં આવું બને તે સંભવ નથી. આવી માહિતી મહદઅંશે છૂપાવવામાં આવે છે તે ઉઘાડું રહસ્ય છે. કોણે નિદાન કર્યું તેની કોઇ વિગત નથી પણ સર્ટીફાઇંગ સર્જન દ્વારા આ નિદાનને પુષ્ટી મળેલ હોવાની વિગત આપી છે. આ ૩ કામદારો પૈકી એક કામદાર ૧૯ વર્ષનો, બીજો ૪૫ વર્ષનો અને ત્રીજો ૫૯ વર્ષની ઉંમરનો છે.
૨૦૧૯માં વ્યાવસાયિક રોગો અંગેના ફોર્મ III – C માં  વડોદરાના પાદરા તાલુકાના ધોબીકૂવા ગામની એપીકોર ફાર્માસ્યુટીકલ પ્રા.લિ. કારખાનાના ૧૦ કામદારો અવાજને કારણે આવેલી બહેરાશનો ભોગ બન્યા હોવાની વિગત આપવામાં આવી છે. આ ફોર્મ ૩૧ ઓગસ્ટ સુધીમાં ભરીને જમા કરાવવાનું હોય છે. નિદાન કોણે કર્યું તેની વિગત નથી. આ ૧૦ પૈકી ૩ કામદારોની અટક હરિજન છે, ૩ની પઢિયાર છે, બીજા ૪ છે  સોલંકી, મકવાણા, પંચાલ અને પટેલ. સૌથી નાની ઉંમરનો કામદાર ઉમાકાંત હરિજન માત્ર ૧૯ વર્ષનો છે. તે કેટલા વર્ષે કામ કરવા જોડાયો હશે, કેટલા વર્ષ સુધી વધુ અવાજમાં કામ કર્યું હશે? (વધુ અવાજ એટલે કાયદાની મર્યાદા કરતાં વધુ અવાજ. હાલ આ મર્યાદા ૮૫ ડેસીબલ છે). સામાન્ય રીતે અવાજને કારણે આવતી બહેરાશ લાંબા સમયગાળાના સંપર્ક પછી આવતી હોય છે. બીજા એક કામદાર ૨૨ વર્ષના, એક ૨૬ વર્ષના, એક ૨૮ના. તે પછી ૩૨, ૩૪, ૪૨, ૪૫, ૪૫ અને ૫૩ વર્ષની ઉંમરના કામદારો ભોગ બન્યા છે.

હવે ફેકટરી એકટનું તો આધીકારીકપણે વિસર્જન થઇ ગયું એટલે એ ભૂતકાળ બની ગયો. હવે તેનું સ્થાન ઓકયુપેશનલ હેલ્થ એન્ડ સેફટી કોડે લીધું છે જે કાયદો સંસદમાં પસાર થઇ ગયો. આ કાયદામાં પણ હવે સુધારા સૂચવવાનો બહુ અર્થ નથી. પણ આ કોડના નિયમોનો મુસદ્દો નવેમ્બર મહિનામાં સરકારે જાહેર જનતાના વાંધાસૂચન મેળવવા મુકયો છે. આ નિયમોમાં તબીબી તપાસ માટે એવો નિયમ સૂચવાયો છે કે ૪૫ વર્ષ કે તેથી મોટી ઉંમરના કામદારોની જ વાર્ષિક તબીબી તપાસ કરાવવી. હવે તો ૧૯ વર્ષના કામદારો વ્યાવસાયિક રોગથી પીડાતા હોય  અને તેમની તબીબી તપાસ ૪૫ વર્ષની તેમની ઉંમર થાય ત્યારે જ થાય તો રોગ થયાના ૨૬ વર્ષ પછી જ રોગ પકડાય અને ત્યાં સુધી તો કેટલું મોડું થઇ ગયું હોય! એટલું મોડું નિદાન કરવાનો શો અર્થ? આમ તો નોકરીમાં જોડાય કે તરત (પ્રી—એમ્પલોયમેન્ટ) તબીબી તપાસ થવી જોઇએ જે ગમે તે ઉંમરે હોય. પછી દર વર્ષે હોય. પણ આપણા નીતિ નિર્ધારકોને શૂં શુરાતન ચડયું છે તે રામ જાણે. ૪૫ કે તેથી મોટી ઉંમરના કામદારોની જ તપાસ થાય તો ઉદ્યોગ મોટા ખર્ચમાંથી બચી જાય તે ખરું પણ કામદારને કેટલું નુકસાન થાય! અમે જે વાંધા સૂચન મોકલ્યા છે તેમાં અમે ૪૫ને બદલે ૨૫ વર્ષ કે તેથી મોટી ઉંમરના કામદારોની તબીબી તપાસ કરાવવા સૂચવ્યું છે પણ લાગે છે કે એને બદલે તમામ ઉંમરના કામદારોની તપાસનો સુધારો સૂચવવો જોઇતો હતો.

સવાલ થાય છે તે એ છે કે બંને વર્ષમાં માત્ર અવાજને કારણે આવતી બહેરાશના જ બનાવ નોંધાયા છે, બંને વર્ષે પાદરા તાલુકાના એક એક કારખાનાના જ કામદારો પીડાતા હોવાનું નોંધાયું છે અને બંને વર્ષે એક એક કામદાર ૧૯ વર્ષની ઉંમરનો હોવાનું નોંધાયું છે. હજારો કારખાનામાંથી માત્ર એક એક કારખાનામાં જ વ્યાવસાયિક રોગના બનાવ મળે તે શકય નથી. જે કારખાનાઓમાં જીવલેણ અકસ્માતો, બીનજીવલેણ અકસ્માતો અને જોખમી બનાવો નોંધાયા છે તે એકમો સલામતીના ઉંચા ધોરણો પાળતા નથી તે સ્પષ્ટ છે. તો પછી તે એકમોમાં શા માટે કોઇ કામદાર વ્યાવસાયિક રોગનો ભોગ બનતા નથી?

આપણી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે સંશોધનના આવા અનેક વિષયો અણખેડયા પડેલા છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.