ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૧: સુભાષબાબુ – પલાયન

દીપક ધોળકિયા

૧૯૪૧નું વર્ષ શરૂ થયું ત્યારે દેશનું રાજકારણ ૧૯૩૯-૪૦માં નક્કી થયેલા માર્ગે જ ચાલતું હતું. વ્યક્તિગત સત્યાગ્રહની સાથે મહાત્મા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો પણ ચાલુ કર્યા હતા અને સત્યાગ્રહીઓનો પ્રવાહ પણ વણથંભ હતો. ગાંધીજીએ ૨૬મી જાન્યુઆરી ઊજવવાની અપીલ કરી હતી, પણ એને આંદોલનનું રૂપ આપવાનું નહોતું. પરંતુ ૨૭મી જાન્યુઆરીએ દેશમાં ઉત્સાહ અને રોમાંચનું નવું મોજું ફરી વળ્યું. વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે સુભાષબાબુ સંત્રીઓની નજર બચાવીને ભાગી છૂટ્યા હતા!  સુભાષબાબુ આમ તો ૧૬મી જાન્યુઆરીએ નાસી છૂટ્યા હતા પણ આ વાત ૨૬મીએ જ બહાર આવી. આટલા દિવસમાં એ અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા. *( આ અદમ્ય સાહસને ૮૦ વર્ષ પૂરાં થાય છે!)

પરંતુ, આ આખા ઘટનાચક્રને સમજવા માટે આપણે છેક પ્લાસીની લડાઈ સુધી પાછળ જઈશું તો વધારે રસપ્રદ બનશેઃ

હૉલવેલ સ્મારક

૧૭૫૭માં સિરાઝુદ્દૌલાને હરાવીને ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળને, અને અંતે આખા ભારતને, જીતી લીધું. ક્લાઈવ લંડન પાછો ચાલ્યો ગયો હતો અને એની જગ્યાએ કામચલાઉ ધોરણે ઈસ્ટ ઇંડિયા કંપનીના ફિઝિશિયન અને સર્જ્યન જ્‍હોન ઝેફાનિયાહ હૉલવેલને ગવર્નર બનાવવામાં આવ્યો. બ્લૅક હોલ તરીકે ઓળખાતી ઘટનામાં ગણ્યાગાંઠ્યા લોકો બચી શક્યા તેમાં એક હૉલવેલ પણ હતો. એણે ૧૭૫૮માં બ્લૅક હોલ વિશે એક લાંબી નોંધ લખી તે જ આજ સુધી બ્રિટિશ દૃષ્ટિકોણ માટે આધારભૂત રહી છે. જો કે ક્લાઈવ પાછો આવ્યો તે પછી એણે કેટલીક ટિપ્પણી કરી તેમાં હૉલવેલની પોતાની અણઆવડતનો ઇશારો પણ કર્યો છે. હૉલવેલ છ મહિના માટે ગવર્નર રહ્યો તે દરમિયાન એણે ૧૭૫૬માં અંગ્રેજ ફોજની હાર થઈ તેમાં માર્યા ગયેલા પોતાના ઓગણપચાસ સાથીઓ માટે એક સ્મારક બનાવડાવ્યું. એ ખરેખર બ્લૅક હોલનું સ્મારક નહોતું પણ એમાં બ્લૅક હોલની ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

દરમિયાન કલકત્તા અંગ્રેજોના પાટનગર તરીકે વિસ્તરવા લાગ્યું હતું. ૧૮૨૧માં સ્મારક આડે આવતું હોવાથી એને હટાવી લેવાયું. પણ ૧૮૯૯માં ડલહૌઝી આવ્યો, એણે મૂળ જગ્યાએ જ એની પ્રતિકૃતિ ઊભી કરી અને બ્લૅક હોલનું સ્મારક બનાવ્યું. આ રીતે દોઢસો વર્ષથી હૉલવેલે બનાવેલું સ્મારક કલકત્તાના દેશભક્તોને આંખના કણાની જેમ ખૂંચતું હતું.

 સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરાયા પછી એમણે ફૉરવર્ડ બ્લૉક બનાવ્યો. એ વખતે બંગાળમાં ફઝલુલ હકની કૃષક પ્રજા પાર્ટી અને મુસ્લિમ લીગની સરકાર હતી. કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતી અને સુભાષબાબુના મોટા ભાઈ શરત ચન્દ્ર બોઝ એના નેતા હતા.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૧૬ના અરસામાં હૉલવેલ સ્મારક વિશે બોલતાં કહ્યું હતું કે એ જાહેર રસ્તા પર  ઊભો કરેલો પથ્થરનો અંગૂઠો છે, જેનો ઉદ્દેશ દુનિયાને એ દેખાડવાનો છે કે અતિશયોકિત પર કોઈ એક પ્રજાનો ઇજારો નથી.” હવે સુભાષબાબુએ હૉલવેલ સ્મારક હટાવવાની માગણી કરી. એમણે કહ્યું કે કલકતાના ચહેરા પર એ નામોશીનો ડાઘ છે. વિદ્યાર્થીઓએ એમની હાકલનો ઉલટભેર જવાબ આપ્યો.

ફઝલુલ હકની સરકાર માટે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હતી. આ મુદ્દો બન્ને કોમોને જોડતો હતો અને એની સારી અસર થઈ હતી. ફૉરવર્ડ બ્લૉકને ઉદ્દામ રાજકારણના કેન્દ્રસ્થાને લાવવા માટે હિન્દુઓ અને મુસલમાનોને એકસાથે જોડવાની જરૂર હતી. આ સ્મારક છેલ્લા મુસ્લિમ નવાબ સિરાઝુદ્દૌલાના અપમાન જેવું હતું એટલે મુસલમાનો પણ ક્રાન્તિકારી હિન્દુઓ અને કોંગ્રેસના બ્રિટિશ વિરોધી આંદોલનથી પ્રભાવિત થયેલા વિશાળ શિક્ષિત અને સાધન સંપન્ન હિન્દુઓ સાથે જોડાયા હતા. ફઝલુલ હકને મુસલમાનોના બળ પર જ સત્તા મળી હતી. પરંતુ ગવર્નર નારાજ થાય તો એ સરકારને બરતરફ કરી નાખે.

સુભાષબાબુની ધરપકડ

સુભાષબાબુએ જુલાઈની ત્રીજી તારીખે ‘સિરાઝુદ્દૌલા દિન’ મનાવવાની જાહેરાત કરી અને કેટલીયે સભાઓ ભરીને સરકાર વિરુદ્ધ પ્રબળ લોક્મત પેદા કર્યો. એમણે કહ્યું કે અત્યારે બ્રિટન યુદ્ધમાં ફસાયેલુ છે ત્યારે સ્વતંત્રતા માટે ઉત્તમ સમય છે. આ પછી એમના પક્ષના મુખપત્ર ‘Forward Bloc’ પર સરકારની તવાઈ ઊતરી. એક અઠવાડિયું અખબાર બંધ રહ્યું, તે પછી બે હજાર રૂપિયાની ડિપોઝિટ જમા કરાવીને ૨૯મી જૂને ફરી બહાર પડ્યું. એમાં એમણે ફરી હૉલવેલ સ્મારક હટાવવાની અપીલ કરી. એમણે સ્મારક વિરુદ્ધ ત્રીજી જુલાઈએ શહેરમાં પહેલી રૅલીનું  નેતૃત્વ લેવાની પણ જાહેરાત કરી.

એક દિવસ પહેલાં, બીજી તારીખે, સુભાષબાબુ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને મળવા જોડાસાંકો ગયા. કદાચ એમને ટાગોરની ટિપ્પણી યાદ હશે. ત્યાંથી પાછા આવ્યા અને કલકતામાં ઍલ્જિન રોડ પરના પોતાના ઘરે પહોંચ્યા કે તરત એમને પકડી લેવામાં આવ્યા.

ઍસેમ્બ્લીમાં એમને છોડવા માટે વિરોધ પક્ષે જોરદાર માગણી કરી પણ સરકાર મચક આપવા તૈયાર નહોતી. એમની ધરપકડ અંગે રજૂ થયેલી સભામોકૂફીની દરખાસ્ત તો ૧૧૯ વિ. ૭૮ મતે ઊડી ગઈ, પણ પ્રીમિયર  હકે કહ્યું કે સત્યાગ્રહનું આંદોલન પાછું ખેંચી લેવાય તો કદાચ સૌને સંતોષ થાય એવો રસ્તો નીકળી શકે. સુભાષાબાબુ જેલમાં હોવા છતાં આંદોલન ચાલુ રહ્યું હતું. અંતે ફઝલુલ હકે જાહેર કર્યું કે સરકાર હૉલવેલ સ્મારક હટાવી લેવાનું વિચારે છે. આના જવાબમાં શરતબાબુએ ખાતરી આપી કે સરકાર જો એમ કરવા તૈયાર હોય તો તેઓ લોકોને આંદોલન પાછું ખેંચી લેવા સમજાવશે.

આમ છતાં સુભાષબાબુને ડિફેન્સ ઑફ ઇંડિયા રૂલ્સ હેઠળ પકડવામાં આવ્યા હતા એટલે એમને જેલની સજા કરવામાં આવી. પરંતુ જેલમાં એમણે ઉપવાસ શરૂ કરતાં તબીયત લથડી. આથી પાંચમી ડિસેમ્બરે એમને છોડવામાં આવ્યા પણ એમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકીને ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા.

ભાગી છૂટવાની તૈયારીઓ

એલ્જિન રોડ પર સુભાષબાબુ રહેતા હતા તે ઘર એમના બાપદાદાનું હતું અને ત્યાંથી બે-ત્રણ મિનિટ દૂર શરતબાબુનું મકાન  હતું. બન્ને ઘરો પર નજર રહે તે રીતે પોલીસે પોતાનો તંબૂ બાંધ્યો હતો.  અહીં જ સિપાઈઓ પોતાનું ભોજન લેતા અને રાતે સૂઈ જતા. સુભાષબાબુના ઘરે કોણ આવે-જાય છે તેની ચોક્કસ નોંધ રખાતી. એ પોતે તો બિછાનાવશ હતા એટલે શરતબાબુના ઘરના સભ્યો એમની પાસે જઈ શકતા.  એક દિવસ સુભાષબાબુએ પોતાના ભત્રીજા શિશિર કુમારને પૂછ્યું કે તું લાંબે સુધી ડ્રાઇવ કરી શકીશ? શિશિરે હા પાડતાં ધીમે ધીમે એમણે પોતાની ભાગી જવાની યોજના સમજાવી. ભત્રીજાએ કાકાની વાત ખાનગી રાખવાની હતી. નેતાજીએ કહ્યું કે કોઈ એક રાતે તારે મને અહીંથી બર્દવાન કે એવી કોઈ જગ્યાએ છૂપી રીતે લઈ જવાનો છે. એમનો વિચાર તો ડિસેમ્બર મહિનો પૂરો થાય તે પહેલાં જ ભાગી જવાનો હતો, પણ  વાયવ્ય સરહદ પ્રાંતના એમના સાથી મિંયાં અકબર શાહનો સંપર્ક થઈ શકતો નહોતો. અંતે અકબર શાહ આવ્યા અને યોજનાને અંતિમ રૂપ આપી દેવાયું. એના પ્રમાણે શિશિર કુમાર અને અકબર શાહ એક દુકાને ગયા અને પઠાણી પોષાકની બે જોડ ખરીદી લાવ્યા. શિશિર કુમાર એક સૂટકેસ ખરીદી લાવ્યા અને એના પર  Mohd. Ziyauddin, Travelling Inspector, The Empire of India Life Insurance co. Ltd. Permanent Address; Civil Lines Jabalpur એવું લેબલ લગાડ્યું.

પરંતુ, એનાથી પહેલાં સુભાષબાબુએ અદૃશ્ય થઈ જવાનું હતું! એટલે એવી યોજના બની કે સુભાષબાબુ સૌને કહે કે પોતે વ્રત પર બેસશે એટલે કોઈને મળશે નહીં. એ જ્યાં બેસશે ત્યાં પરદો લગાડી દેવાશે અને એમનો ફળાહાર, દૂધ વગેરે રસોયો પરદા પાસે રાખી જશે. નેતાજીએ શિશિર કુમાર ઉપરાંત એક ભત્રીજા અને ભત્રીજીને પણ સાધી લીધાં હતાં. એમણે સુભાષબાબુનું ભોજન પરદા પાછળથી લઈ લેવાનું હતું. શરત બાબુને આખી યોજનાની જાણ પણ હતી.

સુભાષબાબુ હવે પઠાણી વેશમાં મહંમદ ઝિયાઉદ્દીન બનીને નીકળવાના હતા. રાતે દરવાજા બંધ કરીનેચોકીદાર સૂવા જાય તે પછી ત્યાંથી બહાર નીકળીને શિશિર કુમારની કારમાં પહોંચી જવાનું હતું. બધું ધાર્યા પ્રમાણે થયું અને કાર એલ્જિન રોડ પર પોલીસોનો તંબૂ હતો તેનાથી ઉલટી દિશામાંથી બહાર તરફ નીકળી ગઈ. શરતબાબુ કારનો અવાજ સાંભળવા આખી રાત જાગતા રહ્યા. 

આ બાજુ સુભાષબાબુ રસ્તામાં શિશિરના મોટા ભાઈને ઘરે ‘બહારથી આવેલા અજાણ્યા મહેમાન’ તરીકે એક દિવસ રહ્યા. અજાણ્યો મહેમાન પઠાણ સાંજે એકલો નીકળી ગયો તે પછી શિશિર અને એનાં ભાઈભાભી કોઈ મિત્રને મળવા જવાનું છે, એમ નોકરોને કહીને કારમાં નીકળ્યાં. પઠાણ રસ્તામાં રાહ જોતો હતો. એ પણ કારમાં ગોઠવાયો. કાર બર્દવાન તરફ નીકળી પડી. પણ રસ્તામાં ગોમોહ સ્ટેશન આવતું હતું. અહીં દિલ્હી-કાલકા મેઇલ મધરાત પછી આવવાનો હતો. એટલે ત્યાં જ ઊતરી જવાનો સુભાષબાબુએ નિર્ણય કર્યો. કૂલી આવ્યો, સામાન ઉપાડ્યો અને પુલ પર ચડવા લાગ્યો. સુભાષ બાબુએ ભત્રીજાઓ તરફ વળીને કહ્યું, “ ભલે, હું જાઉં છું, હવે તમે જાઓ…” એ પુલ ચડવા લાગ્યા. ત્રણેય જણ એમની પીઠ દેખાતી બંધ થઈ તે પછી પણ બધું સમુંસૂતરું પાર ઉતરે એવી આશામાં ત્યાં જ ઊભાં રહ્યાં. ટ્રેન આવી અને થોડી વારે વ્હીસલ વગાડીને રવાના થઈ.

સુભાષબાબુ ટ્રેનમાં ચડી ગયા એવી ખાતરી સાથે, ભારતના ઇતિહાસની આ ચિરસ્મરણીય ક્ષણે ત્રણેય જણ મૂંગે મોઢે ઊંડા વિચારમાં કારમાં ગોઠવાયાં. ભાઈએ કહ્યું કે કાકા રશિયા પહોંચશે. શિશિરનું કહેવું હતું કે એમનું અંતિમ લક્ષ્ય તો જર્મની છે. પછી મૌન. કાર સ્થિર ગતિએ ચાલતી રહી.

—-

સુભાષબાબુ ૧૬મી જાન્યુઆરીએ ભાગ્યા પણ હવે દસ દિવસ પછી એ જાહેરાત કરવાની હતી. એ પણ સ્વાભાવિક રીતે થાય એવી યોજના કરવામાં આવી. દસેક દિવસ તો રસોયો ભોજનની થાળી રાખી જતો અને સુભાષબાબુનો ભત્રીજો એ લઈ લેતો. પણ હવે વાત બહાર પાડવાનો સમય આવી ગયો હતો. શરત બાબુ બધું સ્વાભાવિક લાગે તે માટે પોતાના મૂળ ગામ રિશરા ચાલ્યા ગયા. યોજના મુજબ તે દિવસે કોઈએ થાળી અંદર ન ખસેડી. આ બાજુ રસોયાએ રાતે પરદા પાસે થાળી રાખી પણ એ સવારે થાળી લેવા પાછો આવ્યો ત્યારે જોયું કે એ તો એમ ને એમ જ પડી છે. એણે બૂમરાણ મચાવ્યું કે સુભાષબાબુ નથી!  શરત બાબુને આ ‘સમાચાર’ પહોંચાડવામાં આવ્યા, તે પછી ઊંઘતું ઝડપાયેલું પોલીસતંત્ર જાગ્યું અને સુભાષબાબુને શોધવા માટે દોડભાગ શરૂ થઈ ગઈ. પણ એ તો ઇતિહાસમાં તેજ તિખારો બનવા માટે અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા.

આપણે દેશમાં પાછા ફરવાને બદલે હજી બે પ્રકરણો સુધી નેતાજી સાથે જ રહેશું.

૦૦૦

સંદર્ભઃ

  1. The Indian Annual Ragister July-December 1940.Vol II
  2. https://www.inc.in/en/media/speech/holwell-monument
  3. http://astoundingbengal.blogspot.com/2014/06/the-great-kolkata-controversy.html
  4. Netaji and India’s Freedom (Proceedings of the International Seminar) Chapter ‘The Great Escape’ Sisisr Kumar Bose (1973)first published in August 1975 by Netaji research Bureau.

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૨૧: સુભાષબાબુ – પલાયન

Leave a Reply

Your email address will not be published.