‘શોલે’ની સૃષ્ટિ : નમકહલાલીનો બદલો મળ્યો ગોળીથી

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)

-બીરેન કોઠારી

એનું મૂળ નામ શું હશે એ તો કદાચ ઘરનાંય ભૂલી ગયા હશે. શ્યામવર્ણો હોવાને કારણે સૌ એને ‘કાલિયા’ કહીને જ બોલાવતા. પહેલેથી જ આ સંબોધન કાને પડતું આવ્યું હોવાથી કાલિયાને એ કદી અપમાનજનક લાગ્યું નહોતું. મોટો થતો ગયો એમ એનાં તોફાન વધતા ચાલ્યાં. પોતાની ઉંમરનાં છોકરાં પર ધોંસ જમાવવી, એમને વિના કારણે મારવાં કાલિયા માટે રમતવાત હતી. યુવાન થતાં સુધીમાં કાલિયાનો વર્ણ ઓર શ્યામ બન્યો. ઉપરથી તેણે અંકોડાદાર મૂછો રાખી. તેની ધાક અમસ્તી પણ ઊભી થયેલી હતી. આમ છતાં, તેના એક ગુણની સહુ તારીફ કરતા. કયો હતો એ ગુણ?

ગામના જમીનદારે મહેસૂલ ઉઘરાવવા માટે કાલિયાના પિતાજીની નિમણૂંક કરેલી. તેમની ધાક પણ જેવીતેવી નહોતી. જમીનદારોના દુશ્મન કેટલાય લોકો હોય. એવા એક દુશ્મને ચોરીના એક બનાવટી કેસમાં કાલિયાના પિતાજીને ફસાવી દીધેલા. પેલાનો ઈરાદો એવો કે કાલિયાના પિતાજી જમીનદારનું નામ દઈ દે એટલે પછી જમીનદાર પર સીધો પોલિસકેસ ઠોકી દેવો. ચચ્ચાર દિવસ સુધી લોકઅપમાં રહ્યા, પોલિસની બરાબર ‘પ્રસાદી’ પડી, પણ કાલિયાના પિતાજી એક વાત પર વળગી રહ્યા, ‘તમે ગમે એટલો મારશો તો પણ કોઈનું નામ મારા મોંમાંથી નહીં નીકળે.’ આખરે તેમને છોડવા પડેલા. કાલિયો આ અરસામાં ક્યાંક બહાર ગયેલો. પિતાજી લોકઅપમાંથી છૂટ્યા એ દિવસે જ કાલિયો ગામમાં આવ્યો. તેમણે કાલિયાને કહેલું, ‘કાલિયા, ગમે એ થાય, પણ નમકહરામી ન કરવી.’ માથાભારે હોવા છતાં કાલિયાના મનમાં આ શીખ બરાબર બેસી ગયેલી. કાલિયાના પિતાજીનો આ કિસ્સો પણ એ પંથકમાં જાણીતો બની ગયેલો.

(કાલિયાના પાત્રમાં વીજુ ખોટે)

એ વિસ્તારનો કુખ્યાત ડાકુ ગબ્બરસિંહ પોતાની ગિરોહ માટે યોગ્ય ઉમેદવારોની તલાશમાં હતો. કાલિયાનું નામ તેને કાને ન પડે તો જ નવાઈ હતી. કાલિયાના મિજાજને બિલકુલ માફક આવે એવું કામ હતું. ગબ્બરની ગિરોહમાં તે જોડાઈ ગયો અને બહુ ઝડપથી ગબ્બરના વફાદાર સાથીદારોમાંનો એક બની રહ્યો.

ગબ્બરની ગિરોહના રાશનપાણીનો ઈંતેજામ આસપાસનાં ગામડાંવાળાઓએ કરવાનો રહેતો. કેમ કે, ગબ્બર માનતો હતો કે ગબ્બરના તાપ અને ખોફથી આ ગ્રામવાસીઓને એક જ વ્યક્તિ બચાવી શકે એમ છે- ખુદ ગબ્બર! અને તેના બદલામાં પોતે ગ્રામવાસીઓ પાસેથી દાણાપાણી લે એમાં કશો જુલમ નથી!

ગબ્બર વતી દાણાપાણી ઉઘરાવવા જવાનું કામ કાલિયાને શિરે હતું. તેના સાથીદારો બદલાતા રહેતા. કાલિયાને માથે આ જવાબદારી નાખવાનું કારણ એ કે – આ દાણાપાણી કંઈ ફાળો ઉઘરાવવાનો હોય એ રીતે નહોતાં મેળવવાનાં. ગબ્બરના નામની ધાક અને ખોફ બરકરાર રહેવા જોઈએ. કાલિયાને એ બરાબર ફાવતું હતું.

**** **** ****

એ દિવસે કાલિયો અને તેના બે સાથીદારો રામગઢની સીમમાં પ્રવેશ્યા કે બૂમ પડી અને જાણે કે આખા ગામની ગતિવિધિઓ અચાનક થંભી ગઈ. સૌ કોઈ પોતાને મળી એ આડશ લેવા માંડ્યા. એ ગબ્બરની ધાકનો પ્રતાપ હતો અને એ ધાક જાળવી રાખવા માટે કાલિયા જેવા સાથીદારો પણ જવાબદાર હતા.  લાકડાનો પુલ ઓળંગીને ત્રણે ગામમાં પ્રવેશ્યા અને હવામાં ગોળીબાર કરતાં ગામમધ્યે આવીને ઊભા રહી ગયા.

એ પછીનો ઘટનાક્રમ એવો બન્યો કે જેણે આખરે કાલિયા અને એના બન્ને સાથીઓના જીવ લીધા.

રામગઢથી સાવ ખાલી હાથે પાછા વળેલા કાલિયા અને તેના બન્ને સાથીઓને ગબ્બરે પોતે જ ભડાકે દીધા. એ અંતિમ ઘડીઓમાં પણ કાલિયાએ ગબ્બરને યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો કે પોતે એનું નમક ખાધું છે. ગબ્બરને કાલિયા જેવો વિશ્વાસુ સાથીદાર ગુમાવવો પોસાય એમ હતું, પણ પોતાના નામનો ખોફ ઊતરી જાય એ કેમે કરીને પરવડે એમ નહોતું. આ ખોફ માત્ર ગામવાસીઓ પર નહીં, તેની ગિરોહના ડાકુઓ પર પણ રહેવો જોઈએ.

રામગઢથી પાછા વળેલા ગિરોહના ડાકુઓને ભડાકે દઈને તેણે પોતાના સાથીઓ પર પણ ખોફ બરકરાર રાખ્યો.

ગબ્બરની ગિરોહમાં જોડાયો ત્યારથી પોતાનું મોત ગોળીથી થવાનું છે એ કાલિયો જાણતો હતો. પણ એ ગોળી બીજા કોઈની નહીં, ખુદ પોતાના સરદાર ગબ્બરની હશે એનો તેને અંદાજ સુદ્ધાં નહોતો. ગબ્બરની પોતે કરેલી નમકહલાલીની ચૂકવણી ગબ્બરે એક ગોળી વડે કરી હતી.  

પૂરક નોંધ:

ગબ્બરના સાથીદાર કાલિયાની ભૂમિકા ચરિત્ર અભિનેતા વીજુ ખોટેએ ભજવી હતી.

અનેક ફિલ્મોમાં તેમણે અભિનય કરેલો, પણ ‘શોલે’નાં માત્ર બે જ દૃશ્યોમાં દેખાયા હોવા છતાં તેમની ઓળખ ‘કાલિયા’ તરીકે જ રહી. વીજુએ ‘જીને કી રાહ’ અને ‘સચ્ચાજૂઠા’ ફિલ્મોથી કારકિર્દીનો આરંભ કરેલો. ‘શોલે’ તેમની ત્રીજી ફિલ્મ હતી.

અમજદ ખાન સાથે તેમને મિત્રતા હતી અને ‘શોલે’ના પાંચેક વર્ષ પહેલાંથી તેઓ અમજદ ખાન સાથે નાટકો કરતા હતા. રામાયણ આધારિત એક નાટક માટે બન્ને મિત્રોનું દિલ્હીમાં ઑડિશન હતું. મહેનતાણું ખાસ નહોતું. એ અરસામાં તેમને બે ફિલ્મો માટે પ્રસ્તાવ આવ્યા. નાટકવાળાએ વીજુને એ માટે મુંબઈ જવાની પરવાનગી ન આપી. આથી, વીજુએ નાટક છોડી દીધું. મુંબઈમાં તે અને અમજદખાન અવારનવાર મળતા રહેતા.

દરમિયાન એક વાર તેમને જી.પી.સીપ્પીની ઑફિસમાંથી ફોન આવ્યો. એ મુજબ તે મળવા ગયા ત્યારે ઑફિસમાં તેમણે અમજદને બેઠેલા જોયા. પોતાની ભૂમિકા સાંભળ્યા પછી તેઓ કંઈક વિચારે એ પહેલાં અમજદે તેમને કહ્યું, ‘વીજુ, કર લે, યાર. અચ્છા હૈ!’  પછી તેમને ખ્યાલ આવ્યો કે અમજદે જ તેમના નામની ભલામણ કરેલી.

અસલમાં આ ભૂમિકા માટે ઘોડેસવારીના અચ્છા જાણકાર એવા એક સ્ટંટમેનને કરારબદ્ધ કરવામાં આવેલા, કેમ કે, દૃશ્ય નાનું હતું. પણ રમેશ સીપ્પીના ધારવા મુજબ દૃશ્ય બનતું નહોતું. આથી તેમણે સ્ટંટમેનને બદલે અભિનેતાની શોધ આદરી. એ રીતે આ ભૂમિકા માટે વીજુની પસંદગી થઈ.

જો કે, વીજુના ભાગે નેફ્રેતી નામની ઘોડી આવેલી, જે તમામ ઘોડાઓમાં સૌથી ખેપાની હતી. આથી તે ‘નફરતી’ તરીકે ઓળખાતી. દૃશ્યાવલિના સાતત્યને કારણે તેને બદલી શકાય એમ પણ નહોતી. ધર્મેન્‍દ્ર સિવાય બીજું કોઈ તેની પર સવારી કરી શકતું નહીં. વીજુ આ ઘોડી પરથી છ-સાત વાર ઊથલી પડ્યા હતા.

‘શોલે’ની ભૂમિકા પછી વીજુને વીલનની ભૂમિકાઓ મળવા લાગી. એ તેમણે સ્વીકારી, પણ તેમને રમુજી ભૂમિકાઓ વધુ પસંદ હતી. કારકિર્દીના ઉત્તરાર્ધમાં તે રમૂજી ભૂમિકા તરફ વળ્યા હતા.

‘અતિથિ તુમ કબ જાઓગે’ (2010)માં વીજુ ખોટેને અભિનેતા બતાવાયા હતા, જે ડાકુની ભૂમિકા કરતા હતા. તેમનો દેખાવ પણ ‘કાલિયા’ જેવો રખાયેલો. ગામડેથી આવેલા ‘ચાચાજી’ (પરેશ રાવલ) શૂટિંગ જોવા માટે સેટ પર જાય છે અને તે વીજુને જુએ છે. એ સાથે જ તે વીજુએ કાલિયાની ભૂમિકા દ્વારા હિન્‍દી સિનેમામાં કેવું ઉત્તમ પ્રદાન કર્યું છે એ વારંવાર કહેતા રહે છે. એટલેથી અટકવાને બદલે તે ‘કિતને આદમી થે?’ના જવાબમાં ‘કાલિયા’ દ્વારા અપાતો જવાબ (દો) બોલવાની વીજુ ફરમાઈશ કરે છે. તેમનાથી તંગ આવી ગયેલા વીજુ ખોટા સમયે ‘દો’ બોલે છે અને ધમાલ મચે છે. આ આખું રમૂજી દૃશ્ય અહીં જોઈ શકાશે.


(તસવીર નેટ પરથી અને વિડીયો યુ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “‘શોલે’ની સૃષ્ટિ : નમકહલાલીનો બદલો મળ્યો ગોળીથી

 1. લો! આ સવાલનો જવાબ આપો –
  ફિલ્મ શોલેમાં છેલ્લે અમિતાભ મરી જાય છે.. પણ હકીકતમાં જોઈએ તો ધર્મેન્દ્ર મરે છે.. કેવી રીતે.?

  1. આ સવાલ પહેલાં બાળકોને નર્સરીના પ્રવેશ વખતે પૂછાતો. હવે એ બધાને ખબર હોવાથી કોર્સમાંથી કાઢી નાખ્યો છે.
   આમાં એક ઉમેરો.
   ફિલ્મ શોલેમાં છેલ્લે અમિતાભ મરી જાય છે.. હકીકતમાં જોઈએ તો ધર્મેન્દ્ર મરે છે.. પણ વાસ્તવમાં સંજય દત્ત મરે છે. કેવી રીતે.?

Leave a Reply

Your email address will not be published.