રીટાબેન જાનીની કલમે નવી શ્રેણી “કલમના કસબી-કનૈયાલાલ મુનશી”ના પ્રારંભે
નિવૃત્ત બેંકર એવાં સુશ્રી રીટાબેન જાની એમની બેન્કિંગ કારકિર્દી દરમ્યાન વિવિધ ઈતર પ્રવૃત્તિઓ,સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ અને ઇન્ટર બેંક સ્પર્ધાઓમાં વિજેતા રહેલ છે. તદુપરાંત તેઓ યોગવિદ, લાઈફ સ્કિલ કૉચ અને એંકર પણ છે.
ગુજરાતનો પર્યાય છે સમૃદ્ધિ. ધન,સાહિત્ય,સંસ્કારો અને સંસ્કૃતિની સ્મૃદ્ધિ. આ સમૃદ્ધિને જાણવી, માણવી, સમૃદ્ધિનું સર્જન અને સંવર્ધન કરવું એ જીવનનું ધ્યેય રહેતું હોય છે. ‘કલમના કસબી-કનૈયાલાલ મુનશી’ લેખમાળા પણ એ દિશા તરફનો એક પ્રયાસ છે.
ઐતિહાસિક નવલકથાઓ મુનશીનો પ્રિય વિષય રહ્યો છે. આજે ગુજરાતની અસ્મિતા શબ્દ નવો નથી. પરંતુ, અસ્મિતા શબ્દ આજે જે સંદર્ભમાં પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય કનૈયાલાલ મુનશીને જાય છે. તેમણે ફક્ત એ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો પણ ગુજરાતની અસ્મિતાને ઈતિહાસનાં પૃષ્ઠોમાંથી બહાર લાવી ઉજાગર કરી છે. પોતાનાં સર્જન દ્વારા પૂરી જિંદગી અસ્મિતાની આરાધના કરી છે. સોલંકીયુગના , ગુજરાતના, વૈભવી ભૂતકાળને તેમણે જીવંત કર્યો છે.
મુનશી સૌને ગમે છે કારણ કે; તેમના લેખનમાં રસની વિવિધતા છે, બુદ્ધિની કુશાગ્રતા છે તો હ્રુદયની સુકુમારતા પણ છે, રાજકારણના આટાપાટા છે તો પ્રેમની છાલકો પણ છે, તેમનાં પાત્રો તેજસ્વી ને ધારદાર છે તો મહત્વાકાંક્ષી ને માનવતાસભર પણ છે. મુનશીએ ભૂતકાળમાંથી જીવંત ઇતિહાસના પ્રસંગો લીધા, વર્તમાન સમયને અનુરૂપ ઢાળ્યા અને ભવિષ્યની પેઢી માટે સંસ્કૃતિવારસાનું સર્જન કર્યું. માટે મુનશી આજે પણ પ્રસ્તુત છે.
આજથી શરૂ થતી રીતાબેન જાનીની લેખમાળા “કલમના કસબી-કનૈયાલાલ મુનશી” દર મહિનાના બીજા મગળવારે વેબ ગુર્જરી પર પ્રકાશિત થશે.
સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
પૃથિવીવલ્લભ
વહાલા વાચકો, ચાલો પહોંચી જઈએ મુનશી રચિત સાહિત્યના દરિયામાં ડૂબકી લગાવવા. મુનશીજીએ આમ તો સાહિત્યના ઘણા પ્રકારો પર હાથ અજમાવ્યો છે, પણ તેમાં શિરમોર તો છે તેમની ઐતિહાસિક નવલકથાઓ.

મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા કઈ એ વિશે મતમતાંતર હોઇ શકે પણ વિવેચકોના મત પ્રમાણે ‘પૃથિવીવલ્લભ’ એમની શ્રેષ્ઠ નવલકથા છે. આ નવલકથા જ્યારે પ્રગટ થઈ ત્યારે જેટલી વખણાઈ એટલી વખોડાઈ પણ હતી. આ નવલકથા આજથી એક શતાબ્દી પહેલા લખાઈ અને એમાં વાત છે લગભગ એક સહત્રાબ્દી પૂર્વેની છતાં એમાં એવું શું છે કે આજે પણ વાંચવાની ગમે છે.
મુંજ અને મૃણાલવતી, વિલાસ અને રસનિધી, તૈલપ અને ભિલ્લમરાજ – લેખકે આ પાત્રોને શબ્દદેહ આપી વાચક સામે એવી સચોટતાથી રજૂ કર્યા છે કે વાચક પણ જાણે એ સમયખંડનો ભાગ હોય એમ તેમાં ખોવાઈ જાય છે. આ નવલકથાના કેટલાક પાત્રો અને પ્રસંગોથી આ વાત વધુ સ્પષ્ટ થશે.
પૃથિવીવલ્લભ મુંજ: પ્રચંડ કદ, અપૂર્વ ઘાટ, મોહક મુખ, સરિતાના જલ સમા લાંબા કાળા વાળ, શંકર શા વિશાળ ખભા, ફણીધર જેવી લાંબી ડોક, વિશાળ છાતી, ઘાટીલી પાની પર ધરણી ધ્રુજાવતા પગ, મત્ત ગજેન્દ્ર સમાન બળવાન શરીર, વિશાળ ભાલની સ્ફટિકશી નિર્મળતા, મોટી તેજસ્વી આંખોમાંથી ઝરતી મધુરતા, દિવ્ય મુખમાં કાવ્યની મીઠાશ, હાસ્યમાં પુષ્પધન્વાનું સચોટ શરસંધાન અને બેપરવાઈ ભરેલું પ્રતાપી વ્યક્તિત્વ એટલે માલવપતિ મુંજ. તે આખા ભારતખંડમાં પોતાની હાક વગાડતો હતો, પોતાની પ્રશંસા કરાવી કવિઓની શક્તિને કસોટી પર ચઢાવતો હતો, રૂપમાં તેની તુલના કામદેવ સાથે થતી. કવિઓ તેના રસવાક્યો સાંભળીને સુંદર કાવ્યરચનાઓ લખવા પ્રેરાતા . ગણિતશાસ્ત્રીઓ તેની સહાયથી તે શાસ્ત્રને પૂર્ણ કરવા મથતા. તે વિદ્યાવિલાસી હતો.
આવા મુંજને જ્યારે કાષ્ટપિંજરમાં લાવ્યા તો મુખ પર શાંતિ, ગૌરવ, હાસ્ય અને સ્વસ્થતા સાથે જેમ હોંશથી હાથીએ ચઢતો હોય તેમ તે પાંજરામાં કૂદીને આવ્યો ને એક સૈનિકને લાત મારી હવામાં ઉડાડ્યો ને પોતાના સ્નેહાળ અવાજ અને પ્રતાપી મુખથી લોકોને આકર્ષી રહ્યો. મુંજ ભલે કેદી હતો પણ આખું ગામ તેની પાછળ ઘેલું થઈ ગયું. દરેક નરનારી તૈલપને શાપ આપવા લાગ્યાં. દરેક જણ મુંજ બચે તેવી બાધા લેવા બેઠા. મરતાં મરતાં પણ મુંજ પોતાનો વિજયધ્વજ ફરકાવી ગયો.
તૈલપ : માન્યખેટના ચાલુક્ય વંશનો રાજા તૈલપ પોતે મહાન વિજેતા હતો. સોળ વખત માળવાના રાજા મુંજના હાથે પરાજિત થયા બાદ આખરે તેણે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરફરાવી હતી. તે કઠણ હૃદયનો, ગણતરીબાજ અને પહોંચેલ હતો. બહેન મૃણાલે આપેલ કેળવણીના પ્રતાપે આર્દ્રતાનો અંશમાત્ર પણ રહ્યો ન હતો. કેદ કરેલા રાજાનો વધ ન કરાય એવી એ સમયની રીત હતી. તેથી તેને રીબાવી, ગર્વ ગાળી, મહેરબાની યાચતા કરી સોળ વખતની હારનો બદલો લેવાનું નક્કી કર્યું. તૈલપે ઢંઢેરો પીટી જાહેર કર્યું કે પાપાચારી મુંજને સાત દિવસ નગરમાં ભિક્ષા મગાવી છેલ્લે મૃણાલવતી પાસે ભિક્ષા મંગાવી રહ્યા પછી હાથીના પગ તળે કચરવામાં આવશે. નીતિ છોડીને તેણે રાજહત્યા કરવાનો નિર્ણય લીધો.
પ્રિય વાચકો, આ નવલકથાના મુખ્ય પાત્રો ભલે મુંજ અને તૈલપ દેખાતા હોય, પણ તેનો પ્રાણ છે મુંજ અને મૃણાલવતીના સંબંધોની કશ્મકશ. ૧૧મી સદી હોય કે ૨૧ મી સદી , કેટલીક બાબતો ક્યારેય બદલાતી નથી. જેમ કે સ્ત્રી અને પુરુષનો પ્રેમ ,મિથ્યા અહંકાર, રાજસત્તાનો મોહ, રાજસત્તા માટે યુદ્ધ. સમય સાથે રીતભાત ને પ્રકાર બદલાય છે પરંતુ હૃદયના ભાવો ને લાગણીઓ બદલાતા નથી. પછી એ પૃથ્વીરાજ-સંયુક્તા હોય કે પછી મુંજ અને મૃણાલ હોય કે વિલાસ અને રસનિધિ. સંબંધો ક્યાં, ક્યારે અને કેમ ઘનિષ્ઠ થાય છે તેનું કારણ હંમેશા તાર્કિક હોય એ જરૂરી નથી.
મૃણાલવતી : તૈલંગણના રાજા તૈલપની મોટી બહેન, જેણે તૈલપને ઉછેર્યો, કેળવ્યો અને રાજ્યકળામાં પાવરધો બનાવ્યો. બધો રાજકારભાર મૃણાલની બુદ્ધિથી જ ચાલતો. પતિનું મૃત્યુ થવાથી તે સંસારથી પરવારી ગઈ હતી. તેથી અંતરની ઊર્મિઓને દબાવી દીધી, કોમળતા સૂકવી નાખી, આર્દ્રતાને જડમૂળથી ઉખેડી નાખી ને ભયંકર તપથી તેણે હૃદયને શુષ્ક ને બુદ્ધિને નિશ્ચલ બનાવી. જે રીતે તેણે પોતાની ઊર્મિઓને વશ કરી એ રીતે તેના રાજ્યમાં પણ કવિઓ, નટો અને ગાયકોને દેશપાર કર્યા, આનંદોત્સવ બંધ કર્યા, જાહેરમાં થતાં કલ્પાંત પર અંકુશ મૂક્યો. દરેક પ્રકારનો સંબંધ શુષ્ક, નિયમિત અને નિષ્કલંક થતો ગયો. પ્રેમ, ઉત્સાહ, આનંદ એ બધા મોટા ગુના હોય એવું વાતાવરણ પ્રસરવા લાગ્યું. વૈરાગ્યના આદર્શો સિદ્ધ કરતી મૃણાલવતી તૈલંગણની અધિષ્ઠાત્રી દેવી હતી. તેના હૃદયમાં એક જ ભાવ માટે સ્થાન હતું – તેના ભાઈની કીર્તિ. એ કીર્તિનો રાહુ હતો મુંજરાજ, જેણે પંદર – સોળ વાર તૈલપને ધૂળ ચાટતો કરેલો. હકીકતે, મુંજ અને તૈલપના વિગ્રહમાં મુંજ અને મૃણાલની પ્રબળ ઈચ્છાશક્તિઓનું દારુણ દ્વંદ્વયુદ્ધ જ હતું.
આખરે મૃણાલ જીતી-મુંજ હાર્યો. અને મૃણાલના હૃદયમાં સંતોષ અને ગર્વનો સંચાર થયો. છતાં કુદરતી ઉર્મિઓ, પ્રેમ અને લાગણીઓના જોર સામે મૃણાલ હૃદય હારી ગઈ. દેશ, કાળ, દુશ્મની, સરહદના સીમાડાઓ કે વર્ષોનું સંયમિત જીવન પણ મૃણાલને રોકી ન શક્યું. આવું જ વિલાસવતી અને રસનિધિ સાથે પણ બન્યું.
વિલાસવતી અને રસનિધિ : તપસ્વીઓના તપ મુકાવે તેવું મોહક લાલિત્ય, હરણ સમા ચંચળ નેત્રો, મીઠું નાનું મુખ, ઘાટીલું નાક, જગદંબા જાણે નવયૌવના બની હોય તેવી સ્યુનરાજ , મહાસામંત ભિલ્લમરાજ અને જક્કલાદેવીની પુત્રી વિલાસવતી , જેના લગ્ન તૈલંગણના યુવરાજ સત્યશ્રાય સાથે થવાના હોય છે પણ છેવટે તેના હાથે જ જીવ ગુમાવે છે અને માળવાના યુવરાજ ભોજ , જે માળવાના કવિના વેશે રસનિધિ બનીને આવે છે ને વિલાસના હૃદયનાં ઝરણાને રસિકતા,આનંદ, માયાળુપણાથી ભરી દે છે, પ્રેમ અને સહધર્મચારના પાઠ ભણાવે છે. આમ નવયુવાન મુગ્ધાનું વિશ્વ બદલી નાખે છે.
કેટલાક ધારદાર સંવાદોને માણીએ :
* મુંજ : “મૃણાલવતી ! આવ્યા છો તો જરા ઊભા તો રહો.”
મૃણાલ :” આવી અધમતામાં પણ શું બોલવું તેનું ભાન આવ્યું નથી?”
મુંજ : “અધમતા કેવી?”
મૃણાલ : “પૂછ તારી કીર્તિને ! પૂછ તારા કવિઓને ! પૂછ તારી સેનાને !”
મુંજ: ” મારી કિર્તિથી તો તૈલપની તપસ્વીની બહેન અહીંયા ખેંચાઈ આવી ; મારા કવિઓથી મને જોવા આવવાનો મોહ તમને થયો ; મારી સેનાના પ્રતાપથી છુંદાઈ તમે મને પકડવાનો પ્રયત્ન કર્યો.”
મૃણાલ : ” અને કાલે તું કૂતરાને મોતે મરશે.”
મુંજ : “મુંજ જેવા નરપતિને એથી વધારે કીર્તિકર મરણ ક્યાંથી હોય?”
*મૃણાલ : “તું મને વશ કરવા માગે છે?”
મુંજ :”ના, તમે વશ થવા માગો છો. મારી પાસે આવી તમે ભૂલ કરી. મારી પાસે આવ્યા કે સજીવન થયા વિના રહેવાના નથી.”
આવા ધારદાર સંવાદો વાચકને જકડી રાખે છે. ને હવે જઈએ અંતિમ દૃશ્ય તરફ….
* મુંજ : “કેમ મૃણાલવતી, હવે શાનું દાન આપશો? જે હતું તે તો ક્યારનું આપી દીધું!”
મૃણાલ :”ક્ષમા કરો મહારાજ ! પૃથિવીવલ્લભ મે તમને જીવતા માર્યા.”
મુંજ : તમે?, મારું મૃત્યુ તો હું જન્મ્યો ત્યારનું નક્કી થયું હતું, તેમાં તમે શું કરી શકો?”
તૈલપ :” ચૂપ રહે ચાંડાલ !”
મુંજ : “શા માટે હું રહું? ચૂપ રહેવાનો વખત તો તારે છે. આ પળે તારો દિગ્વિજય પૂરો થયો. મૂર્ખ, અવંતીના સિંહાસન પર મારો ભોજ ગરજે છે. તારી બહેન ને તારી પ્રજા તારી રહી નથી – મારી બની છે. વિજય કોનો? મારો કે તારો?”
તૈલપ : “હમણાં મારો હાથી તારો વિજય દેખાડશે”
મુંજ જરા ખચકાય છે. તેથી તૈલપ પૂછે કે મોતનો ડર લાગ્યો? ત્યારે મુંજ ખુમારીથી કહે છે:
लक्ष्मीर्यास्यति गोविन्दे
वीरश्रीर्वीर वेश्मनि
गते मुंजे यशः पुंजे
निरालम्बा सरस्वती
મુંજ કહે છે: મારા મૃત્યુ પછી મારી લક્ષ્મી તો વિષ્ણુ પાસે ચાલી જશે. મારી કીર્તિ વીરો પાસે જશે. પણ યશપુંજ મુંજના જવા પછી બિચારી સરસ્વતી નિરાલંબ – નિરાધાર – થઈ જશે. આ વિચારે હું ખચકાયો.
તું મને નમાવવા માગતો હતો ને હું વગર નમે જીવન પૂરું કરીશ. તું નીતિનો આડંબર ધારતો હતો ને અત્યારે રાજહત્યાનું પાપ વહોરે છે. વિજેતા કોણ? હું કે તું? કહી મુંજ ગજેન્દ્ર સમા ગૌરવભર્યા ડગ ભરતો ગજરાજ તરફ ચાલ્યો ને શાંતિથી તેની સુંઢને વળગ્યો ને હાથીના પગ તળે અદૃષ્ટ થઈ ગયો. પૃથિવીવલ્લભનો વિજયઘોષ ગાજી રહ્યો.
નવલકથા અહી પૂરી થાય છે પણ પૂર્ણ થતી નથી વાચકને જીવન, જય, પરાજય, લાગણીઓ, પ્રેમ,યુદ્ધ, પ્રતિશોધ જેવા અનેક પાસાં પર વિચારતા છોડી જાય છે. મનુષ્યના આંતરજગત અને બાહ્યજગતનો ભેદ છતો થાય છે. ઝરણું કોઈ નકશા પ્રમાણે વહેતું નથી. માનવ મન પણ એવું જ છે. જીવન અને મૃત્યુ એ માનવ અસ્તિત્વના બે અંતિમ ધ્રુવો છે. પણ જીવન શું છે? શું એ માત્ર દૈહિક કે ભૌતિક જીવન છે? વિચારદેહ કે માણસની લાગણીઓ અને વ્યક્તિત્વ એ એના ભૌતિક દેહથી વિશેષ છે. તેથી જ કદાચ મુંજ ભૌતિક દેહથી ભલે નષ્ટ થાય પણ એક વિશેષ રૂપે તે જીવંત છે. મુંજનું આ જીવંતપણું માત્ર મૃણાલવતી કે માન્યખેટના નગરજનો જ અનુભવે છે એવું નથી. હું, તમે, આપણે સૌ એ અનુભવીએ છીએ કારણ કે મુંજ માત્ર એક રાજા કે પરાજિત યોદ્ધો નથી. મુંજ છે એક ખુમારી, જવાંમર્દીનું પ્રતિક, મુંજ એટલે જોમ અને જુસ્સો, ભાવુકતા, રસિકતા, જીવંતતા. તેથી જ જેમ સંગીતના જલસા બાદ ઝંકાર ગુંજતો રહે એ સંગીતકારની કમાલ છે, લુવ્ર મ્યુઝિયમમાંથી નીકળ્યા પછી પણ મોનાલીસાનું સ્મિત નજરે તરે છે એ લિયોનાર્ડો દ વિંશીનો કમાલ છે એમ “પૃથિવીવલ્લભ” એ છે મુનશીની કલમનો કમાલ…..
ગમતીલી નવલકથા. અહીં એનો પરિચય ગમ્યો .
આભાર, સુરેશભાઈ
સૈકા પૂર્વે લખાયેલા નવલકથા ” પૃથ્વીવલ્લભ ” નો પરિચય ન ફક્ત વાંચ્યો પણ એક એક શબ્દ ને માણ્યો અને 4 દાયકા પેહલા આ નવલકથા વાંચી હતી તે સમય માં સરી પડ્યો . તમે આજ થી શરુ કરેલ ઉત્સવ ને મહિના માં બે વાર ઊજવશું એની મને ખાતરી છે . તમને ખુબ શુભેચ્છાઓ પાઠવું છું .
તમારા પ્રતિભાવ અને શુભેચ્છાઓ માટે આભાર, ઉલ્લાસભાઈ.
રીટાબેન,
તમારી કલમે આલેખાયેલી કે.મા. મુનશીની નવલકથાનો આસ્વાદ માણવો ગમ્યો .
વેબ ગુર્જરી પર તમારું સ્વાગત છે .
આભાર, રાજુલબેન અને વેબ ગુર્જરી ટીમ. મને પણ આ પ્લેટફોર્મ પરથી લખવાનું ગૌરવ છે.