ઘાશીરામ કોટવાલ : વાત ૨૩.

દિવાન શાકેરરામ દલપતરામ

ગુ૦— મુનશીએ લાવેલા નકશામાંથી અમેરિકાખંડમાંના બ્રેઝિલ દેશનો નકશો હતો. તે જોઈને આ નકશામાં લોકો શું કરે છે, એવું ઘાશીરામે પૂછવાથી બોલવું જારી થયું તે :—

મુ૦— એ લોકો હીરાની ખાણમાંથી હીરા શોધે છે.

ઘા૦— હીરા કઈ કઈ જગેથી હાથ લાગે છે, તે તમને માલુમ છે ?

મુ૦— હા, થોડું ઘણું માલુમ છે. અવલ હીરા હિંદુસ્થાન શિવાય બીજે કોઈ ઠેકાણે મળતા નહોતા. સને ૧૭૨૮ માં અમેરિકા ખંડમાંના બ્રેઝિલ દેશમાં હીરાની ખાણ છે એવી ખબર મળી. ત્યાર પહેલાં દક્ષિણ હિંદુસ્થાનમાં કૃષ્ણા નદીને કિનારે ગોવલકોંડા પ્રાંત છે. તે હીરાની ઉત્પત્તિ વિષે પ્રખ્યાત હતો. જે ઉમદા હીરાનું બયાન કેટલાક ગ્રંથોમાં છે, તેમાં હિંદુસ્થાનની સલતનતનો હીરો સઘળા કરતાં ઉમદા હતો, એવું લખેલું છે. તેનું નામ કોહિનુર એટલે તેજનો પર્વત, એવું છે. તેની આકૃતિ ખબૂતરના બેદાના વચમાંથી બે ભાગ કરીએ, તેના એક ભાગ જેવડી છે. એ હીરો ગોવલકોંડામાંથી હાથ લાગ્યો હતો. ઈસ્વી સનની શરુઆતમાં તે હીરો ઉજજણના રાજા પ્રતાપસુરની પાસે હતો. તેની પાસેથી તેના વંશના રાજા જે મધ્ય હિંદુસ્થાનમાં થતા ગયા, તેને હાથ આવતો ગયો. બાદ ઈસ્વી સન ૧૪૦૦ ની શરુઆતમાં મુસલમાન લોકોએ માળવાનું રાજ્ય લીધું, તે વખત કોહીનુર હીરો દિલ્લીના સુલતાન અલ્લાઊદીનને હાથ ગયો. પછી બાબર બાદશાહે હિંદુસ્થાનમાં પોતાનો અમલ બેસાડ્યો; તે વખત તેના હાથમાં એ હીરો સને ૧૫૨૬ માં આવ્યો. ત્યારબાદ પહેડી દર૫હેડીએ ઔરંગજેબના વંશમાં ત્રીજી પહેડીએ મહમદશા થયા, તેના હાથમાં આવ્યો. તેની પાસેથી ઈરાનના નાદીરશાહે સને ૧૭૩૯ માં હિંદુસ્થાન તાબે કર્યું, તે વખત તેના હાથમાં ગયો. નાદીરશાહ મરી ગયા પછી તે હીરો એહેમદશાહ કાબુલીના હાથમાં આવ્યો.

ઘા૦— એ કોહિનુર હીરાનું વજન તથા કીમત કેટલી છે ?

મુ૦— તેનું વજન ૧૮૬ રતિ છે. તેને ઘસીને પહેલદાર કરેલો છે. જે વખત તે ખાણમાંથી નીકળ્યો, ને ઘસેલો નહોતો, તે વખત તેનું વજન ૯૦૦ રતિ હતું અને અજમાએશે તેનું તોલ ૧૮૬ રતિ ઠરવાથી તેની કીંમત પચાસ લાખ રૂપીઆની થઇ હતી.

ઘા૦— તે હીરો હાલ કોની પાસે છે; ને તે મુજબના બીજા મોટા હીરા છે કે નહીં ?

મુ૦— તે હીરો હાલ અફગાનીસ્થાનની રાજધાની કાબુલ શહેર છે, ત્યાંના એક સરદારની પાસે છે.[૧] હવે બીજા મોટા હીરાની વાત મારા વાંચવામાં આવી છે તે કહુંછું.

૧ ફ્રાન્સ દેશના બાદશાહનો હીરો છે, તેને પીટનો હીરો કહે છે. તેનું વજન ૧૩૬ ૩/૪ રતિ છે. તે એક તસુથી કાંઇ વધારે લાંબો પહોળો છે, ને પોણા તસુથી અધિક જાડો એટલે ઉંચો છે. તે હીરો ગેાવલકોંડામાંથી જડ્યો હતો. તે મદ્રાસના પીટ સાહેબ નામના ગવર્નર હતા, તેણે આસરે બે લાખ ચાર હજાર રૂપીઆ આપીને વેચાતો લીધો ને તે વિલાત લઈ ગયા. તેની પાસેથી તેર લાખ રૂપીએ તે હીરો ફ્રેંચના રાજાના પ્રધાને લીધો.

૨ ટસ્કની નામનો યુરોપ ખંડમાં દેશ છે, ત્યાં રાણાનું રાજ છે. તેને હીરો ૧૩૯ ૧/૨ રતિ વજનમાં છે. તેની કીમત વજન ઉપરથી આસરે પંદર લાખ છત્રીસ હજાર આઠસો વીસ રૂપીઆની છે.

૩ રશિયાના બાદશાહનો હીરો ૧૯૫ રતિભાર છે, ને તે ખબુતરના ઇંડા જેવડો છે. તે ઘસીને પહેલદાર બનાવેલ છે. તે રુશિયાની રાણીએ લઇને તે આપનારા પુરુષને એક લાખ રૂપીઆ ઇનામ, ચાળીસ હજાર રૂપીઆની સાલ તથા ઉમરાવનો ખિતાબ આપેલો છે.

૪ પોર્તુગાલના રાજાનો હીરો ૧૬૮૦ રતિભાર છે, ને અનુમાનથી તે હીરો ખડબચડા બેરંગી પોખરાજ જેવો છે; ને તેના વજન ઉપરથી કીમત કરતાં પાંચ ક્રોડ ચોસઠ લાખ અડતાળીસ હજાર રૂપીઆની છે.

ઘા૦— કોહીનુર હીરો મૂળ આ દેશની રાજધાનીનો હતો, તેથી શ્રીમંત સવાઇ માધવરાવને લાયક છે.

મુ૦— શ્રીમંતની મરજી હોય તો કાબુલ કંદહાર ઉપર ચહડાઇ કરી, તે હીરો લાવવાની તજવીજ કરે.

ઘા૦— કાબુલ કંદહારના લોકો સાથે પાણીપતમાં લડાઇ થઇ હતી. તેમાં ખુદ નાના સાહેબ હતા. તે એ લડાઇ વિષે વાત કહે છે; તે ઉપરથી અફગાન લોક ખરેખરા રાક્ષસ છે એવું ભાસે છે. હાલ શ્રીમંતની ઉમર નહાની છે. તે મોટા થયા પછી તોપખાનું તથા સ્વાર શિરબંદી ફિરંગીના જેવું તૈયાર કરી કાબુલ ઉપર ચહડાઈ કરવી કાંઇ મુશ્કેલ નથી.

–¤¤¤¤¤¤¤¤–

*કોહીનુર હીરો સને ૧૮૧૩ ઈસ્વીના વર્ષમાં કાબુલના સરદાર સાસુજાના હાથમાં આવ્યો. બાદ પોતાના હોદ્દાથી ઉતરવાને લીધે, અંગ્રેજ સરકારના મુલકમાં આશરો મેળવવા પંજાબમાં રણજીતસીંગના દેશમાં આવ્યો હતો. તે વખત એ હીરો સાસુજાની પાસે છે, એમ રણજીતસીંગને માલુમ પડવાથી તેણે તેની પાસેથી જબરદસ્તીથી લઈ લીધો. રણજીતસીંગ ગત થયા પછી તેનું રાજ અંગ્રેજ સરકારના હાથમાં આવ્યું, તે વખત તેની સાથે એ કોહીનુર હીરો પણ હાથ આવ્યો. તે હાલ આપણી મહારાણી વિકટોરીયાના જવાહેરખાનામાં છે.ક્રમશ:


સ્રોત – ૠણ સ્વીકાર – ઘાશીરામ કોટવાલ 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.